પ્રાયશ્ચિત - 9 Ashwin Rawal દ્વારા પુષ્તક અને વાર્તા PDF

પ્રાયશ્ચિત - 9

પ્રાયશ્ચિત પ્રકરણ-૯

ગાડીમાં બેઠા પછી કેતને ગાડી સીધી જલ્પા ના ઘરે લેવાનું મનસુખને કહ્યું.

" મનસુખભાઈ એક મોટું કામ આજે પાર પાડ્યું. સમાજમાં સ્ત્રીઓ ઉપર થતા અત્યાચાર હું બિલકુલ સહન કરી શકતો નથી. જલ્પાને ન્યાય મળી ગયો. આજે હું ખૂબ ખુશ છું. "

" જી સાહેબ. તમે ગઈ કાલે જે પણ કર્યું છે એનાથી લોકોમાં તમારા વિશે એક સારી છાપ ઉભી થઇ છે. "

જો કે કેતન શેઠ અત્યારે પોલીસ સ્ટેશન કેમ ગયા હતા એ એને સમજાતું ન હતું.

થોડીવારમાં મારુતિ વાન શેરી નંબર ૪ માં પ્રવેશીને જલ્પાના ઘર આગળ ઉભી રહી.

મનસુખને સાથે લઈ ને કેતન જશુભાઈ મિસ્ત્રીના કમ્પાઉન્ડમાં દાખલ થયો. ડોરબેલ વગાડતાં નીતા એ દરવાજો ખોલ્યો. નીતા જલ્પાની નાની બહેન હતી જે ગઈકાલે ગભરાયેલી હાલતમાં દોડતી દોડતી કેતન ને બોલાવવા આવી હતી.

" અરે આવો આવો સાહેબ " સોફા માં બેઠેલા જશુભાઈ ઊભા થઈ ગયા અને કેતનનું સ્વાગત કર્યું. જલ્પા પણ ત્યાં જ બેઠેલી હતી.

" જલ્પા હું તને જ મળવા આવ્યો છું. મારી વાત ધ્યાનથી સાંભળ. " કેતને સોફામાં બેઠક લેતાં શરૂઆત કરી.

" તમે લોકોએ જે બે લાખ રૂપિયા હિરેન ને આપેલા છે તે તમને બે દિવસમાં પાછા મળી જશે. પોલીસ ઘરે આવીને આપી જશે. હિરેન ને આજે પોલીસ સ્ટેશને બોલાવ્યો હતો. આજ પછી એ ક્યારે પણ પૈસાની ડિમાન્ડ કરશે નહીં. "

"મારે હવે એની હારે લગન જ નથી કરવાં" જલ્પા બોલી.

" ના જલ્પા એવું કંઈ ના વિચારતી. એણે સાચા દિલથી માફી માગી છે અને પોલીસ સ્ટેશનમાં લખીને પણ આપ્યું છે કે એ ક્યારે પણ તને દુઃખી નહીં કરે. થોડા સમયમાં જ લગ્નનું મુહૂર્ત કઢાવીને તમને જાણ કરશે. ભૂતકાળને ભૂલી જવાનો. તેણે અત્યાર સુધીમાં જે કર્યું એનો ખૂબ પસ્તાવો પણ છે એને " કેતને જલ્પાને સમજાવી.

" જો કે અમારે તારા ફાયદા માટે થોડો ડ્રામા પણ કરવો પડ્યો છે એટલે મારી વાત સાંભળ. અમે એને એમ કહ્યું છે કે તું અત્યારે સીરીયસ છે અને આત્મહત્યા કરતા પહેલા તેં એના નામની ચિઠ્ઠી પણ લખી છે. અમે એને એમ પણ કહ્યું છે કે તારા મોબાઇલમાંથી ભૂતકાળના એના તમામ મેસેજ નો રેકોર્ડ પણ મેં કઢાવ્યો છે. "

" આ બધું તને કહેવા પાછળનો આશય એટલો જ છે કે તારો અને મારો જવાબ જુદો ના પડે. લગ્ન થઈ ગયા પછી તું એમ કહે કે મને તો કંઈ થયું જ નહોતું અને મેં કોઈ ચિઠ્ઠી લખી નહોતી કે મારો મોબાઇલ પોલીસને આપ્યો ન હતો તો હું ખોટો પડું "

" અને તો પછી એ પોલીસ સ્ટેશને લખીને આપેલાં એનાં વચનોમાંથી ફરી જાય અને તું તકલીફમાં આવી જાય. અત્યારે એના દિલમાં જેલની સજાનો ભય પણ છે અને તારા માટે હમદર્દી પણ છે. પસ્તાવાની જે લાગણી છે એ હંમેશ માટે ચાલુ રહેવી જોઈએ. " કેતન બોલ્યો.

" તમારા આખા પરિવારે આ વસ્તુ યાદ રાખવાની છે કે ખરેખર જલ્પા સીરીયસ થઇ હતી અને માંડ માંડ બચી હતી. એને નોર્મલ થતાં પંદર દિવસ લાગ્યા હતા. એણે ચિઠ્ઠી પણ લખી હતી જે પોલીસે કબજે લીધી છે. પોલીસ એનો મોબાઈલ પણ લઈ ગઈ હતી. પોલીસ સ્ટેશનમાં અમે હિરેનને જે જે કહ્યું છે એ જ વાત તમારે ભવિષ્યમાં એને કરવાની છે. "

" સમજી ગયા સાહેબ. ભૂલ નહીં થાય. તમે જે કહ્યું છે એ જ પ્રમાણે જલ્પા પણ કહેશે અને અમે પણ કહીશું. તમે તો અમારા માટે જે કર્યું છે એના માટે કોઈ શબ્દો જ નથી. તમે તો અમારા માટે સાક્ષાત ભગવાન છો." જશુભાઈ બોલ્યા.

" હવે અત્યારે તો ચા પીધા વગર જવાનું નથી. કહેતા હો તો ઠંડુ મંગાવી દઉં. " જશુભાઈ એ આગ્રહ કર્યો.

" ઠીક છે... ચા જ બનાવી દો. "

કેતનની વાત સાંભળીને જલ્પા અંદરથી ખૂબ જ ખુશ થઇ હતી. એનું ઘણું ટેન્શન ઓછું થઈ ગયું હતું. આ માણસ ખરેખર દેવદૂત હતો.

જલ્પાની બાવીસ વર્ષની નાની બહેન નીતા કેતન આવ્યો ત્યારથી એની સામે જ તાકી રહી હતી. કેતને આજે પોતાની બહેન માટે જે કર્યું હતું અને કાલે પેલા પોલીસ સબ ઇન્સ્પેકટરને પણ ભગાડી દીધો હતો એ બધું જોઈને કેતનથી એ ખુબ જ આકર્ષાઈ હતી, મુગ્ધ થઈ ગઈ હતી."

૧૬ થી ૨૨ વર્ષની ઉંમર છોકરીઓ માટે મુગ્ધાવસ્થાની હોય છે. આ સમયે એમના શરીરમાં હોર્મોન્સમાં ફેરફાર થતા હોય છે એટલે પ્રતિજાતિ તરફ આકર્ષણ વધી જતું હોય છે. આ સમયે જ છોકરીઓ કોઈના પ્રેમમાં પડે છે, સારાસારનો વિવેક ભૂલે છે અને એક ઉન્માદ અવસ્થા પેદા થાય છે. કોઈની મીઠી મીઠી વાતોમાં આવી જાય છે અને પછી ફસાઈ જાય છે.

૨૨ વર્ષની યુવાન ઉંમરે આવું આકર્ષણ પેદા થવું એ નીતા માટે એકદમ સ્વાભાવિક હતું. કેતન એના માટે ફિલ્મી હીરોથી જરા પણ કમ ન હતો. દેખાવે પણ કેતન એકદમ હેન્ડસમ યુવાન હતો. પરંતુ દિલમાં મચેલી હલચલ અને લાગણીઓ એ વ્યક્ત કરી શકે તેમ નહોતી. કારણ કે કેતન પોતાની પહોંચ કરતાં બહુ જ ઊંચાઈ પર હતો !!

ચા પીને કેતન અને મનસુખ ઉભા થયા. કેતન ચાલતો જ પોતાના ઘર તરફ ગયો અને મનસુખે ગાડી વાળી ને કેતનના બંગલા પાસે પાર્ક કરી અને અંદર ગયો.

" સાહેબ તમે તો ભારે કરી !! આટલું બધું તો મેં વિચાર્યું જ નહોતું. કોઈના માટે થઈને પોતાનો સમય બગાડી ને દુનિયામાં કોઈ આટલું કરે એ આજે પહેલીવાર મેં મારી જિંદગીમાં જોયું. " મનસુખને ફરી પાછો કેતન માટે અહોભાવ પેદા થયો.

જલ્પાની ઘટના બની ત્યારે જ કેતનને સ્વામીજી ના શબ્દો યાદ આવેલા. " બેટા લોકોની પીડામાં અને દુઃખમાં તું ભાગીદાર બનજે. જ્યાં પણ અન્યાય દેખાય ત્યાં તું પડખે ઉભો રહેજે. તારો પૈસો તું દુઃખી જીવો માટે વાપરજે. જરૂરિયાતવાળાને મદદ કરતો રહેજે. પૈસો એવી જગ્યાએ વાપરજે કે જેનો ખરેખર સદુપયોગ થાય અને તારા કર્મોનાં બંધન તૂટે"

" મનસુખભાઈ આવાં કામો કરવાથી મારા મનને એટલી બધી શાંતિ અને આનંદ મળે છે કે હું તમને સમજાવી શકતો નથી. અને તમને પણ કહી રાખું છું કે તમારા ધ્યાનમાં કોઈ વ્યક્તિ હેરાન થતી હોય કે કોઈના ઉપર ત્રાસ થતો હોય તો મને જાણ કરજો. પછી એ સ્ત્રી હોય કે પુરુષ !!"

" કોઈ દહેજ માટે વહુ કે પત્ની ઉપર અત્યાચાર કરે છે તો કોઈ ગરીબ માણસને વ્યાજે ધીરેલા પૈસા માટે અમાનુષી ત્રાસ કરે છે અને એને આપઘાત કરવા માટે મજબૂર કરે છે. દુનિયામાં અનેક પ્રકારના દુઃખો છે. "

" જી સાહેબ તમારી લાગણી હું સમજી શકું છું. મારા ધ્યાનમાં હવેથી આવું કઈ આવશે તો જરૂરથી તમને વાત કરીશ. એ રીતે મને પણ થોડું પુણ્ય મળશે. " મનસુખના દિલમાં કેતન શેઠ માટેનો આદરભાવ વધી ગયો.

" સાહેબ સિયાઝ ગાડી માટે વિપુલભાઈ સાથે વાત થઈ ગઈ છે. જાડેજા સાહેબનું નામ આપતાં જ એ ઓળખી ગયા. કાલે આપણને ડીલીવરી મળી જશે. ભાવ પણ એમણે થોડો ઘટાડી દીધો છે. "

" બહુ સરસ. ડોક્યુમેન્ટમાં જ્યાં જરૂર પડે ત્યાં મારી સહી કરાવી લેજો. "

" જી સાહેબ. જયેશભાઈ શેઠ કહેતા હતા કે એમણે કોઈ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટને વાત કરી છે. એક બે દિવસમાં જ એ તમારી સાથે મુલાકાત કરાવી દેશે."

" ઠીક છે તો પછી અત્યારે તમે નીકળો. સાંજે સાત વાગે આવી જજો. મારા પપ્પાના ખાસ અંગત મિત્ર પ્રતાપભાઈ બદીયાણી ના ઘરે જવું છે. કૌશલ નગર એરિયામાં વ્રજભૂમિ વિભાગ ૧ માં રહે છે. એડ્રેસ મારી પાસે છે. " કેતને કહ્યું.

" ખૂબ જાણીતી સોસાયટી છે સાહેબ. સાત વાગે આવી જઈશ. " મનસુખે કહ્યું અને એ જયેશ શેઠની ઓફિસે ગયો.

ગઈ કાલે અને આજે જે પણ કંઈ બન્યું એ બધી વિગતવાર વાત એણે જયેશ શેઠ ને કરી. જલ્પાનો આત્મહત્યાનો પ્રયાસ, પોલીસ સબ ઇન્સ્પેક્ટર ને ધધડાવી નાખવો , પેલા પંચાતિયા નરેશ બ્રહ્મભટ્ટને સીધો દોર કરી નાખવો, પોલીસ ચોકીએ બોલાવીને કાયદા ની કલમો બતાવી જલ્પાના મંગેતર પાસેથી દહેજ પેટે લીધેલા બે લાખ રૂપિયા પાછા ઓકાવી નાખવા વગેરે તમામ વાતો મોણ દઈ દઈને કરી.

" શું વાત કરે છે તું ? હોય નહીં !! આ તો ખરેખર ભાયડો કહેવાય ! " જયેશ બોલ્યો.

" મને કહે કે કોઈપણ ઘરમાં બાઈ માણસ ઉપર ત્રાસ થતો હોય કે વ્યાજે પૈસા ધીરનારો કોઈ ગુંડો મવાલી ગરીબ માણસને ત્રાસ આપતો હોય કે કોઈપણ માણસને કોઈ હેરાન કરતું હોય તો મને જાણ કરજે."

" બહુ કહેવાય ! ખરેખર મરદ માણસ છે. મારા ધ્યાનમાં વ્યાજવાળાના ત્રાસનો એક કેસ છે. થોડા દિવસ જાવા દ્યો પછી હું વાત કરીશ " જયેશે કહ્યું.

મનસુખ ના ગયાને થોડીવાર પછી કેતને પ્રતાપ અંકલને ફોન કર્યો.

" નમસ્તે અંકલ.. કેમ છો ? હું કેતન સાવલિયા !! તમારા જામનગરમાં છું. કલાક પછી ઘરે આવું છું. "

" અરે બેટા તું ક્યારે આવ્યો ? જામનગરમાં છે તો સીધા ઘરે જ અવાય ને ? અને અમેરિકાથી ક્યારે આવ્યો ? મને જગદીશે તો કોઈ વાત જ ના કરી ." પ્રતાપભાઈએ એક સાથે અનેક પ્રશ્નો પૂછ્યા.

" બધા સવાલના જવાબ આપવા તો રૂબરૂ મળવા આવું છું. જે પૂછવું હોય તે પૂછી લેજો. "

" હા.. હા.. વેલકમ અને જો જમવાનું અહીંયા જ રાખવાનું છે. "

" જમવાનો પ્રોગ્રામ અત્યારે તો મારો ફિક્સ છે એટલે હમણાં જમવાનું ના બનાવતા. એના માટે અલગ પ્રોગ્રામ બનાવીશું. પણ આવું છું ચોક્કસ. "

પ્રતાપભાઈ બદીયાણી કેતનના પપ્પા જગદીશભાઈ કરતાં દસ વર્ષે મોટા હતા. જમનાદાસભાઈના વખતથી અંગત સંબંધો હતા. જામનગરમાં પ્રતાપભાઈ બહુ મોટા માણસ હતા. વર્ષો પહેલાં ઇલેક્શન પણ જીતેલા. ગર્ભશ્રીમંત હતા અને કોઈ પણ કામ કરાવવું હોય તો પ્રતાપભાઈ એક ફોન કરીને કરાવી આપતા.

એમણે એમની પત્ની દમયંતીબેનને આ સમાચાર આપ્યા " જગદીશભાઈ નો કેતન હમણાં કલાકમાં આપણા ઘરે આવે છે. વેદિકા ક્યાં છે ? બોલાવો એને !! "

કેતન અમેરિકા ગયો એ સમાચાર પણ જગદીશભાઈએ પ્રતાપભાઈ ને કહેલા. એ હવે અભ્યાસ પૂરો કરીને પાછો આવવાનો છે એ વાત પણ થયેલી છતાં એ ઇન્ડિયા આવી ગયો એ વાત થઇ નહોતી.

" અરે વેદિકા તું ફટાફટ તૈયાર થઇ જા બેટા. હમણાં કલાકમાં કેતન આપણા ઘરે આવે છે. વર્ષો પછી એ પહેલી વાર તને જોશે. આપણે કેતન માટે તારું માગું તો ચાર મહિના પહેલા નાખેલું છે પણ તે વખતે જગદીશભાઈએ કહેલું કે કેતન અમેરિકાથી આવી જાય પછી વાત. કોણ જાણે કેતન તને જોવા પણ આવતો હોય !! " વેદિકા આવી એટલે પ્રતાપભાઈએ કહ્યું.

" અને તમે રાજેશને પણ ફોન ખરીદો કે ક્લિનિક ઉપરથી ફટાફટ ઘરે આવી જાય. કેતન કલાકમાં વેદિકાને જોવા આવે છે. રસ્તામાંથી ગરમ નાસ્તો અને સાથે આઇસ્ક્રીમ પણ લેતો આવે " પ્રતાપભાઈએ દમયંતીબેનને કહ્યું.

રાજેશ એમનો દીકરો હતો જે જામનગરમાં ગાયનીક સર્જન હતો. પવનચક્કી રોડ ઉપર એનું ક્લિનિક હતું.

પ્રતાપભાઈના ઘરે ભાવિ જમાઈના સ્વાગત માટે આટલી બધી તૈયારીઓ થઈ રહી હતી ત્યારે કેતન આ બધી વાતોથી સંપૂર્ણપણે અજાણ હતો !!!
ક્રમશઃ

અશ્વિન રાવલ (અમદાવાદ)


રેટ કરો અને રિવ્યુ આપો

Dr. Pruthvi Gohel

Dr. Pruthvi Gohel માતૃભારતી ચકાસાયેલ 1 માસ પહેલા

Patel Vijay

Patel Vijay 1 માસ પહેલા

Ranjan Patel

Ranjan Patel 3 માસ પહેલા

Roshni Joshi

Roshni Joshi 3 માસ પહેલા

MAYURI PATEL

MAYURI PATEL 3 માસ પહેલા