મહાત્મા મોહનદાસ કરમચંદ ગાંધી એક એવું નામ કે જે ભારત ભૂમિ સાથે એવી રીતે વીંટળાઇ ગયું છે કે તેમનું જીવન જ આપણને સર્વને કાંઇ ને કાંઇક પ્રેરણા આપ્યા જ કરે છે. તેમનું નામ અને કામ માત્ર ભારત જ નહિં પરંતુ સમગ્ર વિશ્વ માટે પરિવર્તન સર્જનાર છે. માત્ર ભારતને આઝાદી અપાવવા પૂરતું જ નહિ પણ આઝાદી બાદ પણ ભારતના લોકોનું જીવન શ્રેષ્ઠ કઇ રીતે બને એ માટે તેઓ સતત પ્રયત્નશીલ હતા. તેમની કેળવણી એટલે પહેલા જાતે કોઇ કાર્ય કરો અને પછી સામેવાળાને કહેવાનું કે હવે તમને યોગ્ય લાગે તો કરવાનું. કોઇ પર કોઇપણ જાતનું દબાણ કે કાર્ય અથવા અભ્યાસનું ભારણ પણ નહિં.
આ જ એક એમની સૌથી શ્રેષ્ઠ અને ઉત્તમ બાબત હતી કે કોઇ પણ માણસ કે પ્રતિભાશાળી વ્યકિત તેમનાથી પ્રભાવિત થયા વિના રહેતા નહિં. આજે પણ આ સાંપ્રત સમયગાળામાં તેમના વિચારો અને વાણીની વાતો એટલી જ સત્ય અને આચરણ કરવા યોગ્ય છે. તેેમના વિચારોથી જ માર્ગદર્શન મેળવીને અને પ્રેરણા લઇને સરદાર વલ્લભભાઇ અને ઘણા બધા મહાપુરુષો તેમની સાથે આઝાદીની ચળવળમાં જોડાયા અને ત્યારબાદ આઝાદ ભારતના વહીવટને પણ ખુબ જ સફળતા પૂર્વક પાર પાડયો હતો. તેમની પોતાની કેળવણી પણ ઉત્તમ રીતે થઇ હોવાથી જ તેમજ તેમના જીવનમાં ભારતીય પ્રાચીન ગ્રંથોનો અને પશ્વિમનાં પણ લેખકોનો પ્રભાવ રહ્યો છે. તેઓ હંમેશા કહેતા કે ખરાબ અક્ષર એ અધુરી કેળવણીની નિશાની છે. લેખન તો હંમેશા સપષ્ટ અને સુવાચ્ય જ હોવું જાઇએ.
તેઓ હંમેશા વિશ્વમાં અને ભારતમાં પણ શાંતિ અને અમનની સાથે ભાઇચારો જળવાઈ રહે તેમ ઈચ્છતા હતા. આ માટે તેમણે બીજા વિશ્વયુધ્ધ દરમિયાન હિટલરને પણ પત્ર લખીને વિશ્વશાંતિની ચાહના પ્રગટ કરી હતી. આઝાદીના સમયગાળા દરમિયાન બ્રિટનના વડાપ્રધાન રહેલા વિન્ચટંટ ચર્ચિલ પણ તેમના વાઇસરોયને ગાંધીજીને મળવાની ના કહેતા. તેઓ હંમેશા કહેતા કે તમે જો ભારતમાં જાવ અને ગાંધીજી તથા સરદાર વલ્લભભાઇને મળો, તેમની સાથે માત્ર અડધો કલાક વિતાવ્યા બાદ તેઓ તમને કોરા કાગળ પર સહી કરવાનું કહે તો તમે આ કોરા કાગળ પર હસતા હસતા સહી કરી આપશો. આવું પ્રતિભાશાળી અને ઉત્તમ જીવન જીવતા હતા આપણા મહાત્માં મોહન.
સત્ય પ્રેમ અને અહિંસા એમના જીવનના અંગો જેવા હતા. એમને હંમેશા ભારતના નાનામાં નાના માનવીને પણ આઝાદીની સાથે જીવનની દરેક સગવડતાઓ અને એક ગરિમામય જીવન પ્રાપ્ત થાય તે માટે જ સંઘર્ષ કર્યો હતો. આ રીતે તેઓ આપણા જીવનમાં અને વિશ્વમાં અમર થઈ ગયા. આઝાદી બાદ ભારતની જનતાના દિલમાં તેઓ રાષ્ટ્રપિતા તરીકે અંકિત થઇ ગયા.
ગાંધીજીનું આખું જીવન શ્રધ્ધાનો ચમત્કાર જ ગણી શકાય. ઈશ્વર ઉપર એમને અખંડ શ્રધ્ધા હતી એટલે જ એમનાં દિલમાં ધર્મ ખીલ્યો, સત્યની સાધના સફળ થઈ, સાધના ફળી અને આઝાદી પણ મળી. ઈશ્વર ઉપરની શ્રધ્ધા જ એમની જીવંત મૂર્તિ સમાન માણસની સેવા કરવા માટેની પ્રેરણા આપે છે. સત્ય, અહિંસા, પ્રેમ અને કરુણા જેવા સદગુણો માનવજાતને યુદ્ધ જેવી ભયંકર બદીઓથી દૂર રાખી શકે છે. પૃથ્વી પર વસતા દરેક વ્યક્તિનાં જીવનમાં આવા સદગુણોનું આચરણ થાય એ માટે જ એમનું જીવન આદર્શમય બની રહે છે. આજના સમયમાં પણ આ બધી બાબતો માનવજાતને શાંતિ અને સલામતી માટેની પથદર્શક કેડી કાંડરશે. વિશ્વશાંતિ અને સમગ્ર માનવજાત માટે ગાંધીજીનું જીવન જ એમનાં સર્વોચ્ચ સંદેશા સમાન છે.
સત્યને દર્શાવવાની ક્રિયામાં જ સત્ય અસત્યમાં ફેરવાઇ જતું હોય છે. શબ્દોને ગોઠવવામાં શબ્દો ખોવાઈ જતા હોય છે. જે જાણી શકાય એવું છે એ માત્ર મૌન -ગાંધીજી
મહાન કાર્યો કરતાં ગાંધીજી 'મહાત્મા' બન્યા.
રાષ્ટ્રને આઝાદ બનાવીને 'રાષ્ટ્રપિતા' બન્યા.
સર્વ લોકો ઉપર પ્રેમ કરીને 'બાપુ' બન્યા.
ધર્મવીર.લોકનેતા.વાત્સલમૂર્તિ.