મશિહા ધરાદીત્ય (ભૂમિનો રક્ષક) - 2 Sandip A Nayi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મશિહા ધરાદીત્ય (ભૂમિનો રક્ષક) - 2

"ત્રણ દીનાર... " તાજા મીઠા ફળોને લઈને પોતાના ઘોડાની બાજુમાં બાંધેલી પોટલીમાં નાખીને જતા સૈનિકના કાને એક અવાજ ગુંજ્યો.અવાજ સાંભળતા જ તેણે ધોડાની લગામ ખિંચતા ધોડો ત્યાં ઊભો રહી ગયો હતો,એ સાથે તરત સૈનિક ઊતરીને નીચે આવ્યો હતો.
"કેટલા...???" સંસ્કૃતમાં સૈનિકે પ્રશ્ન કર્યો.આજુ-બાજુ ઊભેલા દરેક માણસને જાણ થઈ ગઈ હતી કે આ રાજમહેલનો કોઈ માણસ હતો કેમકે રાજમહેલના અને ઉચ્ચ લોકો જ સંસ્કૃત ભાષાનો વાત કરવા માટે પ્રયોગ કરતા હતા તથા તેમની પ્રજા અને બીજા લોકો પાકૃત ભાષામાં વાર્તાલાપ કરતા હતા.
પોતાનો સામાન લઈને ફળો વેચવા આવેલા વેપારીએ રાજમહેલના એ સૈનિક પાસે ત્રણ દીનાર માગ્યા હતા જેથી તે થોડો અકડાયો હતો અને તરત તેની સામે ગુસ્સામાં આવી ચડ્યો હતો.
"કેટલા ? " ફરીથી તેણે પ્રશ્ન કર્યો હતો.
" શ્રીમાન ૩ દીનાર..." વેપારીએ ફરીથી એ જ જવાબ આપીને ગુસ્તાખી કરી હતી.રાજમહેલમાંથી આવેલા કોઈપણ માણસ પાસેથી આ રીતે દીનાર માગી ના શકાય એ બધાને ખબર હતી. સમગ્ર લોકોની નજર હજુ મૂછો પણ ફૂટી નહોતી એવા નવયુવાન વેપારી પર જઈને સ્થિર રહી ગઈ હતી.તેના ખભા સુધી આવતા લાંબા વાળ પર બાંધેલ સફેદ ફેટો તેની ખૂબસૂરતીમાં વધારે રોનક લાવતો હતો.તેની કોમળ આંખોની ઊપર રહેલી પાંપણો તેની બોલતાની સાથે જ ઉપર નીચે થઈને ત્યાં ધ્યાન કેન્દ્રિત કરવા માટે ખિંચતી હતી.બે મોટા લાકડાના ફટકાથી ઊભું રાખેલ નાના પાટિયા પર લગાવેલા અલગ અલગ ફળોથી શોભતું નજરાણું પૂરા બજારમાં ચારે તરફ ખુશ્બૂ ફેલાવી રહ્યું હતું. તેના જેવા જ તાજા અને મુલાયમ ફળો પૂરા બજારમાં કોઈની પાસે નહિ હોય એની ખાતરી એને હતી ! અને એ વાત સાચી પણ હતી કેમકે તેની સામેથી પસાર થતાં કોઈપણ માણસે તેની પાસેથી ફળો નહિ લીધા હોય એવું ભાગ્યે જ બન્યું હતું.સૈનિક થોડીવાર સુધી તેના સામે ધુરીને જોઈ રહ્યો અને પછી બોલ્યો,
"મૂર્ખ તને ખબર છે તું કોના પાસે દીનાર માગી રહ્યો છે....???"સૈનિકે તેની આંખોમાં આંખો નાખતા કહ્યું.
"શ્રીમાન આ રીતે જ તમે દીનાર આપ્યા વગર મારા ફળોની ઇજજત નહિ કરો તો કદાચ એ મારા વેપાર અને ફળો બંને માટે થઈને નુકશાનકારક બનશે"વેપારી નવયુવાનએ શાંતિથી સૈનિકની આંખોથી એક પળ માટે પણ આંખો નીચે ના કરતા જવાબ આપ્યો.આ જોઈને સૈનિક હવે વધારે ચિડાયો હતો. તેણે પોતાના બંને દાંતોને કસીને વેપારી સામે જોયું.
"તારા આ તુચ્છ ફળોની કિંમતથી મારા દીનારની તુલના કરે છે મૂર્ખ....."વેપારીએ ફરીથી જવાબ આપતા કહ્યું.
"શ્રીમાન મારા ફળોની માવજત કઈ રીતે થાય છે એ મને ખબર છે.જરા એને તુચ્છ કહેતા પહેલા એની અહેમિયત સમજી લો...મારી પાસે કંઈ જાદુઈ ચિરાગ નથી કે હું જ્યારે જોઈએ ત્યારે ફળો ઝાડ પર ઉગાડી દઉં,આ કામ કરવામાં મહેનત લાગે છે અને હું બસ એ મહેનતનું પરિણામ તમારી પાસે માગી રહ્યો છું બીજુ કંઈ નહિ....."નવયુવાનએ પોતાની હાથની હથેળી સૈનિક સામે ખુલ્લી મૂકીને દીનાર માગતા કહ્યું.આ વખતે હવે સૈનિક વધારે અકડાયો હતો.આ બધો તમાશો જોઈને આજુ બાજુ બીજા સૈનિકો પણ આવીને ત્યાં જમાં થઈ ગયા હતા અને અંદરો અંદર વાતો કરવા લાગ્યા હતા કે જો આ રીતે જ થશે તો કોઈ વેપારી કે કોઈ માણસ આપણને દીનાર વગર કંઈ જ નહિ આપે ઉપરાંત આ રીતે રોફ જમાવશે.પાછળ ઉભેલા બીજા બે સૈનિકોએ પેલા ફળો લીધેલા સૈનિકની ડરપોક કહીને બે થી ત્રણ વાર ચિડવ્યો હતો.હવે તે સૈનિક પોતાનો આપો ખોઈ રહ્યો હતો.
"તારા આ પરાક્રમની જાણ મહારાજાધિરાજ ને થશે તો તારી શું હાલત થશે એની તને ખબર છે દૂર્ષ્ટ માણસ...??"સૈનિકે રાજાધિરાજની ધમકી આપતા નવયુવાન સામે પોતાની આંખોને પહોળી કરી.થોડીવાર માટે નવયુવાન એ સૈનિક સામે જોઈ રહ્યો અને હસવા લાગ્યો.એ હજુપણ જોર જોરથી હસવા લાગ્યો.તેને હસતો જોઈને આજુ બાજુ ઊભેલા બધા લોકો અચંબામાં હતા કે આ યુવાનને રાજાનો કોઈ ડર નથી કે શું ? આટલો બેકોફ નવયુવાન વેપારી આ બજારમાં પહેલીવાર જોયો હતો ? એની ઉંમર લગભગ સત્તર એક વર્ષ હતી પણ તેની નીડરતા એનાથી પણ બમણી હતી.હજુપણ એ હસતો હતો અને એને હસતો જોઈને એ સૈનિક વધારે લાલ પીળો થઈ રહ્યો હતો.
"રાજાધિરાજને આપણા એટલે કે તમે કહ્યું એમ આપણા જેવા તુચ્છ માણસ માટે આટલી નાની વાત સાંભળવાનો સમય ક્યાં હશે.શું લાગે છે તમને....હશે?? " આ વાત સાંભળીને ત્યાં ઊભેલા બધા લોકોના ચહેરા પર પણ સ્મિત આવી ગયું બધા લોકો એક સાથે હસી પડ્યા અને આ જોઈને પેલો સૈનિકનો ગુસ્સો ઔર વધી રહ્યો હતો.
"શ્રીમાન તમારા રાજાધિરાજ પોતાના લક્ષ્યોને પ્રાપ્ત કરવાની પાછળ એ રીતે પડ્યા છે કે તેમના રાજ્યમાં અને તેમણે જીતેલા રાજ્યોમાં કંઈ રીતે સંચાલન થઈ રહ્યું છે એની એમને સુધ્ધાં ખબર નથી.એક રાજ્ય સુધી સીમિત રાજાને ખબર હોય છે કે તેના રાજ્યમાં શું થઈ રહ્યું છે પણ વધારે રાજ્યોના મહાન રાજા બન્યા પછી તેમની જાણ બહાર ઘણું બધું થતું હોય છે.....શ્રીમાન..." નવયુવાન વેપારીએ આ વખતે પોતાની બુદ્ધિક્ષમતાનો પરીચય આપતા કહ્યું.તેની આ સોચ ત્યાં બેઠેલા ઘણા ઉંમરલાયક માણસોને પોતાની તરફ આકર્ષિત કરવા કાફી હતી...
"તે આ કહીને આમારા મહારાજાધિરાજનું અપમાન કર્યું છે...પાગલ...."આ સાથે જ સૈનિકે પોતાની આંખો તળેથી લાલ થતાં ગુસ્સામાં સહમી રહ્યો હતો.ગુસ્સામાં તેના ખભા ઊંચકાઈને વારંવાર નીચે આવી રહ્યા હતા.
"તારા જેવા જમીન પર રહીને જમીનમાં જ મૃત્યુ પામતા લોકોને અમારા સામે બોલવાનો કોઈ અધિકાર નથી..." સૈનિક તરત જ બોલી ઉઠ્યો.નવયુવાન વેપારી તેના સામે અચરજ ભાવથી જોઈ રહ્યો અને બોલ્યો,
"શ્રીમાન...અમે જમીન પર રહેવાવાળા લોકો જ્યારે મહેનત કરીને તમારા માટે જરૂરી વસ્તુઓ પૂરી પાડીએ છીએ ત્યારે ત્યાં અમારી અહેમિયત સમજાય છે.અમારા થકી આ સુંદર અને સ્વસ્છ ફળો તમે ભોજનમાં લઈ શકો છો,અમારા જેવા માણસો થકી જ તમે બે આનામાં સુખેથી રોટી આળોગી શકો છો."યુવાનએ ફરી તેની સામે બાજી જીતતો હોય એમ જવાબ આપ્યો.આ વખતે એ સૈનિક હદ કરતા પણ વધારે ગુસ્સે ભરાયો હતો એ સાથે જ તેણે પોતાના કમરમાં લાગેલી તલવારને મ્યાનમાંથી નીકાળીને નવયુવાન વેપારીના ગરદન પર મૂકી દીધી. આજુબાજુ ઊભેલા દરેક લોકો સ્તબધ થઈ ગયા હતા.નવયુવાન વેપારીએ પોતાના પર મુકેલી ગરદન પરથી નીચે જોઈને અંદાજો મેળવી લીધો હતો કે તેના ઘણા ફળો વેચાઈ ચૂક્યા હતા અને હવે વેપાર બંધ કરીને જવાનો સમય આવી ગયો હતો. તેણે એ સૈનિક સામે જોયું જે તેના સામે ગુસ્સાભરી નજરમાં પોતાની તલવારને તેની ગરદન પર મૂકીને જોઈ રહ્યો હતો.નવયુવાન વેપારીએ તરત જ પોતાના પીઠની પાછળ ભરાવેલ કટારને નીકાળીને સૈનિકની આંખની પલક ઝબકે એ પહેલા જ તેના હાથમાં જે તલવાર પકડી હતી એ હાથ પર જ કટાર મારી દીધી. સૈનિકના હાથમાંથી તલવાર નીચે પડી ગઈ અને તેના મોઢામાંથી એક ચીસ નીકળી પડી.નવયુવાન આ ક્ષણનો લાભ ઉઠાવીને પોતાનો પોટલો ખભે લટકાવતા ભાગી નીકળ્યો.
"પકડો એને....."ઘાયલ સૈનિકે બીજા સૈનિકોને આદેશ આપતા કહ્યું.બીજા સૈનિકો તરત એ નવયુવાન પાછળ ભાગ્યા.તેની ઝડપ એટલી હતી કે બીજા લોકો બસ એને એક જ પળમાં છુમંતર થતાં જોઈ પણ ના શક્યા.બજારમાં ભીડ એટલી હતી કે કોણ ક્યાં જાય એની ખબર સુદ્ધાં કોઈને ના પડે,ચારે તરફ મોટા મોટા લાકડાના ટેકાના સહારે વેપાર કરવા માટે ટાંગીને બનાવેલ સ્થળો પર એ નવયુવાન ભાગી રહયો હતો અને તેની પાછળ સૈનિકોનું ઝુંડ પણ એ રીતે જ ભાગી રહ્યું હતું.આટલા મોટા બજારમાં આ રીતે થતી ધમાલ જોઈને બધા લોકો એકપળ માટે એમની સામે જોઈ રહ્યા હતા. નવયુવાનને પાછળ આવતા સૈનિકોના ઝુંડને જોઈને બચવા માટે એક સાંકડી ગલીમાં સામે પડેલા લાકડાઓને અડચણ રૂપ બનાવા માટે વચ્ચે જ ફેંકીને ગલીની બીજીબાજુ નીકળી ગયો,એની આ હરકતથી પાછળ આવતા સૈનિકો પર લાકડાઓ પડ્યા હતા અને તેનો લાભ ઉઠાવી બને એટલો એ જલ્દી ભાગી નીકળ્યો હતો.સૈનિકો પણ બને એટલી જલ્દી ખુદને સંભાળીને પાછા તેની પાછળ દોડ્યા હતા.નવયુવાન હવે નાની - નાની ગલીઓ કે જેમાં ખૂબ જ સુંદર સ્ત્રીઓના ઘરેણાં થી વ્યસ્ત બજાર હતું એમાં પ્રવેશી ચૂક્યો હતો અને એની પાછળ બે - બે ની ટુકડીમાં ચારે તરફથી એને ઘેરતા સૈનિકો એનો પીછો કરી રહ્યા હતા.આ વખતે હવે એ ફસાયો હતો.આ ગલીઓમાંથી નીકળવું તેના માટે મુશ્કેલ હતું.સામેથી આવતા બે સૈનિકોને જોઈને થોડીવાર માટે એને ખભે ભરાવેલા પોટલામાંથી બીજી એક કટાર નીકાળી હતી અને એ સાથે જ તેણે બાજુમાંથી પસાર થતા ઘરેણાના દુકાનમાં જોયું તો અલગ અલગ લટકતા અરિસામાં પાછળથી બીજા બે સૈનિકો સાફ રીતે તેની પાછળ આવતા દેખાઈ રહ્યા હતા.હવે તે ફસાયો હતો.સામેથી બે સૈનિક અને પાછળથી બે સૈનિક અને બંનેના હાથમાં તલવાર ! તેની કટાર હવે આ બધાંનો મુકાબલો કરવા માટે અસહાય હતી એની ખાતરી એને થઈ ગઈ હતી છતાં તેણે તેના ચેહરા પર એકપળ માટે પણ પોતાના ડરને હાવી થવા નહોતો દીધો.જેમ તેના ફળોમાં જેટલી મીઠાસ હતી એટલી જ એના ચેહરા પર પણ દેખાઈ રહી હતી.સામેથી આવતા બે સૈનિકોમાંથી એક સૈનિકે તેના પર તલવાર ચલાવી હતી પણ એ કૂદીને બાજુમાં પડેલા ઘરેણાં મૂકવાના સામાન પર જઈને પડ્યો હતો.તેના વારથી બચી ગયો હતો તેથી તે થોડો શાંત હતો પણ ત્યાં જ પાછળ રહેલા બીજા સૈનિકે પણ તેના પર પ્રહાર કર્યો હતો અને આ વખતે તે એ વારથી બચીને સૈનિકના બંને પગ વચ્ચે થઈને પોતાની કટાર સાથે એની પાછળ ઊભો હતો.એ એની પાછળ ફરે એ પહેલા જ નવયુવાનએ કટારનો પાછળનો ભાગ તેના માથા પર જોરથી માર્યો હતો.તે સૈનિક ત્યાં જ બેભાન થઈને લથડી પડ્યો હતો.આ જોઈને સામે ઊભેલો સૈનિક તેની સામે આવી ચડ્યો હતો,પણ તરત જ તેને પણ નવયુવાને પગની આંટી પાડીને નીચે માટીમાં ફંગોળી દીધો હતો.આ વાર એણે એના પિતા પાસેથી શીખ્યો હતો.આજે જ્યારે તેણે આ દાવ કોઈ વ્યક્તિ પર અજમાવ્યો હતો અને એ પણ સફળતાપૂર્વક ત્યારે તેની છાતી ગર્વથી પહોળી થઇ ગઈ હતી.એ વધારે ખુશ થાય એ પહેલા જ બીજા બે સૈનિક આવીને તેની સામે ઊભા રહી ગયા હતા અને તેને ગુસ્સામાં જોઈ રહ્યા હતા.અચાનક જ બંનેએ તેની સામે પ્રહાર કર્યો અને તે સાથે જ નવયુવાન પોતાના બંને હાથ વડે કૂદીને એ જ્યાં હતો ત્યાંથી પાછળ આવી ગયો હતો.તેની આ કૂદવાની શુફૂર્તી જોઈને સૈનિકોનું દળ હેરાન રહી ગયું હતું કે કેમ કરીને આ એક મામૂલી વેપારી આટલી નીડરતા અને સાહસ સાથે આ પરાક્રમ દેખાડી રહયો છે ? નિરાશ ના થતાં ફરીથી પેલા બે સૈનિકે તેના પર પ્રહાર કયો હતો આ વખતે પણ નવયુવાને પોતાના હાથમાં રહેલી કટાર સાથે બને એટલી તાકાત સાથે પ્રહારનો સામનો કર્યો હતો. બંને સૈનિક એક પછી એક પ્રહાર કરી રહ્યા હતા અને નવયુવાન તેમના આ પ્રહારનો જવાબ આપીને બચી રહ્યો હતો.તેની આજુબાજુ હવે બીજા ઘણા સૈનિક આવીને ગોઠવાઈ ગયા હતા.તેનું બચવું અને ભાગવું બંને હવે મુશ્કેલ હતું. બંને સૈનિકો સાથે લડતા લડતા તે હવે હાંફવા લાગ્યો હતો અને થાક્યો પણ હતો.સામે રહેલા બંને સૈનિક પણ થાક્યા હતા છતાં એક નાના નવયુવાનને ના પકડી શકવાનો વસવસો તેમને મનમાં ખાઈ રહ્યો હતો.આ બંને સૈનિકોને વધારે સમયથી લડતા જોઈને હવે પાછળ અને ડાબી બાજુ ઊભેલા બીજા સૈનિકો આ ખેલ ખતમ કરવા આવી ચડ્યા હતા. તેમને પોતાની બાજુ આવતા જોઈને નવયુવાન મનમાં કોઈ યુક્તિ બનાવી રહ્યો હતો પણ કોઈ યુક્તિ ત્યારે જ ચાલે જ્યારે તેનામાં તાકતા હોય.તે પૂરેપૂરો પરસેવાથી લથપથ હતો.હવે બીજા સૈનિકો સાથે લડવું કદાચ એના માટે કઠિન હતું.તેના સામે સૈનિકો એક સાથે આગળ વધી રહ્યા હતા અને એ સાથે જ એની ચિંતા પણ વધી રહી હતી.કેમ કરીને એ આ બધાથી બચી શકે ? તેણે આજુબાજુ બજારમાં નજર ફેરવી લીધી.કોઈ મદદ મળી શકે એવું કંઈ એની સામે દેખાઈ રહ્યું નહોતું.સૈનિકો તેજ ગતિએ તેની સામે વધી રહ્યા હતા.સામે રહેલા થાકેલા બે સૈનિકમાંથી એક સૈનિકે ફરી તેના પર તલવાર વડે પ્રહાર કર્યો હતો અને આ વખતે પણ તેણે પોતાની ફૂર્તી બતાવીને એ પ્રહાર ને નાકામ કરી દીધો હતો.હવે બજારની વચ્ચે પેલો સૈનિક પણ આવી ગયો જેના હાથ પર તેણે પ્રહાર કર્યો હતો અને જેના સાથે તેને રકજક થઈ હતી.તેના હાથ પર સુકાઈ ગયેલા લોહીના ધબ્બા સાફ જોઈ શકાતા હતા.તે સૈનિક નવયુવાન સામે બદલાની ભાવનાથી જોઈ રહ્યો હતો અને બીજા સૈનિકોને નવયુવાનને જાનથી મારી નાખવા તેણે આદેશ આપી દીધો.બધા સૈનિકો એક સાથે તેની સામે જઈ રહ્યા હતા.એ હવે તેજ ગતિથી આગળ વધીને એક સામન્ય બાળકને સબક શિખવાડવા આતુર હતા.હવે તે તેની નજીક હતા પણ નવયુવાન પાસે હવે કોઈ શકતી નહોતી કે તે કોઈ પણ પ્રહારનો સામનો કરી શકે.એક સૈનિકે પોતાના પાછળ ઊભેલા પેલા સૈનિકોને ઈશારો કરીને બોલાવ્યો અને તેના હાથમાં તલવાર આપી.લોહીના ધબ્બા જે સુકાઈ ગયા હતા તેના પર હાથ ફેરવીને તેણે તલવાર ઉંચકીને નવયુવાનના ધડ પર મારવા માટે ઊંચી ઉઠાવી અને તરત ત્યાં પાછળથી એક સ્ત્રીનો આવાજ પેલા નવયુવાનને સંભળાયો,
"સત્યેન.... માટી...."અવાજ એટલો કોમળ હતો કે બધાની નજર એકવાર તેની સામે ફરીને જોવા માટે કાફી હતી.નવયુવાને આવાજ સાંભળતાની સાથે જ તેણે નીચેથી માટી ઉઠાવીને પેલા સૈનિકના આંખમાં નાખી દીધી હતી.સૈનિકને કંઈ ખબર પડે એ પહેલા જ તેણે પોતાની બંને આંખોને પકડીને પાછળ જતો રહ્યો હતો.આ સાથે જ હવામાંથી ધનુષ સાથે ઉડતી આવીને છોકરીએ સામે ઊભેલા બંને સૈનિકોના સાથળમાં તીરના ઊંડા ઘાવ કરી દીધા હતા.પાછળ રહેલા બીજા બે સૈનિકના ખભા પર એક પછી એક બે તીર ચલાવીને ઘાયલ કરી દીધા હતા.તેના એકબાજુથી વ્યવસ્થિત વાળ પર બાંધેલ સફેદ ફેટો હવામાં લહેરાઈ રહ્યો હતો.તેના કપાળની વચોવચ લગાવેલ નાનો તિલક અતિશય ઊર્જા પેદા કરતો હતો.આંખોની નીચેથી લઈને છેક ગરદન સુધી બાંધેલા કફનની અંદર તે વધારે ઘાતક લાગતી હતી.ગુસ્સામાં ભરાયેલા સૈનિકે સામેથી આવીને તે છોકરીના ધનુષને તેની પાસેથી ખીંચવાનો પ્રયાસ કર્યો હતો પણ તેણે તે સૈનિકનો હાથ મરડીને તેને ઉલટો કરીને જમીન પર જ ફસડાઈ દીધો હતો.નવયુવાન કે જેનું નામ સત્યેન હતું એ ઊભો થઈને હવે બીજા સૈનિકો સાથે લડી રહ્યો હતો.એક પછી એક બીજા નવા જ સૈનિકો તેમની સામે આવી રહ્યા હતા અને આ જોઈને પેલી છોકરીને ખબર પડી ગઈ હતી કે હવે આ રીતે લડતા રહેવું અશક્ય છે,એણે બને એટલી જલ્દી અહીથી ભાગવાનો નિર્ણય કરી લીધો હતો.લડતા લડતા સત્યેન અને એ છોકરીની આંખો એક થઈ અને બંનેને ખબર પડી ગઈ હતી કે તેમણે શું કરવાનું છે.....આ સાથે જ એ છોકરીએ કૂદીને ફરી ધનુષમાંથી તીર છોડીને ઘરેણાંની ભરેલા બે લાકડાના ફટકાને તીર વડે ભાગીને સૈનિકો પર પડે એમ જોઈને તરત ત્યાંથી સત્યેન સાથે બને એટલી જલ્દી ભાગી હતી.સત્યેન પણ લડતા સૈનિકના પેટમાં ઘુંસો મારીને કટાર વડે તેની છાતીમાં ઘા કરીને છોકરી સાથે ભાગી નીકળ્યો હતો.ઘરેણાંથી ભરેલો સામાન પોતાના પર પડતાં સૈનિકો અચાનક જ અસ્થવ્યસ્ત થઈ ગયા હતા.એમને કંઇપણ ખબર પડે એ પહેલા સત્યેન અને પેલી અચાનક આવેલી છોકરી બંને ગુમ થઈ ગયા હતા.....

******
"સત્યેન....કૃપા કરીને હવેથી આ રીતે કોઈપણ મુશ્કેલીમાં વધારો ના કરીશ..."પાટલીપુત્રના બજારથી દૂર એક સુંદર ટેકરી પર આવીને બેસેલા એ બંને જણ હવે શાંત હતા.સત્યેન સાથે આજના બનાવને લઈને એ એનાથી નારાજ હતી એ સાફ દેખાઈ રહ્યું હતું.
"આપણી મહેનતનું શું પછી ? કોઈપણ આવીને મફતમાં આ રીતે લઈ જશે તો આપણે કંઇપણ બોલ્યા વિના આપી દઈશું મીત્રા....?"સત્યેનએ પોતાની નારાજગી જતાવતા કહ્યું.તે છોકરીનું નામ મિત્રા હતું.સુંદર આંખોથી સજજ ચહેરો જોઈને કોઈપણ ના કહી શકે આ એ જ છોકરી છે જે થોડીવાર પહેલા ધનુષ સાથે પોતાની શક્તિનો પરિચય આપી રહી હતી.સત્યેન કરતા એકાદ વર્ષ નાની હોવા છતાં તેની લડવાની તાકાત અનેક પુરુષો કરતાં ઘણી સારી હતી.
"સત્યેન આપણે અહી ધન એકત્ર કરવા માટે આવ્યા છીએ. આપણા પરિવારથી આટલી દૂર આવીને જો આપણે કંઇપણ લીધા વિના પાછા ફરીશું તો શું કામનું ? મને ખબર છે કે એ લોકો દીનાર આપ્યા વિના આપણા સામાનની ખરીદી કરે છે પણ તું સમજ બીજા આમ લોકોને આપણો વેપાર કરવા દેવા માટે થઈને આવા બે ચાર લોકોને મફતમાં કંઈ આપવું પડે તો એમાં કોઈ મોટી વાત નથી."મિત્રાએ સત્યેને શાંતિથી સમજાવતા કહ્યું.
"બકવાસ.....એમની સીમામાં પ્રવેશતા પહેલા જ આપણે વેપાર કરવા માટે થઈને અમુક કર ચૂકવી દઈએ છીએ એનો તો ખ્યાલ જ હશે ને તને મિત્રા....?"સત્યેન હવે ગુસ્સે ભરાયો હતો. બીજા કોઈ પ્રદેશના લોકો જ્યારે પાટલીપુત્રમાં વેપાર કરવા આવતા ત્યારે સીમા પર જ એમના પાસેથી કર વસૂલ કરી લેવામાં આવતો હતો.મિત્રા સત્યેન સામે જોઇને અવાચક બની ગઈ હતી.તે કંઇપણ બોલે એના બધા ઉત્તર સત્યેન પાસે હતા પણ એ કેમ કરીને એને સમજાવી શકે કે તે લોકો માત્ર એક વેપારી છે જે પોતાની જમીનમાં ઉગતા અનાજ અને બીજા ફળોને અહી વેચાણ માટે આવ્યા હતા. પાટલીપુત્ર એક એવું બજાર હતું જ્યાંથી એમને ખાસ્સો એવો મુનાફો મળી રહેતો અને પોતાના જમીનની સારી માવજત પણ આ દીનાર પર એ લોકો કરી રહ્યા હતા.
"હા પણ એ મહારાજાધિરાજના માણસો હતા આપણે એમને મનાઈ ના કરી શકીએ..." મિત્રાએ દૂર મશાલોથી ઝળહળતાં સુંદર નગર સામે જોઇને કહ્યું.દૂર ટેકરી પરથી નગર ખૂબ જ સુંદર નજરે પડતું હતું.કદાચ જ્યાં સત્યેન અને મિત્રા બેઠા હતા ત્યાં રાતના સમયે ભાગ્યે જ કોઈ આવીને બેસતું હશે...
"તો પછી આપણા ચૂકવેલા કરનું કોઈ મહત્વ નથી ? " સ્ત્યેને ફરથી મિત્રા સામે પોતાનો ઉત્તર માગતા કહ્યું.મિત્રા કંઈ ઉત્તર આપે એ પહેલા જ તેમની પાછળ રહેલી ઝાડીઓમાંથી કંઇક સળવળાટ થઈ અને અચાનક જ તે બંનેની ગરદન પર તલવાર આવીને ઊભી રહી ગઈ હતી.બંને આવક બનીને બસ પોતાની પર રહેલી તલવારના અહેસાસથી વિચલિત થઈ ગયા હતા.આખા દિવસ બચ્યા પછી પણ હવે રાતે પકડાઈ જવાનો ડર તેમના ચહેરા પર સાફ દેખાઈ આવતો હતો.

********
ક્રમશ :