Prem - Nafrat - 30 books and stories free download online pdf in Gujarati

પ્રેમ - નફરત - ૩૦

પ્રેમ-નફરત

- મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કર

પ્રકરણ-૩૦

સચિને ફોન કરીને અવિનાશને આરવ અને રચનાની મુલાકાતની વાત પહોંચાડી દીધી. અવિનાશે તરત જ કિરણને ફોન કરી એમાં મરી-મસાલો નાખીને કહી દીધી. સાળા અવિનાશની વાત સાંભળી કિરણ વિચારમાં પડી ગયો હતો. ઘરમાં તપાસ કરી. આરવ હજુ આવ્યો ન હતો. તેણે હિરેનના કમરામાં જવાને બદલે ફોન કરીને બંગલાની પાછળના બગીચામાં બોલાવ્યો.

'ભાઇ, શું વાત છે? કંપનીની કોઇ ખાનગી વાત છે કે શું?' હિરેન નવાઇ સાથે પ્રશ્ન પૂછી રહ્યો. બંનેને આ રીતે કોઇ વખત વાત કરવા ભેગા થવાની જરૂર પડી ન હતી.

'મારી શંકા સાચી પડી છે. પેલી છોકરીનો ડોળો આપણી કંપની પર લાગે છે. તેણે આરવને ફસાવ્યો છે. વાત બહુ મોટી છે. કંપની પર જ નહીં આપણી કમાણી પર ખતરો ઊભો થાય એમ છે...' કિરણ ગભરાઇ ગયો હોય એમ ધીમા સ્વરે કહેતો હતો.

'તું આખી વાત માંડીને કહે તો મને સમજાય. પેલી છોકરી એટલે રચના એનો તો ખ્યાલ આવી ગયો છે. પણ એણે આરવને કેવી રીતે ફસાવ્યો અને કમાણી પર શું અસર થવાની છે? એની વિગતવાર વાત કર...' હિરેન શાંત સ્વરે બોલ્યો.

'ભાઇ હવે ભોળા રહેવાનું પાલવે એમ નથી. રચના છેલ્લા ઘણા દિવસોથી આરવ સાથે વધુ દેખાઇ રહી છે. બંને ઘણી વખત ઘૂસપૂસ વાતો કરતા દેખાયા છે. એ છોકરીએ સારી કામગીરી કરીને પપ્પાનું તો દિલ જીતી જ લીધું છે પણ આરવનું દિલ ચોરી લીધું લાગે છે. એણે આરવને પ્રેમમાં ફસાવ્યો લાગે છે. તે આ કંપનીની એક માલિકણ બનવા માગતી લાગે છે. એક સામાન્ય છોકરીને આ હિંમત જ બતાવે છે કે તેના ઇરાદા મોટા છે. આજે મને જે માહિતી મળી એ ચોંકાવનારી છે. આરવ અને રચના એક હોટલમાં મળ્યા હતા. બંનેએ લગ્ન કરવા સુધીની વાત કરી લીધી છે. તમે જ વિચારો કે એક સામાન્ય ઘરની છોકરી આટલા મોટા મોબાઇલના સામ્રાજ્ય ધરાવતા પરિવારની વહુ બને તો સારું લાગે?' સવલ કરતા કિરણના ચહેરા પર ચિંતા છવાયેલી હતી.

'ભાઇ, તને કેવી રીતે ખબર પડી કે બંને પ્રેમમાં છે? અને હોટલમાં મળીને લગ્ન કરવા સુધીની વાત પર પહોંચી ગયા છે? હિરેને સામો સવાલ પૂછ્યો.

'આ રહ્યા પુરાવા...' કહેતા કિરણે પોતાના મોબાઇલમાં અવિનાશે મોકલેલા આરવ અને રચનાના ફોટા બતાવ્યા.

ફોટા જોઇને હિરેન વિચારમાં પડી ગયો. પછી બોલ્યો:'વાત તો ખરેખર આગળ વધી ગઇ છે. મને લાગતું નથી કે એ બંનેને અટકાવી શકાય...'

'આપણે પ્રયત્ન તો કરવો પડશે. પપ્પાને સમજાવવું પડશે કે એક સામાન્ય છોકરીને વહુ તરીકે લાવવાથી આપણા પરિવારની પ્રતિષ્ઠા ઓછી થશે. આપણે એવા પરિવારની છોકરીને લાવવી જોઇએ જેમનો પોતાનો મોટો બિઝનેસ હોય. જેથી એના માટે આપણે કોઇ ખર્ચ કરવો ના પડે અને આપણાને ધંધામાં પણ લાભ થાય...' કિરણ સમજાવવા લાગ્યો.

'પહેલાં પપ્પાને વાત કરીએ.... એમનો અભિપ્રાય જાણ્યા વગર આગળ વધી શકાશે નહીં...' હિરેન પોતાના અનુભવના આધારે બોલ્યો.

'મને તો શંકા છે કે પપ્પા હા પાડી દેશે. કેમકે એ રચનાના કામથી પ્રભાવિત થયા છે...' કિરણ ચિંતા વ્યક્ત કરવા લાગ્યો.

'મને તો કંઇ સમજાતું નથી...' માથા પાછળ હાથ મૂકીને બોલતા હિરેનની નજર અચાનક નજીક આવી ગયેલા લખમલભાઇ પર પડી. તે ચમકીને ઊભો થઇ ગયો.

'બંને ભાઇઓ શું ખિચડી પકાવી રહ્યા છો?!' લખમલભાઇએ ત્રીજી ખુરશી પર સ્થાન લેતા પૂછ્યું.

એમના સવાલથી હિરેન અને કિરણના ચહેરા ઝંખવાઇ ગયા હતા એ બગીચાની ઝાંખી બત્તીમાં એમને કળાયું નહીં.

***

'મા મારે જે કરવું જોઇએ એ જ મેં કર્યું છે. છોકરો બધી રીતે સારો છે. સંસ્કારી અને પ્રેમાળ છે. એનામાં કોઇ ખોટ નથી. એક માતા પોતાની પુત્રી માટે જેવો છોકરો શોધતી હોય છે એવો જ છે અને એમાં એ બધાં જ ગુણ છે. એ મોટી કંપનીના માલિકનો છોકરો હોવા ઉપરાંત એ જાતે જ ધંધો સંભાળે છે. હું થોડા સમયથી જે નોકરીમાં જોડાઇ છું એ લખમલભાઇની જ કંપની છે. પણ વર્ષોથી આપણે આ નામ ઘરમાં લીધું નથી. તને હજુ એ નામ યાદ છે?' રચનાએ પૂછ્યું અને માની આંખોમાં જોઇ રહી.

'દીકરી, એ માણસને તું ભૂલી શકી છે?'

'મા, હું તો ક્યારેય ભૂલી શકવાની નથી....'

'દીકરી, તું બહુ મોટું જોખમ લઇ રહી છે...'

'મા, આ જોખમ લેવા માટે તો હું જીવી રહી હતી. હવે સમય આવી ગયો છે કે ભૂતકાળને યાદ કરીને એમના વર્તમાનને....' બોલતી રચના અટકી ગઇ.

બેટા, તું ફરીથી વિચારી લે. તારું આ પગલું ક્યાંક...' મીતાબેને પણ પોતાનું વાક્ય અધ્યાહાર જ રાખ્યું.

ક્રમશ:

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED