પરિતાનાં મનનો ગૂંચવાડો ઉકેલાવાને બદલે દિવસે ને દિવસે વધતો જતો હતો. એક બાજુ મન મારીને લગ્ન જીવનને સ્વીકાર કરીને જીવી રહી હતી ને બીજી બાજુ પાર્થ સાથે જીવવાનું મન રાજી હોવા છતાં એ પોતાની જિંદગીને એની સાથે જીવી શક્તી નહોતી. દીપનાં કારણે સમર્થ સાથે રહેવું ઘણું જ જરૂરી હતું ને પોતાને ન મળેલા આદર ને પ્રેમ પ્રાપ્ત કરવા માટે પાર્થ સાથે રહેવું એને જરૂરી લાગતું હતું. માતા - પિતા પ્રત્યેનાં સ્નેહ સંબંધ અને સમર્થનાં ભરોસાભર્યા શબ્દો પર વિશ્વાસ રાખીને એણે લગ્ન તો કરી લીધાં હતાં પણ લગ્ન પછી માતા - પિતાનો સ્નેહ ફિકરમાં ફેરવાઈ ગયો હતો ને સમર્થનાં શબ્દો એનાં માટે પોકળ નીવડ્યા હતાં. ને એટલે જ કદાચ....એ પાર્થ તરફ ખેંચાઈ રહી હતી. એને સમર્થનાં બોલેલા શબ્દો યાદ આવ્યાં, "લગ્ન પછી તને મારાં તરફથી આગળ ભણવાની ને નોકરી કરવાની છૂટ હશે..." આ શબ્દો યાદ આવતાં જ પરિતા ફાંકડું હસી ને એકલી - એકલી બોલી, "સમર્થ તમે એ કહેવાનું ભૂલી ગયાં હતાં કે લગ્ન પછી આ બાબતે ચર્ચા કરવાનો મોકો રહેશે જ નહિ....!" એની આંખની પાંપળો ભીની થઈ ગઈ.
"મમ્મી......," દીપે એને બૂમ મારી.
"આવી...." એ બોલીને પોતાની આંખો લૂછી પરિતા રૂમની બહાર આવી.
"મમ્મી આ જો મને સ્કૂલમાંથી સર્ટિફિકેટ મળ્યું છે...., હું ડ્રોઇંગ કોમ્પિટિશનમાં ફર્સ્ટ આવ્યો છું..."
આ સાંભળી પરિતા ખૂબ હરખાઈ ગઈ અને વ્હાલથી એને ગાલ પર ચૂમી ભરી દીધી. "વેરી ગુડ.., માય બોય..." એ દીપને ભેટીને બોલી.
"મમ્મી...., મારે આ સર્ટિફિકેટ દાદીને પણ બતાવવું છે..., ક્યાં છે એ....? "
"તારાં દાદી ભજનમાં ગયાં છે, સાંજે પાછા ફરશે ત્યારે એમને દેખાડી દેજે...."
"ભલે...મમ્મી...."
દીપને જોઈને, સાંભળીને પરિતાની મનોવ્યથા દૂર થઈ ગઈ. મનનો સંતાપો ઘડીક માટે સોપો પડી ગયો હતો. એ પાછી એક મમ્મી, પત્ની, વહુ, ગૃહિણીનાં રૂપમાં ફેરવાઈ ગઈ હતી. સામાન્ય રીતે તો એક સ્ત્રી માટે આ જ સાચું સુખ હોય છે ને હોવું પણ જોઈએ..., પરિતા માટે પણ હોવું જોઈએ ને હતું પણ , પણ આ સુખની કિંમત એણે પોતાની કારકિર્દીનાં ભોગે ચૂકવવી પડી હતી. અધૂરી રહી ગયેલી એની કારકિર્દીને એે પૂરી કરી શકી નહોતી તે વાત એને સતત ખટકી રહી હતી.
કદાચ એ સમર્થથી કે સાસુ - સસરાથી ચોરી - છૂપીને ભણવાનું પૂરું શકી હોત ને પછી નોકરી માટે પણ એ રીતનું વિચારી શકી હોત પણ ઘરમાં બધાંનાં નાની - નાની વાતને મોટું સ્વરૂપ આપી દેવાના સ્વભાવને કારણે એણે એવું કરવાનું માંડી વાળ્યું હતું ને એકવાર માંડી લીધાં પછી ફરી ઉકેલી શકી જ નહિ! અત્યારે પણ જે કામ કરી રહી હતી એ કામ પણ સમર્થ અને સાસુ - સસરાનાં ગળે ઉતારવી એનાં માટે ભારી થઈ પડી હતી. ઘરે રહીને જ કરવાનું હોવાથી મહા પરાણે ને મહા મહેનતે એ લોકો માન્યા હતાં.
એક રાત્રે જ્યારે પાર્થ જોડે એ ચેટિંગ કરી રહી હતી ત્યારે પાર્થે એને પોતાની સાથે એક દિવસ બહાર ફરવા આવવા માટે વિનંતી કરી, 'આ શનિવારે મારો બર્થ ડે છે તો હું ચાહું છું કે એ સાંજ આપણે સાથે વિતાવીએ..'
'વિચાર તો બહુ જ સારો છે પણ એનું અમલીકરણ અશક્ય છે...' પરિતાએ જવાબમાં લખ્યું.
'એક સાંજે સાથે બેસીને થોડો સમય પસાર કરીએ, સાથે જમીએ તો એમાં ખોટું શું છે... ?'
'ખોટું તો નથી પણ યોગ્ય પણ નથી...'
'બે એકદમ સારાં મિત્રો એકબીજા સાથે થોડો સમય વિતાવે તો એમાં અયોગ્ય હોવાની વાત જ નથી...!'
'લોકોની નજરમાં એ ઠીક ન લાગે એટલે... '
'આપણે સારો સમય સાથે વિતાવીએ તો એ યોગ્ય છે કે નહિ એ લોકોની નજર નક્કી નહિ કરી શકે..., પણ એ આપણે નક્કી કરવાનું રહેતું હોય છે....'
પાર્થનું આ વાક્ય વાંચી પરિતા વિચારમાં પડી ગઈ. એને પોતાનાં કોલેજ - કાળનાં દિવસો યાદ આવી ગયાં, મિત્રો સાથે વિતાવેલા એ દિવસો , એ અનેક સાંજ યાદ આવી ગઈ હતી, બધાં મિત્રો સાથે મળીને હરવા - ફરવા ને ભેગા બધાં હોટલમાં ખાવા માટે જતાં હતાં એ બધું જ એને યાદ આવવા લાગ્યું.
(ક્રમશ:)