મશિહા ધરાદીત્ય (ભૂમિનો રક્ષક) - 7 Sandip A Nayi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મશિહા ધરાદીત્ય (ભૂમિનો રક્ષક) - 7

રાતના અંધારામાં કોઈનો પ્રવેશ થતાં તે થોડીવાર માટે ડરી ગઈ હતી. એણે ઊભા થતા પોતાની બાજુમાં સૂઈ રહેલા બંને બાળકોને શાંત સૂતા જોઈને હાશ થઈ હતી.જેમ તેમ કરીને અવાજ ન થાય એમ તે બહાર આગણમાં આવીને ઊભી રહી. આજુ બાજુ જોતા તેની નજર થોડી થોડી વારે થઈને સૂતેલા બાળકો પર જઈને સ્થિર થઈ જતી હતી.
"ઋતુલા.... ઋતુલા...."બોલતાની સાથે જ તેણે પાછળથી આવીને તેને ઉપાડી લીધી.ઘરની ફરતે ગોળ ગોળ ફેરવીને તેણે પોતાની ખુશી તેની સામે જાહેર કરી હતી.આ પહેલા એ ક્યારેય આટલો ખુશ નહોતો જેટલો આજે હતો.તેની ચેહરા પર રહેલા દરેક સ્નાયુ તેની ખુશી વ્યક્ત કરી રહ્યા હતા.
"નંદી...નીચે ઉતાર....બાળકો ઉઠી જશે...." આટલું બોલતાંની સાથે તેણે પુરોહિતને નીચે ઉતારવા માટે કહ્યું.પુરોહિત તેના માસૂમ બાળક જેવા ચહેરા સામે જોઈ રહ્યો.આંખો નીચેથી લટકતી તેની લટ,એકદમ જાણે હમણાં જ ગુલાબજલ રૂપી દરિયામાંથી નીકળી હોય એવી તેની કોમળ ત્વચા,વારે વારે ઊપર નીચે થઈને કંઇક જાણવા મથતી તેની મોટી આંખો,નાજુક પણ એકદમ ભરાવદાર શરીર તેની છબીની કોઈ અલગ જ અનુભૂતિ આપી રહી હતી.
"ઋતૂલા...મારી ખુશી જ એટલી બધી છે કે તને છેક આ બ્રહ્માંડ સુધી પહોંચાડી દઉં...." પુરોહિત નંદીએ તેને નીચે ઉતારતા કહ્યું.તે આજે હદ કરતા પણ વધારે ખુશ હતો.
"પાટલીપુત્રની ગાદી મળી ગઈ કે શું....?"ઋતુલાએ ખુશીનું કારણ જાણવાનો પ્રયત્ન કરતા કહ્યું.
"એ પણ મળી જશે...."એણે ઋતુલાને ફરી ખભેથી પકડીને ગોળ ગોળ ફેરવી દીધી.
"તો તારી ખુશીનું કારણ શું છે...."ઋતુલાએ મહત્વની વાત કરતા કહ્યું.
"મારી ઋતુ....જેમ આ દુનિયામાં તારા નામની જેમ ઋતુઓ બદલાય છે તેમ આજે મારી પણ ઋતુ બદલાઈ ગઈ છે.કેટલા સમયથી રાજાની સામે પોતાની જાતને પુરવાર કરવા મથતો હતો અને જો એ સમય આવી ગયો જ્યારે રાજાએ મને અશ્વમેઘ યજ્ઞમાં અગ્રણી સ્થાન આપ્યું છે, સાથે સાથે મધ્ય ભારતમાં રહેલ એક અંગપ્રદેશ પણ આપ્યો છે.હવે તારો નંદી એક અંગપ્રદેશનો હિસ્સેદાર છે....."પુરોહિત આટલું કહેતાની સાથે ઋતુલાની ગોળ ગોળ ફરવા લાગ્યો તેની ખુશીનો કોઈ પાર નહોતો.
"નંદી...નંદી...."ખુશ થઈ રહેલા પુરોહિતના કાને ઋતુલાની બૂમ સંભળાવા લાગી.પુરોહિત એકદમ આભાની જેમ આજુબાજુ જોવા લાગ્યો. ઋતુલા કોઈપણ જગ્યાએ હાજર નહોતી,બસ તેના પડધા તેના કાને પડી રહ્યા હતાં.પુરોહિત કંઈ બોલે એ પહેલા જ અચાનક પુરોહિતની નજર વિલીન થતી ઋતુલા પર જઈને સ્થિર થઈ ગઈ. ઋતુલા હસતા હસતા પુરોહિતના સામે જોઇને હવાની અંદર વિલીન થઈ રહી હતી.પુરોહિત તેની સામે જોઇને કઈ સમજી નહોતો શકતો ...અંદર રહેલા બંને બાળકો પણ હવામાં વિલીન થઈ રહ્યા હતા....ત્યાં અચાનક પુરોહિતની આંખ ખુલી ગઈ.પોતાના કક્ષમાં રહેલા અંધકાર સામે જોઇને તેના કપાળ પર પરસેવો વહી રહ્યો હતો.તેની આંખ સામે દેખાતા એ દર્શ્યો હજુપણ તેને સપનાની દુનિયામાં પાછા લઈ જતા હતા.પુરોહિતે પોતાની આંખો બંધ કરીને ફરીવાર પોતાની વેદના દબાવવાની કોશિશ કરી.....

******
રાતના અંધકારમાં જંગલ વચ્ચે સળગતી આગમાંથી નીકળતા એ દરેક તણખા ભીનોરદાદાના ચહેરાને સ્પષ્ટ દેખાડી રહ્યા હતા.મિત્રા અને સત્યેન હજુપણ કાન દઈને એ માણસો કોણ હતા એની જાણ માટે થઈને ભીનોરદાદા સામે મીટ માંડીને જોઈ રહ્યા હતા.કોઈ વાતની સ્પષ્ટ જાણ ના થાય ત્યાં સુધી મન કેટલું વિચલિત રહે એ બંને હવે સમજી શક્યા હતા.પૂરા જંગલમાં કોઈ અલગ જ પ્રકારની ઊર્જા પેદા થતી હોય એવો અનુભવ થઈ રહ્યો હતો.આંખો પરથી ઊંઘ ઉડી ગઈ હોય એમ સત્યેન વાત જાણવા માટે થઈને ભીનોરદાદાની સામે જોઇને કાન ધરી રહયો હતો.
"એ લોકો...."ભીનોરદાદાએ પોતાની આંખો ખુલ્લા આકાશ તળે દેખાતા અંધારામાં નાખીને વાત કહેવાની શરૂઆત કરી.
"એ લોકો કોઈના દુશ્મન નથી કે નથી કોઈને હાનિ પહોંચાડે એવા....બહુ ભોળા અને સરળ લોકો છે...એ...." સત્યેનએ આટલું સાંભળતા પોતાના આંખ નીચે હાથ લઈ જતા ભીનોરદાદા સામે જોઇને કહ્યું,
"ખરેખર.....તમને મારી આંખ નીચેની વેદના દેખાઈ નથી રહી....?" મિત્રા તેની આ વાત સાંભળીને મનોમન હસવા લાગી.તેને હસતા જોઈને હવે સત્યેન ખિજાયો હતો.ભીનોર દાદા પણ મિત્રા સામે જોઇને હસવા લાગ્યા હતા.
"જો એ એટલા સરળ જ છે તો આ રીતે તરત મુક્કાબાજી મારા પર કેમ કરી ? સાચું કહું મને તો એકદમ ખડતલ ગામઠી લોકો લાગ્યા જે કોઈનો બદલો લેવા આવ્યા હતા ને મારા પર બદલો લઈને જતા રહ્યા...." સત્યેનએ ભીનોરદાદા સામે જોઇને કહ્યું.થોડીવાર માટે ભીનોરદાદા સત્યેન સામે જોઈ રહ્યા.તેની આંખ નીચે થયેલા નિશાન પર તેમની નજર સ્થિર થઈ અને બોલ્યા,
"એવું નથી સત્યેન....આ લોકોનો કોઈ વાંક નથી કે નથી તેમની સાથે રહેતા બીજા કોઈ લોકોનો....પરિસ્થતિએ તેમને આ રીતે બનાવી દીધા છે....."
"કેવી પરિસ્થતિ....? રાતના અંધારામાં જંગલમાં ફરીને આ રીતે અજાણ્યા લોકો પર પ્રહાર કરવાની પરિસ્થતિ....?" ભીનોરદાદા કંઈ બોલે એ પહેલા જ સત્યેનને પોતાના સવાલો તેમના ઊપર ઠાલવી દીધા.
"સત્યેન...રાજા સમુદ્રગુપ્તે હદ કરતા પણ વધારે રાજ્યો જીતી લીધા છે.આ પાટલીપુત્રના રાજાનો અડધાથી વધારે ભારતવર્ષ પર પોતાનો દબદબો જમાવી લીધો છે એ પછી આપણા અંગ પ્રદેશ પણ કેમ ના હોય.... ! આજે આપણે અહી દૂર સુધી વેપાર કરવા થકી આવવું પડે છે તેનું એકમાત્ર કારણ એટલે રાજા સમુદ્રગુપ્તનો બધી જગ્યા પર પોતાનો અધિકાર....પણ તને ખબર પડે છે...આ બધું થવાથી ઘણા લાભ પણ થયા છે ને ઘણા ગેરલાભ...." ભીનોરદાદાએ પોતાની વાત પર થોડો વિરામ લેતા કહ્યું.
"કેવા ગેરલાભ...?" સત્યેનએ વાતમાં દમ લાગતા કહ્યું.ભીનોરદાદા તેમની આગવી અદામાં હવે વાત કહેવાની શરૂઆત કરી હતી.
"રાજાએ જેટલા પ્રદેશો જીત્યા છે એમાં અલગ અલગ ગામમાં જ્યારે રાજાની સેના પ્રવેશે ત્યારે તથા એમના ઇલકામાંથી ગુજરે ત્યારે એમને ભોજન કરવા થકી થઈને વ્યવસ્થા કરવી પડતી ઉપરાંત ગ્રામીણ ક્ષેત્રોમાં કાર્ય કરનાર રાજકીય અધિકારીઓને દૈનિક વસ્તુઓ જેવી કે પશુ,અનાજ અને બીજી અનેક વસ્તુઓ આપવી પડતી હતી.આ કારણે મજદૂર થી લઈને ખેડૂત પાયમાલ થઈ જવા લાગ્યા.પોતે કરેલી મહેનતનો અડધાથી ઊપર હિસ્સો આ બધામાં જવા લાગ્યો.ના પાડી શકાય એવા કોઈ કારણો હતા નહિ....કેમકે કૃષિ ઊપજ માંથી જે ભાગ મળે એમાંથી એક ચોથાઈ થી લઈને છ ભાગ જેટલો રાજાને મળતો થઈ ગયો અને એ તો આપણે જાણીએ છીએ કેમકે આમિટ પણ એટલો જ ભાગ ચૂકવે છે.આ બધા કારણોથી જે લોકોની હાલત ગંભીર બની એ લોકો એટલે વિષ્ટ ! પોતાની કરેલી મહેનતનો અડધાથી પણ વધારે હિસ્સો જ્યારે બીજા લઈ જાય અને છતાં દૈનીક રાજકીય અધિકારીઓને રોજ વસ્તુઓ આપવી પડે ત્યારે સ્વાભાવિક રીતે આ લોકો ખૂબ અંદરથી ઘવાયા હશે એની પૂરેપૂરી સંભાવના આપણે લગાવી શકીએ છીએ....હજુપણ આપણા આમીટ સુધી આ પ્રયોગ થયા નથી એટલો ભગવાન વિષ્ણુના આશીર્વાદ....!"આટલું કહેતાં ઊપર જોઈને બધાએ ભગવાન વિષ્ણુને નમન કરી લીધા.
" તો પછી...આ લોકો આ રીતે...." મિત્રા પહેલી વખત હવે કંઇક બોલી હતી.
"એટલે આ લોકોએ પોતાનુ એક સંગઠન બનાવીને રાતે જંગલમાં પ્રવેશતા દરેક રાજકીય અધિકારીઓથી લઈને સેનાના માણસોને નિશાન બનાવવા લાગ્યા.પોતે રાજા સામે આ દુષ્ટ વ્યવહારને લઈને આજીજી કરવી ખરેખર ભારે પડી શકે એ વાતની એમને ખબર હતી અને રાજા સામે પડી શકાય નહિ એની તો એમને પૂરેપૂરી ખાતરી હતી.પોતાની પાસે વ્યક્તિગત રીતે કોઈ સેના જેવા સાધનો ના હોવાથી પોતાની ચપળ હાથ ચાલકીથી જ સામેના માણસને ધ્વસ્ત કરીને અંગત રીતે બદલો લેવાની ભાવના સાથે રાતે જંગલમાં નીકળી પડે છે...."ભીનોર દાદાએ પોતાની વાત પૂરી કરતા કહ્યું.
"તો પછી....આ લોકોને સેના પકડી કેમ નથી લેતી કેમકે આ વધારે માં વધારે અહીથી પચાસ એક કિલોમીટરના દાયરામાં રહેલા લોકો જ હશે ...." સત્યેનએ તેની વાત મુકતા કહ્યું.
"તારી વાત સાચી છે પણ સત્યેન... તેમને પકડવા મુશ્કેલ છે તને મળીને ગયેલા એ લોકો કાલે કોઈ બીજા જ રૂપમાં તને અહી મળી શકે છે અને હા સૌથી મહત્વની વાત એ કે કાલે આવેલ ટુકડી કદાચ આજે ના પણ હોય અને જો બને તો આજે આવેલ ટુકડી કાલે ના પણ હોય....." ભીનોરદાદાએ બંને સામે જોતા કહ્યું અને જરાક સ્મિત આપીને હસવા લાગ્યા.સત્યેન અને મિત્રા કોઈ અલગ જ દુનિયામાં પહોંચી ગયા હતા.તેમની સામે એ ખડતલ, ગામઠી હવે બિચારા લાગવા લાગ્યા હતા.એક સમયે સત્યેન તેમના હાથે પડેલો મુક્કો ભૂલીને તેમના પ્રત્યે દયાભાવ બતાવી રહયો હતો.
"તો આ રીતે વિષ્ટ મજદૂર કે ખેડૂત તો ઘણા હશે...." સત્યેનએ ભીનોરદાદાને પૂછતા કહ્યું.
"જેટલા રાજાએ પોતાના અંકુશમાં લીધા છે એટલા બધા પ્રદેશો....પણ પાટલીપુત્રની આજુ બાજુ રહેલા પ્રદેશો વધારે છે. આપણા આમિટ સુધી આ પ્રથા આવી નથી એટલા માટે કેમકે ત્યાં વધારે યુદ્ધો થયા નથી જો એ બાજુના કોઈ રાજ્ય પર જ્યારે રાજા ચડાઈ કરશે ત્યારે સ્વાભાવિક રીતે આપણે પણ આ જ સમયમાંથી પસાર થવું પડશે." ભીનોરદાદાએ પોતાની વાત પૂરી કરતા કહ્યું.રાત વધારે થઈ ગઈ હતી અને આજે અહી જ મુકામ કરીને કાલે સવારે આગળ નીકળી જવાનો નિર્ણય ભીનોરદાદાએ કર્યો હતો.આમીટ પહોંચતા ચાર દિવસ લાગે માટે આજે થાકેલા હોવાથી સત્યેન અને મિત્રા અહી આરામ કરી લે એ એમના માટે જરૂરી હતું.ભીનોરદાદા સત્યેન અને મિત્રાને આરામ કરવા દઈને પોતે ચોકી કરવા માટે થઈને સચેત બની ગયા હતા.હજુ મિત્રા અને સત્યેનની આંખ મીંચાય એ પહેલા જ પાછળથી માણસોના પગના અવાજો આવવા લાગ્યા.ભીનોરદાદા કંઈ સમજે એ પહેલા સત્યેન અને મિત્રા જાગી ગયા હતા. રાતના અંધારામાં કોઈ અચાનક આવે એટલે તેમને શોધવા વધારે મુશ્કેલ બની જતા હોય. તેઓ કઈ સમજે એ પહેલા ત્રણેયના આજુ-બાજુ આવીને સાત થી આઠ વિષ્ટ લોકો આવીને ઊભા રહી ગયા હતા.સત્યેન અને મિત્રા ભીનોરદાદા સામે પ્રશ્નાર્થ નજરે જોઈ રહ્યા હતા......

ક્રમશ :