pyasi parnetar books and stories free download online pdf in Gujarati

પ્યાસી પરણેતર.

             "તમારું નામ પરસોતમ કોણે પાડ્યું હેં ?, અને શું જોઈને પાડ્યું હેં ? પરભાસંકર મારાજ કેતા'તા ક હંધાય પુરુષોમાં ઉત્તમ એટલે પરસોત્તમ !! તે હેં તમારામાં એવું તે શું બળ્યું સે કે વાલા મુઈ તમારી ફઈએ કે પાડી પાડીને પરસોત્તમ નામ ગુડયું ? આખું ગામ વાલા કાકાનો પસવો કંઈને તમને બોલાવે સે ઇ મને જરાય નથી ગમતું.પણ તમે સો જ હાવ પસવા જેવા તે પસવો જ કે ને !તમારા પંડયમાં ઠામકું'ય બળ નથી બળ્યું, અને મગસ માં બાવળના ઠૂંઠા જેવી બુધ્ધિ બળી સે અને ટારડા ઘોડાની જેમ તો તમે હાલો સો.વળી બે મણ વજનની તમારી આ કાયા મારી છાતી સુધી'ય પોગતી નથી, અરે રે મારો તો આ આખો અવતાર સાવ એળે જયો ! કવ સુ  ચ્યારના સુ સાંભળી રિયા સો, મરદપણુ હોય તો બાયડીના મોઢામાંથી બે વેણ'ય શીના નિહરે ! આ મારો ભઇ ધરમશી જોવો, એક દિ મારી ભાભી જરીક સામું બોલી તાઅતો ઝાડુ (મોં) ફેરવી નાયખું એક અડબોથ ભેગું. ઈનું નામ મરદ !! આ તો સાંભળશે સુંડલો ભરીને.ગામમાં કોઈ છીંકણી'ય લેતું નથી તમારી તે વાળું કરીને પાધરાક ને ખાટલામાં ટૂંટિયું વળીને માંડો સો ઘોરવા. તે કવ સુ ક આ પાંચ હાથ પુરી અન કાયમ અધૂરી મારી કાયા ની તમને જરાય માયા ચ્યમ નથી ? ચ્યારેક સરખું હામુ તો જોતા હો. અરે રે બળ્યું તમારું પરસોતમ નામ, મારો તો અવતાર બગાડી નાયખો ! બા તો બીસાડા મારો પશો મારો પશો કરીન માખણનો આખો વાટકો નોખો મેલે સે તમારી હાટુ, પણ એક બટકું'ય માલિપા બોળો સો ?અને ભાભી તો ચેટલું બોહાંય (અણગમતી બાબત વિશે બડ બડ કરવું) સે તે કવ સુ કે મોટા ભાઈ દૂધના તાંહળા ભરી ભરીને સબડકાવી જાય સે તોય હું કાંઈ બોલું સુ ? આપડે ઇમ કે ખાવા હાટુ તો ઢોર રાખયી સવી તે ભલે ને ખાય. અને ચમનભઈ બે તણ રોટલા  ઘી માં પલાળી પલાળીને ઝાપટી જાય તોય હું કોય દી એક અકસર 'ય બોલી ? મરે મન ! ખાવા હાટુ તો ટંકે ને ટંકે (સવારે અને સાંજે) માલિપા સળી ઉભી રે એવું લોઠકું (એકદમ ઘાટું)  દૂધ દેતી ભગરી ભેંસ

ધામેણામાં (પિયરમાંથી દીકરીને અપાતી ગાય કે ભેંસ ધામેણુ કહેવાય) દીધી સે મારા બાપુએ. ઇમને બસારા ને ઇમ કે દીકરીએ ભાણામાં (જમવામાં) કોઈ દી છાછ નથી લીધી, ભલેને સાસરિયામાં ભેસું બાંધી હોય,પણ કોક દી કોક કાંક બોલે તો દીકરી મારી દુબળી નો પડી જાય ! અને કાંક તો તમારા આ સાંઠીકા જેવા દુબળા દેહની દયા ખાઈને દીધી હશે.મારી બેનપણીયુ તો તમારા એવાં દાંત કાઢે સે કે મને તો ધરતી મારગ આપે તો સમઇ જવું એમ થાય સે.જોવોને તમે એકવાર મોટરસાયકલ લઈને મને તેડવા નતા આયા ? પસી જોવોન હું તમારી વાંહે બેહવા જઈ તે મોર્યથી ગાડી ઝાડ (આગળથી ઊંચી થવી) નોતી થઈ ? ઇ હંભારી હંભારી ને બધીયુ બવ દાંત કાઢે સે ! 

  મારી બા કાયમ પુસાવે સે કે જમાઈનું શરીર કાંઈ સારું થિયું કે નઈ ? સુખડી અને પાકના લાડવા'ય બીસાડા ખૂટવા નથ દેતા,મોટા ભાગના તો ચમનભઈ ઝાપટી જાય સે, પણ બળ્યું તમને ગળસતા કોણ જાણે શુ ઘા વાગે સે ? કવ સુ કે તમે શરીર સુધારો નકર પસ હું હાલતી થઈ જસ હો, મલકમાં માણહના કાય દુકાળ નથ પયડા !!

  સવાર સવારમાં ચેટલી ઊંઘ આવે ? થાય કે ઉઠવું જ નથી, પણ તોય વે'લા પાંચ વાયગે કમાડ ની સાંકળ ખખડે અટલે ઉભું થઈ જ જાવું પડે સે.આખા ફળિયામાં વાસીદુ વાળું , હેલ્ય લઈને પાદરના કૂવેથી પાણી ભરી આવું, ભેંસ દોઈ ને છાછ તણાવું અને તમારા હંધાય હાટુ રોટલા ઢીબુ. ભાભી તો કોક દી માથું દુઃખવાનું, કોક દી પેટમાં દુઃખવાનું બાનું કાઢી ન ઘરમાંથી બાર જ નો નીકળે.એક દી તો કેએક તારા જેઠે એવી તો બાથમાં પકડી રાખી તે મૂકી જ નઈ બોલ ! ઇમ કઈન એવા દાંત કાઢે, એવા દાંત કાઢે!! હું તો શુ બોલું મારુ કપાળ ? મને તો સાણસી લઈને ભાભીના દાંત જ ખેહી નાખવાનું મન થયું બોલો ! અને ભાભી વે'લા જાયેગા હોય તોય શુ ? ચૂલા આગળ બેહીન મુનિયાને ધવરાવતા ધવરાવતા ઘોરતા હોય બોલો ! મને ઇમ થાય કે કામ કરીને ચ્યા આપડે પાતળા થઈ જવાના છઇ, તે હું કાંય નો બોલું.પણ અમીય માણહ છી, અમારે'ય જીવ સે. પયણીને આવી ઈને આ પાંસમુ વરહ જાય સે

પણ આ લીલુડી ધરતીમાં તમી બી ઘરોબો તો કાંક ઉગે અને ઉગે તો ફળ આવે ને. મારેય છોકરા નો જણવા હોય ? ભાભીનો મુનિયો મને ચેટલો વાલો લાગે સે ? ભાભી એક દી મને કેતા'તા કે અલી મુનિયો પેટ ભરેને તારે આપડને એવું ગમે, એવું ગમે ! તે મને ઇમ થીંયું કે વળી ઈમાં ગમવા જેવું શુ હશે ? આ પાડું ભેંસને નથી ધાવતું ? ઈમાં વળી મઝા શેની આવતી હોય ?તે મેં તો વાલા મુઈએ ઇ જાણવા હાટુ રમાંડવાના બા'ને એક દી છાનમાના મુનિયાને છાતીએ વળગાડ્યો'તો ! ઇ મારો રોયો મને ઇની માં હમજીને એવો તો સોટયો કે મનેય બવ ગમ્યું. પણ મારી છાતીમાં થોડું દૂધ આવે ? બસાડો ભોઠો પડ્યો. જો જો પાસા કોય ને કેતા નય, રૂડા રૂપાળા સાડા તણ ફૂટના પરસોત્તમ !!

  બા તો બીસારા બાધા ને આખડીયું કરી કરીને થાકી જ્યાં સે. મારી બાએય તે મારા પિયરમાં પાદરમાં આવેલ ગેલમાં ના મંદિરે ચાંદીનું છત્તર ચડાવવાની બધા રાખી સે, જો મારી કુખે ભણીયા અવતરે તો ! પણ ભગવાન થોડોક ખોળો ભરી દેવા આવે ? માણહ માં'ય કાંક કોવત જોવે કે નઈ ? આ તમારા બધાય ભાઈબંધ બબ્બે તણ તણ છોકરાવના બાપ થિયા, તે કવ સુ ક તમને કાંય થાતું નથી ? મારી આ ફાટ ફાટ થતી કાયાની ઠામકી માયા નથી તમને ? ગળસી ને (ખાઈને) નકરા ખાટલામાં ટૂંટિયું વળીને ઘોર્યા જ કરો સો ! તે હું તમને ઇમ પુસુ સુ કે તમારે ચેટલા અવતારની ઊંઘ બાકી સે કવ સુ !! તમારો ભણેલો ભાઈબંધ શે'રમાં રે સે ઇ ચેટલી વાર દાગતરને દેખાડવાનું કે સે, તે નો જાવું જોવે ? માનતા ચીમ નથી કોયનું ? શે'રમાં જઈ ને કોક દાગતરને દેખાડો તો ખરા ! કવ સુ શરીર સુખની મારે બળતરા નથી પણ સવાર સવારમાં હેલ્ય લઈને કૂવે પાણી ભરવા જઉ તાર કોક કોક સામું મળે તો પાછું વળી જાય બોલો ! મારા અપશુકન થાય સે ગામને, કે સે કે વાંઝણી સામી મળી તે દી બગડશે ! અંયા મારો તો જન્મારો બગડવાનો સે ઇ કોણ ઇમના બાપ જોવા આવશે ?? તમને કવ સુ સાંભળો સો કે નઈ ??

  અને આ તમારો નાનો ભાઈ ચમનો ! એને ચીમ કોઈ બે શબ્દો'ય કેતુ નથી ? એનું વેહવાળ તો થાતું નથી અને માતેલા સાંઢ જેવાં થઈને ફરે સે ઇ નથી ભાળતા ? મારા પિયરની ભેંસનું ઘી ને દૂધ ઊંધું વાળી વાળી ને ઝાપટી જાય છે, પસા સુ કે સે કે પસાભાઈની ભગરી તો ભારે મીઠી હો ! તે તમને કાંઈ હમજાય સે કે નઈ , ઇ ભગરી કોને કે સે ? તે દી આપડે તણ જણા બાજરો વાઢવા નતા જ્યાં ? તે તમી તો ચ્યા'ય વાંહે રઈ જ્યાં'તા અને ઇ મારી હારે ચેવા હરીફાઈમાં ઊતર્યા'તા ? ભાભી ભાભી કરતા જાય ને મારા ભાગનું ચેટલું'ય વાઢી આપે બોલો. અને તમારા ભાગમાં થી તો એક ડુંડું'ય કાપે તો તો ફટય સે ને! તે બળ્યું મન ઇમ થાય કે તમે ચમનભાઈની જેમ જોરુકા(બળવાન) હોત તો ચેવું હારું હતું ! બાજરાનું અઢી મણનું  પોટકું કોઈ દી તમે ઊંચું કરીને મારા માથે મુકાવી હયકા સો ? ચમનભઈ જે આંસકો મારે ને તે પોટલું સીધુ જ મારે માથે !! ઇ તો હું'ય સામી એવી બળુકી સવ તે પુરી પડી રવ હો. અન ચમનભઈ તો મને અડ્યા વગર રે જ નઈ બોલો ! ચ્યારેક બાવડું ઝાલે તો ચ્યારેક વાંહામાં ધબ્બો ઝીકે ! તો ક્યારેક એવો ચીમટો ભરે કે હું તો આખી ને આખી સળગી મરું સવ. નાનો દેર (દિયર) છે તે ભાભીની હારે મસ્તી કરે ઇ માં શુ કેવું ! પણ પસી બવ વઘારે પડતી છૂટ કાંઈ હારી નથી હું હમજ્યાં ? પસી મને'ય બવ ગમે ચ્યારેક ઇમ થાય કે.... જાવ દયો ને ઇ વાત નથી કરવી. ચમનભઈ ચ્યાં કોક સે, તમારું નાનું ભાંડરડું જ સે ને ! પણ મારા બાપની આબરૂ કેવી સે ખબર સે ને ? ફરતા બાર ગામમાં હરજી શિવાનું નામ બોલાય સે નામ ! અટલે અવળું પગલું તો હું મરી જશને તોય નઈ જ ભરું, પણ મને આ પરસોત્તમ કપાળમાં કોતરાયા ઇ નું મારે શું કરવું ? સાંભળો સો ? કઈ દેજો ચમનભઈ ને મને બવ અડ અડ નો કરે હા.નકર પસી કોક દી નો થાવાનું થઈ જાય તો મને કેવા નો આવતા કઈ દવ સુ હા, સાંભળો સો કે ઘોરી જ્યાં ? બળી તમારી આ નસકોરા બોલાવવાની ટેવ જાશે કે મારે આખી જિંદગી આમ જ ઉભું સળગવાનું ? 

 અને બાપા તો ગામતરામાંથી ઉંસા જ આવતા નથી, ઓલ્યા કરસન માળી ને કે સે કે છોકરા જ નોતા થતાં તે ચેટલાય દાગતરને દેખાડ્યું, પસી બાર વરસે તો બાર વરસે ખોળો નો ભરાણો ? પણ તમારે તો નકરું ઘોર્યા જ કરવું સે ઈમાં બાપોય બીસારો શુ કરે ! સુવો આમ આઘા, નકર પસી બાર જઈ ને પડો સાત ખોસિયામાં !! આખો દિ તમારા ઘરનું ને ખેતરનું કામ ઢહડી ઢહડીને મારા શરીરના હાડકા ભાંગી ગયા સે, થાકી ને ટેં એ થઈ જવાય સે. ઇમ થાય કે રાતે થોડુંક સખ ભાળશું, પણ આયાં તો પરસોત્તમ ટૂંટિયું વળીને ઘોરતા હોય ! સાંભળી સો કે નૈઇ, એઇ પરસોત્તમ તમને કવ સુ ? તમારી આ સલપાંખડી જેવી કાયાના હાડકા મને વાગે સે. આ શિયાળાની રાતે ધણી ના પડખામાં ગરી ને સુવાની બવ મઝા આવે ઇમ મારી બેનપણીયુ કેતી'તી, હાળી હાવ ખોટીનીયું ! મારે તો રાત કેમેય કરીને કપાતી નથી. અરે રે આમના કરતા તો હું ચમનભઈ ને પરણી હોત તોય સારું હતું !! નઈ ભાળ્યા હોય મોટા પરસોત્તમ !!.

   

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED