માતૃવંદના rajesh parmar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

માતૃવંદના

જીવન એટલે સતત ચાલતી વિચારોની ઘટમાળ અને આ ઘટમાળમાં આવતા ઘણા વિચારો જીવનને ઉન્નત બનાવી શકે છે પરંતુ જો જીવનની ઘટમાળ ડામાડોળ થઈ જાય તો આ વિચારો જીવનનો સર્વનાશ કરી નાખે છે. ઘણા પ્રસંગો આપણી આસ-પાસ બનતા હોય જેમાં આપણે શરૂઆતના તબ્બકે જોતાં એમ લાગે કે આવી વ્યક્તિમાં માનવતા જેવુ કઈ છે જ નહી પરંતુ ઊંડાણથી એ વાતને જોવામાં આવે તો હકીકત આપણી આંખો ઉઘાડનારી હોય છે. જોઈએ આ વાતને સમજાવતો એક નાનકડો પ્રસંગ..

એકવારની વાત છે, કોઈ પરિવારમાં એક માં દીકરો જ રહેતા હતા. દીકરાના પિતાનું ઘણા સમય પહેલા જ અવસાન થઈ ગયું હોવાથી પરિવારમાં માત્ર માં-દીકરો જ હતા. માં દીકરાના પ્રેમની તો શું વાત કરવી. એક ફૂલ ચડે અને બીજું ફૂલ ઉતરે એમ ખૂબ જ સ્નેહ અને આનંદથી દીકરો માંની સેવા ચાકરી કરવામાં કોઈ પણ પ્રકારની ખોટ વાર્તાવા દેતો નહી. આવો માં-દીકરાનો પ્રેમ જોઈને આસ-પાસમાં પણ સૌ દીકરાને ખૂબ જ આશીર્વાદ આપતા.

આ દીકરો કોઈ સારી એવી ખૂબ જ મોટી કંપનીમાં ઊંચા હોદ્દા પર નોકરી કરતો હતો. કામ-કાજના અર્થે તેને ઘણીવાર બહારગામ જવાનું બનતું અને ત્યારે પણ તે પોતાની ફરજ ચૂકતો નહી. એક્વારની વાત છે કે જ્યારે કંપનીના માલિકે ખુશ થઈને તેને વિદેશમાં ટ્રેનિંગ લેવા જવા માટે વાત કરી. દીકરા એ ઘરે આવીને માં ને બધી વાત કરી અને માં દીકરાએ મળીને નક્કી કર્યું કે જેટલા દિવસ દીકરો વિદેશ જાય ત્યાં સુધી માં શહેરનાં છેવાડે આવેલા વૃદ્ધાશ્રમમાં રોકશે. આવી પરિસ્થિતિમાં પણ માં પોતાના સગા-સંબંધીઓને કોઈ તકલીફ આપવા માંગતી નહોતી એટલે દીકરા પાસે વૃદ્ધાશ્રમમાં જગ્યા નોંધાવી અને બધી ગોઠવણ થઈ ગઈ.

થોડા દિવસો બાદ દીકરાને વિદેશ જવાનો સમય થઈ ગયો અને દીકરાએ વ્યવસ્થિત રીતે સગવડતા સાથે માં ને વૃદ્ધાશ્રમમાં મૂકી અને વિદેશ જતો રહ્યો. માં તો સદાય પોતાના વ્હાલા દીકરાના મંગળની કામના કરતી કરતી આશ્રમમાં સમય વિતાવવા લાગી. ક્યારેક એમના દીકરાનો ફોન પણ આવતો અને માં દીકરો થોડીવાર વાતોથી મન હળવું કરી લેતા. સમયને જતાં કયાં વાર લાગે છે. ચપટી વગાડતા જ ચાર મહિના જેવો સમય પસાર થઈ ગયો અને દીકરો દર વખતે જણાવતો કે બહુ જ થોડા સમયમાં આવીને તે પોતાની માં ને લઈ જશે.માં પોતાના દીકરાની રાહ જોવા લાગી. આજે મારો દીકરો આવશે, કાલે મારો દીકરો આવશે એમ વાતો કરતાં કરતાં માં રાહ જોતી જાય અને વિહવળ બનીને ચાતક નજરે પોતાના દીકરાની રાહ જોતી જાય છે.

પરંતુ બનવાજોગ કઈક નોખું જ ધાર્યું હશે એમ વાટ જોતાં જોતાં ચાર વરસનો સમય પસાર થઈ ગયો. આશ્રમમાં પણ બધા વાતો કરે કે કેવો નિષ્ઠુર દીકરો છે કે આટલો સમય વીતવા છતાં પોતાની માં ની જરા સરખી પણ ખબર અંતર પૂછવા માટે આવ્યો નથી કે ક્યારેય એને પોતાની માં સાંભરતી જ નહી હોય. સાચે જ કલિયુગ આવી ગયો છે કે જેમાં સંબધો માત્ર કાગળ પર જ રહી જવા પામ્યા છે. આવી વાતો સાંભળીને માં નું હૈયું વલોવાઈ જતું. અને એક દિવસ આ દીકરાની માં વૃદ્ધાશ્રમમાં જ મૃત્યુ પામી.

ત્યાંનાં વ્યવસ્થાપકે ક્લાર્કને સૂચના આપી કે એમના દીકરાને હવે તો જાણ કરો અને જણાવો કે એમની માં નો અંતિમસંસ્કાર તો આવીને કરી જાય ત્યારે કલાર્કે એ વ્યવસ્થાપકને વાત કરી કે સાહેબ, એમનો દીકરો તો બે વરસ પહેલા જ લોહીના કેન્સરને કારણે મૃત્યુ પામ્યો છે. જ્યારે એમનો દીકરો એમણે આશ્રમમાં મૂકવા માટે આવ્યો ત્યારે જ એમણે આ વાત મને જણાવી હતી અને પોતાની માં ને આ વાત ન જણાવવાનું વચન મારી પાસે માંગેલું કારણકે એ દીકરો પોતાની અંતિમ અવસ્થામાં ખૂબ જ પીડા અને તકલીફ ભોગવવાનો છે એની એવી તકલીફ આ માં સહન નહી કરી શકે એટલે જ એ પોતાની માં ને અહિયાં મૂકી ગયો હતો. આ સાંભળીને વ્યવસ્થાપક અને કલાર્ક બંનેની આંખોમાં આંસુઓની ધારાઓ વહેતી હતી.