પીળોરંગ પ્રેમનો - 5 Pinkalparmar Sakhi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પીળોરંગ પ્રેમનો - 5

ગતાંકથી ચાલુ....
વિજય કંઈ બોલવા જાય એ પહેલાજ વેઇટર આવ્યો અને એણે ટેબલ પર વેજ પુલાવ,બે સ્પૂન અને ચા મૂકી દીધી.
ચાલ છોડ,એ બધી વાતોને.વીસ વર્ષ પછી આપણે મળ્યા છીએ તો ચાલ આ ક્ષણોને આપણે મન મૂકીને માણી લઈએ,જેમ માણતા હતા બિલકુલ એમજ.થોડીવાર માટે તું ફરીથી ઓગણીસની બની જા અને હું ચોવીસનો.વિજયની આ વાત સાંભળીને વનિતાના ચહેરા પર હાસ્ય આવી ગયું.
પ્રાયશ્ચિતની આગમાં સળગતું વનિતાનું હૃદય આજે વિજયને જોઈને રાહતનો શ્વાસ લઈ રહ્યું હતું.વર્ષોથી હૈયામાં દબાવીને રાખેલી લાગણીઓને એ વ્યક્ત કરવા માગતી હતી.ઉજાગરા કરીને થાકી ગયેલી આંખોને આજે નિરાંતની ઉંઘ લેવી હતી.ગાલ પર છપાયેલા આંસુના ડાઘને એ વિજયના લાગણીભર્યા સ્પર્શથી દૂર કરવા માગતી હતી.વિજય વડે થતું કપાળ પરનું એકજ ચુંબન એની તમામ વેદનાઓને દૂર કરવા માટે સક્ષમ હતું.પણ અફસોસ,એ ક્યાં શક્ય હતું.
"એય,,, ક્યાં ખોવાઈ ગઈ?" "ક્યાંય નહીં?" 'તો ચાલ,જમવાનું શરૂ કર.'
વિજય એની આદત પ્રમાણે રકાબીમાં ચા કાઢીને પીવામાં તલ્લીન થઇ ગયો.વિજયનું દર્દ ચહેરા પર નહીં,પણ તેની આંખોમાં સ્પષ્ટ દેખાઈ આવતું હતું.દિલમાં હજારો દર્દ છુપાવીને ચહેરા પર હાસ્ય રાખવાની કળામાં વિજય માહિર હતો.આ વાત વનિતા જાણતી હતી.બહારથી પથ્થર જેવો લાગતો માણસ ફુલ જેવુ કોમળ હદય ધરાવે છે આ વાત કદાચ દુનિયા નહી જાણતી હોય,પણ વનિતા ખૂબજ સારી રીતે જાણતી હતી.
'થોડું જમી લે ને.' 'હું ઓગણીસ વરસની છું,યાદ છે ને તને?' સોરી... સોરી. હું તો ભૂલી જ ગયો હતો.વિજયે ટ્રે માંથી એક સ્પૂન લીધી.વનિતાને ખબર હતી કે હવે શું થશે.વિજયે જ્યાંથી સ્પૂન લીધી હતી,એને પાછી ત્યાંજ પાછી મૂકી દીધી.હાથથી કોળિયો લઈને એણે વનિતાના મુખ તરફ પોતાનો હાથ લંબાવ્યો.વનિતાએ એ કોળિયો પ્રેમથી આરોગી લીધો.વિજયના હાથથી જમતી વખતે વનિતા જે આનંદ અનુભવી રહી હતી,એ એના ચહેરા પર સ્પષ્ટ રીતે વર્તાઈ રહ્યો હતો.તો બીજી તરફ વનિતાએ પણ એક કોળિયો લઈને વિજયના મુખ તરફ ધયોૅ.વિજયે જ્યારે વનિતાના હાથે કોળિયો ખાધો કે તરતજ એની આંખમાંથી આંસુ બહાર આવી ગયા.
'વિજય,ક્યાં સુધી તું તારી લાગણીઓને દબાવીને રાખીશ?ક્યાં સુધી તું તારા આંસુઓને પાંપણનો સહારો લઈને છુપાવી રાખીશ?વહી જવા દે તારી લાગણીઓને,વહી જવા દે વર્ષોથી સંઘરી રાખેલા તારા આંસુઓને.'
વનિતા,હું શું કરું?શું કહું?મને એ જ સમજાતું નથી.તું જાણે છે કે તું મારો શ્વાસ છે.તું મારા હૃદયમાં બિરાજે છે.જ્યાં પ્રભુને સ્થાન મળવું જોઈએ ત્યાં આજે પણ તારું સ્થાન છે તો પછી હું શું કામ મારા પ્રભુને દુઃખ થાય એવું કામ કરું?લોકોની આખી જિંદગી પુરી થઈ જાય છે તો પણ એમને પ્રભુના દર્શન નથી થતા.જ્યારે હું મારા પ્રભુને મારી નજર સામે જોઈ શકું છું.પ્રેમથી જમાડી શકું છું.એનાથી વિશેષ મારા માટે બીજું શું હોઈ શકે?વર્ષોની તપસ્યા પછી મને આ અદભુત ક્ષણો મળી છે,તો શું કામ હું આવી સુંદર ક્ષણોને આંસુથી બરબાદ કરું?
વિજયના હૈયામાં એક ડુમો ભરાઈ ગયો,એના શ્વાસ રૂંધાતા હોય એવું લાગતાંજ વનિતાએ વિજય તરફ પાણીનો ગ્લાસ ધયોૅ.પાણીના બે ઘૂંટડા પીધા પછી વિજયે પોતાની જાતને સાચવી લીધી.થોડી ક્ષણો માટે બંને જણ મૌન થઈ ગયા.ઘણું બધું કહેવું હતું,ઘણું બધું સાંભળવું હતું,છતાંય કોણ જાણે કેમ બન્નેમાંથી કોઈ બોલી શક્યું નહીં.
'વનિતા,તારી ચા ઠંડી થઈ ગઈ,હવે પી લે.' 'વિજય,તને હજીય યાદ છે કે હું ઠંડી ચા પીવુ છું.' 'હા,મને યાદ છે.તારાથી દૂર થયા પછી હું ઠંડીજ ચા પીવુ છું.એ ઠંડી ચા ના દરેક ઘુંટ મને તારી યાદ અપાવતા હતા.' 'તો પછી આજે કેમ ગરમ ચા પીધી?' 'કારણકે હું આજે ચોવીસ વર્ષનો છું.'વિજયનો જવાબ સાંભળીને વનિતા હસી પડી.હોટલનું બિલ આપી બંને જણા બહાર નીકળ્યા.
હોટલની બહાર નીકળતાજ વનિતાએ પૂછ્યું,'વિજય,હવે તારો શો પ્રોગ્રામ છે? 'હું હવે અહીંથી સીધો મિટિંગમાં જઈશ અને ત્યાંથી કામ પતાવીને મારી રૂમ પર.' વિજયે કહ્યું.
'તું કાલે કેટલા વાગે નીકળવાનો છે?' 'હું બાર વાગ્યાની આસપાસ હોટેલમાંથી ચેકઆઉટ કરવાનો છું.કંઈ કામ હતું?વનિતાએ કહ્યું,'હા.શું હું કાલે તને મળવા માટે આવી શકું?' અરે,એમાં પૂછવાનું શું હોય!તું તારી અનુકુળતાએ આવી જજે.' વિજયનો જવાબ સાંભળી વનિતાએ વિજય સામે બે હાથ જોડ્યા.વિજયે તેના હાથ પકડી લીધા અને કહ્યું,'જે હક મેં તને વર્ષો પહેલા આપ્યાં હતા,એ હક આજે પણ તારી પાસેજ છે.તારે મને વિનંતી કરવાની ન હોય,બસ હુકમ કરવાનો હોય.'
સમય ઘણો વીતી ગયો છે વનિતા.તું હવે ઘરે જા અને હા,પહોંચીને મને મેસેજ કરી દેજે.વનિતા એકટીવા લઈને પોતાના ઘર તરફ જવા માટે નીકળી ગઈ તો બીજી તરફ વિજય મિટિંગમાં જવા માટે રવાના થયો.

વધુ આવતા અંકે....