Featured Books
શ્રેણી
શેયર કરો

કૉલેજ કેમ્પસ (એક દિલચસ્પ પ્રેમકથા) - ભાગ-26

" કૉલેજ કેમ્પસ "ભાગ-26
મોહિતભાઈએ બે હાથ જોડીને ક્રીશાને અને વેદાંશને વિનંતી કરી કે, "હું તમારા બંનેનો ઉપકાર જિંદગીભર નહિ ભૂલી શકું બેટા, આજથી પરી તમારી દીકરી અને ક્રીશા મારી દીકરી, એ જ મારી સાન્વી. અને મારું જે કંઇપણ છે તે બધું મારી દીકરી ક્રીશા અને પરીનું." અને પ્રતિમાબેન તેમજ મોહિતભાઇ બંને ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યા. વેદાંશે બધાને છાના રાખ્યા તેમજ પરીના તેનાં નાના મોહિતભાઈ તેમજ નાની પ્રતિમાબેન સાથે ફોટા પાડ્યા અને નાનકડી માસુમ પરીને ક્રીશાએ તેમજ વેદાંશે ખૂબજ લાડથી ઉંચકી લીધી અને પોતાનું નામ આપ્યું અને પોતાની દીકરી બનાવીને બેંગ્લોર લઇ આવ્યા.

ક્રીશા બેંગ્લોર આવ્યા પછી, ખૂબજ ડાહી માસુમ પરીની પરવરિશમાં પરોવાઈ ગઈ હતી અને પોતાની દીકરીના પ્રેમમાં પડે તેમ પરીના પ્રેમમાં ગળાડૂબ થઈ ગઈ હતી. હવે વેદાંશ અને પરી એ બે જ તેનું સર્વસ્વ હતાં.

ક્રીશા પરીને નાજુક ફુલની માફક સાચવતી હતી અને સંપૂર્ણ રીતે તેની "માં" બની ચૂકી હતી. વેદાંશ ક્રીશાની સાથે મજાક કરતો અને તેને કહેતો પણ ખરો કે, "હવે મા-દીકરીની ગુફ્તગુ પૂરી થઈ હોય તો આ ગરીબની સામે પણ જરા જો જો" અને ક્રીશા તેમજ વેદાંશ બંને એકબીજાની સામે જોતાં અને હસી પડતાં.

ક્રીશા પણ વેદાંશ સાથે મજાક કરી લેતી અને બોલતી કે, "ખૂબજ ડાહી છે તમારી દીકરી તમારા જેવી મને જરાપણ હેરાન કરતી નથી."

અને વેદાંશની નજર સામે સાન્વીની તસવીર તરવરી અને તે સાન્વીના વિચારમાં ખોવાઈ ગયો અને વિચારવા લાગ્યો કે, સાન્વી પણ કેટલી બધી ડાહી છોકરી હતી! બિલકુલ સીધી સાદી અને એકદમ માસુમ અને પછી પોતાના કાનાને યાદ કરતાં કહે છે કે, "શું ખેલ ખેલ્યો કાના તે સાન્વીના જીવન સાથે?" અને તે થોડો ગંભીર બની ગયો. ક્રીશા પણ વેદાંશની સામે જોઈ રહી અને પરીની સામે જોઈને તેની આંખમાં પણ આંસુ આવી ગયા.

અને ક્રીશા બોલી કે, "સારું થઈ જશે સાન્વીને, તમે ચિંતા ન કરશો વેદાંશ" અને પછી હસતી ખેલતી પરીને ઉંચકીને પોતાની બાથમાં ભીડી લીધી અને તેને પપ્પીઓ કરવા લાગી.

વેદાંશ પણ બંનેને ભેટી પડ્યો અને નજર લાગે તેવું એક સુંદર પારિવારિક દ્રશ્ય દીપી ઊઠ્યું.

વેદાંશે પોતાનો મોબાઇલ હાથમાં લઈને આ મજાની હ્રદયદ્રાવક યાદગાર ક્ષણોને તેમાં કેદ કરી લીધી.

ક્રીશાએ વેદાંશને ડૉ.અપૂર્વ પટેલ સાથે વાત કરવા કહ્યું. ડૉ.અપૂર્વ પટેલના જણાવ્યા પ્રમાણે સાન્વીની પરિસ્થિતિમાં કોઈ ફેરફાર નોંધાયો નથી. તે તો જાણે જીવતેજીવત મૃત્યુની કોઈ અનંત અંતિમ યાત્રા ઉપર નીકળી ચૂકી હોય તેમ તેની તે જ સ્થિતપ્રજ્ઞ દશામાં હતી.

સમય પસાર થયે જતો હતો
પરી હવે અઢી વર્ષની થઇ ચૂકી હતી તેથી તેને સ્કૂલમાં ભણવા માટે મૂકવાની હતી. ક્રીશા અને વેદાંશ વચ્ચે તેને ભણાવવાની બાબતમાં ઝઘડો ચાલી રહ્યો હતો.

ક્રીશા ખૂબજ એક્સાઈટેડ થઈને પરીની સામે જોઈને બોલી રહી હતી કે, " વેદ, આપણે પરીને ડૉક્ટર બનાવીશું ? "

વેદાંશ: ના ભાઈ ના. આપણે તેને એન્જીનિયર જ બનાવીશું.

ક્રીશા: ના, હું ડૉક્ટર બનવા માંગતી હતી પણ ન બની શકી એટલે હવે મારી લાડલીને હું ડૉક્ટર જ બનાવીશ.

વેદાંશ: હું તેને એન્જીનિયર જ બનાવીશ અને તે પણ મારા જેવી બ્રિલિયન્ટ આઈ. ટી. એન્જીનિયર.

ક્રીશા: એટલે તમે એમ કહેવા માંગો છો કે હું બ્રિલિયન્ટ નથી ? તમે એકલા જ બ્રિલિયન્ટ છો.

વેદાંશ: એમાં કહેવાનું શું ?

અને ક્રીશાએ ગુસ્સા સાથે વેદાંશ ઉપર છૂટ્ટુ કુશન ઘા કર્યું.

એટલે વેદાંશ ખડખડાટ હસીને બોલ્યો કે, "તારી આ ટેવ હજી ગઈ નહીં કેમ ? આ કુશનને છુટ્ટુ ઘા કરવાની ? "

ક્રીશા: (પ્રેમભર્યા ગુસ્સા સાથે) ના, માર ખાશો હોં તમે આજે મારા હાથનો !

અને વેદાંશ અને ક્રીશા બંને વચ્ચે મીઠો ઝઘડો ચાલી રહ્યો છે કે, પરી ડૉક્ટર બનશે કે એન્જીનિયર ?

હવે મમ્મીનું ધાર્યું થાય છે કે પપ્પાનું ? એ તો સમય જ બતાવશે....

અને આપ તે જાણવા માટે વાંચતા રહો આગળનું પ્રકરણ....

~ જસ્મીના શાહ 'જસ્મીન'
દહેગામ
4/5/2022