harilal hadda books and stories free download online pdf in Gujarati

હરિલાલ હડદા...



    સુંદરવન સોસાયટીમાં આજે તમામ સભ્યોની મિટિંગ મળવાની હતી. સોસાયટીના પ્રમુખશ્રી હરિહર હડદા આજે ખૂબ દુઃખી હતા.તેમની બન્ને સાઈડના બંગલાઓમાં રહેવા આવેલા એક જ વ્યક્તિ ઓધવજી ડબ્બલ માટે થઈને આ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રમુખશ્રી હરિહર હડદા પ્રભુભક્તિમાં લિન અને સોસાયટીની સેવામાં તલ્લીન રહેવાવાળા હતા.બપોર વચ્ચે સોસાયટીમાં રમતા રહેતા બધા બાળકોને ભગાડવાવાળા, રેકડીવાળા અને ફેરિયાઓને પકડીને સોસાયટીના દરવાજે લઈ જઈ " નો એન્ટ્રી" નું બોર્ડ બતાવવાવાળા કડક પ્રમુખ હતા. સોસાયટીની શાંતિ કોઈ પણ હિસાબે જોખમાય તે તેમને પરવડે તેમ નહોતું.
 એમના વિશાળ કપાળ પર મોટું ત્રિપુંડ શોભતું.ખુલ્લા ખેતર જેવી એમની ટાલમાં ક્યાંક ક્યાંક ઘાસ જેવા જેવા વાળ ચોંટી રહેલા,અને એમની આંખો મોટી ભેખડો નીચે ભરેલા પાણીના ખાબોચિયાં જેવી અને સદાય ચકળ વકળ દ્રષ્ટિ વડે ચોપાસ ઘૂમતી રહેતી. 
 પેટના ભાગે આગળ લબડતી ફાંદ બહુ મોટી તો નહોતી પણ આગળ તરફ નમી પડેલું ધડ આ ફાંદ ને કારણે જ કદાચ બેવડ વળી જતું અટક્યું હોવાનું તમને લાગે. તેઓ હંમેશા બન્ને હાથ પાછળના ભાગે જોડેલા રાખતા.અને સ્વચ્છ બગલાની પાંખ જેવો સફેદ ડગલો અને સોનેરી કિનારવાળી ધોતી એમના સાઈઠને આંબવા આવેલા શરીરની શોભા બની રહેતા.તેમના ગળામાં એક લાંબી સોનાની માળા રહેતી અને બન્ને હાથની આંગળીઓમાં બે બે સોનાની વીંટીઓ,બીજાને દેખાય એમ વાત કરતી વખતે વાર ફરતી બન્ને હાથ ઉપર નીચે કરતા.પગમાં તેલ પાયેલી મારવાડી મોજડી જ એમને માફક આવતી.સુંદરવન સોસાયટીનો સૌથી મોટો બંગલો એમના નામે હતો.હડદાજીના ચાર પુત્રો અને બે પુત્રીઓનો પરિવાર એ બંગલામાં ઉછરીને મોટો થયો હતો.બન્ને પુત્રીઓને સારા જમાઈઓ અને ચારે ચાર પુત્રોને એક એકથી ચડિયાતી કહી શકાય તેવી વહુઓ શોધીને પરણાવીને, ધંધે પણ ચડાવી દીધા હતા.આ તમામ પ્રસંગોમાં સોસાયટીએ સાગમટે ઉભા ગળે ખાધું પીધું હતું.
   હદડાજીના ગડદાપાટુ ખાઈ ખાઈને ઉછરેલી તેમની પ્રજામાથી કોઈની મજાલ નોતી કે દાદાજીની સામે આંખ પણ ઊંચી કરી શકે.બંગલામાં હડુદા પગ મૂકે કે તરત જ સૌ કોઈ એમણે બનાવેલા નિયમાનુસાર ગોઠવાઈ જતું, એવી એમની ધાક ! પણ સોસાયટીમાં સૌ કોઈ આ કડક મિજાજ વાળા વડીલને ખાનગીમાં હરિ હડદો કહીને એમના પ્રત્યે સ્નેહ (!) દર્શાવતું.
  એકાદ બે વખત એક ખાંચામાં સંતાઈને બાળકોએ "એ હરિ હડદા, આવ અહીં તો ઠોકીએ ગડદા"એવું સમૂહ ગાન કરેલું (કારણ કે બાળકોને બપોરના સમયે હડદાજી રમવા દેતા નહિ) ત્યારે હાજર હતા એ સૌને હડદાજીની હડી (દોટ) જોવા મલેળી ! એમણે બે છોકરાઓને બોચીમાંથી પકડીને એવા તે ઠમઠોરેલા કે બાળકોનું ટોળું " એ હડદાજી આવ્યા " એમ બોલો એટલે તરત જ અદ્રશ્ય થઈ જતું.
 આમ હરિહર હડદાજીની હાક સોસાયટીમાં ખાસ્સી જામેલી.પણ આજ હડદાજી તેમના લા..આંબા નાકને પંપાળતા પંપાળતા દુઃખી ચહેરે સૌ સભ્યોના આગમનની રાહ જોઈ રહ્યા હતા.
*    *    *   *  *

     ઓધવજી ડબ્બલ એક કમાલની ચીજ હતો. બેઠી દડીનો અને હમેશા સફેદ સફરીમાં સજ્જ  ઓધવજી જો અંધારામાં તમને સામો મળે તો ખાલી સફારી જ દેખાતી.તેની અટક તો કોઈને ખબર નહોતી પણ ઓધજી ડબ્બલ તરીકે એ શહેરમાં ખૂબ પ્રખ્યાત હતો.
 ઓધવજી ની દરેક વસ્તુ  ડબ્બલ હતી.ધંધા બે -ઈમ્પોર્ટ એક્સપોર્ટ, પત્ની બે, બન્નેને બે બે બાળકો અને બેયને પુરેપુરો પ્રેમ આપવા એણે હરિ હર હડદાજીની ડાબી અને જમણી બન્ને બાજુના બે બંગલા ખરીદી લીધા હતા.બન્ને બાંગ્લાઓમાં બે બે ગાડીઓ આવતી અને જતી.ગાડીઓ નીકળે અને આવે ત્યારે બે બે વખત હોર્ન વાગતા.આ બાજુથી પેલી બાજુ ઓધવજીની બન્ને ભર્યાઓ ઓપન એર સિસ્ટમથી એક બીજી સાથે વાતો કરતી,ક્યારેક ઝગડો પણ જામતો.એક ઘરના છોકરા સાદ પાડીને બીજા ઘરમાં સંદેશા મોકલતા.આમ પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચે ફસાયેલા હિન્દુસ્તાન જેવી દશા હડદાજીની થઈ રહી હતી..આ ત્રાસવાદી હરકતો વિશે વાટાઘાટ કરવા માટે પડોશી દેશના વડાપ્રધાન ને બોલાવ્યા ત્યારે "આવું છું આવું છું" એમ બોલીને જ ઓધજી આવેલો.
 કેમ છો? કેમ છો વડીલ , મજામાં ? છો ને મજામાં ?" એમ કહીને બે વખત આંખો પટપટાવીને બે વખત હસીને ઓધજીએ કહ્યું.
 "જો ભાઈ, શુ નામ તમારું ?' ઊંડી બખોલ જેવી આંખો પહોળી કરતા હડદાજીએ પૂછ્યું.
 "ઓધવજી, ઓધવજી નામ છે મારું! તમારી બેઉ ચાયડ ના બાંગ્લાઓનો નવો માલિક ! હે હે હે ! તમારી જેવા ચારા માનચ ના ચહકારથી આપડે તાં બબ્બે બાયડયું રાચડા લેય ચે ! હે હે હે, ચ્યમ ના બોયલા ?"
  ઓધજીએ સફારીના પેન્ટના પાયસા ઢીંચણ સુધી ચડાવતા કહ્યું. તે આમ જ બેસતો.અને 'સ' ની જગ્યાએ 'ચ' બોલતો.વળી વાક્યને અંતે સાંભળનારના બોલવાની વાટ જોયા વગર " ચ્યમ ના બોલ્યા " એમ અચૂક પૂછતો.
  હડદાજી માટે આ અસહ્ય થઈ પડ્યું.એમને ઓધજી એક મગતરા જેવો લાગ્યો. પોતાની સામે પેન્ટના પાયસા ઊંચા ચડાવીને "હે હે હે" કરતા ઓધવજીને ઉભો ને ઉભો ચીરી નાખવાનું મન થયું એમને !
 " બોલવા માટે જ તન બોલાયો સ, હરિહર હડદાના ગડદાનો તન પરિચય નથ્થ, નિકર મારા હામાં લેંઘાના પાંયસા સડાવતા તું બે વાર વચ્ચાર કરત!,જો ભઈ આ સભ્ય માણસોની સોસાયટી સ, તારા જેવા હલકટ આંય ચ્યમ કરતા ઘુસી જ્યાં સ ઇ મન ખબર્ય સ,મારા બેય જુના પડોશીનું હાળાવનું નખ્ખોદ જાવાનું સ, ઇ ઇમની  જિંદગીમાં કદીએ સખ ભાળવા ના નથ્થ, તારા જેવી ઘો આંય ઘલતા જ્યા સ પણ મન કશો ફરક પડતો નથ્થ.ઉઠ ઉભું થા અન હેન્ડતી પકડ, તન તો હું જોય લેશ !" હડદાજીએ  નાક સહિત આખો ચહેરો લાલઘૂમ કરી ને વટાઘાટ શરૂ થાય તે પહેલાં જ બાળ મરણ કરી નાખ્યું !!
  ઓધવજી માટે આ હુમલો એકદમ અણધાર્યો હતો.એને એમ હતું કે પડોશીએ પરિચય માટે પોતાને ચા પાણી માટે નોતરેલ હશે.પણ આમ ઘરે બોલાવીને ઘા કરશે એવો અણસાર પણ નહોતો ! જો કે બન્ને બંગલા ખરીદતી વખતે તેના જુના માલિકોએ કહેલું કે, " જો ભાઈ ઓધજી, ઇ ડોહાં નો ડાટ વાળવા સાટું થઈને જ અમો સુંદરવન જેવી સોસાયટીમાં અમારી મિલકત તને વેચવી છઈ, ઇ ડોહાં ની કળા તું જાણે તો ભલે નકર તું ઓધવજી ડબ્બલ છો તે હાફ પણ નઈ રે, ઇ વાત ની ચોખવટ કરીએ છઈએ !"
 ઓધજી ને એ વાક્યો યાદ આવ્યાં." ઠીક છે ઠીક છે, આ મોરલો તો મન્ડયો કળા કરવા " મનોમન તે બબડયો. હડદાજી હજુ એને લાલઘૂમ નેત્રે  તાકીને હાંફી રહ્યા હતા. જાણે કે વળતા હુમલા માટે તૈયાર જ હતા.ઓધજી હવે પટમાં આવ્યો
 " જો ડોચા, ચોચાયટી કોઈના બાપની નતથી , જે થાય તે ભડાકા કરી લેવા શુ ચમજયા હેં ? અમે અમારી રીતે જ રેચુ હવે, વાત વ્યવતીક કરી હોટ તો બી ચમજી જતે પણ આતો દાદાગીરી હેં કે ? એ તો અમને બી ફાવટી છે , ચલો જય હિંદ !" ઓધજી ક્યારેક થોડી સુરતી પણ મિક્સ કરી લેતો. બન્ને હાથ જોરથી તાલી પાડી ને તેને હડદાજી સમક્ષ જોડ્યા અને ચાલતી પકડી. પોતે દાગેલો બૉફોરસિયો ગોળો સાવ દારૂ વગરનો નીકળ્યો તે હડદાજીથી સહન થતું નહોતું. ઇન્દિરા ગાંધીની જેમ આ પાકિસ્તાનના બે ફાડચા કરીને કાયમી ઉકેલ લાવવા માટે આજે સોસાયટી (યુનાઇટેડ નેશન ?)ની મિટિંગ બોલાવી હતી. આજે રવિવાર હોઈ સવારના નવ વાગતા જ બધાને આવી જવા તાકીદ પણ કરી હતી.
  અડધા કલાક સુધી ઉપપ્રમુખ, મંત્રી કે કોઈ પણ સભ્ય મિટિંગમાં હાજર ન થવાથી હડદાજીના શ્વાસ જોરથી ચાલવા લાગ્યા.
 " હાળાવના કામ સાટું અમી અડધી રાતે ધોડ્યા છઈ અન આજ અમારે કામ પડ્યું તાર કોઈને ટાઈમ નથ,ઠીક સ ઠીક સ,આવવા તો દ્યો !"એમ બબડીને એમને આગળના બે દાંત હોઠમાં ખુપાવ્યા. તે દાઝે ભરાતા ત્યારે તેમના નીચલા હોઠને કારણ વગરનું કપાવું પડતું.
 " અલ્યા ભાગો, આયાં તો હડદા બેઠા છે " એમ રાડ પાડીને રમવા નીકળેલા બે ટાબરીયા એક ગલીમાંથી દોડીને બીજી ગલીમાં નાસી ગયા.
હડુંદા નો ગુસ્સો વધતો જતો હતો.ત્યાં જ શાકભાજીની લારી લઈને આવતી મંછી ગાંગરી , ''એ..એ..એ..લીંબુ..બટાકા..રીંગણાંદૂધી..પરવળ,ટામેટા..આ..આ..આ.. આયુ..શાક આયુ...."
  મંછી અઢાર વર્ષની શાકવાળી હતી.સિસમમાંથી કોતરેલી ઘાટીલા બદનવાળી એ શાકકન્યા હડુદા ના અંતરમાં ગરબે ઘૂમતી.એને હડુદાએ સોસાયટીમાં ગમે ત્યારે શાક વેચવાનો પરવાનો આપેલો, પણ ડાયરેક્ટ હડુદા ના બંગલે લારી લઈ આવે તો જ ! હડુદા જાતે જ શાક ખરીદીને જોખવતા.હડુદા ની ઊંડી આંખો મંછીની ગરીબીમાં માંડ સમાતી છાતી ઉપર ચકળવકળ થયા કરતી.અને એ નયનસુખના વળતર પેટે હડુદા શાકના બિલમાં વધેલું પરચુરણ પ્રેમ થી મંછુ ને ભેટ કરતા એટલે મંછલીનો દિ સુધરી જતો.ભલભલા જુવાનિયાનું બાવડું પકડીને એ વળ ચડાવીને રાડ પડાવી દેતી એવી એ જોરાવર હતી, એટલે ચકળવકળ હડુદા ની એને જરાય બીક નોતી.હડદા અને મડદા માં એને વધુ તફાવત લાગતો નહોતો. એને જોઈને હડદાજી હસ્યાં. એમના ચીત માં પ્રગટેલી અગન જ્વાળા મછુંને જોઈને ઘડીક શાંત થઈ.
  " ચીમ, મંછુ શાક સારું લાવી કે ?" જો આપણી આજુબાજુ વાલાને શાક વેચવાનું નહિ હાં કે ,નીકર સોસાયટીમાં ઘરવા નહિ દઉં હાં કે !" હડદાજીએ ઓધજી ડબ્બલ પર શાક પ્રતિબંધ ઠોકવાના ઈરાદાથી કહ્યું.
 " લ્યો, એવું નો હાલે હો દાદા, ઇમ કાંઈ કોઈન અમી ના નો પાડવી હો, બસારા ઇ કાંય મફત નથ લેતા , અમારે ઘરાગ તો સવ સરખા હોં , ઇમ તમે ના નો પાડી હકો વળી.." મંછુ એ શાક પ્રતિબંધ માં પોતાના હિતો જોખમાઈ રહ્યા હોવાનું સ્પષ્ટ કરવા માંડ્યું. એ દરમ્યાન સોસાયટીના સભ્યો આવવા માંડતા મછું સાથે મંત્રણા ટાળવી પડી.જો કે એ એમને કઠયું તો ખરું જ!
   દસ જ મિનિટમાં સોસાયટીના તમામ હોદ્દેદારો અને મોટાભાગના સભ્યો હાજર થયા. કેટલાકના મોં પર રવિવારની રજા હોવા છતાં સવાર સવારમાં મિટિંગમાં આવવું પડ્યું હોવાનો અણગમો સ્પષ્ટ વર્તાઈ રહ્યો હતો. હડદાજીના મો પર તાળું એટલા માટે લાગેલું હતું કે ક્યારેય નહીં ને આજે મિટિંગમાં બે સ્ત્રીઓ પણ હાજર હતી અને એ હતી ઓધવજી ડબ્બલની ડબ્બલ પત્નીઓ !! જેની વિરુદ્ધ માં ઠરાવ કરવાનો હતો એ પડોશી દેશના બબ્બે પ્રતિનિધિઓ હાજર હતા એ જોઈને હડુદા અંદરથી હલબલી ગયા.
 " લગભગ સંધાય આઈ જ્યા સ, દાદા શરૂ કરો તાર, પસ બધા ન કંઇક ને કંઈક કામ ઑય ક નાં ! પાસો આજ રવિવાર સ" ઉપપ્રમુખ ગિરધરલાલે ચર્ચા શરૂ કરવા લીલી ઝંડી ફરકાવી.
 " જો ભઈ, આજ લગણ મિટિંગમાં કોઈ દી બયરા ભાયલા સ ? ઓલ્યા બયરાવને કો ક ઘરે જઈને રાંધવા બાંધવાનું કરે !" હડદાજીએ ડબ્બલ પત્નીઓને સભા ત્યાગ કરવા ફરમાન કર્યું.
  " જુઓ ભાઈઓ તથા વડીલો, અમ્મારા બન્નેનું અહીં હોવું અતિશય જરૂરનું હોવા અંગે કોઈને શંકા હોય તેમ હું માનતી નથી.અને સોસાયટીના સભ્ય તરીકે જાહેર મિટિંગમાં માત્ર પુરુષો જ હાજરી આપી શકે એવો કોઈ ઠરાવ અમને જણાવવવા માં આવ્યો નથી,ઓધવજીભાઈ હાલ બહારગામ હોવાથી તેમની અર્ધાંગનાઓ તરીકે અમે બે'ઉ અહીં હાજર હોવાથી તેઓ આખા અહીં હાજર છે એમ માનવામાં કોઈને તકલીફ પડશે એવુ હું માનતી નથી !" ઓધવજીની નાની અને નવી પત્નીએ  હડદાજીએ ફેંકેલા પહેલા જ બોલને ફટકારીને છગ્ગો માર્યો.અને નાક પરથી વાંરવાર લસરી પડતા ચશ્માને એક આંગળીથી ચડાવતા ચડાવતા ઉપર મુજબના લાંબા લાંબા વાક્યો રજૂ કર્યા. મૂળમાં એમ હતું કે કોલેજમાં તર્કશાસ્ત્ર ની પ્રોફેસર હતી.અને એક ગુંડાના ત્રાસમાંથી ઓધવજીએ છોડાવેલી.અને ત્યારબાદ એ ડબ્બલના પ્રેમમાં પડીને તેને પરાણે પરણી હતી.
  મિટિંગમાં  સ્મશાનવત્ત શાંતિ પથરાઈ ગઈ.સૌ કોઈ હડદાજીના ચકળવકળ થતા ડોળા સામે તો ઘડીક લસરી પડતા ચશ્માને મૂળ જગ્યાએ ચડાવીને બંને હોઠ દાંત વચ્ચે દબાવતી રૂપાળી કંચનને જોઈ રહ્યા.ઘણીવારે કંચનના વાકબાણના પ્રહારની કળ વળતા હડદાજી ઓચર્યા, " ઠીક છે! તમારાથી આય કોઈ બીતું નથ, જો  સોસાયટીમાં રે'વુ હોય તો સીધી રીતે રે'વુ પડશે,આવતા જતા ગાડીયુના બબે વાર હોર્ન વગાડાશે નહિ અને વારે ઘડીએ આ બાજુ થી ઓલી બાજુ બુમાબુમ કરીને વાતચીત કરી શકાશે નહીં, વચ્ચે અમારો બંગલો આવેલો છે તે વાતનું ધ્યાન રાખવું પડશે, આ રીતે અમને ડિસ્ટર્બ કરવાના હોય તો આ બિલકુલ ચલાવી લેવામાં આવશે નહિ, તમે લોકો...."
 "જુઓ ભાઈઓ અને વડીલો, અમે લોકો જંગલમાં રહેવા આવ્યા હોવાની કોઈને શંકા હોય એમ હું માનતી નથી,સીધી રીતે એટલે કેવી રીતે તે વ્યાખ્યા અમને ખબર નથી, કઈ રીત ને તમે વડીલ, સીધી કહો છો તે બાબત ઉપર જરા પ્રકાશ ફેકશો તો તેની વ્યાખ્યા ચોક્કસ સ્પષ્ટ થશે,અને અહીં હાજર સૌ સભાસદોને જીવનમાં સીધી રીતે જીવવાનું જાણવાની તક આ પ્રસંગે સાંપડશે. જો કે આ માટે અમો સૌ આપ વડીલના આભારી રહીશું.વળી તમોએ જણાવ્યું કે હોર્ન વગાડવા નહિ, તો આપ એ પ્રશ્નનો પણ જવાબ આપશો કે તો પછી ગાડીઓમાં શા માટે હોર્ન હોય છે હેં ? રસ્તામાં રમતા આપના બાળકોને ચેતવવા માટે જ  અમે હોર્ન બજાવીએ છીએ અને હા આપના પરિવારના બાળકો સોસાયટીના જાહેર રસ્તાને બાગ બગીચો સમજીને ત્યાં રમતા હોય તે કેટલું યોગ્ય છે તે પણ આ પ્રસંગે આપણે સૌએ સમજવું રહ્યું, આપનો આગળનો જે પ્રશ્ન છે એ આ બાજુથી પેલી બાજુ બુમાબુમ કરવી નહીં તો હું આપને જણાવવવા માંગીશ કે આપને પડતી તકલીફ વિશે આપશ્રીએ ક્યારેય અમને જણાવ્યું હોય તેવું બન્યું નથી.આ રીતે જાહેરમાં અમારી વિરુદ્ધ સોસાયટીમાં આપશ્રીએ જે રજૂઆતો કરી છે તે પ્રમુખશ્રીના હોદ્દાનો દુરૂપયોગ હોવા વિશે પણ અમો કહી શકીએ છીએ.એ બાબતમાં કોઈને શંકા હોય તેમ હું માનતી નથી," 
 હડદાજીનો બીજો બોલ પણ બાઉન્ડરી બહાર જતો જોઈને સભ્યોને તાળીઓ પાડવાનું મન થયું.પોતાના ચશ્માને ફરી નાક પર ચડાવીને બન્ને હોઠ મોમાં દબાવીને કંચન હડદાજીને જોઈ રહી.જાણે કહેતી હોય કે લ્યો બોલો હવે !!
 સોસાયટીના સભ્યો હડદાજીના નિયમો નીચે આજ દિન સુધી જીવી રહ્યા હતા.જો કે એમના પ્રમુખકાળ દરમ્યાન સોસાયટીની શાંતિ જળવાઇ રહી હતી.અને તેથી હડદાજીનું એક ચક્રી શાસન જળવાઈ રહ્યું હતું.તેઓ સોસાયટી નો દોઢેક કરોડનો વહીવટ હાંકયે જતા હતા. અને તેમની પ્રમાણિકતા ઉપર કોઈને શંકા પણ નહોતી.એટલે હડદાજી પર કંચનજી એક મોટા ગડદા સ્વરૂપે જ લાગ્યા.
   હડદાજીનું મોં સુકાઈ ગયું.બજારે નીકળતા કેટલાક બહારના લોકો પણ કંચનનું લેક્ચર સાંભળવા ઉભા રહી ગયા.શાકવાળી મંછુ તો પૂતળું જ બની ગઈ  જાણે !!  હડદાજી નું ધ્યાન એની ઉપર પડ્યું. કંચન ઉપર ચડેલી દાઝ ઉતારવાનું ઠેકાણું એમને જડી ગયું.વળી બધાની હાજરીમાં પોતાનો જે દાવ થઈ રહ્યો હતો એ જોઈને ક્યાંક આ મંછુડી પર પોતે જે પ્રભાવ જમાવી રહ્યા હતા એ ક્યાંક ઓસરી ના જાય એવી બીક પણ લાગી !!
  " એ...ય મંછલી,હાલતીની થા.. આંય તારા બાપનો બંગલો હોય ઇમ ખોડાઈ રહી સો તે!  હાળી હલકી જાત,ઉતારના પેટના, ભાગ અહીંથી"
  છેલ્લા શબ્દો બોલતી વખતે કંચન સામું  જોયું.
 " દાદા, તમને જિમ ફાવે  ઇમ સવ ની વસમાં અમને  વઢશો નઈ હો ! બોલતા તો સવને આવડે. જરીક આ બુન બોલતા'તા તી હું ઉભી'તી અને આ બીજા બધાય ઉભા સે, ઇ માં  બાપ સમાં શીના જાવ સો, શાક તો હંધાયની પેલા તમારી ઘરે જ પોગાડવી સવી, અન તમી આ બુન ને શાક વેસવા ની ના પાડો સો તોય મેં કોઈ ને કીધું નથી. નો ગમતું હોય તો આ હાલ્યા અમી, એ... હાલો. શાક આ....યુ ઉ..." કહેતી મંછુએ ચાલતી પકડી.
 ' જુઓ, એમ કોઈ ગરીબને ઉતારી પાડવાથી મૂળ પ્રશ્ન ઉકેલાઈ જશે એમ હું માનતી નથી..."
 કંચન પોતાના ધનુષ્ય પર લાંબી વાણી નું બાણ ચડાવે તે પહેલાં જ એનું તીર કામઠું આંચકી લેતા હોય તેમ હડુદાજી ગરજયા. અને તેમને ગરજવું જ પડે તેમ હતું. પ્રમુખ જો હતા તો !!
 " તો તમે શું માનો છો હે ? બાયું માહણ થઈને ચયારના અમ વડીલો હામે લવારા કરો સો તી ? બન્ને સાઈડના બંગલા ખરીદીને વચ્ચેવાળા માણસોનું જીવવું હરામ કરી દીધું છે તમે લોકોએ, અને એક જ પુરુષ હારે ઘર માંડીને તમારી જાતને તમે શું હમજો છો, હેં ? જો ભાઈ અમને આ પરવડતું નથ્થ, સોસાયટી નક્કી કરે એ કાયદા તમારે પાળવા જ પડશે નહિતર.." 
    હડદાજી નહિતર પછીનો ચિતાર રજૂ કરે તે પહેલાં જ અત્યાર સુધી મૂંગી બેઠેલી ડબ્બલની જૂની પત્ની તાડુંકી., " નહિતર ? શુ હેં ? બોલ્ય ને ડોહાં બોલ્ય ને !  જો બે બંગલા કઈ તમારા બાપના નથી,અને સોસાયટી બોસાયટી ગઈ તેલ લેવા, તું પરમુખ હો તો તારા ઘરનો, બવ વાયડીનું કોઈએ નો થાવું, કઈ દવ સુ હા, અને એક જ ધણી હારે બેય જણી રેવી કે નો રેવી ઇ અમારા ઘરનો પર્સન ( પ્રશ્ન)  સે ઈમાં તમારા બાપનું કાઈ અમે બગાડ્યું નથી હા, લાખ્ખુ રૂપિયા ગણી દીધા સે બંગલાના મારા ધણીએ, તે તમારા જેવા નડતરની દયા ઉપર જીવવા હાટુ નઈ હા, જો તમને હંધાઈને કય દવ સુ, ગાડીયું સે તે અમારા ઘણીની સે.ઓધા ડબલ ને તમે હજી ઓળખતા નથી , મહેરબાની કરીને ઇની હડફેટે નો સડતાં કઈ દવ સુ હા, અમે સીધી રીતે જ જીવવી સવી, કોઈના ઘરે બટકું રોટલો માંગવા નથ આયા, અન કોય ને કનડવા'ય નથ આયા. અમને વેંત નમશો તો અમે હાથ નમશું, બાકી કોઈ વાયડીનું થાતા ની હા, હાલ્ય કંચન ઘર ભેગી થા, આ શિયાળીયા ભલે ભેગા થઈને સાવજને કાઢવા નું તરકટ કરી લેતા !" જાડા ઘોઘરા અવાજવાળી, બેઠી દડીની ઓધવજી ની પહેલી બીબીએ હડદાજીનો હડિયો જ જાણે જે ટીચી નાખ્યો.ડબ્બલ ભાર્યાઓ મિટિંગનું અચ્યુતમ કેશવંમ કરીને ઘર ભેગી થઈ ગઈ. મિટીગમાં સન્નાટો છવાઈ ગયો.સભ્યો માટે આ પ્રહાર મૂર્છિત કરનારો ઠર્યો.સૌ એકબીજાની સામું મોં વકાસી ને જોઈ રહ્યા.કેટલાક  હડદાજીની દશા જોઈ મૂછમાં હસી રહયા." ઠીક ઘા માં આવ્યો હાળો હડદો"
 "ઠરાવ કરો ઠરાવ, આપણે કેસ ઠોકશું, આવા નાલાયક માણસો સોસાયટીમાં ચ્યમ ચલાવી લેવાય ! " આખરે ઉપપ્રમુખે શાંતિનો ભંગ કર્યો. મંત્રી મગનલાલ પણ હડુદાની વ્હારે આવ્યા, " જુઓ ભાઈઓ આ પ્રશ્ન માત્ર હડુદાજીનો નથી,આપણને સૌને મન ફાવે તેમ બોલી જનાર આ સ્ત્રીઓને આપણે સબક શીખવવો જ પડે.કાલ ઉઠીને આ બયરા આપણને બાર નહિ નીકળવા દે.સોસાયટીના કામ હાટુ દાદાએ રાત દી નથી જોયા,આજે આપણે સૌએ એમની પડખે ઉભા રેવાની ફરજ છે,એમના ઉપકારોનો બદલો વળી આપવાની આ તક આપણે જતી કરવી ના જોઈએ , શુ કો છો બધા !"
  "હા હા સાવ હાચી વાત છે,આપણે બધા હડદાજીની સાથે જ છીએ". હંમેશા આગેવાનોની હા માં હા મેળવનાર સભ્યોએ પોતાના ઘેટાં સ્વભાવ મુજબ હોંકારા કર્યા..
  
  હવે હડદાજીના જીવ માં જીવ આવ્યો. સાલ્લુ આ ડબલા આટલા બધા ખખડશે એની એમને જરાય ખબર નહોતી.તે દિવસે ઓધવજી ડબ્બલ સામે હડદાજીને સોસાયટીની શાંતિ જાળવવા માટે યોગ્ય પગલાં લેવાની તમામ સત્તા આપતો ઠરાવ પસાર થયો. જાણે કે ઇરાક સામે અમેરિકાએ યુનો માં ઠરાવ પસાર કર્યો હોય તેમ!!
  ***** ***     *****     **    *******
 હડુદા હવે સુંદરવન નામની દુનિયાના જ્યોર્જ બુશ હતા. સોસાયટીના ઠરાવ નામનો અણુ બૉમ્બ એમના કબ્જામાં હતો અને ઓધજી નામના સદ્દામ ઉપર ગમે ત્યારે ઠોકવાની સત્તા પણ હતી.ગમે તેમ કરીને ઓધજી ડબ્બલને હાફ કરીને સોસાયટીમાંથી તગેડી મુકવાની યોજના તેમને આખી રાત પડખા ઘસીને અને પીઠમાં ઉગેલી ખૂંધને ખજવાળી ખજવાળીને તૈયાર કરી. વહેલી સવારે તેઓ શાંતિથી ઊંઘી ગયા.
  બીજો આખો દિવસ હડદાજી ગંભીર રહ્યા. મછું ની લારી પર શાક લેવા પણ ગયા નહિ.બન્ને તરફના બંગલાઓ જાણે બોંબથી ઉડાવી દેવાના હોય તેવી ધારદાર નજરે તેમણે અનેક વાર જોયા.કેટલાક ફોન કર્યા.બપોર પછી બે કલાક બહાર જઈ આવ્યા. છેક સાંજે સાવ હળવા ફૂલ બનીને હીંચકા પર બેસીને મોટા મોટા હીંચકા ખાવા લાગ્યા. એમનો પ્લાન બીજા દિવસે સવારમાં અમલમાં મુકવાનો હતો.
  બીજા દિવસે સવારે આઠ વાગ્યે પોલીસ ઇન્સ્પેકટર વાઘેલાની જીપ સુંદરવનમાં ઓધજી ડબલના ઘર પાસે આવીને થોભી.અંદરથી બે ફોજદાર અને વાઘેલા સાહેબ ઠેકડા મારીને ઉતર્યા.હડુંદાએ હીંચકાને થોભાવ્યો અને છાપું તથા ચશ્મા એકબાજુ મૂકી ઢીંચણ પર હાથનું દબાણ આપીને ઉઠ્યા.ઇન્સ્પેક્ટરને ઓધજી ઘર ઇશારાથી બતાવીને આગળનો ખેલ જોવા ખોડાઈ ગયા.
 " ઓ હો હો હો....ઓ હો હો.... વાઘેલા..આવ..આવ..આવ..આવ...!"અંદરથી  ઓધજી ડબ્બલ ગાંગર્યો. જાણે કૂતરાને બોલાવતો હોય એમ જ ઓધજીએ વાઘેલા આણી મંડળીને આવકારી !
   હડુદાજીનું આમોઘ શસ્ત્ર જાણે કે સાવ બુઠ્ઠું થઈ ગયું.આ વાઘેલો કેટલીયવાર પોતાને ત્યાંથી રૂપિયા અને ભેટ સોગાદોના કોથળા ભરી ગયેલો. ઓધજીને કોઈ ગોટાળા સંદર્ભે ફિટ કરી દેવાના પ્લાન માં પુળી તો ત્યારે મુકાઈ જયારે અડધી કલાક પછી ઓધવજી હડુદાની નજર સામે જ વાઘેલાને ગળે વળગ્યો ! અને દાટ તો ત્યારે વળી ગયો જ્યારે ઓધજીએ  હડુદાને કાળજે વાગે એવા શબ્દો સંભળાવ્યા, "જો આવજે હો ભાઈ, જોતું કરતું કેવરાવજે હો તું તારે ! ચ્યમ ના બોલ્યો ? અને કોઈ ઘયડું માનચ ભાન ભુલ્યું હોય તો થાય ઇ તો, ચ્યમ ના બોલ્યો ? હે હે હે "  કહીને ઓધજીએ હડુદાજી સામે આંખ મિચકારી.હડદાજી નો જાણે હડિયો જ ટીચાઈ ગયો.
  હડુદાએ ઘણા દિવસો સુધી બીજા પેંતરા વિચાર્યા કર્યા.પોતાનું અમોઘ શસ્ત્ર સાવ બુઠ્ઠું નીકળ્યું હતું.પણ જ્યારે એમને જાણ થઈ કે નાના દીકરાના જયનું એડમિશન પચાસ હજાર ડોનેશન દેતા પણ મળે તેમ નહોતું એ એડમિશન ઓધજીના એક ફોનથી મળી ગયું ! મોટા દીકરાએ મંગાવેલ માલસામાન વિજિલન્સ ખાતાવાળાએ એટલા માટે "પતાવટ" કરીને છોડી દીધો કારણ કે એ માલ ઓધજી ડબલના પડોશીનો હતો !! નાના ની વહુને પેટનો દુખાવો ઉપડ્યો ત્યારે ડોકટરે એક પણ રૂપિયો ફી લીધા વગર તાત્કાલિક સારવાર  કરી આપી કારણ કે ઓધવજી ડબલની ભલામણ હતી. અને દર રવિવારે બન્ને સાઈડના બંગલામાંથી આવતી અવનવી ચટપટી વાનગીઓ વગર ખુદ હડદાજીને પણ ચાલતું નહિ. આજુબાજુમાં બનતી વાનગીઓની સુગંધ માત્રથી એમના દાંતના ચોગઠા માંથી રસ ઝરવા માંડતો.
  આવા "ચારા માનચ" ઓધજી ડબલને હાફ કરવાનો હોય ?? (નહિતર પણ ક્યાં આપણાંથી થાય તેમ છે !!) હડુદાએ યુદ્ધવિરામ જાહેર કરીને સમાધાન કરી નાખ્યું. જાણે કે બાંગ્લાદેશે ભારતને માફ કર્યું !!
                               
  


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED