પ્રાયશ્ચિત - 2 Ashwin Rawal દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રાયશ્ચિત - 2

પ્રકરણ 2

કેતને સ્વામીજીને મળવા જવા માટે ચાર વાગે કાર સ્ટાર્ટ કરી. રમણભાઈ મિલવોકી એરિયા માં રહેતા હતા. ૪૦ મિનિટમાં તો એ પહોંચી ગયો. સમય કરતા દસ પંદર મિનિટ વહેલા પહોંચી જવું સારું.

રમણભાઈ પટેલ કેતનને સારી રીતે ઓળખતા હતા એટલે એમણે હસીને એનું સ્વાગત કર્યું અને ડ્રોઈંગરૂમ માં વેઇટ કરવાનું કહ્યું. સ્વામીજીને એક અલગ રૂમ આપેલો હતો અને અત્યારે એમની સાથે કોઈની વાતચીત ચાલુ હતી.

ડ્રોઇંગરૂમમાં બીજી પણ એક વ્યક્તિ વેઇટિંગમાં હતી. એ સમય કરતાં થોડા વહેલા આવી ગયા હતા. રમણભાઈ એની સાથે સ્વામીજીની વાતો કરતા હતા.

" આમ તો છેલ્લા ત્રણ વર્ષથી હું સ્વામીજી ને ઓળખું છું. ઇન્ડિયા ગયો ત્યારે ઋષિકેશમાં મારી એમની સાથે મુલાકાત થયેલી. પહેલી જ મુલાકાતમાં મને લાગ્યું કે આ એક અદ્ભૂત વ્યક્તિ છે. સ્વામીજી ઘણી બધી ભાષાઓ પર પ્રભુત્વ ધરાવે છે. ગુજરાતી પણ સારી રીતે બોલી શકે છે. " રમણભાઈએ પેલા ભાઈને કહ્યું.

" મજાની વાત તો એ છે કે એ આધ્યાત્મિક ગુરુ તો છે જ પણ સાથે સાથે તમારો પૂર્વજન્મ પણ જોઈ શકે છે. આવા સંતો બહુ વિરલા હોય છે. તમારી ઓરા જોઈ શકે છે. ધ્યાનમાં બેસીને સૂક્ષ્મ જગત ની મુસાફરી પણ એ કરી શકે છે. ઋષિકેશમાં તો મને એવા અનુભવો એમણે કરાવ્યા કે એમની શક્તિઓ ને માની ગયો. તમને એ એવું સચોટ માર્ગદર્શન આપશે કે ના પૂછો વાત !! "

" તમને એમણે શું અનુભવ કરાવ્યો ? " પેલા ભાઈએ રમણભાઈ ને પૂછ્યું.

" આ બધી અંગત વાતો છે. હું ત્યારે ખૂબ જ મુશ્કેલીમાં આવી ગયેલો એટલે જ ઇન્ડિયા ગયેલો. સ્વામીજીએ મારા જીવનની કેટલીક ગુપ્ત વાતો પણ કહી અને મને હનુમાન ચાલીસાની એક ચોપાઈ નું અનુષ્ઠાન કરવાનું કહ્યું. બસ મારી જિંદગી બદલાઈ ગઈ સાહેબ. " વાત કરતાં કરતાં રમણભાઈ રોમાંચિત થઈ ગયા.

કેતનને પણ રમણભાઈની વાતમાં રસ પડ્યો પરંતુ ત્યાં જ સ્વામીજી વાળા રૂમ નો દરવાજો ખૂલ્યો અને એક દંપતિ બહાર આવ્યું. એમણે રમણભાઈનો ખુબ ખુબ આભાર માન્યો.

હવે કેતનનો જ નંબર હતો એટલે એણે સ્વામીજીના રુમમાં પ્રવેશ કર્યોં. અદભુત સુગંધ એ રુમમાં પ્રસરી હતી. લાંબી કાળી દાઢીવાળા સ્વામીજી નાનકડા સોફા ઉપર બિરાજમાન હતા. ભગવાં વસ્ત્ર ધારણ કરેલાં હતાં. અદભુત તેજ હતું એમની આંખોમાં !! સ્વામીજીની સામે જ એક ગાલીચો બિછાવેલો હતો. કેતને સ્વામીજી ના ચરણસ્પર્શ કરી પ્રણામ કર્યા અને એમની સામે ગાલીચા ઉપર બેસી ગયો.

" સ્વામીજી માત્ર આપના દર્શન કરવાની ઈચ્છા હતી એટલે આવ્યો છું. કોઈ જ પ્રશ્નો પૂછવા નથી. તમારા વિશે ઘણું બધું સાંભળ્યું છે એટલે દર્શનની ઇચ્છા રોકી શક્યો નથી. " કેતને નિખાલસપણે વાત કરી.

" જગતમાં બનતી તમામ ઘટનાઓ સુનિશ્ચિત હોય છે. સમયનો પરિપાક થતાં ઘટનાઓ આકાર લે છે. તમારી અને મારી મુલાકાત પાછળ પણ ઈશ્વરનો કોઈને કોઈ સંકેત કે પ્રેરણા હશે જ. "

" જી સ્વામીજી" કેતન બોલ્યો.

" તમારા દાદાનું નામ જમનાદાસ ? "

" જી સ્વામીજી. આપની વાત બિલકુલ સાચી છે. જમનાદાસ ખરેખર મારા દાદા થાય !! " કેતન તો સાંભળીને છક થઈ ગયો !!

" તમે એ જ જમનાદાસ તમારા પોતાના જ ઘરમાં જન્મ લઈને પાછા આવ્યા છો !! તમે તમારા એ પાછલા જનમમાં કેવાં કેવાં કર્મો કર્યા હતા એ તમને આજે યાદ નથી. તમે સૂક્ષ્મ જગતમાં હતા ત્યારે ખૂબ જ પરેશાન હતા. તમારા પાપકર્મોના કારણે તમને શાંતિ નહોતી. પૈસા માટે થઈને તમે કોઈનું ખૂન કરાવેલું. ખોટા માર્ગે કરોડો રૂપિયા પેદા કર્યા. "

" સૂક્ષ્મ જગતમાં પ્રેતાત્મા તરીકે તમે હતા ત્યારે ફરી આ જ ઘરમાં નવો જન્મ લઈને પ્રાયશ્ચિત કરવાનું દિવ્ય શક્તિને તમે વચન આપેલું છે એટલે ગયા જન્મનાં પાપ કર્મો ધોઈ નાખવા માટે તમારો આ જન્મ છે. પણ અત્યારે એ બધું તમે ભૂલી ગયા છો. અહીં આવવા પાછળ પણ ઈશ્વરનો કદાચ એ જ સંકેત હોઈ શકે કે તમે તમારું કમિટમેન્ટ યાદ કરો !! "

" સ્વામીજી આપની વાત સાચી હશે પરંતુ મને તો આવું કંઈ જ યાદ નથી. મારે હવે શું કરવું જોઈએ જેથી એ પ્રાયશ્ચિત થાય ? આપ મને આદેશ આપો. મારા દાદાનું નામ પણ તમે કહી દીધું એટલે મને પૂરો વિશ્વાસ છે કે આપની તમામ વાતો સત્ય જ હશે "

" હું કહું એમ તમે કરશો ? જો સાચું પ્રાયશ્ચિત કરવું હોય તો હું કહું તેમ કરો નહીં તો જે અભિશાપ તમારા પરિવાર ઉપર છે એના કારણે જેમ તમારા દાદાનો એક દીકરો અચાનક ગુજરી ગયો એમ તમારા પરિવારને પણ એ અભિશાપ નડશે"

સ્વામીજીની વાત એકદમ સાચી હતી. પપ્પાના મોટાભાઈ મહેશ અંકલ અચાનક જ ગુજરી ગયા હતા !! -- કેતનને સ્વામીજીની વાતો અદભુત લાગી.

" મારા પરિવારને બચાવી લો સ્વામીજી. મારા થકી જે પણ પાપકર્મો થયાં હોય તેનું મારે પ્રાયશ્ચિત કરવું જ છે હવે. "

" પરિવારને છોડી દો. ઘર છોડી દો. કરોડો રૂપિયા જે તમે ખોટા માર્ગે ભેગા કર્યા છે તે લોક કલ્યાણ માટે વાપરો. આર્થિક રીતે દુઃખી અને પીડિત લોકોને ગુપ્ત રીતે મદદ કરો. સાદગીભર્યું જીવન જીવો. જરૂરિયાત પૂરતું તમે તમારી પાસે રાખો. "

" તમારા પરિવારને તમારી જરૂર હોય ત્યારે મદદ ચોક્કસ કરો પરંતુ પરિવારથી તમે અલગ થઈ જાઓ. તમે કાયમ માટે ઘર છોડી દેશો એટલે અભિશાપનો ભાર ઓછો થઈ જશે. "

" અને બીજી એક વાત. તમારા પૂર્વજન્મની આ ચર્ચા તમારા ઘરમાં તમારે કોઈને પણ કહેવાની નથી. મેં તમને જે પણ કહ્યું તે માત્ર તમારા પૂરતું જ રાખજો. ઈશ્વર તમારું કલ્યાણ કરો બેટા "

કેતને આ વખતે સ્વામીજીને સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા અને ઉભો થઈને બહાર નીકળી ગયો.
************************
કેતનના દાદા જમનાદાસભાઈની સુરતમાં આંગડીયા પેઢી હતી. મૂળ એ સૌરાષ્ટ્રના ભાયાવદર ગામના હતા પણ સુરતમાં આવીને સ્થાયી થયા હતા. ગામની પોતાની જમીનો વેચીને એ સમયની લાખોની મૂડી લઈને સુરત આવ્યા હતા.

એકાદ વર્ષ પછી સુરતમાં જ મિત્ર બનેલા ભીખાભાઈ પટેલ સાથે ભાગીદારીમાં એમણે આંગડિયા પેઢીમાં ઝંપલાવ્યું હતું. ભીખભાઈ ને આંગડિયા પેઢીનો અનુભવ હતો અને એમના મુંબઈ અમદાવાદ અને મહેસાણામાં સારા એવા સંપર્કો પણ હતા. જોતજોતામાં બી. જમનાદાસ આંગડિયા પેઢી જામી ગઈ. સુરતની બ્રાન્ચ જમનાદાસ ભાઈ જ્યારે મુંબઈની બ્રાન્ચ ભીખાભાઈ સંભાળતા.

આંગડિયા પેઢીમાં કરોડોની લેવડદેવડ થતી. બધો વહીવટ માત્ર ચિઠ્ઠી ઉપર થતો. માત્ર વિશ્વાસ ઉપર આ ધંધો ચાલતો. સુરતમાં મોટાભાગના વહેવારો ડાયમંડ પેઢીઓના થતા. ડાયમંડનાં પડીકાં પણ આંગડિયામાં આવતાં. કરોડોના ડાયમંડની હેરાફેરી થતી.

તમામ પાર્સલ રાતની ટ્રેઈનમાં મુંબઇ જતાં અને આવતાં. સમય જતાં જમનાદાસભાઈ ની મહત્વકાંક્ષા વધતી ગઈ. આંગડિયામાં માત્ર કમિશન મળતું. એમાંથી કરોડપતિ ના થવાય. ડાયમંડના ધંધા જેવો એક પણ ધંધો નહીં. પણ એના માટે બહુ મોટી મૂડી જોઈએ.

પૈસા ઉભા કરવા માટે તેમણે ઘણું વિચારી જોયું. છેવટે એમને એક તક મળી ગઈ. એક દિવસ તેમની પેઢીમાં એક મોટી પાર્ટી નો ડાયમંડનો બહુ મોટો માલ આવ્યો. ચાર પડીકાં હતાં જે મુંબઈ મોકલવાનાં હતાં. જો આ પડીકાં ગુમ કરી દેવામાં આવે તો માલામાલ થઇ જવાય. અને જેનાં આ પડીકાં હતાં એ તો ત્રણસો કરોડની પાર્ટી હતી એટલે એને બહુ ફરક નહોતો પડવાનો.

કરોડો રૂપિયાના આ ડાયમંડ જો ગુમ કરી દેવા હોય તો ખૂબ જ મોટું પ્લાનિંગ કરવું પડે. લાલચ માણસને અંધ બનાવી દેતી હોય છે. જમનાદાસભાઈના મગજમાં એક શયતાની પ્લાન આવ્યો.

એમની પેઢીનો એક વિશ્વાસુ કર્મચારી હરિશ હંમેશા રોકડા રૂપિયા પડીકાં અને પાર્સલ લઈને મુંબઈ આવ-જા કરતો. તે દિવસે જમનાદાસભાઈએ એ ચાર પડીકાં રાખી લીધાં અને નકલી ડાયમંડનાં ચાર પડીકાંનું પાર્સલ બનાવી હરિશને આપ્યું. સાથે બીજાં સાડીઓના પાર્સલ અને થોડી કેશ પણ ખરી.

છેલ્લા બે-ત્રણ વર્ષમાં સુરતમાં એમણે ઘણા સંપર્કો ઊભા કર્યા હતા. આ ધંધામાં કેટલાક માથાભારે તત્વોને પણ સાચવવાં પડતાં. એમણે આવી જ એક માથાભારે ગણાતી ધંધાદારી વ્યક્તિને ફોન કર્યો.

." જો સાવંત.. તારે મારું એક કામ કરવાનું છે. તારા સિવાય આ કામ કોઈ કરી શકે તેમ નથી. તને જો રસ ના હોય તો જ હું બીજા કોઈને વાત કરું" સાવંત ઉપર બે-ત્રણ ખૂનના કેસ પણ ચાલેલા. બે વાર જેલમાં પણ જઈ આવેલો.

" અરે એ શું બોલ્યા શેઠ !! સાવંત જે કામ કરી શકે એ બીજું કોઈ જ ના કરી શકે. ગમે તેવું કામ હોય... હુકમ કરો શેઠ "

" તું મને ક્યાં મળીશ ? એક કામ કર. પાર્લે પોઇન્ટ ઉપર આવી જા. ગાડી લઈને આવું છું. ગાડીમાં બેસી જા. કારમાં હું તને બધું સમજાવી દઉં છું. "

15 મિનિટ પછી જમનાદાસભાઈ ની કાર પાર્લે પોઇન્ટ રોડ ઉપર પહોંચી ગઈ. સાવંત બાઈક લઈને ત્યાં જ ઉભો હતો. એણે બાઈક સાઈડમાં પાર્ક કરી અને કારમાં ગોઠવાઈ ગયો.

" એકાદ કલાક પછી તું મારી આંગડિયા પેઢી ઉપર આવી જા. હરિશ મારો એક વિશ્વાસુ માણસ છે. તમામ રોકડ કેશ, ડાયમંડ અને પાર્સલો એક થેલામાં ભરી એ રોજ મુંબઇ લઇ જાય છે અને મુંબઈથી સુરતનો માલ લેતો આવે છે. સૌરાષ્ટ્ર મેલમાં આવ-જા કરે છે. તું એને એક વાર જોઈ લે. સાંજે પેઢી ની વસ્તી કરીએ ત્યારે તું એનો પીછો કર. "

" આજ પછી હરિશ દુનિયામાં ક્યારે પણ દેખાવો જોઈએ નહીં. કાયમ માટે તારે એને ગુમ કરી દેવાનો છે. ખ્યાલ આવ્યો હું શું કહેવા માગું છું ? કિડનેપ કરી લેવાનો અને પછી બાકીનું કામ ખૂબ ચાલાકીથી પતાવી દેવાનું. અમે પોલીસ કેસ પણ કરીશું. છાપામાં જાહેરાતો પણ આપીશું પણ હરિશનો પત્તો ક્યારે પણ લાગવો જોઈએ નહીં. "

" કામ થઈ જશે શેઠ. કોઇને ગંધ પણ નહિ આવે. એને બેહોશ કરીને સુરતથી બહુ જ દૂર હું લઈ જઈશ. કામ તમામ કરીને નર્મદા નદીમાં પધરાવી દઈશ. "

" ઠીક છે... મને તારા ઉપર વિશ્વાસ છે. અત્યારે આ પાંચ લાખ રુપીયા રાખ. બાકીના કામ થઈ ગયા પછી પહોંચી જશે. એની પાસેનો થેલો હમણાં તારી પાસે રાખજે. થોડીક કેશ અને થોડાક પાર્સલ હશે જે હું મારી અનુકૂળતાએ પછીથી લઈ જઈશ. "

સાવંત એ સમયે સુરતનો એક નામચીન ગુંડો હતો. મોટા ધંધા કરવા હોય તો આવા કેટલાક માણસોને હાથમાં રાખવા પડે એ જમનાદાસભાઈ સારી રીતે સમજતા હતા.

સાવંતે રાત્રે હરિશની રીક્ષાનો પીછો કર્યો હતો. એ સ્ટેશન પાસે રિક્ષામાં થી ઉતર્યો કે તરત જ સાવંત એની સામે આવી ગયો હતો.

" ચૂપચાપ મારી પાછળ પાછળ આવ. જરા પણ બૂમાબૂમ કરી તો આ પિસ્તોલની તમામ ગોળીઓ તારા ઉપર છોડીશ. જીવતા રહેવું હોય તો હું કહું એમ કર. " અને સાવંતે હરિશને પોતાના હાથમાં રાખેલી પિસ્તોલ બતાવી. હરિશ આમ પણ ડરપોક હતો અને સાવંતને સારી રીતે ઓળખતો હતો. .

સાવંત એને પોતાની કાર પાસે લઈ ગયો અને એને પાછલો દરવાજો ખોલીને અંદર બેસાડી દીધો. સાવંતે કાર સ્ટાર્ટ કરી. સાવંતની પાછળ કાર માં અફઝલ બેઠેલો જ હતો. એણે ક્લોરોફોર્મ સુંઘાડીને હરિશને બેહોશ કરી દીધો. મોઢા પર પટ્ટી પણ મારી દીધી.

રાત્રે લગભગ બાર વાગે ભરૂચથી લગભગ બે કિલોમીટર દૂર એક સુમસામ જગ્યાએ બેહોશ હરિશને દોરડાથી બાંધીને જીવતો જ ધસમસતી નર્મદા નદીમાં ફેંકી દીધો. એ સંપૂર્ણપણે ડૂબી ગયો ત્યાં સુધી બંને ત્યાં ઊભા રહ્યા.

હરિશ ગુમ થઈ ગયો છે તેની પોલીસ ફરિયાદ પણ જમનાદાસભાઈએ લખાવી. પોતે લૂંટાઈ ગયા એવી ખોટી ખોટી કાગારોળ પણ મચાવી. બે-ત્રણ દિવસ પેપરમાં પણ આ ઘટનાની ચર્ચા થઈ.

જમનાદાસભાઈએ અસલી ડાયમંડ તો રાખી દીધા હતા. એટલે બાકીનો માલ સાવંત પાસેથી ગમે ત્યારે પાછો લેવાય તો પણ વાંધો નહોતો. તે દિવસે લુંટાયેલા થેલામાં કોઈ મોટી કેશ પણ ન હતી !!

ચોરાયેલા ડાયમંડનું કોઈ મોટું વળતર એમને આપવું ન પડ્યું. કારણકે પેઢીની શાખ અને વિશ્વાસની ચિઠ્ઠી ઉપર વર્ષોથી બધું ચાલતું હતું.

છ મહિના રાહ જોયા પછી બધું ઠંડુ થઈ ગયું એટલે જમનાદાસભાઈએ મુંબઈ જઈને એક અંગત દલાલ દ્વારા ડાયમંડનો સોદો કરી નાખ્યો. એમને કરોડો રૂપિયા મળ્યા. જે એમણે પાછા ડાયમંડના ધંધામાં જ લગાવ્યા.

જમનાદાસભાઈને બે યુવાન દીકરા હતા. ડાયમંડનો સોદો કર્યા પછીના બે મહિનામાં મોટા દીકરા મહેશનું રોડ અકસ્માતમાં અચાનક અવસાન થઈ ગયું. નાનો પુત્ર જગદીશ ખૂબ જ હોંશિયાર હતો. ઇંગ્લીશ મીડીયમ માં ભણેલો હતો. જમનાદાસભાઈએ જગદીશ ને પોતાના ધંધામાં લીધો અને ડાયમંડ નો બિઝનેસ શીખવા માટે એને થોડા મહિના માટે એન્ટવર્પ બેલ્જીયમ પોતાના એક મિત્ર પાસે ટ્રેનિંગ માટે મોકલ્યો.

દિવસે દિવસે ડાયમંડ ના ધંધાનો વિકાસ તો થતો ગયો પરંતુ જમનાદાસભાઈ બીજા પણ આડાઅવળા બે નંબરના ધંધામાં રોકાણ કરતા ગયા. એમની પેઢી ખૂબ જ જામી ગઈ.

જો કે જગદીશે પ્રમાણિકપણે સંપૂર્ણ ધ્યાન માત્ર ડાયમંડ ઉપર જ આપ્યું અને ત્રીસ વર્ષના ગાળામાં તો જગદીશ સાવલિયા ત્રણસો ચારસો કરોડના બિઝનેસમેન બની ગયા. પિતાની આંગડિયા પેઢી પણ ચાલુ હતી. પરંતુ એ એમના વિશ્વાસુ માણસો સંભાળતા હતા.

એમના પિતા જમનાદાસભાઈનું તો હાર્ટ એટેકથી અવસાન થઈ ગયું હતું પરંતુ એમના બે દીકરા સિદ્ધાર્થ અને કેતન ખૂબ જ બાહોશ હતા. ધંધાનો વધુ વિકાસ કરી શકે એટલા માટે એમણે નાના દીકરા કેતનને અમેરિકા અભ્યાસ કરવા મોકલ્યો હતો.

આજે એ જ કેતન અમેરિકાથી આવ્યા પછી પિતાના કરોડોના બિઝનેસમાં જોડાવાના બદલે ઘર છોડવાની વાતો કરતો હતો !!
************************
પિતા ચિંતિત હતા. પરિવાર ચિંતિત હતો. પરંતુ પૂર્વ જન્મને જાણી ચૂકેલો કેતન દાદા સ્વરૂપે પોતે કરેલાં પાપકર્મો નું પ્રાયશ્ચિત કરવા માટે પરિવાર છોડીને અજાણ્યા માર્ગે એક નવી જિંદગી જીવવા માટે ચાલી નીકળ્યો હતો !!
ક્રમશઃ
અશ્વિન. રાવલ. (અમદાવાદ)