સદીઓ પૂર્વે એથેન્સ એટલે કે આજના ગ્રીસમાં ડાયોનિસીયસ નામનો રાજા શાસન ચલાવતો હતો અને આ ડાયોનિસીયસનો દરબાર પણ ખુબ જ જાહોજલાલી વાળો અને વૈભવશાળી હતો. તેના દરબારમાં શરાબની મહેફીલો થતી અને વૈમનસ્યનું વધારે પડતું વાતાવરણ હતું ને નિંદાના નગારા વાગતા હતા. સૌંદર્યનું શાસન હતું ને રમણીઓની રૂમઝુમ પણ હતી. આવા રાજ-દરબારમાં એક દિવસ એક માનવી જઇ ચડયો અને થોડા જ દિવસોમાં ત્યાંના વાતાવરણથી અકળાઇને ઉઠયો. તેણે ત્યાંનાં રાજા પાસે જવાની વિદાય માંગી. સ્વેચ્છાચારી ડાયોનિસીયસમાં બાકી બીજા પણ ઘણા દોષો હતા.
એણે વિદાય આપતા કહ્યું કે તમે ગ્રીસ જઇને ત્યાંની અકાદમીમાં મારા દોષોની ચર્ચા કરશો ને ? ત્યારે એ વ્યકિત એ જવાબ આપ્યો કે બીજાના ગુણ-દોષો જોવા અને તેનું વર્ણન કે કુથલી સિવાય પણ મારે બીજા ઘણા સારા કામો કરવાના છે. આવો જવાબ આપનાર બીજો કોઇ નહીં પરંતુ આપણા મહાન તત્વચિંતક અને વિશ્વમાં જેમણે પ્રથમવાર એકેડમીની એટલે કે શાળાની સ્થાપના કરી હતી, એમના જ કારણે આ અકાદમી કે એકેડમી શબ્દ સમગ્ર જગતમાં પ્રચલિત બન્યો હતો એવા પ્લેટો.
મહાન પ્લેટોએ આ અકાદમીમાં બેસીને ઘણું ચિંતન અને મનન કર્યું હતું. એણે શાંતિથી વિચારમંત્રોનું ઉચ્ચારણ પણ કર્યુ હતું. એના પડઘાઓ અત્યારે પણ આખા વિશ્વમાં ગુંજે છે. તેઓ સોક્રેટિસના શિષ્ય હતા. તેમનો અકાદમી શબ્દ કલા, સાહિત્ય અને સંગીતના ક્ષેત્રમાં ખુબ જ જાણીતો અને ગૌરવશાળી બન્યો છે. તેઓ ભારતીય તત્વજ્ઞાનના પણ જાણકાર અને પુરસ્કર્તા હતા. તેમને વિશ્વાસ હતો કે માનવ પણ દેવ બની શકે છે. એટલે જ ભારતીય તત્વજ્ઞાનમાં તેમને પોતાના વિચારોનું પ્રતિબિંબ દેખાતું હતું. તેઓ રાજા મનુની ઘડેલી ચાર વર્ણાશ્રમવાળી સમાજરચનાને સાકાર કરવા માંગતા હતા.
આ સપનાઓ સાકાર કરવા માટે જ તેમણે અનેકવાર ડાયોનિસીયસના દરબારની મુલાકાત લીધી હતી, પણ એકવાર તો આ ડાયોનિસીયસે તેમને કેદ કરી લીધા હતા અને તેણે ગ્રીસની મહાન સંસ્કૃતિને પણ ખંડેર બનાવી દીદ્યી હતી. આમ છતાં પણ આ મહાન ચિંતક પોતાના સંઘર્ષમય જીવનમાંથી પસાર થયા હતા. જેમ જેમ તેઓને નિષ્ફળતા મળતી એમ એમ આ મહાન ચિંતક ઊંડાને ઊંડા ચિંતનમાં ખોવાતા ગયા. પણ જેટલો આઘાત એમને નિષ્ફળતાનો નહોતો લાગ્યો તેના કરતા પણ વદ્યારે આઘાત પોતાના વિશ્વવાસુ શિષ્ય એરિસ્ટોટલની વિદાયનો લાગ્યો હતો, કારણકે એમની વચ્ચે આ વિદાયની વાત માટે જ મતભેદ થયા હતા.
વાત જાણે એમ હતી કે પોતાની અકાદમીના કારણે જ પ્લેટો એ સમગ્ર ગ્રીસમાં વિચારક્રાંતિ કરી હતી. એની આ એકેડમીની ખ્યાતી પણ સમગ્ર વિશ્વમાં ફેલાયેલી હતી. તેને ત્યાં ઘણા બધા વિદ્યાર્થીઓ પોતાની જ્ઞાન પિપાસા બુઝાવવા આવતા હતા. પરંતુ એમાં પ્લેટોને પોતાનું પ્રતિબિંબ કે પોતાના ગયા પછી પોતાની આ અકાદમી સંભાળી શકે તેવો કોઇ શિષ્ય જણાતો નહોતો. પણ એકવાર એ મળી ગયો. એરિસ્ટોટલ નામના પોતાના આ વિદ્યાર્થીમાં તેણે પોતાનો આત્માં જોયો અને તેને જ પોતાની આ એકેડમી આપવાનું તેમજ તેને વિકસાવવાનું સોંપવાનું નક્કી કર્યુ. એને વિશ્વવાસ હતો કે તેના મૃત્યું બાદ માત્ર એરિસ્ટોટલ જ એવો માણસ હતો કે જે તેની આ શાળાને સંભાળી શકે. પણ ઘણા વર્ષો સુધી પ્લેટોના હાથ નીચે કામ કર્યા બાદ પણ એણે આ અકાદમી સંભાળવા માટે ના પાડી દીધી.
એમાં વાત જાણે એમ હતી કે પ્લેટોની અકાદમીમાં માત્ર ભૂમિતિના જાણકારને જ પ્રવેશ મળતો, બીજા કોઇને નહિં. આ વાત એરિસ્ટોટલને માન્ય હતી નહીં. આ પ્રતિબંધ જો હટાવાય તો જ તે પ્લેટોની એકેડમી સંભાળવા તૈયાર હતો. પ્લેટો પોતે ભૂમિતિનો જનક હતો અને એ માટે તે કોઇ બાંધછોડ કરવા માંગતો નહોતો. તેણે એરિસ્ટોટલને કહ્યું કે જો આટલા વર્ષો સુધી મારી પાસે રહ્યા બાદ પણ તારા જેવો શિષ્ય મને સમજી ના શકે તો બીજું તો કોણ સમજે ? પરંતું એરિસ્ટોટલ માન્યો નહિં. એણે કહ્યું કે હું તો વાસ્તવિકતામાં માનનારો માણસ છું.
પ્લેટોએ ખૂબ જ ભારે હૃદયે તેને વિદાય આપી અને તે જ દિવસથી આ મહાન ચિંતક ભાંગી પડયો. ગ્રીક સંસ્કારોને સજીવન કરવાનું તેમજ સમગ્ર જગતમાં ફેલાવવાનું તેનું સપનું રોળાઈ ગયું. માનવ આઝાદી માટે ચિંતન કરતો આ મહાન વિચારક એથેન્સની પડી ભાંગેલી શાસન વ્યવસ્થાથી ખુબ જ વેદના અનુભવવા લાગ્યો. એ માનતો કે માનવીનું ચિંતન કયારેય એળે જતું નથી. એને શ્રધ્ધા હતી કે તેના મોત બાદ પણ કોઇ તો તેની વાતો અને વિચારોને જરુર સમજશે જ. અંતમાં એકવાર પોતાની જ અકાદમીના સ્થાપના દિવસના કાર્યક્રમમાં એ એક જગ્યાએ બેઠા હતા ત્યારે જ જીંદગીથી થાકીને તેમણે દેહત્યાગ કર્યો. આજે પણ આ મહાન ચિંતકના વિચારો એટલા જ પ્રસ્તુત છે.