ગતાંકથી ચાલુ....
ઘરે આવ્યા પછી પણ વનિતાના વિચારોમાંથી વિજય ખસતો નહોતો.જે આંખો એકાંતમાં આંસુ વહાવીને થાકી ગઈ હતી,એ આંખોમાં આજે અનેરો ઉત્સાહ જોવા મળતો હતો.આંખો નીચે પડી ગયેલા કાળા કુંડાળા સાચા પ્રેમની પ્રતીક્ષા ફળી એ વાતના પુરાવા આપી રહ્યા હતા.ચાલીસી વટાવ્યા પછી પણ એના ચહેરા પર આજે પહેલીવાર ગજબની ચમક જોવા મળતી હતી.એનું કારણ વિજય અને તેની સાથે થયેલી મુલાકાત હતી.વનિતાના બદલાયેલા વર્તનની નોંધ વેદ અને વેદાંશિએ પણ લીધી.જીગર માટે તો એ હંમેશા રહસ્યમય કોયડા જેવીજ હતી,એટલે એણે આજના કોયડાને ઉકેલવાનો કોઈ પ્રયાસજ ના કર્યો.બાળક જેમ પરીક્ષામાં અઘરા સવાલને નજર અંદાજ કરે છે,બસ એજ રીતે જીગરે પણ વનિતાના સ્વભાવમાં આવેલું પરિવર્તન નજર અંદાજ કરી દીધું.
બીજી તરફ વિજય પોતાના કામમાં વ્યસ્ત હતો.વિચારોના વમળમાં ઘેરાઈ ગયો હોવા છતાં પોતાની ફરજોને કેવી રીતે ન્યાય આપવો તે કળા એણે વર્ષો પહેલા સિદ્ધ કરી લીધી હતી.હજારો દર્દે દિલમાં દબાવી રાખીને ચહેરા પર હાસ્ય કેવી રીતે રાખવું,એ વિજય ખુબ સારી રીતે જાણતો હતો.કામની વચ્ચે પણ એ એકજ વિચાર કરતો હતો કે,ક્યારે સવાર પડે અને વનિતા સાથે મુલાકાત થાય.તો આ તરફ વનિતાના પણ કંઈક આવાજ વિચારોમાં ખોવાયેલી હતી.કામની વ્યસ્તતા અને કુટુંબની જવાબદારીમાં બન્નેનો દિવસ ક્યાં પસાર થઈ ગયો એનો કોઈને ખ્યાલ જ ના રહ્યો.
નવો દિવસ હવે નવી આશાઓ લઈને ઉગી ગયો હતો.વનિતા પોતાના નિત્યક્રમ પ્રમાણે ઘરકામમાં વ્યસ્ત થઈ ગઈ.જેટલું જલદી થઈ શકે એટલું જલ્દી એ કામ પૂરું કરવાના પ્રયાસ કરી રહી હતી.બાળકોને તૈયાર કરીને સ્કૂલે મોકલી આપ્યા.જીગર પણ સમયસર તૈયાર થઈને ઓફિસે જવા માટે નીકળી ગયો.
વનિતાએ વોડૅરોબ ખોલ્યું.આજે કયા રંગની સાડી પહેરવી એ સવાલ નહોતો,પણ કઈ સાડી પહેરવી એ સવાલ એને મૂંઝવી રહ્યો હતો.અંતે એણે પીળા રંગની બાંધણી પહેરવાનું નક્કી કર્યું,અને એક પીળારંગની ઓઢણી વનિતાએ પોતાના પર્સમાં મુકી દીધી.તૈયાર થઈને એણે પોતાની જાતને દર્પણમાં જોઈ એકવડીયો બાંધો હવે મધ્યમ કદનો થઈ ગયો હતો.કમર સુધીના કાળા વાળ હવે તેની ચમક ગુમાવી ચૂક્યા હતા.વિશાળ અણિયાળી આંખોમાં અંજાયેલો વિજયના પ્રેમનો સુરમો ઉજાગરાના લીધે આંખોની નીચે ઉતરી કાળા કુંડાળામાં ફેરવાઇ ગયો હતો.છતાંય દિલમાં આજે એજ લાગણીઓ,એજ ઉર્મિઓ અને એજ પ્રેમ છલકાય રહ્યો હતો.જે વરસો પહેલા હતો.પોતાનું પ્રતિબિંબ દર્પણમાં જોઈને વનિતાની આંખો પહેલીવાર શરમથી ઝુકી ગઈ.દસના ટકોરા કાને સાંભળતાજ તે વાસ્તવિક દુનિયામાં પાછી ફરી.કી સ્ટેન્ડમાંથી એકટીવાની ચાવી લઈને એ હોટલ બૉલીવુડ ફાઈવ તરફ જવા માટે નીકળી ગઈ.રસ્તામાં ગિફ્ટની દુકાનેથી વનિતાએ ગિફ્ટ પેક કરાવી લીધી.
વનિતા આજે જેટલી ખુશ હતી એનાથી વધારે દુઃખી તો વિજય હતો.કારણ કે વર્ષો પછી મળવાનું,મળ્યા પછી છૂટા પડવાનું અને છૂટા પડ્યા પછી જીવવાનું એ વિજય માટે ખૂબ જ મુશ્કેલ થઈ પડવાનું હતું કોઈની યાદોમાં જીવવું,કોઈની યાદોમાં ઝુરવું અને એ યાદો સામે સતત ઝઝૂમવું ખૂબ જ કપરું હોય છે.
શું કામ મારા આવવાની જાણ મેં અતુલને કરી?શું કામ અતુલે મને વનિતાની વાત કરી?શું કામ મેં વનિતાનો નંબર લીધો?શું કામ મે વનિતાને મેસેજ કર્યો?શું કામ મે વનિતાને મળવા બોલાવી?શું કામ મે વનિતાને ફરીથી મળવાની પરવાનગી આપી?આવા અનેક સવાલોથી વિજયનું માથું ફાટી રહ્યું હતું.પોતાના બે હાથ કપાળ પર મારી મારીને એ પોતાની જાતને સવાલ પુછી રહ્યો હતો,પણ જવાબ ક્યાંયથી મળ્યો નહીં.વનિતાના આવ્યા પછી શું થશે એની વિજયને ખબર નહોતી ,પણ વનિતાના ગયા પછી શું થશે એ વાતની વિજયને બધીજ ખબર હતી.
કહેવાય છે ને કે,'આપણા આયોજન કરતા ઈશ્વરનું આયોજન ખૂબ સુંદર હોય છે',તો જોઈ લઈએ આજે કે પ્રભુ શી રમત રમાડે છે.એમ વિચારી વિજયે પોતાની બેગમાંથી કપડાં કાઢી તૈયાર થઈ ગયો.જેટલો ખ્યાલ વનિતા વિજયનો રાખતી હતી એટલોજ ખ્યાલ વિજય વનિતાનો રાખતો હતો. એટલેજ એણે આજે ક્રીમ કલરનું પેન્ટ અને બ્લેક કલરનું શર્ટ પહેર્યુ હતું.ડ્રેસીંગ ટેબલ પર પડેલી પરફ્યુમની બોટલ લઈને એ છાંટવા જતો હતો ત્યાં જ એના રૂમની ડોરબેલ વાગી ટીંગ.......ટોંગ.
વધુ આવતા અંકે....