ક્ષિતિજ...ગાથા વિરહથી મિલન સુધીની... - ભાગ 24 Dhruti Mehta અસમંજસ દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ક્ષિતિજ...ગાથા વિરહથી મિલન સુધીની... - ભાગ 24

રાશિએ જ્યોતિના ગામમાં પગ મૂકતા જ એક જાણીતો અહેસાસ એના શરીરમાં પ્રસરી ગયો અને એના પગ જકડાઈ ગયા. ભૂતકાળની તે યાદો, જે આ જ ગામ સાથે જોડાયેલ હતી તે એની નજરો સમક્ષ આવવા મથી રહી, પણ હવે તે વાતો અને યાદો સાથે કોઈ નાતો રહ્યો નહોતો માટે તેને દિલમાંથી ખંખેરી રાશિએ જ્યોતિના ઘરનુ બારણું ખટખટાવ્યુ.

"કોણ?" ઘરમાંથી પડઘાતો કોઈ સ્ત્રીનો અવાજ આવ્યો.

રાશિ હવે સામે શુ કહેવુ તે વિચારતી થોડીવાર દરવાજા આગળ એમજ ઊભી રહી.

"જી તમે કોણ?" ત્યાંજ એક આધેડ સ્ત્રીએ દરવાજો ખોલી સામે ઉભેલી અજાણી છોકરીને જોઈ કુતૂહલ વશ પૂછ્યુ.

"હું રાશિ", નામ સાંભળી તે સ્ત્રી હવે શુ પ્રતિક્રિયા અપાશે એમ તેના હાવભાવ કળતી રાશિ એની સામે જોઈ રહી.

"કેમ અહીં આવી છે, શુ બાકી રહ્યુ છે. તું જતી રહે અહીંથી", આટલુ બોલતાજ તે સ્ત્રી ઘરનો દરવાજો બંધ કરી રહી.

"મારી વાત તો સાંભળી લો એકવાર, પછી તમે કહેશો તો હું ચાલી જઈશ", બારણાને પકડતી એને બંધ થતુ રોકી રાશિ આજીજી કરતા બોલી.

દરવાજો ખુલ્લો રાખીને તે સ્ત્રી રાશિ સામે જોયા વગર અંદર જતી રહી.

ઘરમાં પગ મૂકતા જ રાશિને ઘરમાં રહેલ ભારેખમ વાતાવરણનો અહેસાસ જણાઈ આવ્યો. ડ્રોઈંગ રૂમમાં પ્રવેશતા જ સામે લગાવેલ તસ્વીરમાં જ્યોતિનો હસતો ચહેરો દેખાઈ આવ્યો.

"તસ્વીર બનીને રહી જવાની ઉંમર નહોતી અમારી દીકરીની", એક પૌરુષી અવાજથી રાશિનુ ધ્યાન તે દિશામાં ગયુ.

ત્યાં સોફા ઉપર રાશિના પિતા અને એમની પાસે ખુરશીમાં એની માતા જેણે દરવાજો ખોલ્યો હતો તે બેઠા હતા.

રાશિ આગળ વાત કઈ રીતે કરવી વિચારતી ઘરમાં નજર ફેરવી રહી.

ખૂબ સામાન્ય કહી શકાય એવુ ઘર લાગી રહ્યુ હતુ. સાથે જાણે વર્ષોથી કોઈ ગમ પોતાનામાં ભરીને બેઠું હોય એવુ ભારેખમ ભાસી રહ્યુ હતુ.
સામે બે વૃદ્ધ જે દીકરીના મૃત્યુ બાદ વધારે વૃદ્ધ બની ગયા હોય એવુ દંપત્તિ નિરાશાથી ઘેરાઈને બેઠેલુ હતુ.

"જ્યોતિના મૃત્યુ વિશે જાણીને મને ખૂબ દુઃખ થયુ, પણ તમે માનો છો એવુ કશુ નથી. હા જ્યોતિ છેલ્લે મને મળવા આવી હતી, પણ ત્યારે હું ખુદ હોસ્પિટલમાં સારવાર લઇ રહી હતી".

અમારે હવે કશુ જાણવુ નથી. અમે તો અમારી એકની એક દીકરી ગુમાવી છે. તેણે કેવા કેવા સપનાઓ જોયા હતા. એને ડોક્ટર બનાવવા અમે કેટકેટલી મહેનત કરી હતી. મારી દીકરી ખૂબ હોંશિયાર હતી. તેણે દિવસ રાત એક કર્યા હતા ડોક્ટર બનવા. અમારી પાસે પૈસા નહોતા તો અમે ગામના જાગીરદાર પાસેથી પૈસા લઈને તેને ડોક્ટરનું ભણાવી. કેટલી ખુશ હતી તે. અમને કહેતી કે, " મમ્મી પપ્પા હવે તમારી દીકરી ડોક્ટર બની ગઇ છે. તે બધું સંભાળી લેશે."

"મને કહે પપ્પા હવે તમારે કામ નહિ કરવાનું, અને મમ્મીએ પણ લોકોના સિલાઈ કામ બંધ કરવાના છે. અમને સધિયારો આપનાર અમારી લાડલી પોતેજ આં દુનિયાને અલવિદા કહી ગઈ.
એણે કોઈનુ શુ બગાડ્યુ હતુ કે તેને આવુ મોત મળ્યુ", આટલુ બોલતા જાણે ઘણા સમયનો દિલમાં બાઝેલો ડૂમો બહાર ઉભરાઈ આવ્યો હોય એમ જ્યોતિના પિતા છુટ્ટે મોએ રડી પડ્યા.


એમને સંભાળતી જ્યોતિની મા પણ ખુદ રડી પડી. પણ તે થોડી સ્વસ્થ થતા રાશિ પાસે ગઈ, અને તેને પૂરી હચમચાવી નાખી.


"તે અમારી સાથે કેમ આવું કર્યું, તે અને તારા પિતાએ અમારો હસતો ખેલતો પરિવાર બરબાદ કરી દીધો. જો અમને ખબર હોત તો અમેજ ખુદ જ્યોતિને અનુરાગના જીવનમાંથી દૂર કરી દીધી હોત કમસેકમ એવુ કરવાથી અમે અમારી દીકરીને બચાવી તો શક્યા હોત. તમારા જેવા અમીરો માટે સંબંધો રમત જેવા હોય છે પણ અમારા જેવા સામાન્ય માણસો માટે સબંધો જ અમારી મિલકીયત હોય છે.


✍️ ધ્રુતિ મેહતા (અસમંજસ)