પીળોરંગ પ્રેમનો - 1 Pinkalparmar Sakhi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પીળોરંગ પ્રેમનો - 1

આખી રાત જાગવા છતાં વનિતાના ચહેરા પર થાક વર્તાતો નહોતો. થાક ન વર્તવાનું કારણ મનગમતું હતું.પથારીમાં પડ્યા પડ્યા એ વિચારતી કે ક્યારે સવાર પડે અને મારો સોનાનો સુરજ ઊગે. પોતે વિચારોના વમળમાં ઘેરાયેલી હતી તે જ સમયે સોસાયટીમાં આવેલા મંદિરમાં આરતીની શરૂઆત થઈ.આરતીની શરૂઆતથી શરૂ થયેલો દિવસ ખરેખર ખૂબજ શુભ જશે,એવું વિચારીને એ પલંગ પર થી ઉભી થઇ.
વનિતાએ નહાવા જતા પહેલા પોતાના વોડૅરોબ પર એક નજર નાખી લીધી.આજે શું પહેરવું એની પસંદગી કરવાનો કોઈ સવાલ જ નહોતો.અનેક રંગોની સાડીઓથી ભરેલા વોર્ડરોબમાંથી વનિતાએ પીળા રંગની બનારસી સાડી કાઢી લીધી.કારણ કે પીળો રંગ પ્રેમનો હતો.આજથી વીસ વર્ષ પહેલાં જ્યારે વનિતાએ જિંદગીમાં પહેલીવાર પીળા રંગની સાડી પહેરી હતી, ત્યારે કોઈકે એના વખાણ કર્યા હતા.ત્યારથી આજદિન સુધી વનિતાના ખજાનામાં પીળો રંગ ક્યારેય ઝાંખો પડ્યો નથી.પીળા રંગની સાડી જૂની થાય અથવા ફેશન બદલાય એટલે તરતજ બીજી સાડી લઈ લેવાની. કલર અને ડિઝાઇનમાં થોડો ફેર હોય તો એ ચલાવી લેતી પણ મૂળ રંગ તો પીળોજ હોવો જોઈએ તે વાતનો ખાસ આગ્રહ રાખતી.
પીળા રંગની પાંચ સાડીઓ,બે ચોલી,ચાર પંજાબી ડ્રેસ,બે ટીશર્ટ અને એક નાઈટ ડ્રેસ તેના વોર્ડરોબની શોભા વધારી રહ્યાં હતા.
માળીની દુકાનમાં ભલે ગુલાબના હજાર ફૂલ હોય પણ સૌનું ધ્યાન જેવી રીતે ગલગોટો આકર્ષી લે છે,તેવીજ રીતે વનિતાના વસ્ત્રોના બગીચામાં પીળો રંગ સૌનું ધ્યાન આકર્ષી લેતો હતો.
વીસ વર્ષ વીતી ગયા.વિજય એની જિંદગીમાંથી એવી રીતે અદ્રશ્ય થઇ ગયો હતો કે જાણે સૂર્યોદય થતાની સાથે ફૂલ પરથી ઝાકળ દૂર થઈ જાય છે.ઝાકળને ક્યાં ખબર હોય છે કે પોતે તો વિદાય લઈ લેશે,પણ તેના ક્ષણિક અસ્તિત્વના ડાઘ તે પાંદડી પર મૂકીને જાય છે. જ્યાં સુધી ફૂલ છે ત્યાં સુધી ઝાકળના ડાઘ સતત એના સહવાસની યાદ અપાવતા હોય છે.વિજય તો ઝાકળ બનીને ઊડી ગયો પણ તેની યાદ વનિતાને રોજ આવતી હતી.એવું કોઈ એકાંત નહીં હોય જેમાં વનિતાએ વિજયને યાદ કર્યો નહીં હોય.એના ગયા પછી વનિતાને સમજાઈ ગયું હતું કે એ માત્ર એનો પ્રેમ નહોતો પણ પોતાનો શ્વાસ હતો. જે સતત એના હૃદયમાં ધબકતો હતો.
વિજય ચાહતની સાથે સાથે એની આદત પણ બની ગયો હતો.જેમ કોઈ ચા ના વ્યસની માણસને ચા પીધા વિના ન ચાલે તેમ વનિતાને એના વિના ન ચાલતું. વનિતા વિજયના પ્રેમની બંધાણી બની ગઈ હતી.સવારે ઉઠીને ચા ના બંધાણીને જેમ ચા જોઈએ તેમ વનિતાને વિજયનો સાથ જોઈએ.વિજયના ગયા પછી બીજા દિવસની સવાર જાણે કે ઝેર બનીને આવી હોય તેવું લાગતું હતું.રોજ જેનો અવાજ સાંભળીને સવાર પડતી હતી એ આજે વિજયના અવાજ વિના સાવ સૂની સૂની લાગતી હતી.એક જ દિવસ તેનો અવાજ ના સાંભળતા વનિતા આખો દિવસ બેચેની અનુભવી રહી હતી.જાણે કે એના શરીરમાંથી કોઈ અંગ ઓછું થઈ ગયું હોય તેવો એને ભાસ થયા કરતો હતો.વનિતાનું શરીર ચંદનની જેમ શીતળ હોવા છતાંય હૈયામાં એક આગ સળગતી હતી. જે ક્ષણે ક્ષણે એને દઝાડી રહી હતી જુદાઈની આ આગ ક્યારે ઠંડી પડશે એ સવાલજ હૈયાની આગને વધુ સળગાવી રહ્યો હતો.
બીજો કોઈ પ્રશ્ન હોય તો બંને જણા સાથે મળીને એનો ઉકેલ લાવી શક્યા હોત, પણ અહીં સવાલ મતભેદનો નહીં પણ મનભેદ થયાનો હતો. એક સમજવા જેવી બાબત ન સમજવાને કારણે વિખવાદોએ વિરાટ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. દિલ પર શબ્દોના આકરા ઘા થવાને કારણે વિજયે ત્યાંથી ભીની આંખે વિદાય લઈ લીધી હતી.
વનિતાએ તેને મનાવવાના ખૂબ પ્રયાસ કર્યા. પણ જેમ યુવાનીમાં પ્રેમ તોફાની હોય છે તેમ ગુસ્સો અને રીસ પણ એટલાજ તોફાની હોય છે.
બાળકને રમકડાંની કોઈ કિંમત નથી હોતી,પણ જ્યારે એ રમકડું ખોવાઈ જાય ત્યારે બાળક જે વેદના અનુભવે તેનાથી સો ઘણી વેદના હવે વનિતા અનુભવી રહી હતી.બીજા જ દિવસે વનિતાને સમજાઈ ગયું કે,એણે જે કર્યું હતું એ માત્ર ગુસ્સો નહોતો પણ બંનેની જિંદગીમાં આવી ચડેલો એક પ્રચંડ ઝંઝાવાત હતો. જેણે લાગણીઓ, પ્રેમ, વિશ્વાસને થોડી ક્ષણોમાં તહેંશ નહેંશ કરી નાખ્યો હતો. આ વાત જયારે સમજાઈ ત્યારે બહુ મોડું થઈ ગયું હતું.બે પ્રેમીઓ વચ્ચે મનભેદની દીવાલ ચણાઈ ગઈ હતી જેની એક તરફ વિજય હતો તો બીજી તરફ વનિતા.

વધુ આવતાં અંકે....