Murder - Suicide books and stories free download online pdf in Gujarati

હત્યા- આત્મહત્યા

હત્યા- આત્મહત્યા

-રાકેશ ઠક્કર

ઇન્સ્પેક્ટર સંતોષ સિંહ આરામથી બેઠો હતો ત્યારે દોસ્ત અખિલ સિંહનો ફોન આવ્યો. સંતોષ સ્ટાઇલમાં બોલ્યો:'બોલ ભીડુ!'

'મૈં કોઇ ગુનહગાર જૈસા નહીં હું. દોસ્ત કહકર તો બુલા...' અખિલનો અવાજ ગંભીર હતો.

'અરે યાર! સોરી! આ ગુનેગારો સાથે રહીને મને એમની ભાષા આવડી ગઇ છે...' સંતોષ માફી માગતો હોય એમ બોલ્યો.

'ગુનેગારો સાથે રહીને તું પણ ગુનેગાર જેવો ના બની જતો...' અખિલે સલાહ આપવાના ભાવ સાથે કહ્યું ત્યારે સંતોષના દિલમાં એક ખટકો થયો.

એને એક અઠવાડિયા પહેલાંની ઘટના યાદ આવવા લાગી. એને આ ક્ષણે ભૂલીને કહ્યું:'કંઇ ખાસ કામથી ફોન કર્યો હતો?'

'હા, મારે આવતીકાલે સવારે બે વાગ્યાની ટ્રેન પકડવાની છે. તું મને સ્ટેશને મૂકવા આવીશ? રાત્રે કોઇ વાહન મળતું નથી.' અખિલે વિનંતીના સૂરમાં કહ્યું.

'તારે કંઇ પૂછવાનું હોય? આદેશ જ કરવાનો હોય. દોસ્ત ક્યારે દોસ્તના કામમાં આવે? આવા જ સમય પર ને?'

'હા, એ તો છે. પણ અડધી રાતનો સમય હતો એટલે મૂંઝાતો હતો કે ક્યાંક રાત્રે તને બીક તો નહીં લાગે ને?!'

'અખિલિયા, તું મારી મજાક કરે છે? પોલીસ જ રાતના અંધારાથી ડરશે તો ગુનેગારોને મોકળું મેદાન મળી જશે...' બોલતી વખતે સંતોષની આંખ સામે ફરી એ ઘટના તરવરવા લાગી.

'ઓકે, તું રાત્રે એક વાગે મારા ઘરે આવી જજે. હું બહાર તૈયાર થઇને ઊભો રહીશ...' કહી અખિલે ફોન મૂકી દીધો.

સંતોષને છેલ્લા એક અઠવાડિયાથી એ ઘટના હચમચાવી જતી હતી. તેની નોકરીમાં પહેલી એવી ઘટના હતી જેનાથી તે અસહજ અનુભવ કરી રહ્યો હતો.

એ રાત્રે તે પોતાની ફરજ પરથી પાછો ફરી રહ્યો હતો. આખું શહેર શાંત થઇ ગયું હતું. એકલ- દોકલ કૂતરાં ક્યાંક રખડતા દેખાતા હતા. સંતોષ પોતાની જીપ કાર જાતે ચલાવીને ઘર તરફ આવી રહ્યો હતો. રસ્તામાં સૂનકાર હતો. તેની જીપનો અવાજ જ સંભળાતો હતો. એક જગ્યાએ મુખ્ય રોડ પરથી પસાર થતી વખતે તેને એક ગલીમાં કોઇ ચોર પગલે જતું હોય એવું લાગ્યું. તેણે તરત જ જીપને રસ્તાની બાજુમાં ઊભી રાખી. તેનામાં રહેલો પોલીસ પોલીસ જાગૃત થઇ ગયો હતો. તે કમર પરની રિવોલ્વરને હાથમાં લઇ સતર્ક થતો એ ગલીની બાજુમાં ડોકું કાઢી જોવા લાગ્યો. કોઇ દેખાયું નહીં. તે બિલ્લી પગલે હાથમાં રિવોલ્વર સાથે આગળ વધ્યો. જેવી ગલી પૂરી થઇ કે અંધારામાં એક માણસને મકાન પાસે બેગમાં કંઇક ભરતા જોયો.

એણે દૂરથી જ બૂમ પાડી:'જગ્યા પરથી હાલતો નહીં...'

સંતોષનું વાક્ય પૂરું થાય એ પહેલાં જ અજાણ્યો યુવાન બેગ ખભે ભેરવી બીજી ગલીમાં ભાગ્યો. સંતોષ એનો પીછો કરવા લાગ્યો. થોડી વાર સુધી એકથી બીજી ગલીમાં દોડધામ ચાલતી રહી. અને એક સમય એવો આવ્યો કે પેલો યુવાન એક ખુલ્લા મેદાનમાં આવી ગયો અને જીવ બચાવીને ભાગવા લાગ્યો. સંતોષ હાથમાં રિવોલ્વર સાથે એનો પીછો કરતો થોભી જવા બૂમો પાડતો રહ્યો. સંતોષને થયું કે મેદાન પૂરું થયા પછી ફરી એ કોઇ જગ્યાએ છુપાઇ જશે કે છટકી જશે.

સંતોષે છેલ્લી ચેતવણી આપી:'મારી બંદૂકમાંથી ગોળી છૂટી રહી છે. થોભી જા...'

એ યુવાનની દોડવાની ગતિ વધી ગઇ. સંતોષને શું થયું કે એણે ગુસ્સામાં ગોળી છોડી. સંતોષે એના પગનું નિશાન તાકીને ગોળી છોડી હતી. પણ એ જ વખતે રસ્તામાં પથ્થર આવ્યો કે ખાડો હતો એ કારણે એ યુવાન પોતાનું સંતુલન ગુમાવીને પડ્યો. તે વાંકો વળ્યો એ જ વખતે રિવોલ્વરની ગોળી છૂટી અને એના પગને બદલે વળી ગયેલા શરીરના છાતીના ભાગમાંથી આરપાર થઇ ગઇ. તે બેભાન થઇને પડી ગયો. સંતોષ દોડતો જઇને એને ઢંઢોળવા લાગ્યો. એ સુકલકડી યુવાનના હ્રદયમાંથી લોહીનો ફુવારો નીકળ્યો હતો. તેનો જીવ જતો રહ્યો હતો.

સંતોષ હતપ્રભ થઇ ગયો. અચાનક આમ બની જશે એની એને કલ્પના ન હતી. તેણે આમતેમ જોયું. સાયલન્સરવાળી રિવોલ્વરમાંથી છૂટેલી ગોળીના અવાજની કોઇને ખબર પડી ન હતી. તેણે ઝટપટ એની બેગ તપાસી. એમાં કોઇ કિમતી સામાન ન હતો. કોઇ મામુલી ચોર હતો. પોતે એને મોટો લુંટારું ધારી લીધો હતો. સંતોષે કંઇક વિચારીને એ બેગને પોતાની જીપમાં છુપાવી દીધી અને જીપમાં ક્યારેક કોઇ ફળ કાપવાના આશયથી મૂકી રાખેલું ચાકુ લાવીને એના હાથમાં થમાવી દીધું.

સંતોષ સિંહે પોલીસ સ્ટેશનમાં ફોન કરીને ઘટનાની જાણ કરી કે એક ગુનેગારને પકડવા પીછો કર્યો ત્યારે ચાકુથી હુમલો થયો છે અને એના હુમલાના પ્રતિકારમાં જીવ બચાવવા ગોળી છોડી છે.

પોલીસનો સ્ટાફ આવી ગયો અને સંતોષ સિંહે પોતે હીરો હોય એવી વાર્તા ફરિયાદમાં લખાવી દીધી. બીજા દિવસે આ બનાવની ચર્ચા આખા શહેરમાં ચાલી અને સંતોષ સિંહની એ વાતના વખાણ થયા કે બહાદુરીથી એક ગુનેગારનો સામનો કર્યો.

સંતોષને એ ઘટના યાદ આવતાં શરીરમાં પરસેવો વળી ગયો. તેને થયું કે જે ઘટનાને તે ભૂલવાનો પ્રયત્ન કરે છે એ જ કેમ યાદ આવ્યા કરે છે?

તેણે સૂઇ જવાનો પ્રયત્ન કર્યો પણ એક વાગ્યે જાગવાનું હોવાથી તેને ઊંઘ ના આવી.

રાત્રે બરાબર એક વાગ્યે તે અખિલના મકાન પાસે પહોંચ્યો ત્યારે એ નવા કપડાંમાં તૈયાર હતો. તેને ખાલી હાથ જોઇ પૂછ્યું:'કેમ? તરત પાછો ફરવાનો છે?'

'હા...' કહી એ જીપમાં બેસી ગયો.

સંતોષનું મન વિચલિત હતું. તેને કોઇ વાત કરવાનું મન થતું ન હતું. અખિલ તેના મનોભાવ જાણી ગયો હતો કે શું? એ પણ કંઇ બોલતો ન હતો.

સંતોષ સહજ બનવા પૂછવા લાગ્યો:'અચાનક જવાનું થયું કે?'

અખિલ જવાબ આપવા ખાતર જ બોલ્યો:'હા.'

દસ જ મિનિટમાં સંતોષની જીપ સ્ટેશન નજીક પહોંચી રહી હતી ત્યારે અખિલ કહે:'પાછળના રસ્તે લઇ લેને. પ્લેટફોર્મ નં. ૪ પર ટ્રેન આવવાની છે. આગળની બાજુથી દાદરો ચઢવો પડશે.'

સંતોષ પહેલાં તો ખચકાયો. એક અઠવાડિયા પહેલાં ગોળીબારની ઘટના સ્ટેશન નજીકના એ માર્ગ પાસે જ ઘટી હતી. અખિલને તે ઇન્કાર કરી શકે એમ ન હતો.

તેણે સ્ટેશનના પાછળ જવાના માર્ગ પર જીપ લીધી. તેણે ઝડપ ધીમી રાખી હતી. અચાનક તેણે બ્રેક મારી. જીપ રોડ પર જ ગોળ ફરી ગઇ. સંતોષ પોતાને જ કહેતો હોય એમ બોલ્યો:'મેં તો બ્રેક મારી જ નથી...'

ત્યાં સામે કોઇ ઊભેલું દેખાયું. તે ગભરાઇને નીચે ઉતરી ગયો. સામેની વ્યક્તિ તેની નજીક આવી રહી હતી. એનો ચહેરો ધીમે ધીમે સ્પષ્ટ થઇ રહ્યો હતો. એ એજ યુવાન હતો જેને તેણે ગોળી મારી હતી. સંતોષ બહાદુર પોલીસવાળો હતો. તેણે જીપમાંથી નીચે ઉતરીને તરત જ રિવોલ્વર કાઢી એની સામે તાકી. તેણે એ વાતની નોંધ લીધી કે અખિલ પણ એની પાછળ ઉતરીને બાજુમાં આવીને ઊભો રહી ગયો છે.

સામે ઊભેલો યુવાન હસતો હતો.

સંતોષ હિંમત રાખીને બોલ્યો:'નજીક ના આવીશ. લાગે છે કે મારી બીજી ગોળી ઉપર પણ તારું જ નામ લખાયેલું છે...'

'હા...હા...હા...' હસતો હસતો એ યુવાન વધારે નજીક આવવા લાગ્યો.

સંતોષને થયું કે તેણે મારી નાખેલા એ યુવાનનું આ ભૂત જ છે. એ પોતાના મોતનો બદલો લેવા આવ્યું છે. તેણે રિવોલ્વરનો ઘોડો દબાવવાની તૈયારી કરી ત્યાં તેના હાથનું કાંડું કોઇએ પકડ્યું. તેને ખ્યાલ આવી ગયો કે અખિલ એને અટકાવી રહ્યો છે. તે યુવાન સામે જ નજર રાખીને અખિલને કહેવા લાગ્યો:'અખિલ, તને ખબર નથી આ માણસ મરી ગયેલો છે...મને અટકાવીશ નહીં...'

બીજી જ ક્ષણે તેની રિવોલ્વર તેના જ માથા પર તકાઇ અને એ યુવાનનો જ અવાજ આવ્યો:'કાશ! ત્યારે તને કોઇએ અટકાવ્યો હોત...તેં મારો જીવ કારણ વગર લઇ લીધો હતો. તને ગોળી ચલાવવાનો કોઇ હક ન હતો. તેં પોલીસ હોવાના અભિમાનમાં મને મારી નાખ્યો હતો. એનો બદલો હું આજે લઇ રહ્યો છું...'

અખિલને બદલે યુવાનનો અવાજ સાંભળી સંતોષ સિંહે એની તરફ જોયું ત્યારે એના હોશ ઉડી ગયા. બાજુમાં અખિલ ન હતો. એનો ચહેરો એ યુવાન જેવો જ હતો. તો અખિલ ક્યાં ગયો? સંતોષે સામે ઊભેલા યુવાન તરફ નજર નાખી ત્યારે એ પણ ત્યાં ન હતો.

અખિલની જગ્યા પર એ યુવાન હતો. સંતોષ કાંડું છોડાવવા પ્રયત્ન કરવા લાગ્યો. ભૂત સ્વરૂપમાં રહેલા યુવાનની તાકાત સામે તેનું કોઇ ગજું ન હતું. એણે તેનું રિવોલ્વર પકડેલા હાથનું કાંડું માથા સુધી લઇ જઇને એની આંગળી પર પોતાની આંગળી મૂકી ટ્રીગર દબાવી દીધી. રિવોલ્વરમાંથી એક ગોળી છૂટી અને સંતોષ સિંહના માથામાં કાણું કરી બીજી બાજુ જતી રહી.

સંતોષ સિંહ ત્યાં જ ઢળી પડ્યો.

***

સવારે સંતોષ સિંહના મોતની આખા શહેરમાં ચર્ચા હતી. અખિલ સિંહે આદત મુજબ સવારે ચા પીતી વખતે ટીવી ચાલુ કર્યું. ચેનલો ફેરવતાં શહેરની સ્થાનિક ચેનલમાં સફેદ કપડામાં વીંટાયેલી લાશના દ્રશ્યો સાથે 'એક પોલીસ અધિકારીની આત્મહત્યા' એમ વાંચ્યું ત્યારે ચા પીતાં અટકી ગયો.

સમાચાર વાચક બોલી રહ્યો હતો:'...એક બાહોશ પોલીસ અધિકારીએ પ્રાયશ્ચિતરૂપે આત્મહત્યા કરી લીધી હતી. અમે તમને ફરી જણાવીએ કે આજે વહેલી સવારે શહેરમાં સ્ટેશન નજીક એક ઘટનામાં ઇન્સ્પેક્ટર સંતોષ સિંહે પોતાની જ રિવોલ્વરથી માથામાં ગોળી મારી આત્મહત્યા કરી લેતાં ચકચાર મચી ગઇ છે. તેમની જીપમાંથી એક ચિઠ્ઠી પણ મળી આવી છે અને એમાં કબૂલાત કરી છે કે થોડા દિવસો પહેલાં એક યુવાનની ચોર- લુંટારું સમજીને ગોળી મારી હત્યા કરી હતી એના પ્રાયશ્ચિતરૂપે જીવનનો અંત લાવી રહ્યો છું... અત્રે ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલાં ઇન્સ્પેક્ટર સંતોષ સિંહે એક યુવાનની સામે પ્રતિકારમાં ગોળી ચલાવી હોવાની ફરિયાદ લખાવી હતી અને એની ગોળી વાગવાથી એ યુવાનનું મોત થયું હતું...'

ટીવી પરના દ્રશ્યો જોઇ અખિલની આંખો ભીની થઇ ગઇ. તે પત્ની તરફ જોતાં બોલ્યો:'સુધા, હું સંતોષના ઘરે જઉં છું. અમારા નસીબમાં છેલ્લે મળવાનું લખ્યું નહીં હોય. છેલ્લા ચાર દિવસથી હું એને મળવાનું વિચારતો હતો. પણ વ્યસ્તતાને લીધે ફોન પણ થઇ શક્યો નહીં. મને એની આ વાતની ખબર પડી હોત તો કદાચ આત્મહત્યા કરતાં એને રોકી શક્યો હોત...'

સુધા બોલી:'અખિલ, મોતને કોઇ રોકી શકતું નથી. દરેકનું મૃત્યુ લખાયેલું જ હોય છે...'

***

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED