નિશીથ નું નામ સાંભળી ને બીના ના ચેહરા ની ક્ષણિક ચમક ની નોંધ અભિમન્યુ દ્વારા લેવાઈ ગઈ હતી અને હવે આગળ શું કરવું તે બાબતે વિચાર કરવા તે અમિતાભ ને મળવા હોસ્પિટલ એ પહોંચી ગયો હતો. હવે વાચો આગળ.
_________
તે જ દિવસ નાં બપોર ના અઢી વાગ્યા છે, અને અમિતાભ તથા અભિમન્યુ એ ભોજન પતાવી લીધું છે. જ્યાર થી અમિતાભ ને ગોળી વાગી હતી અને તેને હોસ્પિટલ માં દાખલ કરાયો હતો ત્યારથી તે અને અમિતાભ હોસ્પિટલમાં સાથે જમતા હતા. અભિમન્યુ દરરોજ સવાર અને સાંજ અમિતાભ માટે ગરમા ગરમ ટિફિન લઈ ને જતો હતો.
જમી લીધા બાદ અભિમન્યુ એ સવારે બધા લોકો જોડે થયેલી વાતચીત અને તેના દ્વારા કઈ જ હાથ માં ના આવ્યું હોવાનું અમિતાભ ને જણાવ્યું. અને થોડી વાર થોભ્યા બાદ તેણે નિશીથ નું નામ સાંભળ્યા બાદ બીના નાં ચેહરા પર ની ક્ષણિક ચમક વિશે પણ અમિતાભ ને વાત કરી.
અભિમન્યુ ની પૂરી વાત સાંભળ્યા બાદ અમિતાભ એ કહ્યું, " તો અભિમન્યુ, તારા મતે હવે આપણે શું કરવું જોઈએ?"
અભિમન્યુ એ કહ્યું, "સર, મારા મતે આપણે આપણા ખબરીઓ ને બીના તથા વિનોદ પરિવાર ની ઉપર નજર રાખવા નું કહી દેવું જોઈએ. રાશી ના કુટુંબીઓ પર તો આપણે નજર રાખી જ રહ્યા છીએ. જો આપણી શંકા કે બંને પરિવારો ને કંઇક કનેકશન હોવું જોઈએ, થોડી ઘણી પણ સાચી હશે તો સો ટકા આપણને કંઇક પરિણામ મળશે."
અભિમન્યુ ની વાત અને તર્ક સાંભળી રહ્યા બાદ અમિતાભ બોલ્યો, "શાબાશ અભિમન્યુ, હું પણ બરાબર આવું જ વિચારી રહ્યો હતો. તો આજ થી જ આપણા ખબરીઓ ને બીના અને વિનોદ પર નજર રાખવા નું કહી દે. અને જો કઈ પણ નાની મોટી ઘટના બને કે તરત જ આપણને જાણ કરવા નું કહી દે. તેમજ સરલા અને કવિતા ના પરિવાર પર નજર રાખી રહ્યા છે તે આપણા કોન્સ્ટેબલો ને પણ આ વાત જણાવી દે." ત્યારબાદ આમ તેમ ની થોડી વાતો કર્યા બાદ અભિમન્યુ હોસ્પિટલ એ થી પોલીસ સ્ટેશન જવા રવાના થઈ ગયો. ત્યાં પહોંચી ને તરત જ તેણે તેના ખાસ ખબરી રઘુને બીના તથા વિનોદ પર નજર રાખવા માટે કહી દીધું. અને સરલા તથા કવિતાના ઘરે નજર રાખી રહેલા કોન્સ્ટેબલોને પણ આ વાત જણાવી દીધી અને ખાસ સૂચના આપી કે કંઈપણ નવી જૂની કે નાની મોટી કોઈ ઘટના બને કે તરત જ મને જાણ કરે.
__________
અભિમન્યુ દ્વારા બીના અને વિનોદ પર નજર રાખવા ની ઘટના ને એક અઠવાડિયું વીતી ગયું હતું. ત્યાં સુધીમાં તો કોઇ ઘટના ન બની. પરંતુ એક દિવસે ખબરી રઘુ નો અભિમન્યુ પર ફોન આવ્યો કે ઋષિકેશના મમ્મી બિના અને રિધિમા ના પપ્પા નિશીથ એક કાફે માં મળ્યા હતા. અભિમન્યુને આ વાત થોડી વિચિત્ર જણાઈ. કારણ કે બીના અને વિનોદ તથા રાશિના પરિવારના જણાવ્યા મુજબ તેઓ એકબીજાને ઓળખતા ન હતા તો પછી બીના અને નિશીથ શા કારણથી મળ્યા હશે?
અભિમન્યુએ ક્ષણભરનો પણ વિલંબ કર્યા વગર તરત જ બીના તથા નિશીથ ને પોલીસ સ્ટેશનમાં બોલાવ્યા. તેમના જ મુખે સાચી વાત શું છે તે અભિમન્યુ જાણવા માગતો હતો. થોડીવારમાં જ બંને અભિમન્યુ ની સામે બેઠા હતાં. અભિમન્યુ એ વાતને આમ તેમ ફેરવ્યા વગર સીધું જ બન્ને ને પૂછી નાખ્યું કે તેઓ શા કારણથી એકબીજાને મળ્યા હતા?
અભિમન્યુ ની વાત સાંભળી બીના એ બોલવાનું શરૂ કર્યું, "સર, તે દિવસે આપના મુખેથી નિશીથ નું નામ સાંભળ્યા બાદ હું થોડી ચમકી હતી કારણકે હું જ્યારે હાઇસ્કૂલમાં અભ્યાસ કરતી હતી ત્યારે મારા બેસ્ટ ફ્રેન્ડ નું નામ પણ નિશીથ પટેલ હતું પરંતુ ત્યારે હું શ્યોર ના હતી. આથી થોડા દિવસો પહેલા મેં ડિક્શનરીમાં થી નિશીથ નો નંબર મેળવી તેને પૂછ્યું કે શું તે તેજ નિશીથ પટેલ છે અને મારા આશ્ચર્ય વચ્ચે આ નિશિથ તે જ મારો જૂનો ખાસ મિત્ર નિશીથ પટેલ હતો."
આટલું બોલ્યા બાદ બીના થોડું અટકી અને ફરી પાછું બોલવાનું શરૂ કર્યું, "પચીસ વર્ષ બાદ અમે એકબીજાને મળી રહ્યા હતા આથી અમે બંને એ એક કાફેમાં મળવાનું નક્કી કર્યું આમ તો આટલા બધા વર્ષો બાદ મળવાની ખુશી હતી પરંતુ અત્યારે અમે જે પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છીએ તે જોતા અમે બંને એકબીજાને આશ્વાસન આપી અને થોડી ઘણી આમ તેમ વાતો કરી અને છૂટા પડયા હતા."
બીના ની વાત પૂરી થઈ રહ્યા બાદ નિશિત પણ બોલ્યો, "સર, બસ આ જ વાત હતી આટલા વર્ષો બાદ અમે બંને મળ્યા અને રૂબરૂ મળવા માટે કાફે માં ગયા હતા. કારણકે હાલ ની સ્થિતિ જોતા એકબીજા ના ઘરે મળવા નું અમને યોગ્ય ના લાગ્યું. પરંતુ તે વાતને અને અમારા સંતાનોના અપહરણના કેસને શું લાગે વળગે છે?"
બીના અને નિશીથ ની વાત સાંભળી રહ્યા બાદ અભિમન્યુ પણ પોતાની જાતને એ જ સવાલ કરી રહ્યો હતો કે આ વાતને અપહરણના કેસ સાથે શું લાગે વળગે છે, પરંતુ હાલમાં કંઈ જ કહી ન શકાય તેવું પોતાની જાતને આશ્વાસન આપી તેણે બિના અને નિશીથ ને રવાના કર્યા.
એક વાત તો નક્કી હતી કે આ બધા જ અપહરણના કેસ ને ક્યાંકને ક્યાંક ભૂતકાળ સાથે સંબંધ છે પરંતુ તે શું છે તે કડીઓ અને તેનો તાગ હાલમાં મળી રહ્યો ન હતો.
વિચારોમાં ખોવાયેલા અભિમન્યુ નો મોબાઇલ રણકી ઉઠ્યો અને ફોનમાં જે સમાચાર સાંભળ્યા ત્યારબાદ અભિમન્યુ નો ચહેરો ખીલી ઉઠ્યો કારણકે ઇન્સ્પેક્ટર અમિતાભ પંડિતને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપી રહ્યા હતા. ક્ષણવાર નો યે વિલંબ કર્યા વગર અભિમન્યુ તરતજ હોસ્પિટલ પહોંચી ગયો. ડિસ્ચાર્જની તમામ ફોર્માલીટી પતાવ્યા બાદ અભિમન્યુ અમિતાભને તેના ઘરે મૂકી આવ્યો. અભિમન્યુએ તેના પોતાના ઘરે કામ કરતા નોકરને ખાસ અમિતાભની દેખરેખ માટે અમિતાભ ના ઘરે કેટલાક દિવસ રોકાવા માટે ની ખાસ સુચના આપી દીધી. કારણકે ડોક્ટરની સલાહ મુજબ હજુ થોડા દિવસ અમિતાભને બેડરેસ્ટ ની ખાસ જરૂર હતી.
__________
અમિતાભને ડિસ્ચાર્જ આપ્યાના બીજા દિવસે બપોરે અભિમન્યુ અમિતાભ નાં ઘરે જમવાનું લઈને આવ્યો હતો જમતા જમતા બને નિશીથ અને બીના મળ્યા હતા તે વાત ચર્ચી રહ્યા હતા.
અમિતાભની આંખોમાં ચમક આવી અને તે બોલ્યો, "હું નોતો કહી રહ્યો અભિમન્યુ કે નક્કી આ કેસના મૂળિયા આ બંને પરિવારના ભૂતકાળમાં જ ક્યાંક છુપાયેલા છે, બસ હવે આપણે તે મૂળિયા ને જડ સહિત ઉખાડવા નાં છે અને તેમાં જ આપણને આપણા બધા સવાલો ના જવાબ મળશે. ત્યાર બાદ આગળ શું કરવું તેની થોડી ચર્ચા કરી અભિમન્યુ પોલીસ સ્ટેશન જવા નીકળી ગયો.
તે જ દિવસે રાત્રે દસેક વાગ્યા હશે અને અભિમન્યુ સુવા ની તૈયારી કરી રહ્યો હતો. જો કોઈ ઇમરજન્સી કે કેસ ના હોય તો અભિમન્યુ રાત્રે વહેલો સૂઈ અને સવારે પાંચ વાગ્યે ઊઠી જતો હતો. સવારે કસરત, પ્રાણાયામ, અને યોગાસન કરવા એ અભિમન્યુ નો નિત્ય ક્રમ હતો.
હજુ અભિમન્યુ સુવા માટે જઈ જ રહ્યો હતો ત્યાં જ તેનો મોબાઈલ રણકી ઊઠ્યો. પરંતુ આ વખતે સામેથી જે ખબર જાણવા મળી તેનાથી અભિમન્યુ ના ચહેરા પર ગુસ્સો, ચિંતા અને નિરાશાથી યુક્ત એવા મિશ્ર ભાવો જોવા મળી રહ્યા. રિધીમા પર નજર રાખી રહેલા કોન્સ્ટેબલ નો ફોન હતો કે રીધિમા ગુમ છે અને સંભવતઃ તેનું અપહરણ થઈ ગયું છે.
ક્ષણવાર નો એ વિલંબ કર્યા વગર અભિમન્યુ રીધીમા ના ઘરે પહોંચી ગયો ત્યાં જઈને તેણે જોયું કે નિશીથ, સરલા, કવિતા અને ઋષિ બધા જ રડી રહ્યા હતા અને કોણ કોને સંભાળે તે સહુથી મોટો સવાલ હતો.
અભિમન્યુ ને જોઈ નિશીથ બરાડી ઉઠ્યો, "હવે આપ અહીં શા માટે આવ્યા છો? મે આપ સહુને પહેલાથી જ કહ્યું હતું કે તમારું કંઈ જ કામ નથી. પોલીસ અત્યાર સુધી કંઈ કરી શકી નથી. પહેલા રાશિ અને હવે મારી દીકરી રિધીમા..." આટલું બોલતા બોલતા નિશીથ પડી ભાંગ્યો અને પોતાની જાતને ના સંભાળી શકતા ત્યાં જ નીચે પડી ગયો. નિશીથ ને હૃદયરોગનો હુમલો આવ્યો હતો આથી સમયની ગંભીરતાને સમજી અભિમન્યુએ તરત જ એમ્બ્યુલન્સ ને બોલાવી અને તાત્કાલિક નિશીથ ને હોસ્પિટલ મોકલી આપ્યો. સાથે પોતાની જોડે આવેલા એક કોન્સ્ટેબલ ને અને તેની પત્ની સરલા ને પણ હોસ્પિટલ માં મોકલ્યા.
હાલમાં કોઈને કંઈ પણ સવાલ કરવા અભિમન્યુને યોગ્ય લાગ્યું ન હતું આથી તે પહેલા કોન્સ્ટેબલ તરફ વળ્યો અને તેની સામે ગુસ્સાથી જોઈ અને પૂછ્યું, "મેં તને ચોવીસ કલાક તેની સાથે રહેવાનું કહ્યું હોવા છતાં તેનું અપહરણ થયું કઈ રીતે?"
કોન્સ્ટેબલ પણ પોતાની ભૂલ ને સમજી રહ્યો હતો. તેણે કહ્યું, "સર, આપના કહેવા મુજબ હું રિધિમા પર સતત નજર રાખી રહ્યો હતો. રોજની જેમજ આજે પણ રિધીમા ટ્યુશન ક્લાસ પરથી સાંજે પોણા આઠ વાગ્યે આવી ગઈ હતી અને ત્યારબાદ તે સામાન્ય રીતે ઘરે જ રહેતી હોય છે અને પછી સીધી સવારે સાડા સાત વાગ્યે શાળાએ જવા માટે નીકળે છે. આમ તો હું પણ રોજ રાત્રે તેના ઘરની બહાર જ બેસતો હોવ છું પરંતુ આજે મારી પત્નીની તબિયત સારી ન હોવાથી આઠેક વાગ્યે અચાનક મારે ત્યાં જવાનું થયું. દોઢેક કલાક થઈ હશે અને સાડા નવ આસપાસ હું પાછો આવ્યો. આવીને મેં જોયું તો રિધીમા નું સ્કુટી ઘરમાં ન હતું. આથી મને શંકા જતા મેં ઘરમાં ડોરબેલ વગાડી અને પૂછ્યું તો મને જાણવા મળ્યું કે રિધીમા તેની બહેનપણી પ્રિયા નાં ઘરે એક અસાઇનમેન્ટ લેવા માટે ગઈ હતી પરંતુ હજુ સુધી પાછી આવી ન હતી. આથી મેં તરત જ પ્રિયાના ઘરનું એડ્રેસ લઈ ત્યાં ગયો પરંતુ ત્યાં મને પ્રિયાએ જણાવ્યું કે રિધીમા તો એક કલાક પહેલાં જ મારે ત્યાં આવી અસાઈનમેન્ટ લઈ અને નીકળી ગઈ હતી. આથી મને શંકા જતા સૌપ્રથમ રિધીમા નાં પરિવારમાં અને ત્યારબાદ આપને સમગ્ર ઘટનાની જાણ કરી."
કોન્સ્ટેબલની સમગ્ર વાત સાંભળી રહ્યા બાદ અભિમન્યુને ખૂબ જ ગુસ્સો આવી રહ્યો હતો પરંતુ કોન્સ્ટેબલ પર ગુસ્સો ઉતારવો યોગ્ય ના હતું. આથી પોતાના ગુસ્સા ને કાબૂ માં લઈ ને તે પોતાના ઘરે જવા નીકળ્યો. હવે અત્યારે રાત ઘણી થઇ ચૂકી હતી. પોણા અગિયાર વાગવા આવ્યા હતા. આથી અત્યારે અમિતાભ ને આ વાત કરી અને તેને ચિંતા માં મૂકવા માગતો ના હતો, આથી તેણે સવારે જ અમિતાભ ને જાણ કરવા નું યોગ્ય સમજ્યું.
પોલીસ કંટ્રોલરૂમમાં રિધીમા ના ગુમ થયાની જાણકારી તેમજ અન્ય ફોર્માલિટી પતાવવામાં રાતના બાર વાગી ગયા હતા આથી રિધીમા ની બહેનપણી પ્રિયા ને મળવાનું સવાર પર રાખી અભિમન્યુ તેના ઘરે ગયો હવે ઊંઘ આવવાનો સવાલ જ ના હતો તેમ છતાં આંખો બંધ કરી અને વિચારોમાં ખોવાઈ ગયો.
__________
બીજે દિવસે સવારે સહુ પહેલાં તો અભિમન્યુ પ્રિયાના ઘરે પહોંચી ગયો અને તેને પૂછ્યું કે ગઈકાલે રાત્રે શું થયું હતું.
પ્રિયાએ કહ્યું, "સવા આઠ આસપાસ રિધીમા મારા ઘરે આવી હતી અને એક અસાઇનમેન્ટ કે જે અમારે સ્કૂલમાં તાત્કાલિક જમા કરાવવાનો હોવાથી કોપી કરવા માટે લઈ ગઈ હતી. બસ તેણે મારી પાસે અસાઇનમેન્ટ માગ્યો અને મેં તેને આપ્યો અને ત્યારબાદ તે તરત જ ઘરે જવા માટે નીકળી. આમ પણ ઘણું મોડું થઈ ગયું હતું આથી મેં તેને રોકી નહી. રાત નાં પોણા દસ આસપાસ કોન્સ્ટેબલ સર મારી ઘરે આવ્યા અને મને રિધીમા વિશે પૂછપરછ કરી ત્યારે મને જાણ થઈ કે મારી બેસ્ટ ફ્રેન્ડ રિધીમા નું અપહરણ થઈ ગયું છે આટલું બોલતા બોલતા પ્રિયાની આંખોમાં આંસુ આવી ગયા.
પ્રિયાની વાત સાંભળી રહ્યા બાદ અભિમન્યુ તેના ઘરથી થોડે દૂર ગયો અને આમ તેમ નજર ફેરવી રહ્યો તેણે જોયું કે પ્રિયાના ઘરે થી રિધીમા નાં ઘર નું અંતર માંડ દશેક મિનિટ જેટલું હશે અને થોડીવારમાં જ તેણે રસ્તામાં રહેલા બે થી ત્રણ સીસીટીવી કેમેરા શોધી કાઢ્યા અને તાત્કાલિક તેના ફૂટેજ લઈ અને પોલીસ સ્ટેશન તરફ જવા રવાના થયો. તેણે વિચાર્યું કે પોલીસ સ્ટેશન જઈ સૌપ્રથમ અમિતાભ સર ને આ તમામ માહિતીથી વાકેફ કરીશ અને ત્યારબાદ સીસીટીવી ફૂટેજ જોઈશ. જરૂર તેમાંથી કંઇક કામની માહિતી હાથમાં લાગશે જ.
__________
આમને આમ પોતાની જાત સાથે વાત કરતાં કરતાં અભિમન્યુ પોલીસ સ્ટેશન પહોંચ્યો. અંદર જતા જતા ઘડિયાળમાં નજર નાખી તો સાડા દસ નો સમય બતાવી રહ્યા હતા. અંદર જતા જ તેણે જોયું કે એક કોન્સ્ટેબલ ચા ના બે કપ લઈ અને અમિતાભ સર ની ચેમ્બર માં જઈ રહ્યો હતો. આશ્ચર્ય ચકિત એવા અભિમન્યુએ ઉતાવળથી તે તરફ પગલાં ભર્યા અને અંદરનું દૃશ્ય જોઈ અભિમન્યુ આશ્ચર્યની સાથે હર્ષ મિશ્રિત ભાવ સાથે બોલી ઉઠ્યો "અરે, અમિતાભ સર આપ!"
અમિતાભ તેની ચેર પર બેઠો હતો અને સામેના ટેબલ પર પગ લંબાવ્યા હતા અભિમન્યુ ને જોઈ અમિતાભના ચહેરા પર પણ હર્ષ અને ઉત્સાહ ના ભાવ ખીલી ઉઠ્યા, "આવ આવ અભિમન્યુ, હું તારી જ રાહ જોઈ રહ્યો હતો ઘણા સમય પછી તારી સાથે મારી ચેમ્બરમાં ચા પીવાની તક હાથ લાગી છે."
અભિમન્યુ કંઈ જ બોલી ના શક્યો અને તેની આંખોમાં હરખના આંસુ આવી ગયા. તે તરત જ અમિતાભની સામે પડેલી ચેર માં બેસી ગયો. બંનેએ ચા પીધી. અભિમન્યુ નએ પૂછ્યું, "સર, આમ અચાનક જ? ડોક્ટરે તમને આરામ કરવાનું કહ્યું છે ને."
અમિતાભ અભિમન્યુ ની ચિંતા ને સમજતા બોલ્યો, "હા અભિમન્યુ, મને ખ્યાલ છે. પરંતુ આટલા દિવસો આરામ કર્યા બાદ સાચું કહું તો હવે મારું મન લાગતું ન હતું. આથી મને થયું કે આરામ જ કરવો છે તો પોલીસ સ્ટેશન જઈને કરું, એ બહાને વાતાવરણ પણ બદલાશે થોડું ઘણું કામ કરીશ તો મને પણ સારું લાગશે."
અમિતાભની વાતને સાંભળી રહ્યા બાદ અભિમન્યુ વિચારી રહ્યો હતો કે તેને રિધીમા નાં અપહરણ વિશે જાણ કરે ત્યાં જ અમિતાભ બોલ્યો, "અને આમ પણ એક વધુ અપહરણના સમાચાર સાંભળ્યા બાદ મારાથી ઘરે રહી અને આરામ કરવો શક્ય ના હતો."
અમિતાભની વાત સાંભળી ને અભિમન્યુ ના કાન ચમક્યા. અમિતાભે વાતને આગળ વધારી, "અભિમન્યુ, મને ખબર છે કે રિધીમા નું પણ અપહરણ થઇ ગયું છે. અને તે અપહરણ પણ આપણા સસ્પેકટ એવા પેલા દાઢી, ચશ્મા અને ટોપી ધારી વ્યક્તિ એ જ કર્યું છે."
અભિમન્યુ ને વધુ આશ્ચર્ય થયું કે અમિતાભ ને આ બધી વાતોની ખબર કેવી રીતે પડી. અભિમન્યુના આશ્ચર્યને સમજતો હોય તે રીતે અમિતાભે ખુલાસો કર્યો, "જ્યારથી આપણે બીના અને નિશીથ એકબીજાને ઓળખવા ની સંભાવના વિશે વાત થઇ હતી તે દિવસથી જ મેં મારા ખબરી મુન્ના ને રિધીમા ની પાછળ ખાસ તેનું ધ્યાન રાખવા માટે લગાવ્યો હતો. આ વાતની જાણ મેં તને કરી ન હતી. ગઈકાલે જ્યારે રિધીમા નું અપહરણ થયું ત્યારે મારો ખબરી તેની પાછળ જ હતો. પ્રિયા ના ઘરેથી પોતાના ઘર તરફ જતા જ્યાં વળાંક આવે છે તે વળાંક પાસે જ અંધારું અને એકલતાનો લાભ લઇ કિડનેપર એ રિધીમા નું સ્કુટી રોકી અને પોતાની ગાડીમાં બેસાડી લીધી હતી. મારો ખબરી મુન્નો આ બધું જોઈ રહ્યો હતો, હજુ તો મુન્નો કિડનેપર સુધી પહોંચે અને તેને રોકે તે પહેલાં તો કિડનેપર રિધીમા ને ગાડીમાં બેસાડી ભાગી ચૂક્યો હતો. મુન્નાએ તે ગાડીના નંબર પણ નોંધી લીધા હતા પરંતુ મને સો ટકા ની ખાતરી હતી કે દર વખતની જેમ આ વખતે પણ કિડનેપર એ ખોટા નંબર જ રાખ્યા હશે, તેમ છતાં મેં આરટીઓમાં તે બાબતની પૂછપરછ કરેલી અને મારી શંકા સાચી પડી. એ ઉપરાંત મુન્નાએ કન્ફર્મ કર્યું છે કે તે કિડનેપર છ ફીટ ની હાઈટ, માથે ટોપી, અંધારામાં પણ કાળા મોટા ગોગલ્સ અને સફેદ દાઢી ધરાવતો હતો. હું ક્ષણવારમાં જ સમજી ગયો કે કિડનેપર એ પોતાનું કામ સફળતાથી પાર પાડ્યું છે અને ફરી વખત આપણને હાથતાળી આપી ગયો છે."
અમિતાભ ની બધી વાત સાંભળી રહ્યા બાદ થોડો સમય બંને એક બીજા સામે તાકી રહ્યા જાણે એકબીજા ને પૂછી રહ્યા હોય કે હવે આગળ શું?
__________
આખરે જે વાત ની બીક હતી તે જ થયું અને રિધીમા નું અપહરણ થઈ ગયું. અભિમન્યુ અને અમિતાભ હવે આગળ શું કરશે?
શું કેવિન અપહરણ કેસ ક્યારેય સોલ્વ થશે?
બીના અને નિશીથ નાં ભૂતકાળ માં એવું કોઈ રહસ્ય હશે જેના મૂળ માં આ કેસ નું સમાધાન છુપાયેલું હોય?
આ તમામ સવાલો નાં જવાબ જાણવા માટે વાચતા રહો રહસ્ય, રોમાંચ થી ભરપૂર ધારાવાહિક "કિડનેપ" નાં આગામી અંકો માત્ર માતૃ ભારતી પર. આપના અભિપ્રાય અને સૂચનો જણાવવા માટે મને hardik.joshiji2007@gmail.com પર મેલ મોકલી આપો અથવા ૯૨૨૮૨૭૬૩૫૪ પર વોટ્સએપ પણ કરી શકો છો.