અમરીશ અને ભૂમિકા ઉપાધ્યાય નો બારમા ધોરણ માં ભણતો દીકરો કેવિન એક સાંજે ઘરે નથી આવતો, બંને પોલીસ ફરિયાદ કરે છે. ઇન્સ્પેકટર રણવીર સિંહ અને સબ ઇન્સ્પેકટર વિજય હંસરાજ તપાસ શરૂ કરે છે. હવે આગળ...
___________
અમરીશ અને ભૂમિકા ને મળી ને રણવીર તથા વિજય પોલીસ સ્ટેશન જાય છે. સાડા અગિયાર જેટલા વાગવા આવ્યા છે, અમરીશ તથા ભૂમિકા ના ફોન ને રેકોર્ડિંગ માટે નાખી દેવામાં આવ્યા છે જેથી જો કોઈ શંકાસ્પદ ગતિવિધિ થાય તો પોલીસ ના ધ્યાન માં રહે. રણવીર વિજય ને કેવિન ના મિત્રો અને ખાસ કરી ને રાજુ ને મળી અને તપાસ કરવા નું કહે છે અને પોતે ટ્યુશન ટીચર વિવેક સર ને ત્યાં રૂબરૂ જઈ અને એક વખત તપાસ કરી આવવાનું વિચારે છે. અમરીશ તથા ભૂમિકા ના પરિવાર તથા ઓફિસ માં પણ તપાસ કરવા નું નક્કી કરે છે પરંતુ એ પહેલાં રણવીર એ સુનિશ્ચિત કરવા માગે છે કે ખરેખર કેવિન સાથે થયું છે શું, અત્યારે રણવીર માટે કેવિન ને સુરક્ષિત શોધવો સહુ થી પહેલી પ્રાથમિકતા છે.
થોડી વાર માં જ સબ ઇન્સ્પેકટર વિજય હંસરાજ રાજુ ના ઘરે હોય છે. રાજુ કહે છે કે, "ગઈ કાલે સાંજે જ જ્યારે કેવિન ટ્યુશન માં જઈ રહ્યો હતો ત્યારે અમે મળ્યા હતા. મને શું ખબર કે મારા જીગરી મિત્ર જોડે આવું કઈ થઇ જશે." આટલું કહી ને રાજુ રડવા લાગ્યો. થોડી વાર રડી ને શાંત થતાં ફરી કહેવા લાગ્યો "મે એને કહ્યું પણ ખરું કે ચાલ આજે ક્યાંક રખડીએ, પણ તે કહે બારમા ધોરણ માં ધ્યાન રાખી ને સારું પરિણામ લાવવું છે. જો તે મારી જોડે આવ્યો હોત તો આજે મારો દોસ્ત મારી સાથે હોત."
વિજય એ કહ્યું, "તને ગઈ કાલે કેવિન ના વર્તન માં શંકા જેવું લાગ્યું હતું? અથવા તને એવો કોઈ અણસાર આવ્યો હતો કે તેની જોડે આવું કઈ થઇ જશે?"
રાજુ એ કહ્યું કે, "સર, એવું તો કઈ લાગતું ના હતું. પણ હા હમણાં હમણાં થી કેવિન મારી જોડે વ્યવસ્થિત વાતો કરતો ના હતો, જ્યારે મળે ત્યારે ઉતાવળ માં જ હોય. અમે પહેલાં રોજ રાત્રે જમી ને થોડી વાર ગપ્પા લગાવતા હતા પણ હમણાં થી તો તે પણ બંધ હતું. બાકી એના વર્તન માં કોઈ શંકા જાય એવું ના હતું."
રાજુ ની વાત ને ધ્યાન થી સાંભળતા સાંભળતા જ વિજય એ પૂછ્યું, "તમારા અન્ય કોઈ મિત્રો છે જેના પર કઈ શંકા કરવા જેવું હોય. અથવા કોઈ એવો મિત્ર હોઈ શકે કે જ્યાં કેવિન તેની મરજી થી ક્યાંય ગયો હોય તેના મમ્મી કે પપ્પા ને કહ્યા વગર?"
રાજુ એ કહ્યું, "ના સર, મે ગઈ કાલે જ અમરીશ અંકલ સાથે મળી ને અમારા બધા જ મિત્રો ને ફોન કર્યો હતો. પણ કેવિન ત્યાં કોઈ ને જ મળવા પણ નહોતો ગયો કે ના તો તે કોઈ જોડે કેવિન ને ફોન માં વાત થઈ હતી."
વિજય એ કહ્યું, "તું ને કેવિન એક જ સ્કુલ માં આટલા વર્ષો થી ભણો છો તો શું ત્યાં કોઈ ઘટના બની હોય કે જેને અને કેવિન ના ગાયબ થવા ને કોઈ કનેક્શન હોય."
વિજય નો આ સવાલ સાંભળી ને રાજુ થોડુ વિચારવા લાગ્યો અને જાણે કોઈ વાત ને છૂપાવવા મથતો હોય તેવા ભાવ સાથે કહ્યું કે, "ના સર, સ્કુલ માં ચાલતી નાની નાની વાતો સિવાય તો એવી કોઈ જ વાત કે ઘટના નથી બની કે જેના લીધે કેવિન સાથે કોઈ આ હદે કઈ કરી શકે." આ બોલતી વખત નાં રાજુ ના ચેહરા નાં ભાવ વિજય થી છૂપા ના રહી શક્યા. છતાં હાલ પૂરતી તપાસ ને આટલે સુધી જ રાખી ને વિજય ત્યાં થી ચાલતો થયો.
આ બાજુ રણવીર કેવિન ના ટ્યુશન ટીચર વિવેક સર ને મળવા આવ્યો હતો. રણવીર એ જોઈ ને આશ્ચર્ય માં હતો કે વિવેક સર એ ૬૦ કે ૬૨ વર્ષ ની ઉમર ધરાવતા એક બુઝુર્ગ વ્યક્તિ હતા.
રણવીર એ વાત ની શરૂઆત કરતા પૂછ્યું, "હેલો સર, જ્યારે મેં તમારું નામ સાંભળ્યું ત્યારે મારા મન માં એક ૪૦ થી ૪૫ વર્ષ ના વ્યક્તિ નું ચિત્ર તરી આવ્યું હતું. પણ આપ તો ખૂબ જ બુઝુર્ગ છો. માફ કરશો સર, પણ આપ જો ખોટું ના લગાડો તો એક સવાલ પૂછી શકું?"
રણવીર ના આશ્ચર્ય ને સમજી શકતા હોય એ રીતે ચેહરા પર મંદ હાસ્ય સાથે વિવેક સર બોલ્યા, "હેલો યંગ મેન, હું આપનું આશ્ચર્ય સમજી શકું એમ છું. આજ કાલ તો માર્કેટ માં યંગ અને ડાયનામિક પર્સનાલિટી ધરાવતા શિક્ષકો ની બોલબાલા છે, મારા જેવો ઘરડો શિક્ષક કઈ રીતે હજુ ભણાવી શકે છે અથવા એમ કહો કે કઈ રીતે હરીફાઈ માં ટકી શક્યો છે એ જ વાત નું આપને આશ્ચર્ય થાય છે ને?
પોતાના આશ્ચર્ય ને વિવેક સર પોતાનું અપમાન સમજી બેઠા છે, એવો ખ્યાલ જ્યારે રણવીર ને આવ્યો ત્યારે તેણે થોડી શરમ અનુભવતા કહ્યું, "અરે ના, સોરી સર, મારો એવો કોઈ જ ઈરાદો નહોતો. હું તો જસ્ટ એટલું જ કહેવા માગતો હતો કે આ ઉંમરે સામાન્ય રીતે લોકો રિટાયર લાઇફ વિતાવતા હોય છે, પણ આપ તો હજુ સુધી શક્રિય છો. મજા આવી આપને મળી ને, આપના જેવી જ ઊર્જા ની આજની યુવા શક્તિ ને ખાસ જરૂર છે."
રણવીર ને આમ શરમિંદા થતાં જોઈ વિવેક સર બોલ્યા, "અરે, નો નીડ ટુ બી સોરી જેન્ટલમેન. એક્ચ્યુએલી વાત એમ છે કે આજ થી પાંચ વર્ષ પહેલાં જ્યારે હું રિટાયર થયો ત્યારે મેં વિચાર્યું હતું કે હવે શાંતિ થી જીવન વીતાવીશ પરંતુ થોડા સમય પછી નિષ્ક્રિયતા હેરાન કરવા માંડતા વિચાર્યું કે જાત માટે તો ખૂબ કમાયો છું પરંતુ હવે થોડું સમાજ માટે કરીએ એથી હું ચાર વર્ષ પહેલાં સરસ્વતી શૈક્ષણિક સંસ્થાન માં વિજ્ઞાન શિક્ષક તરીકે જોડાયો અને પાર્ટ ટાઈમ નબળા આર્થિક વર્ગ ના વિદ્યાર્થીઓ માટે રાહત ભાવે ટ્યુશન કાર્ય શરૂ કર્યું. અને આજે આ યજ્ઞિય કાર્ય ને જોત જોતાંમાં ચાર વર્ષ પૂરા થવા આવ્યા છે પણ દિલ ને ખુબ જ શુકુન છે, મોત પણ આવે તો ઈશ્વર ના દરબાર માં માથું ઊંચું રાખી ને ગૌરવ થી કહી શકીશ કે કઈક તારું કામ કરી ને આવ્યો છું." વિવેક સર એક શ્વાસે બોલી ગયા.
વિવેક સર ના આવા ઉમદા વિચારો થી પ્રભાવિત થતા રણવીર તેમના પ્રત્યે પોતાનો આદર ભાવ વ્યક્ત કરતા બોલ્યો, "સર, આજે જ્યારે શિક્ષણ ને વ્યાપાર ધંધો બનાવી દેવામાં આવ્યો છે ત્યારે આપના જેવા શિક્ષક ને મળી ને હું ધન્યતા અનુભવું છું. આમ તો હું કેવિન ઉપાધ્યાય ગુમ થયા ના કેસ ને લઈને આપને મળવા આવ્યો હતો પરંતુ એ ઉપરાંત આપના જેવા વ્યક્તિ ને મળવા નો હરખ પણ સાથે લઈ ને જઈશ." આમ બોલતા જ રણવીર ને ભાન થયું કે તે કેવિન ના કેસ ની પૂછપરછ બાબતે અહી આવ્યો હતો. તરત જ તેણે કહ્યું, "સર, શું આપ મને કેવિન વિશે કોઈ પણ એવી વાત જણાવી શકશો કે જેથી અમને તેને શોધવા માં મદદ મળી રહે."
વિવેક સર બોલ્યા, "સ્યોર યંગ મેન, ગઈ કાલે શનિવાર હતો. હું સોમ થી શનિવાર દરરોજ સાંજે સાડા પાંચ થી સાડા સાત બે કલાક શિક્ષણ કાર્ય કરાવું છું. કેવિન એ જ બેચ માં આવતો હતો. મારો એક નો એક દીકરો કે જે લકવા ની બીમારી થી પીડાય છે, તેને મારે ડોકટર ને ત્યાં રેગ્યુલર ચેકઅપ માટે લઈ જવાનું હોય છે. સામાન્ય રીતે ડોકટર જોડે મુલાકાત રવિવારે હોય છે, પરંતુ ડોકટર ને રવિવારે બહાર જવાનું હોય મારે ગઈ કાલે જ મારા દીકરા ને ત્યાં લઈ જવો પડે તેમ હતો. આથી મે પાંચ વાગ્યે જ બધા જ વિદ્યાર્થીઓ ને ફોન કરી ને તે દિવસ નો ક્લાસ બંધ હોવાનું જણાવી દીધું હતું."
વિવેક સર ની વાત થી આશ્ચર્ય અનુભવતા રણવીર બોલ્યો, "જો કેવિન ને ખબર હતી કે આજે ક્લાસ બંધ છે તો પછી તે ઘરે થી ક્લાસ નું કહી ને ક્યા જવા માટે નીકળ્યો હશે?"
"એ જ વાત તો હુયે વિચારી રહ્યો છું ગઈ કાલ રાત નો જ્યાર થી કેવિન ના માતા પિતા અહી આવી ને ગયા છે કે ક્લાસ બંધ હોવા છતાં કેવિન ક્યા જવા નીકળ્યો હશે અને સહુ થી મોટો સવાલ કે એ ક્યા ગયો હશે!" આટલું બોલતા બોલતા વિવેક સર નો અવાજ ભરાઈ આવ્યો, પોતાનો જ એક વિદ્યાર્થી ખોવાઈ ગયો હતો એ વાત નું દુઃખ એમના અવાજ માં ઉતરી આવ્યું હતું. વિવેક સર ને હવે વધુ સવાલો કરી ને રણવીર વધુ પરેશાન કરવા ઈચ્છતો ના હોવાથી તે વિવેક સર ની રજા લઈ ને નીકળવા માટે ઊભો થયો.
જેવો રણવીર જવા માટે ઊભો થયો ત્યાં જ વિવેક સર તેને રોકતા બોલ્યા, "એક મિનિટ યંગ મેન, મારે તમને એક વાત જણાવવી છે ખબર નહિ આપને કેટલી ઉપયોગી બનશે પણ મને લાગે છે આપને આ વાત જાણવી જરૂરી છે કદાચ આપને આ કેસ માં કઈક મદદ મળી રહે."
"સ્યોર સર, મને ખુશી થશે જો આપ મને આ કેસ સંદર્ભે કોઈ પણ માહિતી કે નાનો એવો સુરાગ પણ આપી શકો."
વિવેક સર તેમના ઘરે જ પાર્ટ ટાઈમ ક્લાસ ચલાવતા હતા, તેઓ અને રણવીર તેમના ડ્રોઈંગ રૂમમાં સોફા સેટ પર બેસી ને વાત કરતા હતા. વિવેક સર સોફા પર થી ઉભા થઈ ને ડ્રોઈંગ રૂમમાં ચક્કર લગાવતા વાત શરૂ કરી, "કેવિન એ જ સ્કુલ માં ભણે છે જ્યાં હું જોબ કરું છું, એટલે કે સરસ્વતી શૈક્ષણિક સંસ્થાન માં. વાત લગભગ એક વર્ષ પહેલાં ની છે જયારે કેવિન અગિયાર માં ધોરણ માં ભણતો હતો. તે જ સ્કુલ ની એક વિદ્યાર્થીની કે જેનું નામ માધુરી હતું તેના પરિવાર અને ખાસ કરીને માધુરી ના ભાઈ રાઘવ તથા કેવિન વચ્ચે મોટો જઘડો થયો હતો."
"જઘડો! કેવો જઘડો?" આશ્ચર્ય સાથે રણવીર બોલ્યો.
વિવેક સર સોફા પર બેસતા બોલ્યા, "એ તો મને બહુ ખ્યાલ નથી. અમારી સ્કુલ નાં આચાર્ય શ્રીમતી સોનલ બેન બહુ જ સિદ્ધાંતવાદી છે. સ્કુલ માં થતાં જઘડાઓ કે કોઈ ગંભીર બાબતો હોય તેની તેઓ બહુ ચર્ચા થવા દેતા નથી. કાંતો આપને એ બાબત આચાર્ય શ્રીમતી સોનલ બહેન જણાવી શકશે કે પછી માધુરી કે એના પરિવાર નાં કોઈ સભ્ય. અને હા રાજુ ને પણ આખી ઘટના ની ખબર હશે કારણકે કેવિન ને સાથ આપવામાં તેનો પણ હાથ હતો."
"કોણ રાજુ, કેવિન નો ખાસ મિત્ર રાજુ જે તેની જ સોસાયટી માં રહે છે?" આશ્ચર્ય થી રણવીર બોલ્યો.
વિવેક સર એ કહ્યું, " હા સર, રાજુ પણ મારે ત્યાંજ ટ્યુશન માં આવતો. તેણે જ કેવિન ને મારા ટ્યુશન માટે કહ્યું હતું. બંને પાક્કા મિત્રો છે, ભણવા નું હોય કે પછી શૈતાની હોય બંને સાથે જ હોય." વિવેક સર એ પોતાની વાત પૂરી કરી એટલે તેમનો આભાર માની ને રણવીર પોલીસ સ્ટેશન જવા રવાના થયો.
___________
પોલીસ સ્ટેશન એ જઈ ને વિજય સાથે ચર્ચા શરૂ કરી. વિજય એ રાજુ પાસે થી તથા કેવિન ના અન્ય મિત્રો પાસે થી મળેલી વાતો કરી. વિજય એ કહ્યું, "રાજુ કે કેવિન ના અન્ય મિત્રો ને કેવિન વિશે જાજી તો કઈ ખબર ના હતી. પણ એક વાત મને થોડી અચરજ જગાડે એવી લાગી. જ્યારે મે રાજુ ને પૂછ્યું કે સ્કુલ ની કોઈ એવી વાત કે જેને કેવિન ના ગુમ થવા સાથે કોઈ કનેક્શન હોય તો તેણે કહ્યુકે એવી કોઈ વાત નથી પણ એનો ચેહરો કઈક અલગ જ વાત કહી રહ્યો હતો, જાણે કે એ કંઇક છૂપાવી રહ્યો હોય."
"અને એ શું છૂપાવી રહ્યો હતો એ હું તને કહીશ." વિજય ની વાત પૂરી થતાં જ રણવીર બોલ્યો. અને રણવીર એ વિવેક સર ને ત્યાં જે વાતો જાણવા મળી એ બધી વાતો વિજય જોડે શેર કરી.
વાત જાણ્યા બાદ વિજય એ કહ્યું, "તો સર, રાજુ ને જ આપણે પકડીએ. તે જ આખી વાત જણાવશે અને શક્ય છે કે કેવિન ના ગુમ થવા પાછળ એ જ ઘટના જવાબદાર હોય."
એક ક્ષણ પણ બગાડ્યા વગર વિજય એ રાજુ ને લેવા માટે એક કોન્સ્ટેબલ ને મોકલ્યો. અને કહ્યું કે જો તે આનાકાની કરે તો જબરદસ્તી લેતો આવે પછી જે થાય એ જોયું જશે. થોડી જ વાર માં રાજુ રણવીર અને વિજય ની સામે પોલીસ સ્ટેશન માં બેઠો હતો. તે એકદમ જ ગભરાયેલો હતો.
રણવીર એ કહ્યું, "રાજુ ગભરાવાની જરૂર નથી અમારે તારી પાસેથી બસ થોડી માહિતી જોઈએ છે."
રાજુ રોતા સ્વર માં બોલ્યો, "સર, હું સાચું કહું છું કેવિન ના ગુમ થવા પાછળ મારો કોઈ હાથ નથી. એ તો મારો પાક્કો દોસ્ત હતો. અને મે હું જે કંઈ પણ જાણતો હતો તે બધું જ આ સર ને કહી તો દીધું હતું."
"બધું જ નહિ. ખાસ કરી ને માધુરી અને તેના પરિવાર સાથે તારે અને કેવિન ને થયેલા જઘડા વિશે તો કંઈ જ નહિ." રણવીર તરત જ બોલ્યો. અને રણવીર ના મોઢે થી માધુરી નું નામ સાંભળી ને રાજુ અચંબો પામી ગયો.
___________
માધુરી અને કેવિન નો જઘડો શું હશે?
શું તેને અને કેવિન ના ગુમ થવા પાછળ કોઈ સંબંધ હશે?
શું ખરેખર કેવિન નું કિડનેપ થયું હશે? કોણે કર્યું હશે?
તમામ સવાલો નાં જવાબ જાણવા માટે વાંચતા રહો ધારાવાહિક "કિડનેપ" નો આગામી અંક.
આપના અભિપ્રાય અને સૂચનો જણાવવા માટે મને hardik.joshiji2007@gmail.com પર મેલ મોકલી આપો અથવા ૯૨૨૮૨૭૬૩૫૪ પર વોટ્સએપ પણ કરી શકો છો.
હાર્દિક જોષી નાં જય હિન્દ.