ક્ષિતિજ...ગાથા વિરહથી મિલન સુધીની... - ભાગ 29 Dhruti Mehta અસમંજસ દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ક્ષિતિજ...ગાથા વિરહથી મિલન સુધીની... - ભાગ 29

"બહુ ભોળી છે તું રાશિ, મેં તને ક્યારે પ્રેમ કર્યો જ નથી, તારી સાથે લગ્ન કરી હું તારી જાયદાદ પ્રાપ્ત કરવા માંગતો હતો.", શક્તિસિંહનું અસલ સ્વરૂપ હવે એની જબાનથી જ બહાર આવી રહ્યું હતું.

હું મારો બીઝનેસ આગળ વધારવા માંગતો હતો અને તેનો બધો આધાર મારા રાશિ સાથે લેવાયેલ લગ્ન ઉપર હતો.બધું સારું ચાલી રહ્યું હતું, મારા રાશિ સાથે લગ્ન પણ થવાના હતા, પણ આ અનુરાગના કારણે ઘરેથી ભાગતા રાશિ પડી ગઈ અને મારો બધો પ્લાન ચોપટ થઈ ગયો.

હું રાશિની તબિયત સુધરવાની રાહ જોઈ રહ્યો હતો.

મને આશાનું કિરણ દેખાયું જ્યારે મને મળવા જ્યોતિ આવી. હા જ્યોતિ, મારા ગામમાં રહેતા કીશન કામદારની હોનહાર છોકરી. તેને ડૉક્ટર બનાવવા એના પિતાએ મારી પાસેથી ઘણા પૈસાની મદદ લીધી હતી. હું ગામમાં મારી શાખ બનાવી રાખવા માટે લોકોને નાની મોટી મદ્દ્દ કરતો અને સમય આવ્યે એમના પાસેથી જરૂર મુજબ કામ કઢાવી લેતો. જ્યોતિ પણ ગામમાં સૌ પ્રથમ ડૉક્ટર બની મારાજ કોઈ કામમાં આવશે મેં તેમ વિચારી એના પિતાની મદદ કરી હતી.

જ્યોતિ જ્યારે ડૉક્ટર બની ગઈ તે મારો આભાર માનવા મને મળવા આવી હતી. તે ખુબ ખુશ હતી કે તે હવે પોતાના માતાપિતાને સુખી કરી શકશે. ત્યારે એણે મને જણાવ્યું કે તે હવે કોઈ હોસ્પિટલમાં ઇન્ટર્ન ડૉક્ટર બની શરૂઆત કરશે.

જ્યોતિના ગયા બાદ મને અનુરાગ વિશે વિચાર આવ્યો. જેના કારણે રાશિની આ હાલત થઇ હતી અને અમારા લગ્ન ન થવાના કારણે મારી બદનામી પણ થઇ હતી. માટે અનુરાગ સાથે બદલો લેવાની ભાવના મારામાં સળગી રહી હતી. પછી મેં અનુરાગ સાથે મારો બદલો લેવા અને રાશિના જીવનમાંથી એને હંમેશ માટે દૂર કરવા એક પ્લાન બનાવ્યો.

બીજા દિવસે મેં જ્યોતિને મળવા માટે ઘરે બોલાવી. અને અનુરાગની હોસ્પિટલમાં ડોક્ટર તરીકે મોકલવાનું નક્કી કર્યું જેથી તે અનુરાગ સાથે પ્રેમનું નાટક કરીને તેને મારા અને રાશિના રસ્તામાંથી હટાવી દે.

પહેલાતો જ્યોતિ તે માટે તૈયાર ન થઇ. પછી મેં એને કહ્યું કે મે કરેલી મદદના પૈસા પાછા આપે નહીતો એના માતા પિતાને મરતા જોવાની તૈયારી રાખે. મારી એ ધમકીથી ડરી તે કમને તૈયાર થઇ અને તે અનુરાગની હોસ્પિટલમાં કામ કરવા લાગી. હું જ્યોતિ સાથે સતત ત્યાં ચાલી રહેલ પરિસ્થિતિ અંગે જાણકારી મેળવી લેતો.

પણ રાશિને સારું થતા તે પણ અનુરાગની હોસ્પિટલમાં પાછી ફરી. ત્યારે પણ જ્યોતિએ હોંશિયારી બતાવી અને રાશિને અનુરાગથી દૂર રાખી. જેના લીધે રાશિની તબિયત લથડી પડી અને તે સુમેરસિંહ પાસે પાછી જતી રહી.

જ્યોતિને ઘણી નવાઈ લાગી. તે અનુરાગથી છુપાઈને રાશિને મળવા ગઈ. ત્યાં સુમેરસિંહ પાસેથી બધું જાણીને પોતાના પ્રત્યે ઘૃણા ઉપજી. ત્યાંથી નીકળી તેણે મને ફોન કરી પોતે હવે આ નાટક નહિ કરે એમ કહેતા મેં જ્યોતિને મળવા બોલાવી.


મેં જ્યોતિને ઘણી સમજાવી, પૈસાની પણ લાલચ આપી, ડરાવી ધમકાવી, પણ તેનું એકજ રટણ હતું કે તે અનુરાગને જઈને બધું સાચું કહી દેશે અને પોતાના પાપનું પ્રશ્ચાતાપ કરી પોતાના મન ઉપર રહેલ ભાર ઓછો કરશે.


હવે તે કોઈ કાળે માનશે નહિ એનો અંદાજ મને આવી ગયો માટે આવા સંજોગમાં શું કરવું હું સારી રીતે જાણતો હતો.


મારા ઘણા દુશ્મનો હતા એટલે હું મારી પાસે એવું રસાયણ રાખતો જે મારા એક ડૉક્ટર મિત્રે ખાસ પ્રયોગ કરી અમુક તત્વો ભેળવી બનાવેલ. જે ખોરાક કે પાણી સાથે ભેળવી લેવામાં આવે તો અમુક કલાકો બાદ એની અસર થતા માણસના શરીરના દરેક અંગને એક પછી એક કામ કરતુ બંધ કરી દેતું. અને પેલા માણસને બોલવાનો પણ મોકો મળતો નહિ.

✍️ ધ્રુતિ મેહતા (અસમંજસ)