મોહિત ભાઈ પોતાની પત્ની પ્રતિમા બેન અને વેદાંશને કહે છે કે, " મને હવે સારું થાય તેમ લાગતું નથી. આ વખતે મારી તબિયત થોડી વધારે જ ગંભીર છે. હું મારા માથા ઉપર આ બધો ભાર લઈને મરવા માંગતો નથી. " અને પોતાના વકીલ મિત્ર હસમુખ ભાઈને વસિયતનામું લઈને હોસ્પિટલમાં બોલાવે છે.
પ્રતિમા બેન સાડલાના છેડામાં પોતાનું મોં છુપાવીને ચોંધાર આંસુડે રડી રહ્યા હતા અને વેદાંશ પણ થોડો ગંભીર બની ગયો હતો અને મોહિત ભાઈને તેણે બોલતા અટકાવ્યા અનેતે બોલ્યો કે, " પપ્પા તમને બિલકુલ સારું થઈ જશે તમે ચિંતા ના કરશો અને આ બધી વીલની વાતો કરવી અત્યારે રહેવા દો. હું હમણાં જ ડૉક્ટર સાહેબને મળીને આવ્યો છું અને તેમણે જ મને કહ્યું કે, મોહિત ભાઈની તબિયત સુધારા ઉપર છે અને તમે તેમને એક બે દિવસમાં ઘરે પણ લઈ જઈ શકશો.
પણ મોહિત ભાઈનો અંતરાત્મા આ વાત માનવા માટે તૈયાર નહોતો....
મોહિત ભાઈના વકીલ મિત્ર હસમુખ ભાઈ મોહિત ભાઈનું વસિયતનામું લઈને મોહિત ભાઈના બોલાવેલા સમયે હોસ્પિટલમાં હાજર થઈ જાય છે અને ત્યારબાદ મોહિત ભાઈ પોતાનુંં વસિયતનામું વાંચવાની શરૂઆત કરે છે કે, " મારો ફ્લેટ જેમાં હું અત્યારે રહું છું તે અને ગામમાં જે આપણું જૂનું ઘર છે તે હું પરીને નામે કરું છું અને જે રોકડ રકમ બધીજ મારી પાસે છે તે પણ બધીજ હું પરીને નામે કરું છું અને આપણી જે જમીન ગામડે છે જેની કિંમત અત્યારે કરોડો રૂપિયા છે તેમાંથી અડધી જમીન હું ક્રીશાને નામે કરું છું અને અડધી જમીન હું પરીને નામે કરું છું.
આ જમીન મેં અત્યારે આપણાં ખેતરમાં કરસનકાકા રહે છે તેમને આપણાં અને તેમનાં પચાસ પચાસ ટકા ભાગમાં વાવવા માટે આપેલી છે તો ક્રીશાના નામની જમીન તમારે વેચવી હોય તો તમે તેને વેચી પણ શકો છો. " આ બધુંજ મોહિત ભાઈ હાંફતા જતા હતા અને બોલતા જતા હતા વેદાંશ તેમને વચ્ચે વચ્ચે રોકવાની કોશિશ કરતો હતો પણ આજે તેમને પોતાના મનની બધીજ વાતો કહી જ દેવી હતી માટે તે અટકવા જ માંગતા ન હતા.
તે બધુંજ બોલી ગયા ત્યારબાદ વેદાંશ અને પ્રતિમા બેન બન્ને એકસાથે બોલી પડ્યા કે, " તમને થયું છે શું એકાએક આમ આવી બધી વાતો કરો છો અને વકીલ સાહેબને પણ બોલાવી લીધા? "
મોહિત ભાઈ: હા, મેં કહ્યું ને કે હું મારા માથા ઉપર આ બધો ભાર લઈને મરવા માંગતો નથી અને આ વખતે મારી તબિયત સારી થવાની જ નથી તે હું જાણું છું તમે લોકો મને છેતરવાનું બંધ કરો હું ક્રીશાનો અને વેદાંશનો જેમણે મારી પરીને સ્વિકારીને મારી ઉપર ઉપકાર કર્યો છે તે ભૂલી શકું તેમ નથી કે તેનો બદલો પણ કોઈ ભવમાં ચૂકવી શકું તેમ નથી પણ મારી પાસે જે છે તેમાંથી હું થોડું તો તેમને નામે કરી જ શકું અને મેં તે જ કર્યું છે. હવે હું ચેનથી મૃત્યુ પામી શકીશ." અને તેમણે પ્રતિમા બેન પાસે પીવાનું પાણી માંગ્યું. થોડું પાણી પીધા બાદ વેદાંશને ઈશારો કરીને પોતાની પાસે બોલાવ્યો અને ફરીથી બોલવા લાગ્યા કે, " મને વચન આપ બેટા કે તું મારી પરીને સાચવીશ અને મારી સાન્વીને પણ... અને આટલું બોલતાં બોલતાં તો તેમનો શ્વાસ રુંધાવા લાગ્યો. પ્રતિમા બેને તેમનું માથું પોતાના ખોળામાં લઈ લીધું અને તેમને છાતીમાં જોર જોરથી પંપાળવા લાગ્યા વેદાંશ પણ તેમની નજીક આવીને તેમના હાથ પંપાળવા લાગ્યો તેને લાગ્યું કે મોહિત ભાઈના હાથ ઠંડા પડી રહ્યા છે એટલે તે, " સિસ્ટર સિસ્ટર " કરી સિસ્ટરને બોલાવવા જતો હતો ત્યાં મોહિત ભાઈએ તેનો હાથ ખેંચી લીધો અને વેદાંશે તેમની સામે નજર કરી એટલી ક્ષણ વારમાં જ તેમણે પોતાના પ્રાણ છોડી દીધા.
પળવારમાં જ શું નું શું થઈ ગયું ? વેદાંશને અને પ્રતિમા બેનને શું કરવું કંઈ જ સુઝતું ન હતું.
વેદાંશ તેમજ ક્રીશા જીવનભર પરીની તેમજ સાન્વીની જવાબદારી ઉઠાવી શકશે અને તેમનું પોતાનું બાળક આવશે તો પરીનું શું...?
જાણવા માટે વાંચો આગળનું પ્રકરણ...