કિડનેપ - 6 hardik joshi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કિડનેપ - 6

કેવિન અને રાશી નાં અપહરણ કેસ ની તપાસ શહેર નાં અલગ અલગ ભાગ માં બે અલગ અલગ પોલીસ ની ટીમ કરી રહી હતી ત્યાં જ ઇન્સ્પેકટર અમિતાભ પંડિત ને રાશી ની લાશ મળી હોવા નું જાણ થાય છે. હવે આગળ...
__________

રાશી ની લાશ મળી હોવાના સમાચાર તેના પરિવાર જનો ને આપવા માં આવ્યા. કવિતા ઉપર તો જાણે આકાશ તૂટી પડ્યું હતું. બીજે દિવસે સવારે અમિતાભ અને પુષ્કર નિશીથ ના ઘરે હાજર હતા.

વાતાવરણ શોક થી ભરાયેલું હતું અને કોણ કોને સંભાળે એ જ મોટો સવાલ હતો. આવા માહોલ માં ડયુટી નિભાવવી એ કદાચ પોલીસ માટે સહુ થી મોટો પડકાર હતો. પણ અમિતાભ માં આવી સ્થિતિ ને સંભાળવા ની ગજબ ની કુનેહ હતી.

અમિતાભે નિશીથ ને કહ્યું, " અમને અફસોસ છે કે રાશી જોડે આવું થઈ ગયું. પણ હું તમને ભરોસો અપાવું છું કે તેના હત્યારાઓ ને હું બચવા નહિ દવ ભલે તે દુનિયા ના કોઈ પણ ખૂણે જઈ ને છૂપાઈ જાય."

નિશીથ અમિતાભ નાં અવાજ માં રહેલો મજબૂત દ્રઢ સંકલ્પ જાણે ઓળખી ગયો હોય તે રીતે આશા ભરેલા અને મન ના રુદન નાં ભાવ મિશ્રિત અવાજે બોલ્યો, "સર, મને પોલીસ પર પૂરો ભરોસો છે પણ તેના ગુન્હેગારો ને પકડવા થી કે તેને સજા આપવા થી અમારી રાશી તો પાછી નહિ આવી જાય ને."

નિશીથ હજુ આમ કહી જ રહ્યો હતો ત્યાં જ કવિતા બોલી, "સર, તમને ભગવાન નાં સમ છે મારી ફૂલ જેવી દીકરી નાં હત્યારાઓ ને જીવતા ના છોડતા. જ્યાં સુધી તેના ખૂન ના અસલી ગુન્હેગારો નહિ પકડાય ત્યાં સુધી મારી રાશી ની આત્મા ને શાંતિ નહિ મળે." આટલું બોલતા બોલતા તો કવિતા બેભાન જેવી બની રહી. અમિતાભ બહુ સારી રીતે તેના દર્દ ને સમજી રહ્યો હતો.

નિશીથ એ કહ્યું, "સર, અમને રાશી નો મૃતદેહ ક્યારે મળશે? તો અમને આગળ ની વિધિ કરવા ની અને કુટુંબીજનો ને જાણ કરવા નો આઈડિયા આવે."

અમિતાભે કહ્યું, "બસ આજનો દિવસ માં જ પ્રાથમિક પોસ્ટ મોર્ટમ અને ફોરેન્સિક તપાસ પૂરી થઈ જાય એટલે તમને ડેડ બોડી સોંપી દેવામાં આવશે." આટલું કહી ને અમિતાભ ત્યાંથી ચાલતો થયો. ત્યાંથી અમિતાભ સીધો જ ડોકટર ખાન ની લેબોરેટરી માં ગયો.
__________

"ખાન, શું લાગે છે? ખૂન થવા પાછળ નું કઈ કારણ જાણવા મળ્યું?" ડોકટર ખાન ની ફોરેન્સિક લેબમાં પહોંચતા ની સાથે જ અમિતાભે પૂછ્યું.

ડોકટર ખાને થોડા હળવા ટોન માં કહ્યું, "અરે ભાઈ અહી લેબ માં અમે જીવતા માણસો પણ છીએ, પહેલાં જરાક અમારી ખબર પણ કાઢો. પછી તમને ડેડ બોડી ની સ્ટોરી પણ હું જણાવીશ જ."

ડોકટર ખાન નાં મસ્તી ભરેલા ટોન ને ઈગ્નોર કરતો અમિતાભ બોલ્યો, "યાર ખાન, હું અત્યારે સહેજ પણ મસ્તી નાં મૂડ માં નથી. મારે કોઈ પણ ભોગે આ નાનકડી બાળા નાં હત્યારાઓ ને પકડી ને તેમને આ જીવન માં જ નર્ક ની અનુભૂતિ કરાવવી છે." અમિતાભ ના અવાજ માં તેનો ગુસ્સો સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો.

અમિતાભ ની વાત સાંભળી ખાન પણ ગંભીર થતાં બોલ્યો, "સોરી અમિતાભ, હું તો જસ્ટ તારો મૂડ સરખો કરવા મજાક કરી રહ્યો હતો. પોલીસ લાઇન માં બધા ને તારી કોઈ પણ કેસ ને લઈ ને જે પ્રતિબદ્ધતા છે તેના વિશે જાણ છે." વાત ને આગળ વધારતા ડોકટર ખાન એ કહ્યું કે, "અમિતાભ, મને જણાવતા અત્યંત ખેદ થાય છે કે માત્ર પંદર વર્ષ ની આ રાશી જોડે પહેલાં બળાત્કાર થયો છે અને ત્યાર બાદ તેને ગળે ટૂંપો દઈ ને મારી નાખવા માં આવી છે."

"વોટ ધી હેલ આર યુ ટોકિંગ?" ગુસ્સા અને અચરજ ના ભાવ સાથે અમિતાભ બોલી રહ્યો, "પહેલાં રાશી નું અપહરણ થાય છે, પછી તેના બદલા માં કીડનેપર પચીસ લાખ ની ખંડણી માગી છે અને પછી તેની લાશ મળે છે, અને હવે તું કહે છે કે તેની પર બળાત્કાર અને પછી તેનું ખૂન થયું છે?"

ખાન એ કહ્યું, "યેસ અમિતાભ, એમ જ થયું છે. અને હા બીજી જરૂરી વાત જ્યાં રાશી ને રાખવા માં આવી હતી તે જગ્યા કોલસા ની કોઈ ભઠ્ઠી હોય તેવું લાગી રહ્યું છે. મને તેના શરીર પર થી બળેલા કોલસા ની રજ મળી છે." ડોકટર ખાન ની વાત પૂરી થતાં અમિતાભ ત્યાંથી પોલીસ સ્ટેશન જવા રવાના થયો.
__________

અમિતાભ પોલીસ સ્ટેશન પહોંચ્યો ત્યારે બપોર નાં અઢી વાગી ગયા હતા પરંતુ અમિતાભ ને ભૂખ નું નામોનિશાન ના હતું. જેવો અમિતાભ પોતાની ચેમ્બરમાં જઈ રહ્યો હતો ત્યાં જ અમિતાભે અભિમન્યુ ને જોયો. જાણે અમિતાભ માં ઉત્સાહ ની એક નવી લહેર ભરાઈ આવી હોય તેમ તે હરખ થી બોલ્યો, "આવ આવ અભિમન્યુ, તું આવી ગયો?"

અભિમન્યુ પણ પોતાના વડીલ મિત્ર, ગાઈડ એવા અમિતાભ તરફ જોઈ ઉત્સાહ થી બોલ્યો, "યેસ સર, તમારા વગર આ બે દિવસ જાણે મારા માટે બે વર્ષ જેવા વીત્યા. તમારા અને કામ વગર મારું જીવન અધુરુ છે તેની મને આ બે દિવસ માં ખબર પડી."

હરખાતા હરખાતા જ અમિતાભે કહ્યું, "બસ હવે બોવ મસકા નહિ માર, કોઈ વાંધો નહિ, ખબર તો પડી ને." પછી તરત જ ગંભીર ભાવ ચેહરા પર ધારણ કરી ને બોલ્યો, "અભિમન્યુ, હાલમાં જ આપણે એક રાશી નામની છોકરી નાં અપહરણ અને મર્ડર કેસ પર કામ કરી રહ્યા છીએ, માટે તેમાં તારી ખાસ હેલ્પ ની જરૂર છે."

અમિતાભ ની વાત ને સાંભળી રહ્યા બાદ અભિમન્યુ બોલ્યો, "હા સર મને તે કેસ વિશે બધો જ ખ્યાલ છે. હું ભલે અહી ના હતો પણ રોજ રાત્રે પુષ્કર મારફતે કેસ ની માહિતી મગાવી લેતો હતો. અને સર, મે મારા ખબરી ને પણ તે અપહરણકારો વિશે માહિતી મેળવવા નું કહી દીધું છે."

અભિમન્યુ ની કામ પ્રત્યે ની ધગશ અને રુચિ જોઈ અમિતાભ બોલ્યો, "વાહ, સાચે જ તારું નામ અભિમન્યુ યોગ્ય જ છે. કોઈ પણ સ્થિતિ માં ફરજ ને જ સહુ થી વધુ અગત્યતા આપવી એ મહાભારત સમય ના અભિમન્યુ નો ગુણ પણ હતો અને આજ નાં અભિમન્યુ નો પણ."

અમિતાભ અને અભિમન્યુ હજુ આમ વાતો કરી જ રહ્યા હતા ત્યાં જ એક કોન્સ્ટેબલ દોડતો આવ્યો, "સર, ખબર મળ્યા છે કે રાશી ની લાશ ને જે ગાડી માં થી આજી ડેમ ચોકડી એ ફેંકવા માં આવી હતી તે ગાડી નાં ડ્રાઈવર ને એક વ્યક્તિ એ ઓળખી બતાવ્યો છે. આપણી એક ટીમ તેને પકડવા ગઈ છે અને તે પકડાઈ ગયો છે."

અમિતાભ નાં હરખ નો પાર ના રહ્યો. તે ઉત્સાહ થી બોલ્યો, "અરે વાહ આ તો ખૂબ સારા સમાચાર છે. હવે તે ડ્રાઈવર આપણને અપહરણકારો અને હત્યારાઓ સુધી પહોંચાડવા માં આપણી મદદ કરશે. લઈ આવો તે હરામી ડ્રાઈવર ને, તેની થોડી સરભરા કરીએ."
__________

થોડી વાર માં જ તે ડ્રાઈવર અમિતાભ સામે બેઠો હતો, અમિતાભ ની આદત હતી કે તે પહેલાં આવા નાલાયકો ની બરાબર સરભરા કરતો અને ત્યાર બાદ જ તેને પૂછપરછ માટે સામે બેસાડતો. યમરાજ જેવા અમિતાભ ને સામે બેસેલો જોઈ ને પેલો ડ્રાઈવર થરથર ધ્રુજી રહ્યો હતો. અમિતાભે કહ્યું, "ચાલ સાલા હરામી, રાશી હત્યા કેસ માં તું જે કંઈ પણ જાણે છે તે બકવા માંડ. તારી સાથે રાશી નાં અપહરણ, બળાત્કાર અને હત્યા કરવા માં કોણ કોણ સામેલ હતું તે બધું જ કઈ પણ છુપાવ્યા વગર બોલવા માંડ."

અમિતાભ ની વાત સાંભળી તે વ્યક્તિ બોલ્યો, "સર, મારું નામ બોબી છે, હું અહી રામનાથપરા મફતિયાપરા માં રહું છું. હું કોલેજ ગ્રેજયુએટ છું સર. આટલું ભણ્યા પછી યે જોઈએ એવી નોકરી ના મળી. એક વખત અમારા વિસ્તાર માં રહેતા નરેશ નામના મારા મિત્ર એ મને ડ્રાઈવર ની નોકરી ઓફર કરી, પણ સાથે એ પણ જણાવ્યું કે મારે મારા આંખ કાન બંધ કરી ને નોકરી કરવી પડશે. પહેલાં તો મને કઈ ખબર ના પડી પરંતુ ત્યાર બાદ મને નરેશ ની વાત નો અર્થ સમજાયો અને એ પણ સમજાયું કે અહી ના બોલવામાં જ નવ ગુણ છે."

અમિતાભ નો મગજ ફરી રહ્યો હતો, "સાલા હરામી તને જે પૂછ્યું છે તે બોલ. આવી રામકથા સાંભળવામાં મને અત્યારે સહેજ પણ રસ નથી. તારી સાથે ગુન્હા માં કોણ કોણ હતું?"

બોબી બોલ્યો, "સર, મે માત્ર ગાડી ના ડ્રાઈવર તરીકે જ આખી ઘટના માં ભૂમિકા નિભાવી છે. અમે મને મળેલી સૂચના પ્રમાણે અમીન માર્ગ પાસે અગાઉ થી ગાડી પાર્ક કરી ને ઉભા હતા, જેવી છોકરી સ્કુટી લઈ ને આવી મે ગાડી ચલાવી તેને આંતરી લીધી, અને બાકી ના લોકો એ તેનું અપહરણ કરી લીધું. ત્યાંથી અગાઉ થી નક્કી કરેલું એ મુજબ હું ગાડી ને આજી વસાહત માં આવેલી એક બંધ ભઠ્ઠી તરફ હંકારી ગયો. ત્યાં એ લોકો પેલી છોકરી ને લઈ ઉતરી ગયા અને ગઈ કાલે સાંજે ફોન આવ્યો એટલે ફરી એ ભઠ્ઠી પર ગયો ત્યાં બે લોકો પેલી છોકરી કે જે બેભાન અવસ્થા માં લાગતી હતી તેને લઈ ગાડી માં બેસી ગયા અને આજી ડેમ ચોકડી પાસે મને ગાડી ઉભી રાખવા નું કહ્યું, જેવી મે ગાડી ઉભી રાખી તેઓએ પેલી છોકરી ને ગાડી માં થી બહાર ફેંકી દીધી અને મે ગાડી મારી મૂકી. મારો વિશ્વાસ કરો મને તો એ પણ નથી ખબર કે એ છોકરી નું નામ રાશી હતું. મને મોબાઇલ માં સૂચના મળે એ રીતે મારે ગાડી લઈ ને આવવા જાવા નું કામ રહે છે. હા હું માનું છું કે મે અપહરણ જેવા ખોટા કામ માં સાથ આપ્યો છે, પણ હું હત્યા કે બળાત્કાર માં ક્યાંય સામેલ નથી."

બોબી ની વાત પર અમિતાભ ને ભરોસો નહોતો બેસી રહ્યો, તેણે પૂછ્યું, "કોના માટે તું કામ કરે છે? તારી ગેંગ ના બીજા સાગરીતો અને તારા બોસ નું નામ બોલ અને હા મારી ધીરજ ની વધુ પરિક્ષા ના લેતો."

બોબી થોડો ગભરાતો ગભરાતો બોલ્યો, "સર, તમને તો ખબર છે કે અમારા ધંધા માં આ રીતે નામ દેવા નું પરિણામ શું આવી શકે. પ્લીઝ સર, એ લોકો મને અને મારા પરિવારજનો ને જીવતા નહિ છોડે."

હજુ તો બોબી વધુ કઈ કહે એ પહેલાં અમિતાભે બે ત્રણ જોરદાર થપ્પડ તેના ચેહરા પર જડી દીધા અને અભિમન્યુ તરફ જોતા બોલ્યો, અભિમન્યુ આની બરાબર સરભરા કર ત્યાં સુધી માં હું એક બે કોન્સ્ટેબલ ને કહી આના પરિવારજનો ની યે કઈક વ્યવસ્થા કરાવું છું. બોબી તરફ જોતા અમિતાભ બોલ્યો. અમિતાભ ની વાત સાંભળી ને બોબી ડરી ગયો, તેને અમિતાભ ના ગુસ્સા નો બરાબર ખ્યાલ આવી ગયો અને તે બોલ્યો, "સર, નરેશ અને તેની સાથે યુપી નો પરિતોષ યાદવ તથા અન્ય એક વ્યક્તિ રાશી ના અપહરણ માં શામેલ હતા. નરેશ અમારા ઘર ની પાછળ જ રહે છે, પરંતુ પરિતોષ વિશે મને કઈ ખ્યાલ નથી."

બોબી ની વાતો સાંભળી રહ્યા બાદ ફરી વખત અમિતાભે તેને ત્રણ ચાર થપ્પડ જડી દીધા અને પૂછપરછ રૂમ માં થી બહાર નીકળતા નીકળતા અભિમન્યુ ને કહ્યું, "અભિમન્યુ, મારે કાલ સવાર સુધી માં કોઈ પણ ભોગે આ નરેશ અને પરિતોષ જોઈએ છે." અભિમન્યુ કઈ જ કહ્યા વગર માત્ર ચેહરા થી જ હકાર માં માથું હલાવી ને કામ માં લાગી પડ્યો.

એક દોઢ કલાક ની મેહનત બાદ જ નરેશ અભિમન્યુ ના હાથ માં આવી ગયો. નરેશ ને તોડતા બહુ વાર પણ ના લાગી, થોડી જ વાર માં અભિમન્યુ નાં માર થી અધમૂઓ થયેલો નરેશ પરિતોષ યાદવ નું સરનામું આપવા તૈયાર થઈ ગયો. જેવું પરિતોષ નું સરનામું મળ્યું કે તરત જ પોલીસ તેને પકડવા રવાના થઈ, પરંતુ આ વખતે અમિતાભ અને અભિમન્યુ ના બેડ લક કે પરિતોષ તેમના હાથ માં ના આવ્યો. કોઈ રીતે તેને જાણ થઈ ગઈ કે બોબી તથા નરેશ પકડાઈ ગયા છે અને તે ભાગી છૂટવામાં સફળ રહ્યો. અભિમન્યુ ખૂબ જ નિરાશ થયો. બીજે દિવસે સવારે જ્યારે અમિતાભ ને આ વાત ની જાણ થઈ તેણે પણ દીવાલ પર તેનો હાથ જોર થી પટક્યો, આ જોઈ ને અભિમન્યુ ને તેના ગુસ્સા નો અંદાજ આવી ગયો.
__________

પરિતોષ યાદવ ને પકડી લેવા માટે પોલીસ સર્કલ માં જબરદસ્ત હિલચાલ ચાલી રહી હતી. ઉત્તર પ્રદેશ પોલીસ માં પણ તેની માહિતી આપી દેવામાં આવી હતી જે જેથી કોઈ પણ સમચાર મળે તરત ખ્યાલ આવી જાય.
__________


શું અમિતાભ પરિતોષ ને પકડી પાડવા માં સફળ રહેશે?
શું અપહરણ અને હત્યાઓ નો સિલસિલો આટલે થી અટકશે?
કોણ હશે આ બધા અપહરણ અને ખૂન પાછળ નો માસ્ટર માઈન્ડ?

જાણવા માટે વાંચતા રહો, રહસ્ય રોમાંચ થી ભરપુર ધારાવાહિક "કીડનેપ" માત્ર માતૃ ભારતી પર. આપના અભિપ્રાય અને સૂચનો જણાવવા માટે મને hardik.joshiji2007@gmail.com પર મેલ મોકલી આપો અથવા ૯૨૨૮૨૭૬૩૫૪ પર વોટ્સએપ પણ કરી શકો છો.