પ્રાયશ્ચિત - 98 - છેલ્લો ભાગ Ashwin Rawal દ્વારા પુષ્તક અને વાર્તા PDF

પ્રાયશ્ચિત - 98 - છેલ્લો ભાગ

(વાચકમિત્રો... આજે આ નવલકથા સમાપ્ત થઈ રહી છે. છેલ્લું આ પ્રકરણ લખતાં મારું પણ હૈયું ભરાઈ આવ્યું છે. આટલા સમયથી હું પણ કેતન સાથે જોડાઈ ગયો હતો. વાર્તાનાં પાત્રો સાથે એક માયા બંધાઈ જતી હોય છે. મારી આ પહેલી જ નવલકથા છે. આ પ્રકરણ વાંચીને નવલકથા વિશેની તમારી કૉમેન્ટ જરૂર લખજો ...🙏🙏🙏)
********************
પ્રાયશ્ચિત પ્રકરણ 98

કેતન ઊભો થયો. થોડો સમય તો એ પોતાના જીવનમાં પસાર કરેલા દોઢ વર્ષના એ સુંદર સમયગાળાની યાદોમાં ડૂબી ગયો. એક સુંદર સપનું તૂટી ગયું !

એ કુટિરમાંથી બહાર નીકળીને જંગલની કેડીએ કેડીએ બહાર આવ્યો. ત્યાંથી ચાલતો ચાલતો મુખ્ય બજારમાં આવી ગયો. અહીંથી એણે સ્પેશિયલ ટૅક્સી કરી અને દોઢ કલાકમાં હરિદ્વાર પહોંચી ગયો. ઋષિકેશ અને હરિદ્વાર વચ્ચે ખૂબ જ ગીચ ટ્રાફિક રહે છે એટલે ટેક્સીએ વધારે સમય લીધો.

ઋષિકેશમાં કેટલું રોકાણ થશે એની એને કોઈ કલ્પના ન હતી એટલે રિટર્ન ટિકિટ એણે લીધી ન હતી. એ સૌથી પહેલાં હરિદ્વાર રેલવે સ્ટેશને ગયો. એના સારા નસીબે અમદાવાદ સુધીની તો ફર્સ્ટ ક્લાસની રિઝર્વ ટિકિટ એને મળી ગઈ.

એ દિલ્હી જઈને ફ્લાઈટમાં પણ અમદાવાદ જઈ શકતો હતો પરંતુ એને એવી કોઈ ઉતાવળ ન હતી. અહીંના વાતાવરણમાં એ હજુ આધ્યાત્મિક મૂડમાં જ હતો.

ચાલો અમદાવાદ સુધી તો પહોંચી જાઉં. પછી સુરત માટે સાંજે ઘણી ટ્રેનો મળી રહેશે. કારણકે યોગા એક્સપ્રેસ ટ્રેન હજુ આવતીકાલે બપોરે સાડા ત્રણ આસપાસ અમદાવાદ પહોંચવાની હતી.

હરિદ્વારથી ટ્રેઈન હજુ સાંજે ચાર વાગે ઉપડતી હતી. હજુ એની પાસે એક કલાક હતો. સવારથી એ જમ્યો ન હતો. કકડીને ભૂખ લાગી હતી. એણે સૌથી પહેલા એક સારા રેસ્ટોરન્ટમાં જઈને ભોજન કરી લીધું. યાત્રાળુઓના કારણે રેસ્ટોરન્ટમાં ભીડ પણ બહુ હતી.

ચાર વાગે ટ્રેન ઊપડી એ સાથે જ કેતન ફરી પાછો વિચારોમાં ચડી ગયો. એની સાથે જે પણ કંઈ બન્યું હતું એ સમજ માં નહોતું આવતું. એ ઘડીમાં પોતાને જામનગરનો કેતન સમજી બેસતો હતો તો ક્યારેક એ વાસ્તવિકતામાં પાછો આવી જતો હતો.

એના મનમાં એક વિચાર આવ્યો. એણે એના પપ્પા જગદીશ ભાઈ ને ફોન કર્યો.

" પપ્પા કેતન બોલું. તમે ક્યાં છો અત્યારે ? " કેતનથી પુછાઈ ગયું.

" અત્યારે તો ઓફિસમાં જ હોઉં ને ! કેમ કંઈ કામ હતું ? તું અત્યારે ઋષિકેશમાં જ છે ને ? " પપ્પાએ પૂછ્યું.

" હા પપ્પા ઋષિકેશમાં જ છું. બસ ખાલી એમ જ ફોન કર્યો." કેતને બીજી કોઈ ચોખવટ ના કરી કે હું નીકળી ગયો છું.

એ પછી એણે જાનકીને ફોન કર્યો. હજુ એના મગજમાં બેસતું જ નહોતું કે એનાં લગ્ન જાનકી સાથે થયાં નથી ! આટલો મોટો ખર્ચ કરીને માટુંગા પોતે પરણવા માટે ગયો. અરે દુબઈ જઈને ત્રણ દિવસ હનીમુન એન્જોય કર્યું. અને સ્વામીજી કહે છે કે બધી માયાજાળ હતી. તારાં લગ્ન થયાં જ નથી.

" અરે જાનકી તું ક્યાં છે અત્યારે ?"

" કોણ કેતન બોલો છો ? આટલા સમય પછી તમને જાનકીની યાદ આવી સાહેબ ? આજે તો મારાં નસીબ ખુલી ગયાં. મને અઠવાડિયા પહેલાં જ સમાચાર મળ્યા કે તમે ઇન્ડિયા પાછા આવી ગયા છો પરંતુ તમારો નવો નંબર મારી પાસે હતો નહીં. ફોન પણ કેવી રીતે કરવો ? " જાનકીએ મીઠી ફરિયાદ કરી.

કેતન બધું સમજી ગયો એને કંઈ પૂછવા જેવું રહ્યું જ નહીં.

" હા એક મહિનાથી ઇન્ડિયા આવી ગયો છું. આ તો તારો નંબર ચેક કરવો હતો કે નંબર બદલાયો નથી ને !!"કેતન બોલ્યો.

" મારો નંબર કેવી રીતે બદલાય સાહેબ ? તમારો જૂનો નંબર મેં ટ્રાય કરેલો પણ એ સર્વિસમાં નથી એવું આવતું હતું. " જાનકી બોલી.

" તારી અને મમ્મી-પપ્પાની તબિયત તો સારી છે ને ? " કેતને જાનકીને પ્રેમથી પૂછ્યું. એ એની ભાવિ પત્ની છે એવું સ્વામીજીએ કહ્યું હતું.

સ્વામીજીની વાત તો સાચી લાગે છે. કોઈ વારાણસીથી બોલતું નથી ! જાનકી પણ મુંબઈમાં જ છે. હવે અસલમને ફોન કરવા દે.

" અસ્સલામ માલેકુમ અસલમ. કેતન બોલું. " કેતન બોલ્યો.

" માલેકુમ અસ્સલામ. આજે બે વર્ષ પછી તારો અવાજ સાંભળવા મળ્યો. અમેરિકાથી આવી ગયો ? " અસલમ બોલ્યો.

" હા એક મહિનો થયો. શું કરે છે તું અત્યારે ? બિઝનેસમાં છે ? " કેતને પૂછ્યું.

" અડાજણ એરિયામાં બાઇકની એજન્સી છે. માલિકની દયાથી સારી ચાલે છે. આ બાજુ નીકળે તો આવજે. અડાજણ આવીને ફોન કરીશ તો હું લેવા આવીશ. " અસલમ બોલ્યો.

" હા ક્યારેક ચોક્કસ મળીશું. " કેતન બોલ્યો. હવે કંઈ વધુ પૂછવા જેવું હતું નહીં !

કેતને આશિષ અંકલને ફોન જોડ્યો.

" આશિષ અંકલ કેતન બોલું. " કેતને કહ્યું.

" હા બોલ કેતન... મજામાં ભાઈ ? "

" આજકાલ ક્યાં છો અંકલ ? " કેતન બોલ્યો.

" અમારું તો વારંવાર બદલાતું જ રહે છે ભાઈ. બિસ્તરા પોટલા તૈયાર જ રાખવાના. અત્યારે વલસાડ છું. કંઈ કામ હતું ? " આશિષ અંકલ બોલ્યા.

" ના અંકલ. મને કોઈએ કહ્યું કે આશિષ અંકલ જામનગર બાજુ છે. એટલે જસ્ટ જાણવા માટે ફોન કર્યો. " કેતન બોલ્યો

" ના રે ભાઈ. આપણને સાઉથ ગુજરાત સિવાય બીજે ક્યાંય ના ફાવે. " આશિષ અંકલ બોલ્યા.

" ઠીક છે અંકલ. બસ એ જાણવા માટે જ ફોન કરેલો. " કહીને કેતને ફોન કટ કર્યો.

હવે જયેશ ઝવેરીને જ ફોન કરવા દે. એ જામનગરનો છે અને સુરત અભ્યાસ કર્યા પછી અત્યારે જામનગરમાં જ સેટ થયો હોય !

' આ નંબર અસ્તિત્વમાં નથી ! '

હવે ? એણે મનસુખ માલવિયા, નીતા મિસ્ત્રી, દક્ષામાસી, પ્રતાપભાઈ વાઘાણી, વેદિકા જયદેવ -- વગેરે તમામના નંબરો ડાયલ કર્યા પણ બધે એક જ કેસેટ વાગતી હતી -- આ નંબર અસ્તિત્વમાં નથી. શું બધાં પાત્રો હવામાં ઓગળી ગયાં ?

મારા ગુરુજીએ એવી તે કેવી માયાજાળ રચી કે જામનગરમાં મળેલી તમામ જીવંત વ્યક્તિઓ અત્યારે જામનગરમાં અસ્તિત્વમાં જ નથી !! આ બધું સત્ય છે કે સ્વપ્ન એ જ ખબર પડતી નથી !! હું જામનગરમાં હતો એ સ્વપ્ન હતું કે અત્યારે હું જે ટ્રેનમાં બેઠો છું એ સ્વપ્ન છે ?

કેતને વધુ વિચારવાનું માંડી વાળ્યું. એનું મગજ ખરેખર બહેર મારી ગયું હતું. એની પાસે ફર્સ્ટ ક્લાસ એ.સી ની ટિકિટ હતી. એ પોતાની બર્થ ઉપર આડો પડ્યો.

૭ વાગે જમવાનો ઓર્ડર લેવા માટે વેઈટર આવ્યો એટલે કેતને જમવાનું લખાવી દીધું. સાડા આઠ વાગે જમવાનું આવ્યું એટલે કેતને જમી લીધું.

સ્ટેશન આવ્યું એટલે એણે નીચે ઉતરીને બે ચાર આંટા માર્યા અને પગ છૂટા કર્યા. રાતના દસ વાગવા આવ્યા હતા એટલે એણે હવે સુઈ જવાનું જ પસંદ કર્યું.

એના વિચારો એનો પીછો છોડે એવા હતા નહીં. હવે સ્વામીજી સાથે પણ સંવાદ સાધી શકાય તેમ ન હતું કારણ કે સ્વામીજીએ સ્પષ્ટ કહ્યું હતું કે - હવે આ જન્મમાં ધ્યાનમાં મારાં દર્શન નહીં થાય. આવતા જન્મમાં જ આપણે મળીશું.

વિચારોમાં ને વિચારોમાં એ ઊંઘી ગયો. પાંચ વાગે આંખ ખૂલી ગઈ એટલે એ ધ્યાનમાં બેસી ગયો. ગાયત્રીની પાંચ માળા કરવાનું સ્વામીજીએ કહેલું પરંતુ પોતાની પાસે માળા નહોતી. સુરત જઈને ખરીદવી પડશે.

સવારે સાત વાગે બિયાવર સ્ટેશન આવ્યું એટલે નીચે ઊતરીને એણે સ્ટોલ ઉપરથી ચા પી લીધી. બપોરે ૧૨ વાગ્યે પાલનપુર સ્ટેશને જમવાનું આવ્યું એટલે જમી લીધું. ટ્રેઈન અમદાવાદ સ્ટેશન પહોંચી ત્યારે બપોરના સાડા ત્રણ વાગ્યા હતા.

સુરત જવા માટે ની બધી ટ્રેનો સાંજ પછી ઉપાડતી હતી. હજુ ચાર-પાંચ કલાક પસાર કરવાના હતા. એણે બહાર નીકળીને રીક્ષા કરી અને એરપોર્ટ પાસેની ઉમેદ હોટેલ પર પહોંચી ગયો. રીક્ષાવાળાને પાંચ મિનિટ ઉભા રહેવાનું કહ્યું.

રિસેપ્શન કાઉન્ટર ઉપર જઈને એણે પૂછ્યું.

"૧૯ તારીખે સાંજે જામનગરથી કેતન સાવલિયા ફેમિલી અહીં આવ્યું હતું. ત્રણ રૂમ બુક કરાવી હતી જરા ચેક કરો ને ? "

રિસેપ્શન કાઉન્ટર ઉપર કોઈ રાજસ્થાની દેખાતો છોકરો ડ્યુટી ઉપર હતો. એણે રજીસ્ટર ચેક કર્યું.

" નહીં સર કેતન સાવલિયા નામ કા કોઈ કસ્ટમર ૧૯ તારીખ કો હમારે યહાં ઠહેરા નહીં હૈ. "

" ઓકે. થેન્કસ. " કહીને કેતન બહાર નીકળી ગયો. રિક્ષામાં બેઠા બેઠા એણે અચાનક જામનગર જવાનો નિર્ણય લીધો.

સ્ટેશન ઉપર સૌરાષ્ટ્ર તરફ જતી ટ્રેનોની ટિકિટ વિન્ડો પાસે જઈને એણે ઇન્કવાયરી કરી અને પછી સવારે સવા પાંચ વાગે ઉપડતી સૌરાષ્ટ્ર મેલની ફર્સ્ટ ક્લાસની ટિકિટનું રિઝર્વેશન કરાવી દીધું.

એક વિચાર એને રાજકોટ અસલમ ને ફોન કરીને ગાડી મંગાવી લેવાનો આવેલો પણ ફરી પાછું એને યાદ આવ્યું કે અસલમ તો સુરતમાં છે.

એણે ફરી રીક્ષા કરી અને નવરંગપુરામાં આવેલી હોટલ ક્લાસિક ગોલ્ડ તરફ રીક્ષા લેવાનું કહ્યું. હજુ રાત પસાર કરવાની હતી.

ક્લાસિક ગોલ્ડમાં રાત રોકાઈને વહેલી સવારે ચાર વાગે એ ઉઠી ગયો. ધ્યાનમાં બહુ મન લાગતું નહોતું. નાહી ધોઈને ફ્રેશ થઈ એ હોટેલની ટેક્સીમાં રેલવે સ્ટેશન આવી ગયો.

મુંબઈથી આવી રહેલા સૌરાષ્ટ્ર મેલમાં ફર્સ્ટ ક્લાસના કોચમાં એ બેસી ગયો અને બપોરે લગભગ બાર વાગે જામનગર સ્ટેશન ઉપર એણે પગ મૂક્યો.

સ્ટેશનની બહાર એની આંખો મનસુખ માલવિયાને શોધી રહી હતી. આ જ સ્ટેશન ઉપર મનસુખ માલવિયા અને જયેશ ઝવેરી એને વળાવવા આવ્યા હતા. એની આંખો ભીની થઈ ગઈ. પરાણે પોતાની લાગણીઓને કાબૂમાં લીધી. એને રડવાનું મન થયું પરંતુ આ પબ્લિક જગ્યા હતી.

ભૂખ લાગી હતી એટલે એણે રીક્ષા કરી અને ગ્રાન્ડ ચેતના હોટલમાં જમવા ગયો. હોટલ એને ચિરપરિચિત લાગી. જમવામાં મન લાગતું ન હતું છતાં જમવું જરૂરી હતું.

જમીને એણે બીજી રીક્ષા કરી અને પટેલ કોલોની શેરી નંબર ૪ માં એ જ્યાં પહેલાં રહેતો હતો તે મકાનની આગળ જઇને ઊભો રહ્યો. રીક્ષાવાળાને ઊભા રહેવાનું કહ્યું.

મકાનને મનોમન પ્રણામ કર્યા અને ડોરબેલ દબાવી. થોડી વારમાં એક બહેન બહાર આવ્યાં.

" તમારે કોનું કામ છે ભાઈ ?" કોઈ આગંતુકને જોઈ બહેન બોલ્યાં.

" જી. મારે જયેશભાઈ ઝવેરીનું કામ હતું. " કેતન બોલ્યો.

" જયેશભાઈ ? પણ એમણે તો આ મકાન અઢી વરસ પહેલાં અમને વેચી નાખેલું. અત્યારે ઈ અહીં નથી રહેતા. " બેન બોલ્યાં.

" એમનું સરનામું કે ફોન નંબર મળી શકે ? " કેતન નિરાશ થઈને બોલ્યો.

" ફોન નંબર તો અમારી પાહે ના હોય ભાઈ. અને એ તો અહીંથી રાજકોટ વયા ગ્યા. સરનામું અમારી પાહે નથી." પેલા બેને જવાબ આપ્યો.

" અહીંથી ત્રીજા મકાનમાં જશુભાઈ મિસ્ત્રી રહેતા હતા. એમની જલ્પા અને નીતા નામની બે દીકરીઓ હતી. એ લોકો રહે છે અત્યારે ? " હજુ પણ કેતન પોતાની સ્વપ્નાવસ્થામાં થી સંપૂર્ણપણે બહાર નહોતો નીકળ્યો.

" ભાઈ તમે કેટલાં વરસ પહેલાંની વાત કરો છો ? તમે ભૂલા પડ્યા લાગો છો. અહીં એવું કોઈ રહેતું નથી. " કહીને ફટાક દઈને બહેને દરવાજો બંધ કરી દીધો.

કેતન ભોંઠો પડ્યો. અબજોપતિ નો આ દીકરો એક સમયે આજ શેરીમાંથી પોતાની ગાડી લઈને વટથી નીકળતો હતો !!

રીક્ષા એણે પોતાની ઓફીસ તરફ લીધી. પરંતુ જે ભવ્ય કોમ્પ્લેક્ષમાં એની ઓફિસ હતી એ કોમ્પલેક્ષ તો અહી હતું જ નહીં. એના બદલે બે નાનાં નાનાં કોમ્પલેક્ષ ત્યાં બનેલાં હતાં.

હવે એણે રિક્ષા પોતે બનાવેલી લેટેસ્ટ હોસ્પિટલ તરફ લીધી. વિકાસ રોડ ઉપર જઈને એણે પૂછપરછ કરી. પણ જમનાદાસ હોસ્પિટલ નામની કોઇ જ હોસ્પિટલ જ ન હતી. એણે લોકેશન બરાબર યાદ રાખીને તપાસ કરી તો ત્યાંથી સહેજ આગળ એક જૂની હોસ્પિટલ હતી !!

હવે છેલ્લે પોતે જ્યાં સુંદર બંગલો બનાવ્યો હતો એ જમનાદાસ બંગલોઝમાં ચક્કર મારવું પડશે. એણે રિક્ષાને એરપોર્ટ રોડ ઉપર લીધી. આખા રોડ ઉપર ધીમે ધીમે રિક્ષાને દૂર દૂર સુધી લેવડાવી પરંતુ રસ્તામાં ક્યાંય પણ જમનાદાસ બંગ્લોઝ દેખાયા નહીં.

હવે એને વૃદ્ધાશ્રમ કે કન્યા છાત્રાલય જોવાની કોઈ ઈચ્છા બચી નહીં. ખાલી ખાલી ચક્કર મારવાનો કોઈ જ મતલબ નથી.

એ હવે પૂરેપુરો નિરાશ થઈ ગયો હતો ગુરુજીની વાત સાચી હતી કે આ બધી એમણે રચેલી માયાજાળ જ હતી ! જામનગરમાં એ રહેલો જ નથી !!

અહીં કોઈ જયેશ ઝવેરી, મનસુખ માલવિયા હવે એને સત્કારવા આવવાના ન હતા. વેદિકા, રાજેશ, પ્રશાંત, વિવેક કે કાજલ હવે એને મળવાનાં ન હતાં. જામનગરનો એનો હવામહેલ કડડભૂસ થઇ ગયો હતો !!

એણે રિક્ષા પાછી સ્ટેશન તરફ લેવરાવી. બપોરના સાડા ત્રણ વાગી ગયા હતા. એણે રીક્ષાવાળાને ૫૦૦૦ રૂપિયા ભેટ આપ્યા.

" તું રાખી લેજે ભાઈ." કેતન બોલ્યો.

" સાહેબ... તમે અહીંયા કોઈને શોધી રહ્યા છો ? " રીક્ષાવાળાએ કેતનને સહાનુભૂતિથી પૂછ્યું. એની જિંદગીમાં આ પહેલો પેસેન્જર એને આવો મળ્યો હતો !!

" હા ભાઈ આ શહેરમાં હું મારી જાતને શોધી રહ્યો છું !!" કહીને કેતન ચાલવા લાગ્યો.

સુરત જવા માટે પોણા ચાર વાગે સૌરાષ્ટ્ર મેલ ઓખાથી આવતો હતો. એણે ટિકિટબારી ઉપર જઈને ફર્સ્ટ ક્લાસની ટિકિટ લઈ લીધી.

૧૦ મિનિટમાં ટ્રેઈન આવીને ઊભી રહી. કેતન ફર્સ્ટ ક્લાસના કોચમાં ચડી ગયો. બેગ પોતાની સીટ ઉપર મૂકીને એ પાછો દરવાજે આવીને ઉભો રહ્યો. આ શહેરે એને ઘણું બધું આપ્યું હતું અને આપેલું બધું છીનવી પણ લીધું હતું !!

હજુ પણ કેતનની આંખો જયેશ ઝવેરી અને મનસુખ માલવિયાને શોધી રહી હતી. ટ્રેન ઊપડી અને પ્લેટફોર્મ દેખાતું બંધ થયું ત્યાં સુધી કેતન એ લોકોને શોધતો જ રહ્યો. કેતન શેઠને વિદાય આપવા આજે ત્યાં કોઈ જ નહોતું !!

દરવાજે ઊભેલો કેતન વોશરૂમમાં ગયો.
અંદરથી લાગણીઓનાં પૂર ધસમસતાં બહાર આવી રહ્યાં હતાં !! કલાકોથી દબાવી રાખેલું રુદન તમામ બંધ તોડીને બહાર આવ્યું. એ મોકળા મને રડી પડ્યો !!

એની બાજુમાં જ સૂક્ષ્મ શરીરે ઊભેલા ચેતન સ્વામી મંદ મંદ હસી રહ્યા હતા. સ્વામીજીએ એને રડવા દીધો. કેતન જેટલો વહેલો આ માયાજાળમાંથી મુક્ત થઈ જાય એ જરૂરી હતું.

કેતનના મનમાં અમદાવાદથી સુરતના બદલે જામનગર જવાની પ્રેરણા પણ ચેતન સ્વામીએ જ આપી હતી ! જેથી અહી આવીને એનો ભ્રમ ભાગી જાય !!
સમાપ્ત
અશ્વિન રાવલ (અમદાવાદ)


રેટ કરો અને રિવ્યુ આપો

Mukesh

Mukesh 1 માસ પહેલા

Rohit Parchani

Rohit Parchani 1 માસ પહેલા

Shailesh Patel

Shailesh Patel 2 માસ પહેલા

It is really awesome story. After reading this story I will start a new story of VARSDAR of your second story

Chandan Dixit

Chandan Dixit 2 માસ પહેલા

jinal parekh

jinal parekh 2 માસ પહેલા