મશિહા ધરાદીત્ય (ભૂમિનો રક્ષક) - 3 Sandip A Nayi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મશિહા ધરાદીત્ય (ભૂમિનો રક્ષક) - 3

બંનેની આંખો તળેથી જમીન સાફ દેખાઈ રહી હતી.હદયના ધબકારા તેજ ગતિએ ચાલી રહયા હતા.અચાનક જ પકડાઈ જતા કેમ કરીને બચી શકાય એ વિચારમાત્ર પણ તેમને આવતો નહોતો.ગરદન પર મુકેલી તલવાર પાછળ રહેલા માણસને કઈ રીતે પરાસ્ત કરીને ભાગી શકાય એ યુક્તિ પર વધારે વિચાર કરે એ પહેલા જ આવાજ આવ્યો,
"તમારા બંને પાસેથી આ અપેક્ષા નહોતી..."ભારેખમ અવાજ સાંભળતાની સાથે જ બંનેના કાન સ્તબ્ધ રહી ગયા.અવાજ ઓળખીતો હતો તેથી તેમને થોડી રાહત થઈ હતી પણ સાથે તેઓ ચિંતીત હતા.
"તમને એ યાદ રહેવું જોઈએ કે આપણે આપણી ભૂમિ પર નથી.કોઈ બીજાની ભૂમિ પર આવીને આ રીતે કરેલું વર્તન તમારા માટે અને આવનારા એ દરેક વેપારી માટે મુશ્કેલી બની શકે..."પોતાની વાતને પૂરી કરતા તે વ્યક્તિએ કહ્યું.સત્યેન અને મિત્રાના ગરદન પર હજુપણ તલવાર યથાવત હતી.
"પણ...ભીનોરદાદા એ લોકો દીનાર આપ્યા વિના જ આપણી પાસેથી સર્વ સામાનની ખરીદી કરતા હતા આ તો ખોટું કહેવાય ને ???" સત્યેને હવે પોતાની વાત કહેતા ગરદનને થોડી એ વ્યક્તિ સામે મરડી હતી.એ લાંબો, ખડતલ અને સ્વસ્થ માણસ એક યોદ્ધાથી કમ નહોતો લાગી રહયો.તેના માથે પણ સફેદ ફેંટો હતો જે એ વાતની ખાતરી આપતો હતો કે એ પણ આમની અંદર રહેલો જ એક માણસ હતો.તેની શરીરની બાજુઓ એટલી મોટી હતી કે કદાચ એ એકસાથે સત્યેન જેવા પાંચ માણસોને ઉપાડી શકે.
"આ એમની ભૂમિ છે એ કંઈ પણ કરી શકે આપણે બસ આપણા વેપાર અને કામથી મતલબ રાખવાનો..." તે થોડીવાર ઊભો રહ્યો અને ફરીથી બોલ્યો,
"જો એવા એક બે માણસો દીનાર આપ્યા વિના જ ખરીદી કરે તો આપણને કંઈ વાંધો નથી,સમગ્ર નગર તો દીનાર આપ્યા વિના ખરીદી નથી કરતું ને ? આપણા અનાજ અને ફળોનો મહત્તમ નફો મળી જાય એટલે બસ.બીજી કોઈપણ ઝંઝટમાં પડ્યા વિના નીકળી જવાનું ...." આ કહેતા તેણે બંનેના ગરદન પરથી તલવાર હટાવી દીધી.વેપાર કરવા આવેલા એ જૂથમાં અગ્રેસર હતો ભીનોર ! બધા લોકો તેને ભિનોર દાદા તરીકે વધારે ઓળખતા અને હંમેશા એ જે નામથી એમની સાથે વાર્તાલાપ કરતા એ પછી બાળક હોય કે ઉંમરલાયક! દૂર મધ્યભારતના આમીટ ગણરાજ્યમાંથી આવેલ આ વેપારી જૂથ પચીસ એક માણસોની સાથે આવ્યું હતું. સમુદ્રગુપ્તના એક પછી એક વિજય થયેલા પ્રદેશોમાં આ ગણરાજ્યનો પણ સમાવેશ થતો હતો.મધ્યભારતના ઘણા બધા ગણરાજ્યોનો વિનાશ કરીને પોતાની શક્તિનો પરિચય આપીને એણે બધાને અહી વેપાર કરવા સુધી આવવા વિવશ કરી દીધા હતા.
"પણ દાદા. ." સત્યેને ફરી પોતાની વાત કહેવા માટે આગળ વધ્યો પણ તેને વચ્ચે જ રોકીને ભીનોરદાદા બોલ્યા,
"બસ...હવે વાતનો અંત અહી કરી દે સત્યેન...વધારે વિચારીશ તો વધારે ઊંડી વિચારોની ખીણમાં ફસાઈશ..."આટલું બોલીને તે થોડીવાર માટે ઊભા રહી ગયા અને તરત બોલ્યા,
"આપણે કાલે આમિટ જવા નીકળીએ છીએ...."
"પણ...." સત્યેન કંઈ બોલે એ પહેલા જ પોતાનો હાથ હવામાં ઉંચકીને તેણે ના પાડી દીધી હતી.....
********
"હે દેવતા હે લોકોની રક્ષા કરનાર મહારાજાધિરાજ આપના વિશાળ સામ્રાજ્યની વધતી પ્રગતિ જોઈને અમે બધા હર્ષની લાગણી અનુભવી રહ્યા છીએ.તમારા જેવા મહાન યોદ્ધા ને મારા શત શત નમન:"બિંદુનાથએ રાજમહેલમાં આવતાની સાથે જ રાજા સામે પોતાનો ભાવ વ્યક્ત કર્યો હતો.વિશાળ રાજમહેલની અંદર અનેક જુદા જુદા નગરમાંથી આવેલ રાજાઓથી લઈને અનેક મહાન લોકો બિરાજમાન હતા. ઉત્તર બાજુ લડાઈ કરવા જતા પોતાના રાજાધિરાજની બેઠક તેમના રાજમહેલમાં મળી હતી.
"આવો...પુરોહિત આ ભવ્ય ક્ષણમાં આપનું સ્વાગત છે..."રાજાની ડાબી બાજુ બેઠેલા ગુરૂ ત્રીદર્શીએ તેમનું સ્વાગત કર્યું.પોતાના કપાળ પર કરેલ ત્રણ આંગળીથી નિશાન જે બંને હાથ પર પણ સદા રહેતું અને લાંબી શિખા પુરોહિતની આગવી નિશાની હતી.બંને હાથ અને ગળામાં પહેરેલ રુદ્રાક્ષની માળા તેમની શોભામાં ઔર વધારો કરતી હતી.નીચે સફેદ ધોતી અને છાતી પર નાખેલ પીળું વસ્ત્ર દરેક પુરોહિતની આગવી ઓળખ હતી.પુરોહિતે રાજા સામે જોઈને ફરી એકવાર કહ્યું,
"હે યુદ્ધના દેવતા હે અમારા રક્ષક તમારી બહાદુરીથી આ ભૂમિ ધન્ય થઈ છે.આપની મહાનતા આ રીતે જ વર્ષો વર્ષ સુધી અવિરત ચાલતી રહે એવી પ્રાર્થના..."પુરોહિતે રાજા સામે જોઈને કહ્યું.આજુ બાજુ બેઠેલા બધા લોકો તેની સામે જોઈ રહ્યા હતા.કોઈ લોકો પોતાના નગરમાં પડી રહેલી મુશ્કેલી લઈને આવ્યા હતા તો કોઈ ભૂમિ પર લાગતા કરને ઓછું કરવા માટે થઈને,દરેક માણસ પાસે કંઇક ને કંઇક કહેવા માટે હતું પણ રાજા પાસે યુદ્ધો કરીને વિજય પ્રાપ્ત કરવા સિવાય બીજો કોઈ સમય નહોતો.એકસાથે આટલા બધા પ્રદેશો જીત્યા પછી એમાં શું થઈ રહ્યું છે એની કંઈ જાણ રાજાને ન્હોતી.પોતાની સત્તાનો વિસ્તાર કરવો એ જ બસ એના માટે એક મહત્વનું લક્ષ્ય હતું.
"મહારાજાધીરાજની જય હો...." આ બધાની વચ્ચે બીજી બાજુથી વિદ્વાન મિથાધિશએ પ્રવેશ કરતા કહ્યું.
"આપનું સ્વાગત છે વિદ્વાન મિથાધિશ....."ગુરૂ ત્રીદર્શીએ તેમનું સ્વાગત કરતા કહ્યું.
"મહારાજા તમારા એક પછી એક વિજય જોઈને આ પાટલીપુત્રની ધરતી ધન્યતા અનુભવી રહી છે.એક મહાન યોદ્ધાને નમન છે મારા મહારાજ.....પણ મહારાજ..." મિથાધિશએ રાજાની સામે જોઈને પોતાના ચેહરા પર ચિંતાની લકીર આવતા કહ્યું,
"પણ શું વિદ્વાન..."ગુરૂ ત્રીદર્શીએ મિથાધિશની ચિંતા જાણવાનો પ્રત્યન કરતા કહ્યું.મિથાધિશની એક વિદ્વાન તરીકે સાચી ઓળખ હતી પાટલીપુત્રમાં ! હંમેશા દરેક પરિસ્થિતિની ચારે તરફથી વિશ્લેષણ કરીને અભિપ્રાય આપવો એ એમની વિશેષતા હતી.ગુરૂ ચાણક્યના નીતિશાસ્ત્રના દરેક પાઠને પોતાની અંદર ઉતારીને પાટલીપુત્ર પ્રત્યે પોતાનુ સાચું કર્તવ્ય નીભાવવાની જવાબદારી તેમની શોભામાં અભિવૃધ્ધિ કરતી હતી.
"પણ મહારાજા હવે આ લડાઈઓનો અંત કરીને જેટલા નગર જીત્યા છે એના પર ધ્યાન કેન્દ્રિત કરવાનો સમય આવી ગયો છે,એક રાજાની સાચી ઓળખ હંમેશા યુદ્ધો કરની સતા વધારવી એ જ નથી પણ પોતાની પ્રજાને ખુશ રાખવી એ પણ હોય છે."
"એટલે તમે એમ કહેવાનો પ્રત્યન કરી રહ્યા છો કે અમારા મહાન રાજાને પોતાની પ્રજાની કંઈ પડી જ નથી."પોતાની વાતને વચ્ચે જ તીખા શબ્દોમાં પુરોહિતે કહી અને એ સાથે જ ત્યાં બેઠેલા બધા લોકો એમને જોવા લાગ્યા.
"પુરોહિત મારો કહેવાનો મતલબ એ નથી, મહારાજ અને એમની નીચે રહેલા દરેક લોકો આપણી પ્રજાની સુખાકારી માટે જ કામ કરે છે પણ એક રાજા જ્યારે લડાઇઓ વચ્ચે જ વ્યસ્ત હોય અને નગરો બીજાના સહારે ચાલતા હોય ત્યારે સ્વાભાવિક છે કે એક જવાબદાર વ્યક્તિ હોવાના નાતે મને ચિંતા થાય.. .." મિથાધિશએ પોતાની વાત બધાની સમક્ષ મૂકતા કહ્યું.હવે બધાની નજર તેમની પર હતી.
"આપણા મહાન રાજા લડાઈ વચ્ચે પણ એક સચોટ સાશન કરી શકે છે એ આપણે આટલા વર્ષોથી જોયું છે અને હજુપણ જોતા આવીશું....વિદ્વાન મીથાધિશ...." પુરોહિતે પોતાની વાત પૂરી કરતા કહ્યું.તેમની આંખો અને ભાવ બંને રાજા સામે જોઇને ગર્વથી ફૂલી ગયા હતા.
"એમાં કોઈ શંકા ને સ્થાન નથી કે આપણા રાજા કેટલા મહાન છે...પણ આ બધાની વચ્ચે કંઈ કેટલાય લોકોની મુશ્કેલીઓ અને ગરીબી પર આપણી નજર પડતી જ નથી.એક રાજાનો સાચો ધર્મ યુદ્ધ લડવાની સાથે સાથે પોતાની પ્રજાની આર્થિક કઠનાઈને સમજવાનો પણ છે.."ફરીથી મિથાધિશએ પોતાની વાત મૂકતા કહ્યું.
"દરેક માણસની મુશ્કેલી જોવા બેશે તો મહાન રાજા પાસે બીજો કોઈ સમય જ નહિ રહે પછી બીજા કામ ક્યારે કરશે કેમકે આ લોકોની મુશ્કેલીઓ અને ગરીબીનો અંત કદાભી આવવાનો નથી..."પુરોહિતે મજાકમાં કહ્યું અને હસવા લાગ્યા.
"તેમની નીચે રહેલા દરેક વ્યક્તિઓ પોતાનુ કર્તવ્ય નિષ્ઠાથી નિભાવે છે વિદ્વાન..."પુરોહિત હવે તેમની બરાબરીમાં આવી ગયા હતા.
"પરંતુ મહારાજા.... "વિદ્વાન કંઇક કહેવા જાય એ પહેલાં જ ગુરૂ ત્રિદર્શીએ તેમની વાત કાપતા કહ્યું,
"વિદ્વાન તમારી વાતને વચ્ચે જ અટકાવિશ પણ હવે મહારાજને બીજા અંગત માણસો સાથે પોતાની નીતિઓની ચર્ચા કરવાનો સમય થઈ ગયો છે.આજની આ સભા અહી જ પૂરી કરીએ છીએ .."આની સાથે જ ત્યાં બેઠેલા દરેક લોકોની ઉમ્મીદો પર પૂર્ણવિરામ લાગી ગયું હતું.પોતાની વ્યથા પોતાની મુશ્કેલીઓ રાજા સુધી ના પહોંચી શકવાનો બધાને ભારોભાર અફસોસ હતો સાથે વિદ્વાનને પણ ! સભા પૂરી થતાં પહેલાં પુરોહિતે તેમની સામે એક કટાક્ષ ભર્યા મુખ સાથે જોયું અને હલકુ હાસ્ય કર્યું
*******
નગરની ચારે તરફ સૈનિકોનો કાફલો ફરી રહયો હતો.નગરની બહાર જતા અને અંદર આવતા બધા લોકોની અંગત તપાસ થઈ રહી હતી.ઘણા દિવસો પછી નગરમાં મહારાજાધિરાજ આવ્યા હતા એટલે એમના સ્વાગતની તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી હતી.રાત્રે યુદ્ધમાં વિજય થઈને આવેલા દરેક યોદ્ધાઓનો સન્માન કાર્યક્ર્મ આયોજિત કરવામાં આવ્યો હતો જેના ભાગરૂપે નગરમાં ચારેકોર ભીડ હતી.
"કોઈપણ વ્યક્તિ કદાપિ કોઈનો સાથ નહિ છોડે....નગરની સીમા વટાવ્યા પછી અમે ત્રણ જણા તમને નગરની બહાર મળીશું...."ભીનોરદાદાએ આમીટ ગણરાજ્ય ના બધા લોકોને સચેત કરતા કહ્યું.સત્યેન અને મિત્રાને આ સૈનિકોથી બચાવીને નગરની સીમા બહાર લઈ જવા એ ભીનોરદાદાની જવાબદારી હતી.નગરની બધી દિશાઓમાં ફરતા સૈનિકોને જોઈને બધાની હાલત થોડી ગંભીર થઈ ગઈ હતી.સત્યેન અને મિત્રાને જો ભૂલથી પણ કોઈ સૈનિકે પકડી લીધા તો બધાની માથે આફત આવી પડશે એ નક્કી હતું એ માટે જ થઈને કોઈએ પોતાના માથે તેમની નિશાની રૂપ સફેદ ફેંટો ધારણ નહોતો કર્યો.સત્યેન અને મિત્રા પણ કોઈ અલગ જ રૂપ ધારણ કરીને આવ્યા હતા જે ભીનોર દાદાની એક ચાલાકી હતી.થોડા માણસો સીધા નગરના દ્વારથી તો થોડા માણસો ડાબી બાજુએ રહેલા દ્વારથી પ્રવેશ કરવા માટે થઈને આગળ વધી રહ્યા હતા.ભીનોર દાદા,સત્યેન અને મિત્રા તેમની જમણી બાજુ રહેલા એક નાના દ્વારની સામે જઈ રહ્યા હતા કે જ્યાં હદ કરતા પણ વધારે ભીડ હતી કે જેથી કરીને હળબડીમાં જ બધાની સાથે બહાર નીકળી જવાય !
"સત્યેન....મે કહ્યું એમ દરેક પ્રશ્નનો ઉત્તર સીધો અને સચોટ હોવો જોઈએ....કોઈપણ પ્રકારે ખુદના ચહેરા પર કોઈ હાવભાવ ના આવવા જોઈએ" ભીનોરદાદાએ સત્યેનને સમજાવતા કહ્યું.આજે સત્યેનને ઓળખવો મુશ્કેલ હતો કેમકે તેની હરેક ચાલવાથી લઈને બોલવાની છટામાં ભીનોર દાદાએ ધરખમ બદલાવ કરાવ્યો હતો.તેના જમણા ગાલની થોડી ઉપર ઉપસેલ નકલી મસાને લીધે તેની ઓળખ કરવી ખરેખર અગરી હતી.મિત્રાની ભીનોરદાદાને એટલી ચિંતા નહોતી કેમકે એમણે પોતાની પુત્રી તરીકે તેનો પરિચય આપવાનો હતો.સાવ સીધા કોમળ બદન પર નાખેલા સ્ત્રીમય વસ્ત્રોમાં મિત્રાને થોડી અગવડતા પડી રહી હતી.હંમેશા એક છોકરાની જેમ હાથમાં ધનુષ પકડીને જ આમીટ ગણરાજ્યમાં એણે દિવસો પસાર કરેલા,આજે જ્યારે આ રીતે વસ્ત્રો પહેરીને તે બધાની વચ્ચે આવી હતી ત્યારે બધા બસ એની સામે જોઇને હરખાઈ રહ્યા હતા.
"દાદા આજે વેપાર કરવાનો સમય યોગ્ય હતો આટલી ભીડ આ પહેલા મે ક્યારેય નથી જોઈ....કેટલા બધા ફળો વેચાઈ ગયા હોત ..."સત્યેન થોડીવાર માટે ઊભા રહીને આજુ બાજુ રહેલી ભીડ સામે કુતુહલતાથી જોઇને કહ્યું.
"હા દાદા મારા અનાજની બહુ સારી રકમ આજે મળી હોત મને...."મિત્રાએ પણ જવાબ આપતા કહ્યું.
ભીનોર દાદાએ બંને સામે સતર્ક થઈને કહ્યું,
"હમણાં આપણે કઈ રીતે સીમા પાર કરી નગરની બહાર નીકળી શકાય એના પર ધ્યાન આપવાનો સમય છે ..બીજુ કંઈ વિચારવાનો સમય નથી."ભીનોરદાદા આટલું કહીને થોડીવાર માટે ઊભા રહ્યા અને પછી બોલ્યા,
"સત્યેન અને મિત્રા તમને બંનેને અહી ઊભેલા દરેક સૈનિકની આંખ સામે આવતા પહેલા ખુદને આત્મવિશ્વાસ અપાવવો પડશે કેમકે તમે જે કર્યું છે એ પછી અહી ઊભેલા દરેક સૈનિકની આંખોથી બચવું એટલે ખતરાથી ખાલી નથી ...." ચિંતા વ્યકત કરતા ભીનોરદાદા સામે ઊભા રહેલ સૈનિક સામે જોયું કે જે બહુ જ સખ્ત રીતે આવતા જતા લોકોની ચકાસણી કરી રહ્યો હતો.
ભીનોરદાદા,સત્યેન અને મિત્રા જેમ બીજા લોકો નગર બહાર જવાની લાઈનમાં ઊભા હતા તેમાં જઈને જોડાઈ ગયા.એક પછી એક બધા લોકોની ચકાસણી થઈ રહી હતી.તેમના પોટલામાં રહેલા સામાનની ચકાસણી થતાં તેમાંથી નીકળતા દરેક ઓજારોને બહાર નીકાળીને પોતાની પાસે રાખી લેવામાં આવતા હતા, ભલેને પછી એ પોતાના અંગત કામ માટે લઈને જતા હોય તો પણ ! એક માણસના પોટલામાથી કટાર નીકળતા સરેઆમ તેને ઢોર માર મારીને નગરના કેદખાનામાં લઈ ગયા હતા,આ જોઈને સત્યેન અને મિત્રા બંને થોડીવાર માટે ચિંતામાં આવી ગયા હતા પણ ભિનોરદાદાએ તેમની સામે જોઇને બંનેને શાંત રહેવા કહ્યું હતું.હવે ધીરે ધીરે લાઈન ઘટી રહી હતી અને તેમનો વારો આવવાની પળ નજીક આવી રહી હતી.એ સાથે જ સત્યેન અને મિત્રાની હદયની ધડકનો તેજ થઈ રહી હતી.ત્યાં અચાનક જ સત્યેનની નજર હાથ પર બાંધેલ પટ્ટી પર પડી.એ હાથ બીજા કોઈનો નહીં પણ સ્ત્યેનએ મારેલી કટાર વાળા સૈનિકનો હતો જે ધીરે ધીરે લાઈનમાં ઊભેલા વ્યક્તિઓ સામે આવી રહ્યો હતો અને સાથે સત્યેન અને મીત્રાની આંખો ફાટી ને ફાટી રહી ગઈ હતી.આ કેમ અહી આવી રહ્યો હતો ?
********