હંધાય પુરૂષો પંગતમાં ગોઠવણા, પાટલી અને આસન જાણે વિદેશીઓને નવાઇ લાગે, પરંતુ જે ભાવથી એમની આગતાસ્વાગતા થતી હતી એ કોઈને તેઓ ખુશ લાગી રહ્યા હતા, ભાવતા ભોજન સાથે તેઓએ જમવાનું ચાલુ કર્યું, ઘેબર, મોહનથાળ, દૂધપાક પુરી ને જોડે જોડે નવનાવા સંભારા અને શાક એમની નજાકત દેખાડતા હતાં, આ બધું જોઇને તો નયન ખૂબ જ ખુશ થઈ ગયો, અત્યાર સુધી તો માત્ર સુગંધથી મન ભર્યું હવે પેટ પણ ભરાશે એમ વિચારતો એ તો તૂટી પડ્યો.
માયા અને માહી,રમિલકાકી અને મહેશ્વરીકાકી એ ચાર જણે ફટાફટ સૌને પીરસવા માંડ્યું, ગૌરીબેન એમને જોઈતી બધી વસ્તુ રસોડેથી લાવીને આપતાં, કોના ભાણામાં શું ખૂટે છે એની ચકોર નજરે તેઓ પીરસનારને એમની મૃદુતા સાથે કહેતાં જતાં, એમની વાણીથી જાણે જમનારની ભૂખ વધુ ઊઘડતી, ને આગ્રહવશ જમતા સૌ મહેમાનગતિનો સાચો આસ્વાદ માણી રહ્યા હતા, ખાટલે બેસેલા દાદા પણ ભારપૂર્વક શ્રેણિક અને નયનને પીરસવાનું કહેતાં, ને નયનને મજા પડી જતી પરંતુ શ્રેણિકની હાલત કફોડી થતી હતી, રોજ ડાયટીંગ કરવા ટેવાયેલા વ્યક્તિને ઓવરલિમિટ જમાડીએ તો એની શું હાલત થાય? એ કોઈને કહી પણ નહોતો શકતો અને કોઈને કહી પણ નહોતો શકતો, ઉપરથી બાજુમાં બેઠેલા મહેશકાકા મોહનથાળ ઓછો જ નહોતી થવા દેતા, આ બધું દૂર ઊભેલી શ્યામા જોઈ રહી હતી, એક બાજુ શ્રેણિકની આવી હાલત જોઈને એને હસવુ આવતું હતું, પરંતુ એને અકળામણ થતી હશે એ જાણીને એને દુઃખ પણ લાગતું હતું, એનાથી શ્રેણિકની તકલીફ જોવાઈ નહિ, પરંતુ મર્યાદામાં બંધાયેલ તે કશું બોલી પણ નહોતી શકતી,શ્રેણિક વિશે વિચારવા માટે એનું મન મજબૂર બની ગયુ, આ દોડાદોડીમાં એ કોઈને કહી શકે એમ નહોતી, એવામાં એ સીધી બાજુના રૂમમાં સૂતેલા સરલાકાકી યાદ આવ્યાં, તેઓ જરૂર એને મદદ કરશે એવી એનામાં આશા ઉભરાઈ, ઘરમાં સૌ સરલાકાકીની વાતને માને એટલે અત્યારે પણ તેઓ કહેશે તો કદાચ શ્રેણિકને પરાણે પીરસાતું અટકી શકે, બાકી શરમના કારણે એ કઈ કહી નહિ શકે ને બધાય મળીને એની થાળી ખાલી થવા નહિ દે!
"કાકી, સૂતા છો?"- શ્યામા એમનાં રૂમમાં ગઈ.
"ના...આવ ને, આ તો જરા આડી પડી છું, બોલ મહેમાનોને બરાબર પીરસાય છે ને?"- કહેતાં તેઓ બહાર થતી ચહલપહલની વાત કરી રહ્યા.
"ના કાકી, જરાય નહિ...!" એમ કહેતા એના ચહેરા પર થોડી કરચલી વળી.
"કાં...શું થયું?"- કાકીએ જરા ધીરેથી એમની જગ્યા પર બેસતાં બેસતાં કહ્યું.
"એવું છે ને કે કાકી બહાર બધા શ્રેણિકજી ને ખવડાવવામાં એવા મશગુલ થઈ ગયા છે ને કે તેઓની ભાવના કોઈ સમજતું જ નથી, થાળી ખાલી થવા નથી દેતા અને તેઓ બધું ખાઈ નથી શકતા, ને કહી નથી શકતા!"- શ્યામા એકીશ્વાસે બોલી ગઈ.
"ઓહ...એમ વાત છે! તમારા શ્રેણીકજી મુસીબતમાં છે એમ ને? તો ભગવાને એમને જીભ નથી આપી?"- સરલાએ શ્યામાની જરા ખેંચાતા કહ્યું.
"શું કાકી તમે પણ? પણ કોઈ માણસને આવી રીતે હેરાનગતિ થાય તો મદદ કરવી જોઈએ ને? એ શરમના કારણે કઈ બોલી ના શકતા હોય!"- શ્યામા એ થોડી ગંભીરતાથી કહ્યું.
"જો તો અત્યારથી ફિકર? તો હું શું સમજુ? તારી હા છે ને?"- કાકીએ હસતાં કહ્યું.
"ખાઈ ખાઈને પેટ ફૂટી ના જાય ને એ સાઝા રહે તો વિચારીશું!"- શ્યામાએ બહાર ચાલી રહેલી વાતનો ઈશારો કર્યો, કાકી એમની પથારીએથી ઊભા થયા.
"શેની પેટ ફૂટે? એની માસી એની જોડે છે, તારું સગપણ તો પછી પહેલા મારો ભાણિયો થાય શ્રેણિક! એની માસી જોડે હોય ને એને હેરાનગતિ થાય એ ક્યાંથી ખપે?"- કહેતાં સાડી સરખી કરતા કાકી રૂમની બહાર આવ્યા, જોયું તો સાચે શ્યામા કહેતી હતી એ સાચું નીકળ્યું, શ્રેણિક હવે ખરેખર પરેશાન લાગતો હતો , એ હવે ના પાડતો હતો પરંતુ એનું કોઈ સાંભળવાવાળું નહોતું, એ એની થાળીમાંથી બધું નયનને પધરાવતો હતો, પણ એ ખુદ ખાઈ નહોતો શકતો.
સરલાકાકી અને શ્યામા જોડે આવ્યા તો મહેશની નજર એમની સામે પડી, ને શ્રેણિકની શ્યામા પર, એની આંખો જાણે શ્યામાને હવે નહિ જમવાની આજીજી કરતી હોય એમ લાગ્યું, શ્યામાએ પણ જાણે પોતે એને સમજે છે એમ ઈશારો કરતા કહ્યું! બંનેની આંખોએ એકબીજાની વાતને સમજી લીધા હોય એમ જોઇને ઝૂકી ગઈ.
ક્રમશઃ