તારા લીધે મારી મા મારાથી દૂર થઇ ગઈ. તારી ભૂલ તેના મગજ ઉપર હાવી થઇ ગઈ હતી. બસ એવું જ હું કંઈક તારી દીકરી સાથે કરવા માંગતો હતો... વધુમાં પૈસા એટલે વચ્ચે આવ્યા કે મારે તને ધૂળ ચટાવી હતી.. યાદ છે ને !!! તે મારી મા ઉપર ગરીબીનું સ્ટીકર ચીપકાવેલું.." એજ કરડાકી ભરેલું હાસ્ય અને કરચલીવાળા કપાળે પ્રસરતું તિલક, શક્તિસિંહને વધારે ભયાનક બનાવી રહ્યું હતું.
છેલ્લી વાર જોઈલે તારી દીકરીને એમ કહી શક્તિસિંહ રાશિને મારવા એની તરફ પોતાની બંદૂક તાકી ટ્રિગર દબાવવા જતો હતો ત્યાંજ અનુરાગે સમય સુચકતા દેખાડતા પોતાના પગેથી શક્તિસિંહને ધક્કો મારતા તે દીવાલ સાથે અથડાયો અને તેના હાથોમાંથી બંદૂક નીચે પડી ગઈ, પણ ત્યાં રહેલ શક્તિસિંહના માણસોએ અનુરાગને પકડી લીધો.
આ બધી ધમાલ ચાલી રહી હતી ત્યારેજ પોલિસીની એક ટુકડી રૂમમાં પ્રવેશી અને શક્તિસિંહ અને તેના માણસોને પકડી લીધા.
"મને ખબર જ હતી કઈક આવું થશે એટલે મેં પોલીસને પહેલેથી જ બોલાવી દીધી હતી, અને તે તારી જાતે જ બધું કબુલી લીધું છે એનું રેકર્ડિંગ પણ એમણે કરી લીધું છે." બોલતા સુમેરસિંહ પોલીસ દ્વારા પકડીને લઇ જવાતા શક્તિસિંહને જોઈ રહ્યો.
બધું શાંત થતા અનુરાગ રાશિ પાસે આવ્યો, અનુરાગને એની આંખોમાં અકળ વેદના દેખાઈ રહી. અનુરાગ કઈ પણ બોલ્યા વગર ત્યાંથી નીકળી ગયો અને તેને રોકવા પ્રયત્ન કરવા જતા સુમેરસિંહને રાશિએ રોકી લીધા.
પૂરા બે દિવસ વીતી ગયા હતા પણ નતો અનુરાગે ગયા બાદ રાશિ સાથે વાત કરવા પ્રયત્ન કર્યો નતો રાશિએ અનુરાગનો સંપર્ક કર્યો.
પોતાના જીવનમાં છવાઈ ગયેલ આ અસમંજસ ભર્યા વમળોમાં ઘેરાયેલ રાશિના ફોનની રિંગ વાગતા તેણે ફોન ઉઠાવ્યો.
"રાશિ બહેન, અનુરાગ ભાઈ તમારા લગ્ન માટે અહીંથી નીકળ્યા ત્યારબાદ હજુ વિલાસપુર આવ્યા નથી", મનોરથનો અવાજ રાશિના કાનોમાં ગુંજી ઉઠ્યો.
આજે રોજની જેમજ દૂર દરિયાની ક્ષિતિજ ઉપર સંધ્યાના રંગોને વિખેરતો સૂરજ ડૂબી રહ્યો હતો, જેને વર્ષો બાદ અનુરાગ દરિયા કિનારે એજ પોતાની પસંદગીની જગ્યાએ બેસી આ અસ્તાચળ જોઈ રહ્યો હતો અને દૂર પાછળ ઉભેલી રાશિ અનુરાગને અશ્રુભરી આંખે જોઈ રહી હતી.
💕
ડૂબતા સૂરજની સોનેરી કિરણોને મારી કાયામાં ભરી લઉં,
ઉગતા ચંદ્રની શીતળ ચાંદનીને, મારી ચુનરમાં ભરી લઉં,
થઈ જાઉં તુજમાં વિલીન હું કંઇક એવી તે ક્ષિતિજ બની જાઉં ...
અસીમ ગગનની અદભુત વિશાળતાને મારી નજરોમાં ભરી લઉં,
અફાટ દરિયાના મધુર તરંગોને મારી ચાહતમાં ભરી લઉં,
થઈ જાઉં તુજમાં વિલીન હું કંઇક એવી તે ક્ષિતિજ બની જાઉં ... 💕
💐સમાપ્ત💐
**************************
મારી કલમે... ✍️
મિત્રો પહેલી વાર ખુબજ ઓછાં સમયમાં કઈક અલગ અને આટલી મોટી સ્ટોરી લખી છે. સાચું કહું તો જ્યારે આ સ્ટોરી લખવાનું વિચાર્યું ત્યારે ખબર નહોતી કે હું આ કહાનીના દરેક મોડમાં કેવો અલગ પડાવ લાવી શકીશ.
પણ જેમ જેમ આ સ્ટોરી લખતી ગઈ નવા નવા વિચારો અને કહાનીમાં કિરદારો અને તે મુજબ વણાંકો ઉમેરાતા ગયા.
ઘણી વાર તો મે અડધી રાત્રે જાગીને આખી લખેલી વાર્તા ફરીથી લખીને સુધારી છે અને મનને યોગ્ય લાગ્યું પછી જ તે ભાગ પ્રકાશિત કર્યો છે. સરવાળે આં નવી ધારાવાહિક લખવાનો એક અલગ અનુભવ અને એમાંથી ઘણું શીખવા પણ મળ્યુ. સાથે સાથે વાંચક મિત્રોનો આટલો સારો આવકાર અને પ્રતિસાદ મળતો રહ્યો તે જોઈ લખવાં માટે ખૂબ પ્રોત્સાહન પણ મળ્યુ છે.
ફરી એક વખત મારા તમામ વાંચક મિત્રોનો ખૂબ ખૂબ આભાર. જલ્દી બીજી ધારાવાહિક લઈને આવીશ.
✍️ ધ્રુતિ મેહતા ( અસમંજસ )