પ્રાયશ્ચિત - 97 Ashwin Rawal દ્વારા પુષ્તક અને વાર્તા PDF

પ્રાયશ્ચિત - 97

પ્રાયશ્ચિત પ્રકરણ - 97

(આ રહસ્યમય ગૂઢ પ્રકરણ શાંતિથી એક-બે વાર વાંચી જવું. ઉતાવળે ના વાંચી જશો. )

કેતન જ્યારે ભાનમાં આવ્યો ત્યારે એણે પોતાની જાતને વારાણસીના બદલે ઋષિકેશની કુટીરમાં જોઈ. સામે એના ગુરુ સ્વામી શ્રી અભેદાનંદજી મહારાજ હાસ્ય કરતા વ્યાઘ્રચર્મ આસન ઉપર બેઠા હતા અને બાજુમાં ચેતન સ્વામી ઉભા હતા.

કેતન આખા શરીરે ભીનો હતો. એ સમજી શકતો ન હતો કે આ સ્વપ્ન છે કે સત્ય ? કેતનને બધું યાદ આવવા લાગ્યું. વારાણસીના ઘાટ ઉપર દાદાનું શ્રાદ્ધ અને પિંડદાન કર્યા પછી ગંગા નદીમાં એ સ્નાન કરવા ગયો હતો. પરંતુ એ ડૂબવા લાગ્યો હતો.

એણે એ સમયે માથે મુંડન કરાવેલું હતું અને સફેદ ધોતી પહેરી હતી જ્યારે અત્યારે તો એ પોતે પેન્ટ શર્ટ માં હતો અને માથે પણ પૂરતા વાળ હતા !! સાચું શું ?

" આ બધું શું થઇ રહ્યું છે મારી સાથે ?" કેતને બેબાકળા થઇને પૂછ્યું.

" આટલી બધી ચિંતા શું કામ કરે છે ? તું ઋષિકેશમાં છે. સલામત છે. મારી સાથે તું સ્નાન કરવા ગંગા કિનારે આવ્યો હતો. તેં પાણીમાં ડૂબકી લગાવી પરંતુ તું ડૂબવા લાગ્યો અને બેહોશ થઈ ગયો એટલે મેં તને ખેંચીને બહાર કાઢ્યો. તને ઊંચકીને કુટીરમાં લઈ આવ્યો. " ચેતન સ્વામી હસીને બોલ્યા.

" અને ગુરુજીનાં દર્શન કરવાની તારી તીવ્ર ઈચ્છા હતી તો તારા ગુરુજી પણ તારી સામે અત્યારે પ્રગટ થયા છે !! " ચેતન સ્વામીએ કહ્યું.

" પરંતુ સ્વામીજી હું તો મારા દાદા નું શ્રાદ્ધ કરવા માટે વારાણસી આવ્યો હતો. મારો પરિવાર પણ મને શોધતો હશે. જાનકી પણ ચિંતા કરતી હશે. " કેતન એકદમ ચિંતામાં આવીને બોલ્યો.

" કોણ જાનકી ? " સ્વામીજીએ હસીને પૂછ્યું.

" જાનકી મારી પત્ની. અમે લોકો જામનગરથી વારાણસી આવ્યાં છીએ. મમ્મી-પપ્પા ભાઈ ભાભી પણ સાથે છે. " કેતન બોલ્યો.

" અરે પણ તારાં લગ્ન જ ક્યાં થયાં છે ? અને તું જામનગરથી કેવી રીતે આવ્યો ? તું તો સુરતમાં રહે છે !! " સ્વામીજીને મજા આવતી હતી.

" અરે સ્વામીજી તમે આ બધું શું કહી રહ્યા છો ? મારી પોતાની હોસ્પીટલ જામનગરમાં છે. વૃદ્ધાશ્રમ છે. એક કન્યા છાત્રાલય પણ મેં બનાવ્યું છે. " કેતન હવે ખરેખર ગૂંચવાઇ ગયો.

" કેતન તું જામનગરમાં નહીં પણ અત્યારે સુરતમાં રહે છે. જામનગરમાં તારી કોઈ હોસ્પિટલ, કોઈ કન્યા છાત્રાલય, કોઈ વૃદ્ધાશ્રમ છે જ નહીં !! અને તારે ખાતરી કરવી હોય તો તું જામનગર જઈને જાતે તપાસ કરી શકે છે. " ચેતન સ્વામીએ કહ્યું.

" ત્યાં પટેલ કોલોનીમાં નીતા મિસ્ત્રી રહે છે. ત્યાં આશિષ અંકલ પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ હતા. પ્રતાપભાઈ વાઘાણી પણ જામનગરમાં રહે છે. એમની દીકરી વેદિકા મારી આયુર્વેદ હોસ્પિટલ ચલાવે છે. મારા ડ્રાઇવર તરીકે મનસુખ માલવિયા હતો. અસલમ શેખ અત્યારે રાજકોટમાં હોલસેલ દવાઓના બિઝનેસમાં છે. શું આ બધું મારો ભ્રમ છે ? " કેતન બોલ્યો.

" હા. આ તમામ પાત્રો તારા સુષુપ્ત મનમાં છે જ અને તું એ દરેકને ઓળખે છે. એ જ પાત્રો કોઈને કોઈ સ્વરૂપે બહાર આવ્યાં. તારી કોલેજમાં કોઈ નીતા મિસ્ત્રી પણ ભણતી હતી જેને તું પસંદ કરતો હતો પરંતુ એ બીજા કોઈના પ્રેમમાં હતી. યાદ કર. આશિષ જોષી પોલીસ ઇન્સ્પેક્ટર છે અને તારા પપ્પાના મિત્ર છે . એ તારા ઘરે આવતા એટલે એ પાત્ર પણ તારા માનસ પટલ ઉપર છે. "

" પ્રતાપભાઈ વાઘાણી તારા પપ્પાના મિત્ર છે. ડાયમંડ માર્કેટમાં છે અને મુંબઈમાં તું એમને એક બે વાર ધંધાના કામથી મળેલો એટલે એ નામ પણ તારા માનસમાં છે. જાનકી તારી કોલેજમાં જ ભણતી હતી અને તું એને અત્યારે પણ ખૂબ જ પ્રેમ કરે છે. જાનકીની જ એક ફ્રેન્ડ વેદિકા પણ કોલેજમાં ભણતી હતી એને પણ તું સારી રીતે ઓળખે છે. અસલમ તારો મિત્ર હતો અને આજે પણ એ સુરતમાં જ છે. તારી કોલેજમાં મનસુખ નામનો એક પટાવાળો હતો જેને તું બહુ સાચવતો હતો ! આ બધું યાદ કરી જો. " સ્વામીજી એને ધીમે ધીમે ભાનમાં લાવી રહ્યા હતા.

"તારો જયેશ ઝવેરી નામનો એક કોલેજ ફ્રેન્ડ જામનગર પટેલ કોલોની શેરી નંબર ૪ માં રહેતો હતો. તું એની સાથે એકવાર એના ઘરે જામનગર પણ ગયેલો અને ત્રણ દિવસ રોકાયેલો. ત્યાંથી તું દ્વારકા દર્શન કરવા પણ ગયેલો. એટલે એ બધો એરિયા પણ તારી સ્મૃતિમાં છે. તારા એ મિત્રની સાથે જે જે હોટલોમાં જમવા ગયેલો એ પણ તારી સ્મૃતિમાં છે જ ! જે તારા મગજમાં ધરબાયેલું છે એ જ કોઈને કોઈ સ્વરૂપે બહાર આવ્યું છે. બાકીની બધી માયાજાળ આ ગુરુજીની છે. " સ્વામીજીએ હસતાં હસતાં કહ્યું.

હવે કેતનનું મગજ બહેર મારી ગયું. એને ચેતન સ્વામીની વાતો સમજાતી જ ન હતી. જે વાસ્તવિકતા છે એને ચેતન સ્વામી સ્વીકારતા જ નથી !!

" ગુરુજી હવે તમે જ કૃપા કરીને મને કહો કે આ બધું શું ચાલી રહ્યું છે ? અને ચેતન સ્વામી કેમ મારી સાથે આવી વાતો કરે છે ? જ્યારે હકીકતમાં હું જામનગર થી વારાણસી આવ્યો છું. મેં મુંડન પણ કરાવ્યું હતું જ્યારે અત્યારે મારા માથામાં વાળ છે. " કેતને પોતાના ગુરુજીને પૂછ્યું.

" ચિંતા મત કર બેટા. યે સબ મેરી રચી હુઈ માયા થી. તુમ ઋષિકેશ મેં હો વહી સત્ય હૈ . અભી તુમ માયા કે પ્રભાવમેં હો. ધીરે ધીરે તુમ હોશ મેં આ જાઓગે." અભેદાનંદજી બોલ્યા.

કેતનને હજુ આ બધી વાતો ઉપર વિશ્વાસ નહોતો આવતો. એ હજુ પોતાના જામનગરમાં વિતાવેલા દોઢ વર્ષના સમયગાળાને ભૂલી શકતો ન હતો. એણે ફરી પાછું ચેતન સ્વામીને પૂછ્યું :

" સ્વામીજી તમે જ મને અમેરિકામાં કહેલું કે ગયા જન્મમાં મારા દાદા જમનાદાસ સ્વરૂપે મેં કરેલા પાપનું પ્રાયશ્ચિત મારે આ જન્મમાં કરવાનું છે. અને એ પ્રાયશ્ચિત કરવા માટે તો હું આપની આજ્ઞાથી પરિવારથી અલગ થઈને જામનગર ગયેલો. અને ત્યાં સેવાનાં કાર્યો કરી દોઢ વર્ષમાં મારો અભિશાપ પણ દૂર કર્યો. જો આ બધી માયા હોય કે મારો ભ્રમ હોય તો મારે પ્રાયશ્ચિત ફરી કરવાનું ? " કેતનને હજુ સમજાઈ રહ્યું ન હતું.

" તારું પ્રાયશ્ચિત પૂરું થઈ ગયું છે બેટા. તું સુરતથી મને મળવા માટે ઋષિકેશ આવેલો છે. અહીં ગંગા નદીના પ્રવાહમાં તું ડૂબી ગયેલો એટલે મેં તને બહાર કાઢી લીધો અને અહીં લઈ આવ્યો. તું બેભાન હતો પણ એ બધી આ ગુરુજીની લીલા હતી. એ બેહોશ અવસ્થામાં તું માત્ર અડધો કલાક રહેલો છે. એ અડધા કલાકમાં દોઢ વર્ષનો સમયગાળો તેં પસાર કરી દીધો છે અને ગુરુજીએ પોતાની યોગશક્તિથી તારું પ્રાયશ્ચિત પણ કરાવી દીધું છે." ચેતન સ્વામી સમજાવી રહ્યા હતા.

" ગુરુજીએ પોતાની યોગ શક્તિ અને તપોબળથી તારું એ કર્મબંધન દૂર કરી દીધું છે. દોઢ વર્ષ સુધી તેં જે અનુભવ કર્યો તે માત્ર એક સ્વપ્ન હતું. ગુરુજીએ જ રચેલી એક માયાજાળ હતી. જેવી માયાજાળ ભગવાન શ્રી કૃષ્ણએ સુદામાને અનુભવ કરાવી હતી !! " ચેતન સ્વામી હસીને બોલ્યા.

" અને તારે એ બધો અનુભવ કરવો પણ જરૂરી હતો. તેં એ અવસ્થામાં જે પણ સત્કર્મો કર્યાં એનાથી તારા સૂક્ષ્મ શરીર ઉપરથી પાપકર્મોની કાળી છાયા દૂર થઈ ગઈ છે. હવે તારો આત્મા શુદ્ધ થઈ ગયો છે. " ચેતન સ્વામી બોલ્યા.

" જેવી રીતે પૃથ્વી ઉપરના કેટલાક સંમોહન વિદ્યા જાણનારા નિષ્ણાત વ્યક્તિઓ કોઈને સંમોહન કરીને એના પૂર્વજન્મમાં લઈ જાય છે અને પૂર્વ જન્મનો અનુભવ પણ કરાવે છે એવી જ રીતે યોગીઓ પણ સૂક્ષ્મ શરીરને સંમોહન કરીને એક ચોક્કસ કાળમાં લઈ જઈ શકે છે અને એ અવસ્થામાં જીવ એક નવા જ જીવનનો અનુભવ કરી શકે છે. એક સમયગાળો એ જીવી લે છે. યોગીઓ માટેનો કેટલીક મિનિટોનો ગાળો આપણા માટે બે વર્ષનો પણ હોઈ શકે છે. " ચેતન સ્વામી બોલ્યા.

" સ્વામી આપ ઉસકો વો કાઢા થોડા પીલા દો. ઉસકો નીંદ આ જાયેગી. તબ તક મેં ધ્યાન મેં બૈઠકર ઉસકે મનસે માયા કા પ્રભાવ દૂર કર દેતા હું. ઉસકો પૂર્વ અવસ્થામેં વાપસ લા દેતા હું. ઉસકે બાદ ઉસકો સબ યાદ આ જાયેગા. " ગુરુજી બોલ્યા.

એકાદ કલાકની ઊંઘ લીધા પછી કેતન જાગૃત થઈ ગયો. એણે સ્વામી ચેતન આનંદને પોતાની સામે ઉભેલા જોયા. બાજુમાં એના ગુરુજી શ્રી સ્વામી અભેદાનંદજી આસન ઉપર બેઠેલા હતા.

" તને તારા ગુરુજીનાં દર્શન કરવાની ખૂબ જ ઈચ્છા હતી. જો આપણા ગુરુજી સ્વામી અભેદાનંદજી મહારાજ તારી સામે જ છે. " ચેતન સ્વામી બોલ્યા.

" પ્રણામ ગુરુજી. જબસે સ્વામીજીને મુજે બોલા થા તબ સે આપકો મિલને કે લિયે મૈં તડપ રહા થા " કહીને કેતન ઊભો થયો અને એણે સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કર્યા. એ હવે સંપૂર્ણ સ્વસ્થ થઈ ગયો હતો.
**********************
અમેરિકાથી આવ્યા પછી કેતન સતત વિચારોમાં રહેતો હતો. ચેતન સ્વામીએ કહેલી વાતો એ ભૂલી શકતો ન હતો. એ પોતે જ પાછલા જનમમાં પોતાના દાદા જમનાદાસ સ્વરૂપે હતો અને એના કુટુંબ ઉપર દાદાજીએ કરાવેલા ખૂનનો અભિશાપ હતો. સ્વામીજીએ એને કહેલું કે ભાઈની સુરક્ષા માટે એણે પરિવારથી અલગ થઈ જવું જોઈએ. નહીં તો સિદ્ધાર્થભાઇ ના માથે ખતરો હતો !!

કરોડોનો ડાયમન્ડ બિઝનેસ હતો અને પોતે એ બિઝનેસ સંભાળવા માટે અમેરિકા જઈને મેનેજમેન્ટની ડીગ્રી લઇને આવ્યો હતો. હવે સુરત છોડીને એ ક્યાંય પણ જઈ શકે તેમ ન હતો. આનો કોઈ ને કોઈ રસ્તો તો શોધવો જ પડશે.

સ્વામીજીએ એને વચન આપેલું કે એ જ્યારે પણ યાદ કરશે ત્યારે ધ્યાન માં સ્વામીજી એને માર્ગદર્શન આપશે. કેતન રોજ સવારે ધ્યાનમાં બેસીને સતત સ્વામીજી ને પ્રાર્થના કરતો રહેતો કે - કોઈ પણ હિસાબે મને અભિશાપમાંથી મુક્ત કરો. દાદા સ્વરૂપે મેં પાછલા જન્મમાં કરેલા પાપના પ્રાયશ્ચિત માટે કુટુંબને છોડવાની મારી ઈચ્છા નથી.

" તને લાગેલો અભિશાપ દૂર કરવાનું મારા હાથમાં નથી. મારા અને તારા ગુરુ એક જ છે એટલે આપણે બંને ગુરુ ભાઈઓ છીએ. આપણા ગુરુ ખૂબ જ સમર્થ અને દયાળુ છે. એ ધારે તો પોતાના યોગબળથી તારા પૂર્વ જન્મના પાપનો ભાર દૂર કરી શકે એમ છે. "

કેતનની સતત પ્રાર્થનાઓ સાંભળી સ્વામીજીએ એને આવતી પૂર્ણિમાના દિવસે ઋષિકેશ આવવાનું આમંત્રણ આપ્યું.

કેતને નિર્ણય લીધો અને પૂર્ણિમાના દિવસે સવારે એ ઋષિકેશ જઈ પહોંચ્યો. ચેતન સ્વામીએ આપેલા સરનામા વિશે પૂછતો પૂછતો એ સ્વામીજીની કુટીરમાં પહોંચી ગયો.

કેતન આવવાનો હતો એ સ્વામીજીને ખબર હતી એટલે એ પોતાની કુટિરમાં હાજર થઇ ગયા હતા. બાકી તો ગમે ત્યારે એ ગમે ત્યાં વિહાર કરી લેતા.

કેતનનું સ્વામીજીએ પ્રેમથી સ્વાગત કર્યું. હાથ-પગ ધોઈને સામે આસન ઉપર બેસવાનું કહ્યું. કેતને પોતાની મનોવેદના સ્વામીજીને જણાવી અને હૃદય પૂર્વક અભિશાપ દૂર કરવાની વિનંતી કરી.

" સ્વામીજી મારા પરિવારથી મને અલગ ના કરો. કોઈપણ હિસાબે મારા આ શાપનું વિમોચન કરો. આપ સમર્થ છો. આપણા ગુરુજી સમર્થ છે. ઘરમાં રહીને આપ જે પ્રાયશ્ચિત કરવાનું કહો તે હું કરવા તૈયાર છું. મને પૈસાનો પણ મોહ નથી. કૃપા કરી મને આ પાપમાંથી મુક્ત કરો. " કેતને બે હાથ જોડીને વિનંતી કરી.

કેતનની વિનંતી સાંભળીને ચેતન સ્વામી ઊંડા ધ્યાનમાં બેસી ગયા. પોતાના ગુરુ સ્વામી અભેદાનંદજી જે હિમાલયમાં રહેતા હતા તેમને દિલથી પ્રાર્થના કરી કે -- આપના શિષ્ય કેતનને એના પૂર્વજન્મના પાપ કર્મમાંથી મુક્ત કરો અને એનો કુટુંબ ઉપરનો અભિશાપ પણ દૂર કરો. આપ સમર્થ છો અને કેતન અત્યારે ઋષિકેશ આવ્યો છે.

" મારો એ શિષ્ય બંધનમાંથી મુક્ત તો થઈ જશે પરંતુ આ પાપનું પ્રાયશ્ચિત એણે સૂક્ષ્મ જગતમાં જઈને પણ કરવું તો પડશે જ. એણે પ્રાયશ્ચિત કરવા માટે એક સમયગાળો જીવી લેવો પડશે. " ગુરુજીની વાણી સ્વામીજીને સંભળાઈ.

"તમે એને ગંગા કિનારે સ્નાન કરાવવા લઇ જાઓ. ગંગામાં નાહવા માટે એ ડૂબકી લગાવે ત્યારે હું ત્યાં હાજર રહીશ. એના સુક્ષ્મ શરીરને હું ખેચી લઈશ. એના મૃતઃપાય થયેલા સ્થૂળ શરીરને તમે ઊંચકીને કુટિરમાં લઈ જજો. એનાં તમામ કર્મો ભોગવાઈ જાય એટલે હું સૂક્ષ્મ શરીર એના સ્થૂળ દેહમાં પ્રવેશ કરાવી દઈશ. " ગુરુજી બોલ્યા.

સ્વામીજીએ ગુરુજીનો આદેશ માનીને કેતનને પોતાની સાથે ગંગા કિનારે સ્નાન કરવા આવવાનું કહ્યું. કેતન એમની સાથે ગયો. સૌથી પહેલાં ચેતન સ્વામીએ સ્નાન કરી લીધું અને પછી કેતનને ડૂબકી મારીને પાણીમાં માથાબોળ સ્નાન કરવાનું કહ્યું.

ચેતન સ્વામી કિનારે જ ઉભા હતા. જેવી કેતને પાણીમાં ડૂબકી મારી કે ગુરુજીએ સૂક્ષ્મ સ્વરૂપે ત્યાં હાજર રહીને કેતનનો સૂક્ષ્મ દેહ યોગબળથી ખેંચીને છૂટો પાડી દીધો. કેતનનો દેહ મૃત વ્યક્તિની જેમ જડ થઈ ગયો.

ચેતન સ્વામી કેતનના સ્થૂળ દેહને પાણીમાંથી બહાર કાઢી ઊંચકીને પોતાની કુટિરમાં લઈ ગયા.

સ્વામી અભેદાનંદ જેવા સમર્થ ગુરુએ કેતનના સુક્ષ્મ શરીરને એના સ્થૂળ દેહ માંથી ખેંચીને પછી પોતાની યોગશક્તિથી એક માયાજાળ રચીને કેતન પાસે દોઢ વર્ષ જેટલો સમયગાળો પસાર કરાવી દીધો. ગુરુજીના સંકલ્પ પ્રમાણે કેતનના જામનગરના માયાવી જીવનનાં ઘટના ચક્રો બનતાં ગયાં. કેતનનાં તમામ પાપ કર્મોનું પ્રાયશ્ચિત ગુરુજીએ કરાવી દીધું.

જામનગરની આખી યાત્રા એ ગુરુજીએ સર્જેલી એક માયાજાળ જ હતી !! કેતનના જીવનમાં જામનગરમાં જે પણ પાત્રો આવ્યાં એ બધાં કેતનના આ જીવન દરમ્યાન પરિચયમાં આવેલાં પાત્રો જ હતાં ! આ એક સ્વપ્ન જેવી અવસ્થા હતી !!

કુટીરમાં સિદ્ધાસન પર બેઠેલા સ્વામી અભેદાનંદજીએ લગભગ અડધા કલાક પછી ધ્યાનમાંથી બહાર આવીને કેતનના સુક્ષ્મ શરીરને એના સ્થૂળ દેહમાં નાભી ઉપર હાથ મૂકીને પ્રવેશ કરાવી દીધું અને થોડું પાણી છાંટયું. પછી કેતન ભાનમાં આવેલો.

એ પછી કેતન ઉંઘમાંથી જાગૃત થઇને જ્યારે સંપૂર્ણ ભાનમાં આવી ગયો ત્યારે સ્વામીજી એની સામે જોઈને બોલ્યા.

" હવે તારું પ્રાયશ્ચિત થઈ ગયું છે અને અભિશાપ પણ દૂર થઇ ગયો છે. હવે તું સુરત જઈ શકે છે અને તારા પરિવારની સાથે પણ રહી શકે છે. તારાં લગ્ન જાનકી સાથે જ થશે. જાનકી સાથે તારો પૂર્વ જન્મનો ઋણાનુબંધ છે. આ જન્મમાં બને એટલાં સારાં કર્મો કરજે અને બને તો ગાયત્રી સાધના પણ તું કરજે."

" તારા નવા જન્મમાં નાનપણથી જ તું સંસારનો ત્યાગ કરી એક સન્યાસી બનીશ. એ વખતે ફરીથી આપણા આ ગુરુજી જ તને પ્રાપ્ત થશે. આપણી આ મુલાકાત આ ક્ષણે જ પૂરી થાય છે. આ હું તને જે પણ કહી રહ્યો છું એ ગુરુજી જ મારી પાસે બોલાવી રહ્યા છે. રોજ નિયમિત ધ્યાન કરજે. તારું કલ્યાણ થશે. હવે મારાં દર્શન તને નવા જન્મમાં જ થશે. ગુરુજીની હંમેશા તારા ઉપર કૃપા રહેશે !!! "

અને એ સાથે જ ચેતન સ્વામી અને ગુરુજી બંને અદ્રશ્ય થઈ ગયા. કુટીર આખી ખાલી હતી !!
ક્રમશઃ
અશ્વિન રાવલ (અમદાવાદ)

રેટ કરો અને રિવ્યુ આપો

Sharda

Sharda 4 અઠવાડિયા પહેલા

Chandan Dixit

Chandan Dixit 2 માસ પહેલા

Roshni Joshi

Roshni Joshi 3 માસ પહેલા

MAYURI PATEL

MAYURI PATEL 3 માસ પહેલા

Heena Suchak

Heena Suchak 3 માસ પહેલા