ગતાંકથી ચાલુ.....
વનિતા પોતાની સપનાની દુનિયામાં મશગૂલ હતી.વિજય ક્યારે એની પાછળ આવીને ઊભો રહ્યો એ વાતનો એને ખ્યાલજ ન રહ્યો.વિજયે વનિતાને પૂછ્યું, 'હાય....કેમ છે તું?' વર્ષો વીતી ગયા હોવા છતાં વનિતા વિજયના અવાજને સારી રીતે જાણતી હતી.એણે પાછળ ફરીને જોયું તો વિજય હતો. 'આવ,બેસ.' વનિતાએ કહ્યું.
વિજય વનિતાની સામે બેસી ગયો.બંને એકબીજાની સામે જોઇ રહ્યા હતા.મનમાં હજારો સવાલ દરિયાના મોજાની માફક ઉછળતા હતા,જે બંનેમાંથી કોઈના હોઠ સુધી પહોંચી શક્યા નહીં.
ભેદી મૌનની દિવાલ તોડતાં વિજયએ કહ્યું,'વનિતા તું આજે બહુ સુંદર લાગે છે.જે શબ્દો વર્ષો પહેલાં સાંભળ્યા હતા,એ શબ્દો વર્ષો પછી સાંભળતાની સાથેજ એનું હૈયું ધબકવા લાગ્યું.આ વખતે પણ એને પ્રત્યુત્તરમાં હાસ્યજ આપ્યું.વર્ષો પહેલાના હાસ્યમાં અને આજના હાસ્યમાં છુપાયેલો ફેર વિજયની નજરોથી બચી શક્યો નહીં.વનિતાએ કહ્યું,'એ સમયે મારી આંખોમાં પ્રેમ હતો,આજે આંખો નીચે કાળા કુંડાળા પડી ગયા છે,આ કાળા કુંડાળા એ તારી યાદોમાં થયેલા ઉજાગરાના પુરાવા છે.ચહેરા પરની કરચલીઓ એ મારા હૃદયમાં છુપાયેલા દુઃખના દસ્તાવેજ છે,જેના પર મારી આંખો આંસુથી રોજ પ્રાયશ્ચિતના હસ્તાક્ષર કરે છે.
ટેબલ પર વનીતાના ધ્રુજતા હાથ પર વિજયે પોતાના હાથ મૂકી દીધા અને કહ્યું,'જે થઈ ગયું એ થઈ ગયુ.વીતેલા સમયને યાદ કરીને તું દુઃખી ના થા. એ સમયે તારો ગુસ્સો વ્યાજબી હતો.હું મારી જગ્યાએ અને તું તારી જગ્યાએ સાચી હતી,પણ સમજ ફેરના કારણે આપણા સંબંધમાં તિરાડ પડી ગઈ.જેને અહમના તડકાએ વધુ મોટી બનાવી દીધી.મને મારી ભૂલ સમજાય છે, તું મને માફ કરી દે.'
'ભૂલ તારી કે મારી નથી,ભૂલ આપણી છે.ચાલ આજે આપણે આ વાત કબૂલ કરી લઈએ.જો પ્રેમ આપણો હતો પછી ભૂલ પણ આપણીજ કહેવાય ને!' છોડ હવે એ બધી વાતોને, મને બહુ ભૂખ લાગી છે ચાલ તું ઓડર આપ.
વિજયે કહ્યું,'બોલ શું ઓર્ડર આપું.' 'બસ એજ જે આપણે વીસ વરસ પહેલા આપતા હતા.' જે આંખો વનિતાના ચહેરા પર લોક ચુંબકની માફક ચોટેલી હતી એ હવે વેઈટરને શોધી રહી હતી.ત્યાં કાઉન્ટર પાસે ઉભેલા વેઈટર પર તેની નજર પડી.ફક્ત હાથના ઇશારાથી એણે વેઈટરને બોલાવ્યો અને કહ્યું કે,'બે ચા,એક વેજ પુલાવ અને હા, બે સ્પૂન લાવજો.' વેઈટર વિનયને હળવું હાસ્ય આપીને જતો રહ્યો.
વનિતા વિજયના ચહેરાને જોઈ રહી હતી.વર્ષોથી હૈયામાં દફન થયેલી કેટલીય વાતો વિજયને કહેવી હતી.લાગણીઓને વહી જવા માટે આજે ઢાળ હતો,છતાં તેણે પોતાની લાગણીઓ પર સંયમ રાખીને એ વાતોને હોઠ સુધી આવવા ન દીધી.વિજય પૂછ્યું,'શું વિચારે છે વનિતા?' 'કંઈ નહીં.'
'સમય ક્યારેય બદલાતો નથી,સમય જતાં ઘણું બધું બદલાઈ જાય છે.આ હોટલજ જો ને તું.એક સામાન્ય હોટલ આજે કેટલી બધી બદલાઈ ગઈ છે.આ બદલાવને પરિવર્તન કહેવું કે જરૂરિયાત એજ સમજાતું નથી.'વિજય કહ્યું.
'બદલાવું કોને ગમે છે વિજય?સમય,સંજોગ અને પરિસ્થિતિ બદલાવના મુખ્ય કારણો છે.લોકો બદલાવને જુએ છે,પણ બદલાવની પાછળ રહેલી વેદનાઓને જાણવાનો પ્રયાસ કોણ કરે છે?બહારથી ભવ્ય દેખાતી ઈમારતોની અંદર છુપાયેલી એકલતાને જાણવાનો પ્રયાસ કોણ કરે છે?ક્યારેક બધું હોવા છતાં ઘણું બધું ખૂટતું હોય છે,આ ખાલીપાની ભરપાઈ સુંદર ફર્નિચર કે સુખ સગવડ પૂરી કરી શકતા નથી.જીવન જીવવા માટે સંસારમાં ટકી રહેવા માટે પરિવર્તન લાવવુંજ પડે છે,પછી એ હોટલ હોય કે માણસ.'આટલું બોલતાની સાથેજ વનિતાની આંખો ભીંજાઈ ગઈ.
તારા શબ્દોની અંદર છુપાયેલી વેદનાઓને હું અનુભવી શકું છું વનિતા,પણ સમય વીતી ગયો છે,વીતેલા સમયને યાદ કરીને શો અથૅ?જે થવાનું હતું તે થઈ ગયું,હવે ભૂતકાળને યાદ કરીને આપણે આપણું વર્તમાન શું કામ બગાડવું?તું તારી લાઇફમાં ખુશ છે અને હું મારી લાઇફમાં ખુશ છું બીજું શું જોઈએ આપણે? 'તું ખુશ છે વિજય?'વનિતાએ પૂછ્યું.
વધુ આવતા અંકે.....