અમરાપરની સફરથી આવેલા શ્રેણિક અને નયન બન્ને થાકેલા હતા, બે રાતના ઉજાગરા જેવું જ હોઈ આજે બંનેની આંખો જાણે ખુલવાનું નામ જ નહોતી, એમાંય શ્રેણિકને તો ખયાલોમાં પણ શ્યામા હતી, જે બંધ પોપચા ખુલવા જ નહોતી દેતી ને બીજી બાજુ નયનને ખાવાના સપના! જાણે તેઓને અમરાપરમાં જ રોકી રાખ્યા હતા, પરંતુ સવારે ઓફિસનું કામ અને અમરાપરની મુલાકાતનો અહેવાલ લેવા ન્યુઝીલેન્ડથી ફોન આવ્યા ભેગો જ હતો, ભલે આ બન્નેની નિંદર ના ખૂલે પણ ત્યાં બેઠેલા દાદા અને મમ્મીપપ્પાને અહેવાલ જાણ્યા વગર ઊંઘ આવે એમ નહિ હોય! એમાંય બળવંતદાદા અને ભાનુબાને તો એમનાં અમરાપરની ખબર પૂછવાની તાલાવેલી લાગી હશે, જૂનો વડલો અડીખમ છે કે નહિ? વજેશંકરબાપુનો પરિવાર, એમનો જીગરીજાન હેમલરાયની વૃદ્ધાવય બરાબર જાય છે કે નહિ આ બધા સવાલોની સાંકળ સાથે તેઓ સજ્જ હતા, એમને મન સગપણ કરતા પણ એ સૌના સમાચાર વધારે મહત્વના હતા.
સવારના છ વાગ્યાના પહોરમાં તો રીંગ વાગી, આંખમાં હજી ઊંઘ કાંકરીની જેમ ખૂંચતી હતી તોય ઘરેથી ફોન છે એટલે ઉપાડવો રહ્યો, શ્યામાના આવી રહેલા સપનાને બ્રેક લાગી ને ફોન રીસિવ થતાંની સાથે જ સૌ જાણે વાતો કરવા આતુર હતા એમ જોડે જ બેઠા હતા,ત્યાં તો ભાનુબાનો ભડકા જેવો અવાજ કાને ગુંજ્યો, "જય શ્રી કૃષ્ણ લાલુ!"- બા શ્રેણીકને લાલુ કહેતાં, એમને મન હજીય એ નાનો બાળ જ હતો, એમનો પ્રેમ એમને લાલુ કહીને જ ઉભરાતો, ત્યાં તો બાજુમાં બેઠેલ સૂચિતા હસતાં હસતાં બોલી, "બા...ભાઈનું નામ શ્રેણિક છે, તમે પણ શું લાલુ અને લાલી કર્યા કરો?"
"દિકરા મારા માટે તો એના છોકરાઓ સામે પણ એ લાલુ જ રહેવાનો!"- દાદાએ આમ કહેતાં એ એમનો પૌત્ર હતો એમ હક જમાવ્યો.
"જય શ્રી કૃષ્ણ બા!ભલે તમારા માટે તો હું લાલુ જ છું હો!"- શ્રેણિકે આંખ ચોળતા કહ્યું, બાના અવાજ સાથે જાણે એની ઊંઘ ઉડી ગઈ.
"સૌથી પહેલા એ કહે તો કેવી રહી અમરાપર પરની મુલાકાત?બધા મજામાં છે ને?" - ભાનુબા એ પહેલો સવાલ જે દાદાના મનમાં પણ હતી એ ભેગો કરીને પૂછી લીધો.
"હા બા...દાદા સૌ મજામાં છે અહી તો બધા! મજા પડી ગઈ હતી હા!"- શ્રેણિકે એમની આતુરતા ઓછી કરવા જવાબ આપ્યો.
"બધા યાદ કરતા હતા?"
"તમારા કરતાં દાદાને બહુ યાદ કરતા હતા, તમને તો ઠીક હવે!ભૂલી ગયા તમને તો બધા હવે"- કહીને શ્રેણિક બાને જરા હેરાન કરવા માંડ્યો.
બાએ નારાજગી સાથે મોઢું મચકોડ્યું, તેઓ જરા નિરાશ પણ થયા,"સારું ત્યારે વખત થયો એટલે...."એ જોતાં શ્રેણિક હસવા માંડ્યો, "હોતું હશે બા! તમને તો કોઈ ના ભૂલે, તમને તો દાદા કરતાં પણ વધારે યાદ છો બધાને, તમે અને તમારી ભૂરી ભેંશ બધાને હજીય યાદ છે!"
"તો જોયું! તુંય યાદ છે ને તારી ભેંશ પણ!"- કહીને દાદાએ બધા બેઠાં હતા ત્યાં બાને કોણી મારી.
"હાસ્તો હોય જ ને! એને લઈને આખા ગામમાં દોડી હતી તો એક વાર!"- બાએ જૂની યાદોને સંભાળતા કહ્યું.
"હા બા,ને એ ઢાળીયો જોયો જ્યાં તમે ભૂરી ભેશને લઈને પાણી પીવડાવવા લઈ જતા હતા!"- શ્રેણિકએ ગામની યાદ કરાવતા કહ્યું.
"સાચે! હજીય એ એવો જ હશે નહી?"- બાએ ઉત્સુકતા સાથે પૂછ્યું.
"હજીય એવો જ બા, નયને તો પાણી પણ પીધું હતું!"- શ્રેણીક હસતાં હસતાં બોલ્યો, ત્યાં તો આંખો ચોળતા આવી રહેલો નયન સાંભળી ગયો.
"વોટ્? આઈ મીન એ જગ્યાએ ભેંસ પાણી પીવે?"- નયને જરા ગુસ્સો કરતાં બોલ્યો.
"પહેલા પાણી પિતી હતી ભેંશ, હવે તો બધા પીવે છે!"- શ્રેણિક જરા મૂછમાં હસતાં બોલ્યો.
"નયન, આમેય તને શું ફરક પડે! તું તારે પાણી પીવાથી મતલબ રાખને!" કહેતાં દાદા હસવા માંડ્યા.
"નક્કી આ ઓલી માયાએ જ જાણી જોઇને ત્યાં પીવડાવ્યું હશે!"- નયન દાજ કાઢતા બોલ્યો.
"આ વળી માયા કોણ નયન?" સુચિતાએ આંખ ઝીણી કરીને કહ્યું.
"સૂચિ, આને તો જ્યાં જાય ત્યાં દોસ્તો કરતાં દુષ્ટો જ વધારે ભટકાય છે, બાખડી પડ્યો કોઈ જોડે!"- શ્રેણિકએ ત્યાં કરેલા નયનના કારસ્તાનની પોલ ખોલી.
"નયન! તું ત્યાં શ્રેણિકને સાથ આપવા ગયો હતો કે ઝઘડવા?"- પ્રતિમાએ એનો ઉધડો લીધો.
ક્રમશઃ......