કીડનેપ - 1 hardik joshi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કીડનેપ - 1

જય હિન્દ મિત્રો,

મારી પ્રથમ નવલકથા "ખૂની કોણ?" ને આપ સહુ વાચક મિત્રો તરફ થી જે પ્રતિસાદ મળ્યો છે તે અભૂતપૂર્વ છે. મે ધાર્યું પણ નહોતું કે મારા જેવા એક સાવ જ નવા પ્રયોગશીલ લેખક ને આપ આટલા ઉત્સાહ થી વધાવી લેશો. હું ખરેખર આપ સહુ નો ઋણી છું.


આપનો મારા પ્રત્યે નો પ્રેમ અને આપણા સંબંધો ને સાહિત્ય રૂપી આ દોર થી વધુ મજબૂત બનાવવા હું આપની સમક્ષ એક વધુ રહસ્ય અને રોમાંચ થી ભરેલી નવી ધારાવાહિક "કિડનેપ" લઈ ને આવ્યો છું. આશા રાખું છું કે આ નવી ધારાવાહિક પણ આપનું મનોરંજન કરવા માં જરૂર થી પાર ઉતરશે.

___________


રાજકોટ શહેર નો દક્ષિણ ભાગ, અને પાયલ સોસાયટી ના એકસો ત્રણ નંબર ના ઘર માં કેવિન તેના મમ્મી ભૂમિકા ઉપાધ્યાય અને પપ્પા અમરીશ ઉપાધ્યાય સાથે રહેતો હતો.


શનિવાર નો દિવસ હતો. સત્તર વર્ષીય કેવિન સાંજ ના પાંચ વાગ્યે ઘરે થી હજુ ટ્યુશન માટે નીકળ્યો હશે, ત્યાં જ પાછળ થી તેના મિત્ર રાજુ એ બૂમ પાડી ને તેને રોક્યો.


કેવિન એ પાછળ ફરી ને રાજુ ને પૂછ્યું, "શું કામ છે રાજુ? જલ્દી બોલ મારે ટ્યુશન માટે મોડું થાય છે."


રાજુ એ કહ્યું, "અરે યાર આમ શું ઉતાવળ કરે છે, ચલ ને યાર ક્યાંક ફરવા જઇએ. ભણવા નું તો આખી જિંદગી છે જ."


કેવિન બોલ્યો, "યાર કેવી વાત કરશ તું, મારે આ વર્ષે બારમું ધોરણ છે અને તારે પણ બે વિષય ની પરિક્ષા આપવા ની જ છે ભૂલી ગયો? પછી વેકેશન માં ફરવું જ છે ને. ચાલ અત્યારે હું જાવ. રાત્રે મળીએ જમી ને."


આ ત્રીજી ચોથી વાર બન્યું હતું કે કેવિન રાજુ ની કોઈ વાત ને ટાળતો હોય, અને રાજુ અણગમા ભરેલી નજર કેવિન પર નાખી અને બોલ્યો, "ઠીક છે."

___________


કેવિન અને રાજુ બંને એક જ સોસાયટી માં રહેતા હતા. બંને બાળપણ થી જ એક જ સ્કુલ માં સાથે ભણ્યા હતા. રાજુ કેવિન કરતા એક વર્ષ આગળ હતો. પરંતુ તેણે તેના રખડું સ્વભાવ ના લીધે બારમા ધોરણ માં એક વર્ષ બગાડ્યું હતું. હવે કેવિન બારમા ધોરણ માં આવ્યો ત્યારે કેવિન ના મમ્મી પપ્પા નહોતા ઇચ્છતા કે રાજુ ની સંગત ની અસર કેવિન ઉપર પણ પડે, આથી તેમણે કેવિન ને રાજુ થી દુર રહેવા જણાવ્યું હતું. આમ તો કેવિન ને રાજુ ની મિત્રતા પસંદ હતી પરંતુ મમ્મી પપ્પા ની વાત માની કેવિન રાજુ થી દુર રહેવા લાગ્યો હતો.


રાત્રી ના સાડા આઠ થવા આવ્યા હતા છતાં હજુ કેવિન ઘરે નહોતો આવ્યો સામાન્ય રીતે તે આઠ વાગ્યા સુધી માં ઘરે આવી જતો હતો. સાડા પાંચ થી સાડા સાત એમ બે કલાક ના જ ટ્યુશન ક્લાસ હતા. અને ક્લાસ પણ ઘર થી માત્ર પંદર મિનિટ ના વોકિંગ ડિસ્ટન્સ પર હતા. રાહ જોતા જોતા સાડા નવ થયા. કેવિન ના પપ્પા અમરીશ અને મમ્મી ભૂમિકા થોડા ચિંતિત જણાતા હતા. રાજુ ને ઘરે જઈ આવ્યા હતા અને અન્ય મિત્રો ને ત્યાં પણ પૂછ્યું હતું. રાજુ પણ તેના ઘરે ના હતો. જ્યારે અન્ય મિત્રો ને ત્યાં કેવિન ગયો જ ના હતો.

અતિ ચિંતિત જણાતા ભૂમિકા અને અમરીશ ટ્યુશન ક્લાસ માં પૂછવા માટે ગયા. વિવેક સર કેવિન ની સ્કુલ માં જ શિક્ષક તરીકે ભણાવતાં હતાં અને બાકી ના સમય માં વિદ્યાર્થીઓ ને ટ્યુશન કરાવતા હતા. ત્યાં પણ વિવેક સર એ જણાવ્યું કે, "આજે તો ક્લાસ માં રજા જાહેર કરી હતી, મે ખુદ બધા વિદ્યાર્થીઓ ને ફોન કરી ને જાણ કરી હતી. કેવિન ને પણ મે ફોન કર્યોતો."


"શું?"વિવેક સર ની વાત સાંભળી ભય મિશ્રિત આશ્ચર્ય નાં ભાવ સાથે અમરીશ ચિંતા માં આવી ગયો.


ભૂમિકા એ કહ્યું, "ચાલો આપણે પોલીસ માં ફરિયાદ કરીએ. ક્યાંક આપણા કેવિન સાથે કઈ થઇ ના જાય."


ભૂમિકા ની વાત સાંભળી અમરીશ ના શરીર માં થી એક ભય ની ધ્રુજારી પસાર થઇ ગઇ, "કઈ નહિ થાય મારા કેવિન ને." આમ કહી ને અમરીશ સીધો પોલીસ સ્ટેશન એ જવા નીકળ્યો, અને પાછળ પાછળ ભૂમિકા પણ ચાલી.

___________


થોડી વાર માં જ અમરીશ અને ભૂમિકા પોલીસ સ્ટેશન માં બેઠા હતા. રાત ના સાડા દસ થયા હતા આથી પેટ્રોલિંગ સ્ટાફ ફરજ પર હોવાથી સ્ટેશન માં અત્યારે માત્ર એક સબ ઇન્સ્પેકટર અને ને ત્રણ અન્ય પોલીસ મેન જ હાજર હતા. સબ ઇન્સ્પેકટર વિજય હંસરાજ એ અમરીશ ની ફરિયાદ લખી. અમરીશ એ કેવિન નો ફોટો વિજય ને આપ્યો અને તેના તથા ભૂમિકા ના ફોન નંબર લખાવ્યા.

પ્રાથમિક માહિતી મેળવી લીધા બાદ વિજય એ કહ્યું કે, "આપણે આજે રાત સુધી રાહ જોઈએ કદાચ કેવિન તેની મરજી થી ક્યાંય ગયો હોય તો પાછો આવી જાય. કાલે સવારે પડતા જ અમે અમારી તપાસ શરૂ કરી દઈશું."


સવારે સાડા નવ વાગ્યે ઇન્સ્પેકટર રણવીર સિંહ ઝાલા પોલીસ સ્ટેશન માં આવ્યા અને સબ ઇન્સ્પેકટર વિજય તેની પાસે કેવિન મિસિંગ કેસ ની માહિતી લઈ ને આવ્યો. રણવીર કેસ ની ગંભીરતા ને પારખી ગયો અને વિજય ને કેસ નો પ્રોગ્રેસ પૂછ્યો.

વિજય એ કહ્યું કે, "રાત્રે જ શહેર ની બહાર ના ચેક નાકા માં કેસ ની વિગત અને કેવિન નો ફોટો સર્ક્યુલેટ કરી દેવામાં આવ્યો છે. અને અમરીશ તથા ભૂમિકા ના ફોન ને પણ સર્વેલાંસ માં નાખી દેવામાં આવ્યા છે."


વિજય ની સમય સૂચકતા અને કેસ પ્રત્યે ની સુજબુજ જોઈ રણવીર તેના વખાણ કર્યા વગર ના રહી શક્યો, "વાહ વિજય, ખૂબ સરસ. ચાલ આપણે સમય બગાડ્યા સિવાય પહેલાં તો અમરીશ ના ઘરે જ જઈએ."

___________


સવા દસ થવા આવ્યા હતા, થોડી વાર માં બંને અમરીશ ના ઘરે હતા. ભૂમિકા અને અમરીશ બંને ના રોઈ રોઈ ને ખરાબ હાલ હતા.


અમરીશ ની તરફ જોઈ રણવીર બોલ્યો, "તો મિ. અમરીશ, આપને કોઈ પર શંકા?"


અમરીશ બોલ્યો, "સર, શંકા કોના પર કરું. એક પ્રાઈવેટ એકાઉન્ટ ઓફિસ માં હું એકાઉન્ટન્ટ તરીકે કામ કરુ છું. મારી પત્ની ભૂમિકા એક એસ્ટેટ બ્રોકર એજન્સી માં પાર્ટ ટાઈમ જોબ કરે છે. એક સામાન્ય પરિવાર માં થી આવું છું. સમજાતું નથી મારી સાથે કોઈ ને શું દુશ્મની હોય શકે, અને મે કોઈ નું શું બગાડ્યું છે? કે આમ મારા કેવિન ને કોઈ કિડનેપ કરે."


અમરીશ ની વાત સાંભળી રણવીર બોલ્યો, "કિડનેપ જ થયો છે એ હજુ કહી ના શકાય, કારણકે હજુ આપણને કોઈ કીડનેપર નો કોઈ માંગણી કરતો કોલ નથી આવ્યો કે એવી કોઈ કડી પ્રાપ્ત નથી થઈ. બાય ધ વે તમે મને એ જણાવો કે તમારા કુટુંબ માં કોણ કોણ છે? કુટુંબ માં કોઈ સાથે દુશ્મની કે અણબનાવ? તેમાં થી કોઈના પર શંકા?" રણવીર એ વધુ માહિતી મેળવવા સવાલ કર્યો.


અમરીશ બોલ્યો, "મારા કુટુંબ માં મારા મમ્મી કાંતા બેન અને પપ્પા રાજીવ ભાઈ ઉપાધ્યાય છે જે મોટાભાઈ રષ્મિકાંત ઉપાધ્યાય અને એમના પત્ની સરિતા ભાભી સાથે અહીં રાજકોટ માં જ કોઠારીયા રોડ વિસ્તાર માં રહે છે. મોટા ભાઈ શાપર ખાતે એક એન્જિનિયરિંગ કંપની માં એકાઉન્ટન્ટ તરીકે જોબ કરે છે. મોટાભાઈ નો એક દીકરો છે રાહુલ ઉપાધ્યાય જે શેર માર્કેટ નું કામ કરે છે. પણ સર, આ કોઈ માં શંકા કરવા જેવું કંઈ નથી."


રણવીર આગળ પૂછ્યું, "ભૂમિકા, આપ ના કુટુંબ માં કોણ કોણ છે?"

આ વાત નો જવાબ પણ અમરીશ આપતા બોલ્યો, "સર, ભૂમિકા ના કુટુંબ માં તેના મમ્મી એટલે કે મારા સાસુ વિજયા બેન મારા સાળા સુરેશ પુરોહિત તથા ભાભી કંચન પુરોહિત સાથે રહે છે. મારા સાળા સુરેશ ને એક દીકરી છે રોશની જે અત્યારે કોલેજના બીજા વર્ષ માં અભ્યાસ કરે છે."


રણવીર એક એક માહિતી ને ધ્યાન થી સાંભળી રહ્યો હતો. તેણે વધુ માહિતી માટે પૂછ્યું, "તમારી કે તમારા પત્ની ભૂમિકા ની ઓફિસ માં કોઈ પર શંકા જેવું કઈ?"


અમરીશ કઈ કહે એ પહેલાં જ ભૂમિકા ચિડાયેલા સ્વરે બોલી, "આ શું બોલી રહ્યા છો સર? અમે એક ખૂબ જ સાધારણ લોકો છીએ. અમારા કુટુંબ ની કુલ આવક માંડ પચીસ હજાર રૂપિયા જેટલી થતી હશે. એક મધ્યમ વર્ગીય માણસ નો સહુ થી મોટો દુશ્મન તેની નબળી આર્થિક સ્થિતિ હોય છે. આમા અમે કુટુંબ માં કે ઓફિસ માં દુશ્મન ક્યાંથી બનાવીએ?"


ભૂમિકા ને આમ ગુસ્સે થતાં જોઈ, વાત ની ગંભીરતા અને નજાકત ને સમજતો હોય તેમ રણવીર એકદમ જ સ્વસ્થતા ધારણ કરી ને બોલ્યો, "મેડમ, અમે આપની ચિંતા સમજી રહ્યા છીએ પણ અમારા માટે આ બધી વાતો જાણવી જરૂરી છે અને જો આપ પણ ઇચ્છતા હોવ કે કેવિન ને અમે બને એટલો જલ્દી શોધી લઈએ તો આપ પણ અમને સહકાર આપો એવી અમારી આપને વિનંતી છે."


ભૂમિકા ને શાંત રહેવા નું જણાવી અમરીશ એ રણવીર ને કહ્યું, "સર, હું ટોટલ સોલ્યુશન કરી ને એક એકાઉન્ટ કંપની માં બાર વર્ષ થી જોબ કરું છું મારી ઓફિસ માં મારા બોસ સહિત કુલ સાત નો સ્ટાફ છે. આમ તો મારે બધા સાથે જ ભળે છે પણ મારો એક આસિસ્ટન્ટ છે સમય ચાવડા નામ છે તેનું. તે ઘણીવાર મારી ઈર્ષા કરતો હોય છે કારણકે તે મારા કરતા ત્રણ વર્ષ સિનિયર હોવા છતાં કંપની એ મને પ્રમોશન આપ્યું એ વાત તેનાથી સહન નથી થઈ શકી, પણ સર આ બાબત એવડી મોટી નથી કે તેના લીધે સમય આવડું મોટું પગલું ભરી શકે કે મારા કેવિન ને કઈ કરી બેસે."


અમરીશ પોતાની વાત પૂરી કરી ને અટક્યો ત્યાં ભૂમિકા એ પણ કહ્યું, "સર, હું તો દેસાઈ રિયલ એસ્ટેટ માં પાર્ટ ટાઈમ જ જોબ કરું છું. હું તો ત્યાં બસ સાંજે ૪ થી રાત્રિ ના ૮ સુધી ટેલી કોલર તરીકે કામ કરું છું. મને નથી લાગતું ત્યાં કોઈ ને મારી કે મારા પરિવાર જોડે કોઈ સમસ્યા હોય."


હાલ પૂરતું અમરીશ ને વધુ કઈ પૂછવું યોગ્ય ના લાગ્યું, આથી અમરીશ અને ભૂમિકા ને કોઈ પણ વાત બને કે કોઈ નો ફોન આવે તો તરત જ પોલીસ ને જાણ કરવા નું કહી અને કેવિન ના મિત્રો તથા ટ્યુશન ક્લાસ વાળા વિવેક સર નું એડ્રેસ અને ટેલિફોન નંબર લઈ ને પોલીસ સ્ટેશન જવા રવાના થયા.

___________


કેવિન સાથે શું થયું હશે?

શું સાચે તેનું કિડનેપ થયું હશે?

આટલા સાધારણ લાગતા પરિવાર સાથે કોઈ ને શું દુશ્મની હોઈ શકે?

જાણવા માટે વાંચતા રહો ધારાવાહિક "કીડનેપ".

મિત્રો, મારી આ નવી નવલકથા નાં એપિસોડ દર શનિવારે રજૂ થશે. આશા રાખું છું પ્રથમ નવલકથા જેવો જ પ્રેમ અને ઉત્સાહ આપ સહુ તરફ થી મળશે.

આપના અભિપ્રાય અને સૂચનો જણાવવા માટે મને hardik.joshiji2007@gmail.com પર મેલ મોકલી આપો અથવા ૯૨૨૮૨૭૬૩૫૪ પર વોટ્સએપ પણ કરી શકો છો.