Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રેમ ક્ષિતિજ - ભાગ -૧૭

એકાંત હતો, શ્રેણિક અને શ્યામાની વાતો ચાલતી હતી, એક બાજુ કોયલનો મીઠો સ્વાદ એમાં સુર પૂરી રહ્યો હતો ને મીઠો પવન શ્યામાની લટોને સ્પર્શીને રમી રહ્યો હતો, શ્યામાની આગળ ભણવાની વાતથી શ્રેણિક પ્રેરાયો પરંતુ ઘરના વડીલો વિરોધી થશે એ વાતને તે પચાવી શક્યો નહિ, તેને શ્યામા પ્રત્યે સહાનુભૂતિ થઈ, શ્યામાની મરજી વિરુદ્ધ લગ્ન કઈ રીતે સંભવી શકે એ વાત એના મનમાં ઘૂમરાવા માંડી.
" તો પછી આ લગ્નની વાત?"- શ્રેણીકે શ્યામાને સવાલ પૂછ્યો.
" જો એમાં એમ છે કે બધા ભાઈ બહેનોમાં હું મોટી, અને ઉંમર થઈ ગઈ ત્રેવીસ એટલે વડીલોને મન એમ કે એક સારા ઘરમાં મારા લગ્ન થાય તો પાછળ બીજા સગા પણ સારા મળે!"
" તો એ બધા માટે તમારે તમારા સપનાનું બલિદાન આપી દેવાનું?"- શ્રેણિક જરા ચિંતિત થઈને બોલ્યો.
" બલિદાન ના કહેવાય, આ તો પરીવાર માટે પ્રેમ કહેવાય!"- શ્યામાએ હસતાં હસતાં કહ્યું.
" તો પણ..."- શ્રેણિક બોલ્યો.
" શું પણ?"- શ્યામાએ એને વાત પૂરી કરવા કહ્યું.
" પણ હું એવી છોકરી જોડે લગ્ન નથી કરવાં માંગતો કે જેને મજબૂરીમાં મારી જોડે લગ્ન કરવા પડે!"- શ્રેણિક બોલ્યો.
" જુઓ આ વાત મે માત્ર તમને જ કહી છે, હું ઘરમાં બીજાને કહું તો વાત આગળ વધે, લગ્ન માટે હું મજબૂર નથી પરંતુ મને થોડો સમય જોઈએ...હું મારી જાતે કઈક કરવા માંગુ છું અને હું એવું માનું છું કે લગ્ન બાદ જવાબદારીઓમાં ભણવું અઘરું છે."
" એવું કોણે કહ્યું કે લગ્ન બાદ ભણી ના શકાય? એ તો સાસરિયાની વિચારસરણી ઉપર આધાર રાખે કે તેઓ તેમની વહુને કેટલું સન્માન આપે છે!"- શ્રેણીકે એની ફિલોસોફી કહી.
" તો શું તમારા ઘરે જો મારા લગ્ન થાય તો તમે મને આગળ ભણવાની મંજૂરી આપો ખરી?"- શ્યામાએ એના મનની વાત ફાટક દઈને શ્રેણિકને પૂછી લીધું.
"યાહ... અફકોર્સ.... લગ્ન કઈ જેલ નથી કે એમાં જોડાનારને કેદ થવું પડે!"- શ્રેણિક બોલ્યો અને એના વિચારો શ્યામાને ગમવા માંડ્યા, શ્રેણિક પ્રત્યે શ્યામાનું માન વધી ગયું.
"અને તમારો પરિવાર?"
" મારા પરિવારમાં પણ વડીલો જ નિર્ણય લે છે પરંતુ એમની વિચારસરણી અને અભિગમ ત્યાં જઈને થોડા બદલાયા છે માટે મને વિશ્વાસ છે કે તેઓ કોઈ દિવસ ના નહિ કહે."
"જી"- શ્યામાએ સાવ ટુંકમાં જવાબ આપતા કહ્યું.
"તો શું તને લગ્ન કરવા તૈયાર છો હવે?"- શ્રેણિકે જે માટે આવેલો એ સવાલ મળતાની સાથે પૂછી જ લીધો.
"હા...પણ હું તમને ઓળખતી નથી હજી બરાબર..મને થોડો સમય જોઈએ છે!"
"એક મિનીટ...આ મારું કાર્ડ છે, તમને જોઈએ એટલો વખત લઈ શકો છો, જીંદગીના મહત્વનો નિર્ણયો એક જ વખતમાં લઈ લેવો અઘરો છે, તમે ગમે ત્યારે કોલ કરી શકો છો"- શ્રેણિકએ એનું કાર્ડ આપતાં કહ્યું.
" અને તમારે સમય નથી જોઈતો?"- શ્યામાએ એને પૂછ્યું.
"મને મારા દાદા અને મમ્મી પર પૂરો વિશ્વાસ છે, એમને શોધેલી છોકરીમાં કોઈ કમી ન હોય!"
" તમે રહ્યા વિદેશી અને અહીંની ગમાડિયણ પસંદ કરશો?"- શ્યામાએ જરાક હસતાં કહ્યું.
" એવું કોણે કહ્યું કે તમે ગામડિયણ છો? એલડીમાં ભણેલા છો, અમદાવાદમાં રહેલા છો તો પછી? અને રહી વાત જે સંસ્કાર ગામમાં ટકી રહ્યા છે એ શહેરમાં ક્યાં છે? માટે હું અહી સુધી આવ્યો છું." શ્રેણિક બોલ્યો.
"પણ મને અંગ્રેજી બોલતાં નથી આવડતું તમારી જેમ!"
" મનેય ક્યાં પાક્કું ગુજરાતી આવડે છે?"- કહીને શ્રેણિક હસી પડ્યો, જોડે શ્યામા પણ!
" ભલે, હું બે દિવસમાં વિચારીને જવાબ આપું!" - શ્યામાએ બે દિવસનો સમય માંગ્યો.

ક્રમશ