મશિહા ધરાદીત્ય (ભૂમિનો રક્ષક) - 1 Sandip A Nayi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મશિહા ધરાદીત્ય (ભૂમિનો રક્ષક) - 1

મશિહા ધરાદીત્ય

ધગધગતી ધરતી પર વહી રહેલો પવન જાણે ચારે દિશાઓમાં પોતાની નીચે પડેલા દરેક માણસોની વ્યથા સાથે લઈને વહી રહયો હતો.સમી સાંજના ભૂરા આકાશ તળે મૃત્યુ પામેલા અને પોતાની વેદનામાં કણસી રહેલા માનવીઓની સામે આજે યુદ્ધભૂમિ પોતાની આગવી વ્યથા લઈને ઊભી હતી.ચારે તરફ બસ રકતથી લતપત લોકોની લાશોના ઢેર હતા જે જોઈને તેનો રંગ પણ લાલ થઇ ગયો હતો.કદી ના જોયેલા એ દરેક મહાન માણસોનો પ્રભાવ તેના માટે ભૂલવો અશક્ય બરાબર હતો.વીર યોદ્ધાઓની ગાથા સાચી રીતે ગાવા માટે એના પાસે ભવિષ્યમાં સાચવેલા આ ખજાનાને એ અનોખો માનીને સામે કણસી રહેલા માનવીઓને જોઈ રહી હતી.સમગ્ર ભૂમિ પોતાના સ્વામી એવા મહારાજાધિરાજ સામે થઈને એ માનવીઓને ઉભા કરીને ફરી જીવન આપવા માગતી હતી પણ કેમ કરીને તે આ મહાન યોદ્ધાઓને ફરી જીવંત કરી શકે ? કેમ કરીને ફરી એ આજથી જ્યારે આ યોદ્ધાઓનો જન્મ થયો ત્યાં સુધી પહોંચીને ફરી તેમને આ યુદ્ધ ના લડવા માનવી શકે ? કેમ ?


૫ કલાક પહેલા.....


"મારી સમીપ આવીને મને જલ્દીથી રથની નજીક લઈ જાવો વિષયપતી...."યુદ્ધમાં પોતાની ડાબી બાજુ લાગેલા તીરને બહાર નિકાળતા કુમારમાત્યે વિષયપતીને પોતાની બાજુમાં બોલાવતા કહ્યું.તેની બાહો એટલી મોટી હતી કે લોહીની ધારા સતત એના બાહોમાંથી છેક તેના શરીરના નીચલા ભાગ સુધી પહોંચી રહી હતી.પુરોહિતે છોડેલા એ તીરને લીધે તેના બાહોમાં લાગેલા એ નિશાનથી પુરોહિતની આંખો ઉત્સાહથી ચોડી થઈ ગઈ હતી.પોતાની આગવી અદામાં પુરોહિતે રથની બાજુ જઈ રહેલા કુમારમાત્ય અને વિષયપતી પર ફરથી નીચા નમીને તીરના એક પછી એક ચાર વાર પ્રહાર કર્યા. વિષયપતીએ આવતાની સાથે જ કુમારમાત્યને પુરોહિતના પ્રહારથી બચાવીને રથની બાજુમાં લઈ જઈને તરત બીજા સાથીઓને સોંપીને લોહીની ધારાને કસીને બાંધીને ફરી યુદ્ધમાં પહોંચવાની તૈયારીમાં લાગી ગયા હતા.

"કુમારમાત્ય તમારી બહાદુરીના સામે આ તીરના લાગેલા નિશાનની વેદના બહુ નાની છે તમે એક વીર છો.... "વિષયપતિએ કુમારમાત્યના હાથમાં લાગેલા નિશાન પર કસીને મલમપટી બાંધતા બીજા સાથી પાસેથી પોતાનો ભાલો લઈને પુરોહિત પર નિશાન તાકતા કહ્યું. ભાલામાંથી નીકળેલાં નાના - નાના પાંચ જેવા ભાલાઓને પોતાની સામે આવતા જોઈને થોડીવાર માટે પુરોહિતની આંખો અંજાય ગઈ હતી, પણ જેમ તેમ કરીને તે વિષયપતીના આ પ્રહારથી પોતાને સંભાળી શકયા.વિષયપતીના ભાલાની વિદ્યા સામે ભલભલા કંપી જતા હતા.


"મારા માટે તમે લોકો વીરતાની નિશાની છો વિષયપતી ! એક વિરની જેમ લડતા લડતા જો મને કદાચ મૃત્યુ પ્રાપ્ત થશે તો એનાથી કોઈ બીજી આ જીવનમાં આવેલી મોટી ક્ષણ મારા માટે નથી....."કુમારમાત્યે વિષયપતીની આંખોમાં આંખો પરોવીને પોતાની વીરતાની નિશાની આપતા કહ્યું.વિષયપતી કુમારમાત્યની બાહોમાંથી ફરી ધીરે ધીરે વહીને બહાર આવી રહેલી લોહીની ધારાઓ સામે જોઇને ફરીથી યુદ્ધમાં પાછા જવા નીકળી પડ્યા.
પુરોહિતનો કુમારમાત્ય માટે ગુસ્સો તેના શરીરના અંગેઅંગમાં પ્રસરીને જ્વાળામુખીની જેમ આગના વિસ્ફોટ કરી રહ્યો હતો.ધીરે- ધીરે લથડતાં પોતાની જાતને સાંભળીને વિષયપતીની બાજુમાં આવીને ફરીથી કુમારમાત્ય પોતાના શસ્ત્રો સાથે સજજ થઈ ગયા હતા.તેમની બાહોની સામે જોઇને વિષયપતિના ચહેરા પર ચિંતાની લાગણી દેખાઈ આવતી હતી.ચારે બાજુ થઈ રહેલા ઘમાંસાણ યુદ્ધમાં બધાની વ્યથા,વેદનાઓ અને પોતાના સાથીઓને એક પછી એક ગુમાવવાની લાગણી કદાચ આ યુદ્ધની સૌથી મોટી વ્યથા હતી.પુરોહિતના સામેથી આવી રહેલા પ્રહારોથી બચીને તેમની સામે નિશાન તાકીને ઘા કરવાની તૈયારી વિષયપતી અને કુમારમાત્ય કરી રહ્યા હતા.યુદ્ધ અતિમહત્વનું બની જાય ત્યારે ત્યાં કોઈના સબંધોની ચિંતા નથી રહેતી,આગની જેમ હદયની અંદર બસ નફરત ફેલાવનારી એક ચિનગારી વ્યાપી જાય છે. જે આ જીવનનો સૌથી ભયંકર દુઃખ આપનાર સાથી બનીને રહી જાય છે.
"વિષયપતી બચીને....."પુરોહિતના જમણી બાજુથી આવેલા બીજા રથની અંદર બેઠેલા કેત્વાના છૂટેલા ભાલાથી બચવા કુમારમાત્યે વિષયપતીને રાડ નાંખી.અચાનક જ આવેલા કેત્વાના પ્રહારથી વિષયપતી અજાણ હતા પણ કુમારમાત્યની બુમ સાંભળીને તેમની સામે આવેલા પ્રહારને પોતાના પગની ગતિને ઝડપી કરીને, નીચે નમીને પોતાના ભાલા વડે કેત્વાના ભાલાને ડાબી બાજુ ફંગોળી દીધો હતો.વિષયપતીના હવામાં ફેલાયેલા વાળની શિખા ભાલાની તેજ ગતિ સાથે વિખેરાઇને તેમના આંખો પર આવીને લટકી રહી હતી.પોતાની શિખાને આંખોથી હટાવીને વિષયપતિએ કેત્વા સામે એક હલકી મુસ્કાન આપી હતી.જ્યારે બે એક જેવા સમાન શકતી ધરાવતા લોકો એકબીજા સામે અથડાય ત્યારે કોઈ અલગ જ ઊર્જા પેદા થતી હોય છે. આજે વિષયપતી અને કેત્વાને જોઇને આ યુદ્ધભૂમિમાં એવો જ અહેસાસ થઈ રહ્યો હતો. કેત્વાની સામે જોતા જ વિષયપતીની નજર તેમની જમણી બાજુથી આવીને છૂટેલા તીર પર ગઈ જે સીધું કુમારમાત્યના કપાળને નિશાની બનાવવા જઈ રહ્યું હતું.
"કુમારમાત્ય....સાચવીને..." કુમારમાત્યની સામે પોતાના ડાબી બાજુ સાથળમાં ભરાવેલા નાના ભાલાને સામે આવી રહેલા તીર બાજુ ફેંકીને વિષયપતીએ કુમારમાત્યના પ્રાણ બચાવતા કહ્યું. કેત્વાની જમણી બાજુથી મંદ્દેવ હાથી પર સવાર થઈને પોતાના ધનુષની વિદ્યાનો પરિચય આપી રહ્યા હતા.મંદેવએ ફરીથી પોતાના ધનુષમાં એકસાથે પાંચ તીર લગાવીને એક અલગ પ્રતિશોધ સાથે કુમારમત્ય અને વિષયપતી પર પ્રહાર કરવા તૈયાર થઈ હતા તો બીજી બાજુ કેત્વા પણ પોતાના ભાલા સાથે તૈયાર હતો અને પુરોહિત તો આજ જ ક્ષણની પર્તિક્ષા કરીને ઊભા હતા. સાથે એમણે પણ પોતાના ધનુષને બંને સામે સતર્ક કરી લીધા.કુમારમત્ય અને વિષયપતી બધાની વચ્ચે એ રીતે ફસાઈ ગયા હતા કે હવે તેમના પાસે ભાગી છૂટવાનો કોઈ પર્યાપ્ત માર્ગ દેખાઈ રહ્યો નહોતો .કેવી રીતે આ લોકોથી બચી શકાય એ વિચાર માત્ર પણ તેમના માટે આવવો મૂશ્કેલ હતો.હવે એક પછી એક પ્રહાર કરવા તૈયાર પ્રતિસ્પર્ધી સામે ઝૂકવા સિવાય કોઈ બીજો રસ્તો નહોતો.બંનેની આંખો એક પછી એક પોતાની આજુ બાજુ દુશ્મન પર આવીને અટકી જતી હતી.આ યુદ્ધમાં ઝૂકવા માટેનો કોઈ વિકલ્પ નહોતો એની બંનેને જાણ હતી.યુદ્ધમાં વીરગતિ પ્રાપ્ત કરીશું પણ ઝુકિશ નહીં એ સંકલ્પ બંનેના મનમાં સ્થિર હતો....
"હે યુદ્ધના દેવતા અમારી રક્ષા કરો હજુ આ લડાઈનો અંત આટલી જલ્દી આવી ના શકે...." વિષયપતિએ મનોમન પ્રાર્થના કરતા કહ્યું.
"હે ઈશ્વર અમને આ કપરી પરિસ્થિતિમાંથી બહાર નીકળવાનો રસ્તો બતાવ..." કુમારમત્યએ પણ પોતાની આંખોને થોડીવાર માટે બંધ કરીને ઈશ્વર પાસે આજીજી કરી લીધી.....પણ.... હવે તેમની એ અંતિમ ક્ષણ આવી ગઈ હતી, કદાચ આ જ સમય હવે તેમના માટે અંતિમ સમય હતો જ્યારે તે લોકો બસ હવે એક વીરની જેમ લડતા લડતા આ દુનિયામાંથી પરલોકમાં જવા માગતા હતા.જ્યાં જઈને તે કહી શકે કે એ એક વીર યોદ્ધાની જેમ લડીને અહી આવ્યા છે નહીં કે એક કાયરની જેમ ! અચાનક જ પુરોહિતના ધનુષના ખિંચવાનો આવાજ આવ્યો અને એની સાથે જ ધનુષમાંથી નીકળેલ તીર સીધું જઈને કુમારમત્યની ડાબી આંખમાંથી આરપાર થઈ ગયું,બીજી બાજુ કેત્વાના ભાલાની તેજ ગતિથી આવેલા પ્રહારને નિષ્ફળ કરવામાં વિષયપતી વધારે ગૂંચવાયા હતા અને સીધો ભાલો જઈને વિષયપતીના છાતીની આરપાર થઈ ગયો હતો......
એકદમ સન્નાટો વ્યાપી ગયો હતો.......
બસ કરુણ સન્નાટો......
*******
સ્થળ : પાટલીપુત્ર


મહાન મૌર્યસામ્રાજ્યના પતન પછી બે મહાન રાજનીતિક શક્તિઓનો ઉદ્દભવ થયો જેમાં એક હતા સાતવાહન અને બીજા કૂષાણો ! સાતવાહનવંશએ દક્કણન અને દક્ષિણ ભારતમાં પોતાનુ સામ્રાજ્ય સ્થાપિત કરવાનું કાર્ય કર્યું તથા રોમન સામ્રાજ્ય સાથે ચાલી આવતા વ્યાપારના બળ થકી રાજનીતિક સત્તા હાંસલ કરવામાં પણ એ અહી સફળ રહ્યા.આ જ કામ ઉત્તરમાં કૂષાણોએ કર્યું.આ બંને શક્તિઓનો ઈસ ની ત્રીજી સદીના મધ્ય સુધીમાં અંત થઈ ગયો.....


કૂષાણ આધિપત્ય પર એક નવા સામ્રાજ્યનો ઉદ્દભવ થયો, જેમણે કૂષાણો તથા સાતવાહન કરતા પણ વધારે મોટા વિસ્તાર પર પોતાનુ આધિપત્ય સ્થાપિત કર્યું અને એ હતું ગુપ્તસામ્રાજ્ય ! ઈસ ૩૩૫ થી ઈસ ૪૫૫ સુધી પૂરા ઉત્તર ભારતને પોતાની રાજનીતિક એકતાની દોરમાં એમણે સાચવીને રાખ્યું હતું.રાજધાની પાટલીપુત્રથી થયેલી આ શરૂઆત તેમના માટે એક અલગ જ ઉત્સાહની અને આત્મવિશ્વાસની કડી હતી.સદીઓથી ચાલી આવતી પાટલીપુત્રની ધરતી પર કેટલીયે સતાઓ આવી ને ગઈ, ના જોયેલા કેટલાય સબંધઓથી લઈને યુદ્ધો આ ધરતીએ જોયા હતા.આંખોના પલકારે બદલાતા સબંધોની લઈને અજાણ્યા જ માણસોના અહેસાસને સચવાતા જોયા હતા,કોઈ પરિણામો કોઈ પ્રતિશોધ વિના પણ યુદ્ધો થતાં જોયા હતા આ ધરતીએ.....!!!
શ્રી ગુપ્તથી શરૂ થયેલી ગુપ્તવંશની ગાથા વર્ષો વીતતા જ એક મહાસત્તા તરીકે ઉભરીને આવી હતી.કોઈપણ કાર્ય કે કોઈપણ કામની શરુઆત કરવામાં જેટલી કઠિનાઈ પ્રથમ વ્યક્તિને પડતી હોય એટલી સમય જતાં તેમની નીચેના લોકોને નથી પડતી હોતી,કેટલા મહાન હશે એ લોકો જેમણે આ કઠિનાઈનો સામનો કર્યો હશે ? શ્રી ગુપ્ત પછી તેમના પુત્ર ઘટોત્કચ અને ઘટોત્કચ પછી પુત્ર ચંદ્રગુપ્ત પ્રથમ ગુપ્તવંશની ગાદી પર બિરાજમાન થયા હતા પણ સૌથી વધુ શક્તિશાળી અને મહાન યોદ્ધા તરીકે બસ એક જ રાજા હતો કે જેના થકી ગુપ્તવંશએ ભારતના બહુ મોટા ભાગમાં પોતાની રાજસત્તાને ફેલાવી હતી.જેનો વંશ એની મહાન યોદ્ધા તરીકે સાચી ઓળખ બતાવે એ કાફી નહોતો પણ એના પરાક્રમો જ એક સાચા યોદ્ધાની સાચી નિશાની બતાવતા હતા.જેના રગે-રગમાં એક જ્વાળામુખીની જેમ યુદ્ધો જીતવાની તાલાવેલી લાગી હતી,જેની ઓળખ એક યોદ્ધા તરીકે થતી હોવા છતાં પણ કલાની આગવી ઓળખ ધરાવતો હતો,મહાન રાજા કોને કહેવાય એ પ્રશ્ન જ્યારે પૂછવામાં આવે ત્યારે સૌથી પહેલા આંખની સામે ઉડીને આવતું નામ એટલે મહાન રાજા,મહાન યોદ્ધા, મહારાજાધિરાજ સમુદ્રગુપ્ત !!!


ચંદ્રગુપ્ત પ્રથમના પુત્ર અને ઉતરાધિકારી એવા સમુદ્રગુપ્તએ ગાદી પર આવતાની સાથે જ ગુપ્તવંશનો અપાર વિસ્તાર કર્યો હતો.સમુદ્રગુપ્તને હિંસા અને વિજય પ્રાપ્ત કરવામા આનંદ થયો હતો.ભારતના મોટા ભાગ પર પોતાનો વિજયનો ડંકો વગાડીને ગુપ્તવંશનો અપાર વિસ્તાર કરવામાં સમુદ્રગુપ્તની મહેનત અને પરાક્રમ બંનેની દાદા આપવામાં કોઈપણ જાતનો સંદેહ નહોતો.સમુદ્રગુપ્તના વિજયની ગાથા પૂરા ભારતમાં સંભળાતી હતી,તેણે ગંગા યમુના દોઆબના રાજાઓને હરાવીને ગુપ્તવંશમાં ભેળવી દીધા તો બીજીબાજુ સમુદ્રગુપ્તએ પ્રુવ હિમાલયના સીમાવર્તી રાજ્યોના રાજાઓને જેવા કે નેપાળ,બંગાળ,અસમ વગેરેને પોતાની શક્તિનો પરચો બતાવ્યો હતો.જંગલ ક્ષેત્રોના અટાવિક રાજ્ય જે વિંઘ્યક્ષેત્રમાં પડતા હતા તેમને પણ પોતાની અંદર સમાવી લીધા આ ઉપરાંત તમિલનાડુના કોચી સુધી પોતાની સત્તા ફેલાવી હતી ! ભારતના અડધાથી વધારે ભાગ પર પોતાની બહાદુરીનો પરચો આપવામાં સમુદ્રગુપ્તને કોઈ પાછું પાડે એમ નહોતું. સમુદ્રગુપ્તનું શાસન ઉત્તરમાં હિમાલયથી લઈને દક્ષિણમાં વિંધ્યપર્વત સુધી તથા પૂર્વમાં બંગાળની ખાડીથી લઈને પશ્ચિમમાં માળવા સુધી વિસ્તરેલું હતું....પણ આ બધાની વચ્ચે એકબાજુ સમુદ્રગુપ્તની સત્તાથી,તેના સાશનથી નાખુશ લોકોની એક જવાળા મહદઅંશે જ તેના માટે ભવિષ્યની મુશ્કેલી બનીને સામે ઉડીને આવવાની તૈયારીમાં હતી......!!!


ક્રમશ :