ટૂંકું ને ટચ, પણ સો આની સચ ! bharat chaklashiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ટૂંકું ને ટચ, પણ સો આની સચ !

(1)

"તમારા આખ્યાનમાં પોલીસ કોણે બોલાવી હતી ખબર છે ?" જીવનલાલની પત્નીએ કહ્યું.


જીવનલાલે ગઈકાલે રાતે સોડાયટીમાં ધાર્મિક આખ્યાનનું આયોજન કર્યું હતું.જે રાત્રે નવ વાગ્યે શરૂ થઈને છેક સવાર સુધી ચાલવાનું હતું.એ માટે સ્ટેજ, લાઇટિંગ, સાઉન્ડ સિસ્ટમ અને નાટક જોવા આવનાર માટે નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી હતી.અગિયાર વાગ્યે ખેલ બરાબરનો જામ્યો હતો એ જ વખતે કોઈએ 100 નંબર ડાયલ કરીને પોલીસ બોલાવી હતી.અને ખેલ અધૂરો રહી ગયો હતો.

જીવનલાલને કોણે પોલીસ બોલાવી હતી એની તલાશ હતી. એમને એ પોતાના આયોજન ઉપર પાણી ફેરવનાર એ વ્યક્તિ પર અતિશય ગુસ્સો આવ્યો હતો.

"કોણે ?" જીવનલાલે તરત પૂછ્યું.

"તમારા પચાસ હજાર ઉપર પાણી ફેરવી નાખનારો બીજો કોઈ નહિ આપણો જેનિષ જ છે.એ બેઠો એની રૂમમાં.''

જીવનલાલનો ક્રોધ બમણો થઈ ગયો. ઘરનો જ દીકરાએ ધર્મના કામમાં વિઘ્ન ઉભું કર્યું હતું એ જોઈ એમનો ગુસ્સો આસમાને પહોંચી ગયો હતો.

મમ્મીની વાત સાંભળીને જેનિષ તરત બહાર આવ્યો.

"પપ્પા,તમને ખબર છે ? અત્યારે બોર્ડની પરીક્ષાઓ ચાલે છે.આપણી સામે જ રહેતા અરુણ અંકલનો ઋત્વિક બાર સાયન્સમાં છે અને કાલે એને ફિજીકસનું પેપર છે.આવા તો ઘણા વિદ્યાર્થીઓ આપણી અને આજુબાજુની સોસાયટીમાં વાંચતા હશે.તમે આખી રાત મંડળ રમાડો તો એમના જીવનની આ ખૂબ અગત્યની પરીક્ષામાં એ લોકોને કેટલી અડચણ ઉભી થાય ? એ લોકોના નિસાસા તમારા કહેવાતા પુણ્યના કામને બાળીને ખાખ કરી નાખે.તમે ઉલ્ટાના પાપમાં પડવાના હતા. એટલે મેં પોલીસ બોલાવીને તમારું આખ્યાન અને વ્યાખ્યાન બધું બંધ કરાવી દીધું. હવે તમારે મારવો હોય તો મારો,હું સજા ભોગવવા તૈયાર છું !"

જીવનલાલ ઉભા થઈને જેનિષને ભેટી પડ્યા.

"વાહ દીકરા, તેં તો મારી આંખ ઉઘાડી નાખી.હવે આપણે કોઈને તકલીફ થાય એવા ધાર્મિક કાર્યક્રમ ક્યારેય નહિ કરીએ."

(2)

"અરે યાર...જો તો ખરો કેટલી લાંબી લાઈન થઈ ગઈ ! હું તને એટલે જ કહેતો હતો કે વહેલા જઈએ.આજે અમાસ હોવાથી આ કુબેરભંડારીના મંદિરે ભક્તોની ભીડ ઉમટી પડતી હોય છે."

બીપીનભાઈ અને વજુભાઇ નર્મદા તટે આવેલા કુબેરજીના મંદિરે અમાસ ભરવા આવ્યા હતા.દર્શનાર્થીઓની લાંબી કતાર જોઈ બીપીનભાઈએ મોડા પહોંચવા બદલ અફસોસ વ્યક્ત કર્યો.અને એકાદ કિલોમીટર જેટલું ચાલીને છેક છેલ્લે જઈને લાઈનમાં ઉભા રહ્યાં.

લાઈન ધીરે ધીરે આગળ ચાલી રહી હતી. ભગવાન અને ભક્ત વચ્ચેનું અંતર કપાઇ રહ્યું હતું.બંને મિત્રો ધીરજ રાખીને ઉભા હતા.

દસેક મીનીટ પછી પંદર વ્યક્તિઓ દર્શન કરવા આવી. એ લોકો પાછળ આવી રહ્યા હતા ત્યારે લાઈનમાં છેક આગળ ઉભેલા એમના મિત્રોને જોઈ ગયા. એમના મિત્રોએ તરત એ પંદર જણને બોલાવીને લાઈનમાં ઘુસાડ્યા.પાછળ ઉભેલા દર્શનાર્થીઓએ કોલાહલ મચાવ્યો.પણ પેલા લોકો ધરાર લાઈનમાં ઘુસી ગયા.


છેલ્લે ઉભેલા વજુભાઇ અને બીપીનભાઈ સહિત બધાએ આ જોયું.પણ થોડી બુમાબૂમથી વિશેષ કોઈ કંઈ કરી શક્યું નહિ.

એ જોઈ બીપીનભાઈએ વજુભાઈને લાઈનમાં જ ઉભા રહેવાનું કહી પેલા પંદર જણ જ્યાં ઘુસ્યા હતા ત્યાં પહોંચીને એ લોકોને કહેવા લાગ્યા,

"ભગવાનના દર્શન કરવા આવ્યા છો ને ? પણ તમારા પંદર જણને ભગવાન આશીર્વાદ નહિ આપે. તમારે ધક્કો જ પડવાનો. કારણ કે તમે લોકો પાછળ ઉભેલા કેટલાય માણસોના મન દુભવ્યા છે.ભલા માણસ ભગવાનના દર્શન કરવા આવો ત્યારે પણ બીજાને દુભવો તો ભગવાન રાજી થાય ખરો ? હું તમને લાઈનમાંથી બહાર કાઢવા નથી આવ્યો પણ એટલું જ કહેવા આવ્યો છું કે આ બધા કે જે તમારી પાછળ કલાકોથી દર્શન કરવા તપ કરી રહ્યા છે એ લોકોને તમે દુભવ્યા છે.તમારા જેવા લોકો ઉપર ભગવાન ક્યારેય કૃપા દ્રષ્ટિ કરતો નથી.જો ખરેખર તમારી અંદર ભક્તિભાવ જ હોય તો મારી સાથે આવીને છેક છેલ્લે આવી જાવ."


એટલું કહી બીપીનભાઈ ચાલતા થઈ ગયા.પેલા પંદર જણ પણ ચૂપચાપ લાઈનમાંથી નીકળીને બીપીનભાઈની પાછળ ચાલવા લાગ્યા.

એ જોઈ લાઈનમાં ઉભેલા ભક્તજનોએ "બાબા કુબેર ભંડારીની જે...ય...!" એવો જયઘોષ કર્યો.

(3)

ટ્રેન વાપી સ્ટેશન પર આવીને થોભી એટલે મુંબઈ નોકરી કરવા જતા અપડાઉનવાળા પાસધારકો ડબ્બામાં ચડ્યા.અને તરત જ બેઠેલા પેસેન્જરો તરફ ચપટી વગાડીને "ચાલો ભાઈ ઉભા થઇ જજો..ચલો ચલો ચલો...!" એમ કહેવા લાગ્યા.

પેસેન્જરોએ પણ એ લોકોએ કહ્યું એટલે તરત ઉભા થઇને એમની સીટ એ લોકોને હવાલે કરી દીધી.દરેક કંપાર્ટમેન્ટમાં પેસેન્જરને ઉભા કરીને પાસધારકો ગોઠવાઇ જવા લાગ્યા.

સમીર અને એનો દોસ્ત સંજય પેસેજની એક તરફ આવેલી બે સામસામેની સિંગલ વિન્ડોસીટ પર બેઠા હતા.સમીર સાથે એનો આઠ વર્ષનો પુત્ર સન્ની પણ હતો.એ લોકો સન્નીની સારવાર માટે મુંબઈ જઈ રહ્યા હતાં.

પાસધારકોનો પ્રવાહ સમીર સુધી આવ્યો એટલે સમીરે પેલા ચપટી વગાડીને જગ્યા ખાલી કરી દેવાનો હુકમ કરતા પાસધારક સામે ડોળા કાઢીને પૂછ્યું, "કેમ ભાઈ ? મને ઉભો કરનાર તું કોણ છો ? હું ટીકીટ લઈને બેઠો છું.આ સીટ પરથી મને કોઈપણ ઉભો ન કરી શકે એ હું જાણું છું."

પેલાએ તરત સંજયને ઉભા થઈ જવા કહ્યું સંજયે એની સામે જોઈ માત્ર મંદ હાસ્ય વેર્યું.

"અરે પરમાર સાહેબ આ લોકો ઉઠવાની ના પાડે છે..!'' પેલા ચપટીવગાડુંએ એના બોસ જેવા પરમાર તરફ જોઈને ફરિયાદ કરી.

પરમાર સાહેબ આધેડ ઉંમરના અને થોડા હટ્ટાકટ્ટા હતા.એમણે જરા પ્રેમથી બંને દોસ્તો પાસે આવીને કહ્યું,

"જુઓ અમે અપડાઉનવાળા છીએ.તમે લોકો ઉભા થઇને અમને જગ્યા આપી દો એમાં જ તમારી ભલાઈ છે.''


"હા ભાઈ ઉભા થઇ જાવ.આ લોકો સાથે પંગો ન લેવાય.'' બાજુની સીટ જેણે ખાલી કરી આપી હતી એણે પણ પરમારનો પક્ષ લઈ સમીર અને સંજયને સલાહ આપી.

"અમે લોકો મારા આ બાળકને લઈને મુંબઈ જઈ રહ્યાં છીએ.અને તમે લોકો દાદાગીરી કરીને અમને ઉભા કરવા માંગો છો કારણ કે તમે સમૂહમાં છો. પણ અમે તમારાથી ડરતાં નથી.અમે ઉભા નહિ થઈએ.તમારે જે એક્શન લેવા હોય એ લઈ શકો છો. પણ એટલું યાદ રાખજો કે જેના મોં પર અમારો મુક્કો પડશે એ ઓછામાં ઓછા ત્રણ દિવસ નોકરી પર નહિ જઈ શકે..!"

પરમાર અને એની ટોળી સમીરની વાત સાંભળી સ્તબ્ધ થઈ ગઈ.પણ જો એમ ડરીને જગ્યા મેળવવાનો આગ્રહ જતો કરે તો પેસેન્જર્સ પર જે ડર જમાવ્યો હતો એ નીકળી જાય !

"તો ચાલો થોડી જગ્યા કરીને આ લોકોને બેસવા દો..!" પરમારે વચલો રસ્તો કાઢ્યો.

"રિકવેસ્ટ છે કે ઓર્ડર ?" સંજયે કહ્યું.

"ભાઈ હવે સમજ ને ! જરા બેસવા દે ને ભાઈ." પરમારે ન લડવાનો નિર્ણય દર્શાવ્યો.

"તો ઠીક છે" કહી સંજયે જરા ખસીને એક જણને બેસવા દીધો.સમીર પાસે એનો દીકરો બેઠો હોવાથી એની સીટમાં તો કોઈ બેસી શકે એમ નહોતું.

થોડીવારે ટ્રેન ઉપડી એટલે સમીરની બાજુમાં પોતાની સીટ પાસધારક અપડાઉનિયાઓને હવાલે કરીને ઉભેલા પેસેન્જરે સહેજ નમીને સમીરને કહ્યું,

"વાહ બોસ તમેં બાકી ઉભા ન થયા હો.આ લોકો ગમે તેમ કંઈ બોલ્યા નહિ બાકી માર મારીને પણ ઉઠાડી મુકતા હોય છે.કોણ આવા લોકો સાથે પંગો લે. એના કરતાં થોડીવાર ઉભા રહીએ.એમ તો આ લોકો પાછા જગ્યા હોય તો આપણને બેસવા પણ દેતા હોય છે !''

એની વાત સાંભળી સમીરના ગુસ્સાનો પાર ન રહ્યો.

"તમારા જેવા લોકોને કારણે જ આપણો દેશ આઠસો વરસ ગુલામ રહ્યોં.કારણ કે તમે લોકો માર ખાવાની બીકે સહેજ પણ સામનો કરવાની હિંમત ધરાવતા નથી.કોઈ આલિયો માલિયો પણ તમને લોકોને તમારી જગ્યાએથી ઉઠાડી શકે છે અને તમે પાછા એની જ દયા ઉપર જીવો એમાંના છો.આ અપડાઉનવાળાની જેમ જ અંગ્રેજો, એ પહેલાં મોગલો અને એ પહેલાં કેટલાય આક્રમણકારીઓએ તમારા જેવા લોકોને કારણે જ જગ્યાઓ હાંસલ કરી હતી." કહી સમીરે પરમાર તરફ જોઈને ઉમેર્યું "અને હજી પણ કરી રહ્યાં છે !"

"ભાઈ તું હવે શાંતિથી બેસી રહે..!" કહી પરમાર સાથી મિત્રો સાથે પત્તા ટીચવા માંડ્યો.અને પેલો ઉભેલો પેસેન્જર આવાક બનીને ઉભો જ રહી ગયો !

(4)

વિનયનું એકાએક મૃત્યુ થઈ જતા એની પત્ની વંદનાને આઘાત લાગ્યો હતો.પણ વિનય ઘણી સંપત્તિ છોડીને ગયો હોવાથી વંદનાને ભવિષ્યની કોઈ ચિંતા નહોતી.ધીરે ધીરે એણે બિઝનેસ અને ઘર સંભાળી લીધા હતા.બે બાળકોના ઉત્તમ ઉછેરમાં પણ તેને કોઈ તકલીફ નહોતી.પણ ધંધાની મોટી ઉઘરાણી બાકી હતી.વિનયના મૃત્યુ પછી ગ્રાહકો પાસેથી બાકી નીકળતી રકમ પરત મેળવવી એ વંદના માટે ખૂબ મુશ્કેલ કાર્ય હતું.


પણ એ કામ વિનયના મિત્ર મનિષે મિત્રભાવે કરી આપ્યું. દસેક લાખ જેવી ઉઘરાણી છએક મહિનામાં જ પતાવી આપી.

ધંધા ઉપરાંત વિનયની ખાનગી લેવડદેવડની પણ એક ડાયરી વંદનાને મળી હતી.જેમાં એણે મનિષને પાંચલાખ વ્યાજે આપેલા હતા એની નોંધ હતી.મનિષે ધંધાની ઉઘરાણી તો પતાવી આપી પણ પોતે લીધેલા પૈસા વિશે ક્યારેય વાત પણ કરી નહિ એ જોઈ વંદનાને મનીષ પ્રત્યે ઉઘરાણી પતાવી આપવા બદલ જે માન થયેલું એની જગ્યાએ નફરત થઈ ગઈ.

થોડા દિવસો રાહ જોયા પછી જ્યારે મનિષે એ પંચલાખ વિશે વાત જ ન કરી એટલે વંદનાએ મનિષને એ નોંધનો ફોટો વોટ્સએપ કર્યો.

પાંચલાખની એ નોંધ જોઈ મનીષ ચિંતામાં પડી ગયો.જે દિવસે વિનયને હાર્ટ એટેક આવ્યો તે જ દિવસે વિનય મનીષ પાસે આવ્યો હતો.એ વખતે મનિષે એને આ પાંચ લાખ રૂપિયા વ્યાજ સહિત પરત કરી દીધા હતા.અને વિનયે મનીષની સામે જ એની સાથે આવેલા શંકરલાલને એ રૂપિયા વ્યાજે આપી પણ દીધા હતા.પણ વિનય ઘેર પહોંચે એ પહેલાં જ એને રસ્તામાં જ હાર્ટ એટેક આવ્યો હતો.હોસ્પિટલ પહોંચે એ પહેલાં જ એનું પ્રાણ પંખેરું ઉડી ગયું હોવાથી આ રૂપિયા ડાયરીમાં જમા પાડવાનું રહી ગયું હતું અને એ ડાયરી મુજબ મનીષ પાસે એ રૂપિયા બાકી નીકળતા હતા.

મનીષ શંકરલાલને ઓળખતો નહોતો.એટલે હવે એ રૂપિયા એણે મનિષને આપી દીધા છે એની કોઈ સાબિતી મનીષ પાસે નહોતી.અને વંદના એની વાત માનશે કે કેમ એ પણ એક પ્રશ્ન હતો.વિનય નહિ રહેતા હવે પૈસા નથી આપવા એમ જ એને લાગે એ સ્વાભાવિક હતું.

મનિષ માંડ માંડ એનું ગુજરાન ચલાવતો એક સામાન્ય વેપારી હતો.કોઈને આ વાત કહ્યા વગર મનિષે એનું ઘર વેચીને વંદનાને પાંચલાખ રૂપિયા આપી દીધા.અને પૈસા આપવામાં મોડું થવા બદલ વંદનાની માફી પણ માંગી લીધી.

"એ તો મને આ ડાયરી મળી એટલે નહિતર તો...."

વંદનાના એ શબ્દો મનિષને કાળજે વાગ્યા. પણ એ કશું જ બોલ્યો નહિ.

વંદનાને હવે મનિષની કોઈ જરૂર પણ નહોતી.એણે મનિષને મિત્રના પૈસા હજમ કરી જવાવાળો સ્વાર્થી મિત્ર જ માન્યો.

આ વાતને છ મહિના વીતી ગયા પછી શંકરલાલને વિનયના મૃત્યુ વિશે ખબર પડી.એ માણસ પણ સજ્જન હતો એટલે એ વ્યાજ સહિત પાંચ લાખ પરત કરવા વંદનાના ઘેર આવ્યો.અને મનીષ પાસેથી લઈને આ પૈસા વિનયે આપેલા એ વાત કરી.

વંદનાની હાલત કાપો તો લોહી પણ ન નીકળે એવી થઈ ગઈ.જે મનિષને એણે સ્વાર્થી અને લુચ્ચો ધારેલો એણે પોતાનું મકાન વેચીને ફરીવાર પાંચ લાખ અને છેલ્લા દિવસ સુધીનું વ્યાજ આપી દીધું હતું. એકવાર પણ એ બોલ્યો નહોતો કે મેં આ રૂપિયા વિનયને આપી દીધા છે !

વંદનાએ મનિષના ઘેર જઈને એની માફી માંગીને પૈસા અને વ્યાજ તો પરત કર્યું જ પણ સાથે બીજા પાંચ લાખ મનીષની ના હોવા છતાં ધરાર આપ્યા.અને મનોમન એ દોસ્તને વંદી રહી !

[ આ ટૂંકી રચનાઓ કેવી લાગી ?
પ્રતિભાવ ચોક્કસ આપશો.]