મોજીસ્તાન - 83 bharat chaklashiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મોજીસ્તાન - 83



ગામની પંચાયતમાં પોચા સાહેબે ભાભાની આબરૂના લિરે લિરા કર્યા પછી ભાભાએ ઘરની બહાર નીકળવાનું બંધ કરી દીધું હતું. બાબો ટેમુના ઘેર બે દિવસ રોકાયો હતો.

એ બે દિવસ દરમિયાન ન તો ભાભાએ બાબાને કોલ કર્યો કે ન બાબો ઘેર ગયો. ગોરાણીએ ઘણું પૂછ્યું પણ ભાભા મૌન ધારણ કરીને બેઠા હતા.

આખરે ગોરણીથી ન રહેવાતાં તેઓ ટેમુના ઘેર ગયા હતાં. બાબાને ભાભાના મૌન વિશે જણાવી એને ઘેર આવવા સમજાવ્યો હતો.

બાબો ઘેર ગયો ત્યારે ભાભા અંદરના ઓરડામાં ઢોલિયા પર આંખ મીંચીને પડ્યાં હતાં.બાબો એમના પગ પાસે જઈને બેઠો.
બાબાની આંખમાંથી આંસુ વહેતા હતાં. એ આંસુ ભાભાના પગ પર પડ્યું એટલે ભાભાએ આંખ ખોલીને બાબા સામે જોયું.

"બેટા..ક્યાંક ઝેર મળતું હોય તો લાવી દે.મને હવે જીવવાની કોઈ ઈચ્છા નથી." કહી ભાભા ફરી આંખ મીંચી ગયા.

"હાય હાય એવું તે શું બોલતા હશો. છોકરું છે તો ક્યારેક ભૂલ કરી બેસે.એમાં ત્રણ દીથી થોબડો ચડાવીને બેઠા છે.એક અક્ષર પણ બોલતા નથી. આમ તે કેમ ચાલશે" ગોરાણી ગુસ્સે થઈને રડવા લાગ્યા.

બાબાએ માતાને રડતાં જોઈ આંસુ લૂછી નાંખ્યા.

"મને માફ કરી દો પિતાજી,હું હવે ક્યારેય આવી ભૂલ નહિ કરું.હું કાશીએ જતો રહીશ.વેદો અને ઉપનિષદોનો અભ્યાસ કરીને જ્ઞાન મેળવીશ.શાસ્ત્રોક્ત વિધિ વિધાન ભણીને હું શાસ્ત્રી બનીને જ પાછો આવીશ.મને આશીર્વાદ આપો."કહી બાબાએ ભાભાના ચરણોમાં એનું મસ્તક મૂકી દીધું.

બાબાની વાત સાંભળીને ભાભા પથારીમાંથી બેઠા થયા.

"દીકરા કંઈ પણ કરતા પહેલા મારી આજ્ઞા લેવાની વાત તું કેમ ભૂલી ગયો ? આજે ગામમાં આપણો ફજેતો થયો છે.જો કે એમાં તારો એકલાનો જ કંઈ વાંક નથી.મેં પણ પ્રતિષ્ઠાની લાલચમાં આવીને ગામને ઉઠાં ભણાવીને ખર્ચના ખાડામાં ઉતારવાની પેરવી કરી.કર્મનું ફળ મળ્યા વગર રહેતું નથી. લોકોને તો આપણે ઉપદેશ આપીએ જ છીએ પણ આપણે અભિમાન અને ખોટા આડંબરને કારણે સાચો રસ્તો ભૂલી ગયા હતા.

તું કાશીએ જઈને પંડિત થવા માંગતો હોય તો મને આજે વચન આપ કે જીવનમાં રૂપિયા માટે થઈને ક્યારેય તું ખોટું નહિ કરે. ક્યારેય કોઈ યજમાનને ખંખેરી લેવા કોઈપણ જાતની ખોટી વિધિ કે ખોટું ભવિષ્ય નહિ ભાખે."

"પિતાજી હું આજે તમને વચન આપું છું કે હું હંમેશા સત્યના માર્ગે જ ચાલીશ. લાખો રૂપિયા મળતા હશે તો પણ હું ખોટું કામ નહીં કરું.હવે મને કાશીએ જવાની આજ્ઞા આપો એટલે હું તૈયારી કરવા મંડુ.પોચા સાહેબ પાસેથી પડાવી લીધેલા પૈસા હું એમને પાછા આપી આવીશ."

"યશસ્વી ભવ..!" ભાભાએ બાબાના માથે હાથ મૂકીને કહ્યું. પછી ગોરાણી સામે જોઇને કહ્યું,
"આજે દાળભાત બનાવો.ઘણા દિવસથી સરખું ખાધું નથી. બાબાના ભવિષ્યની હવે મને ચિંતા નથી રહી.આપણે પણ આ ગામમાં રહેવું નથી.આપણે બોટાદ જતા રહીએ.ભાડે મકાન રાખીને પ્રભુ જીવાડે એમ જીવીશું..!"

કહી ભાભા ઉભા થઈને મોઢું ધોવા જવા રસોડાની ચોકડી તરફ આગળ વધ્યા.

"હા પસ્તાવો વિપલ ઝરણું સ્વર્ગેથી ઉતર્યું છે.પાપી તેમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને છે."
તખુભાનો અવાજ સાંભળી ભાભા ચમકયાં.

ઓસરીની જાળી ખોલીને અંદર આવીને ઉભેલા તખુભા હસી રહ્યાં હતાં.

"આવો આવો તખુભા.તમે આજ ભુલા પડ્યા કે શું ? બેઠકમાં બેસો હું આવું છું."કહી ભાભાએ બેઠક તરફ હાથ લંબાવ્યો.

તખુભા બેઠકમાં જઈને બેઠા.થોડીવારે ગોરાણીને ચા બનાવવાનું કહીને ભાભા બેઠકમાં આવીને બેઠા.બાબો પણ ત્યાં આવીને તખુભાને નમસ્કાર કરીને બેઠો.

"તભાગોર,તમારી વાત મેં સાંભળી છે.તમે જે કરી રિયા હતા એ બરાબર નો'તું.પણ હવે તમને સાચા દિલથી પસ્તાવો થયો છે.તમે ગામ છોડવાની વાત કરી પણ તખુભા જીવે છે તાં લગી તમારે ગામ છોડવાની જરૂર નથી.
ભલે જે થય જીયું છે ઈ થય જીયું છે.હવે પછી તમે સાચા માર્ગે ચાલવા માંગતા હોવ તો આ ગામને તમારી જરૂર છે.હું ગામને સમજાવી દઈશ,તમારે મુંજાવાની જરૂર નથી. આજે ઘણાય દી'થી તમે ઘરમાંથી બાર્ય નીકળ્યા નથી એટલે હું તમને વઢવા જ આવ્યો'તો.તમારા બારણામાં પગ મૂક્યો ઈ વખતે તમારા બાપ દીકરા વચ્ચે જે વાતું થઈ, ઈ મેં સાંભળી.
પેલો ગુનો તો ભગવાન સ્હોતે માફ કરતા હોય છે તો આપણે તો માણહ છીએ."

તભાભાભા નીચું જોઈને બેઠાં હતાં.એમણે તખુભાની વાત સાંભળીને ઊંચું જોયું. તખુભાએ એમના ઢીંચણ પર હાથ મૂકીને માથું હકારમાં હલાવ્યું.

તભાભાભાએ બે હાથ જોડયાં. તખુભાએ એમના હાથ પકડીને કહ્યું, "બસ હવે તભાગોર,તમારા બધાં ગુના માફ.તમને કોઈ આંગળી પણ નહીં ચીંધે,આ તખુભાનું વચન છે.''

પછી બાબા તરફ જોઈને ઉમેર્યું,

"બાબા તારી બુદ્ધિનો તું સદઉપયોગ કરજે ભાઈ.પ્રભુએ આપણને જે શક્તિ આપી હોય એનો અવળો ઉપયોગ ક્યારેય ના કરીએ.તું બામણનો દીકરો ઉઠીને આવા કામ કરે એ તને કે તારા પિતાજીને શોભે નહિ.અતાર લગી તને છોકરું જાણીને કાંય કીધું નથી.આ વખતે તને સજા કરવી'તી, પણ હવે તું'ય પસ્તાવાની ગંગામાં ના'યો છો તેથી તને'ય માફ કર્યો છે.પણ હવે તેં આપેલું વચન નિભાવજે ભાઈ."

"તખુભા,તમારું ઉદાર દિલ અને મોટું મન છે એટલે તમે અમને માફ કર્યા.હું મારા પિતાજીની સાક્ષીએ તમને વચન આપું છું કે હવે મારી કોઈ ફરિયાદ ક્યારેય નહિ આવે.'' કહી બાબાએ તખુભાને ફરીવાર નમસ્કાર કર્યા.

ગોરાણી ચા લઈને આવ્યા એટલે ત્રણેય જણે ચા પીધી.પછી તખુભા ઉભા થયા.

"ચાલો ત્યારે રજા લઉં.ખોટું તો માણસ માત્રથી થઈ જાતું હોય ! અટલે તો કે'વતમાં કીધું છે કે માણસ માત્ર ભૂલને પાત્ર !"

"ભલે તખુભા,આપની છત્રછાયા છે એટલે હવે કોઈ ચિંતા નથી. તમે મારા હૃદય ઉપરથી બહુ મોટો ભાર ઉતારી લીધો છે. ભગવાન તમારું ભલું કરશે.ક્યારેક આવી રીતે આવતાં જાતા રે'જો." કહી ભાભા પણ ઉઠ્યાં.

તખુભા ગયા એટલે બાબાએ કાશીએ જવાની તૈયારી કરવા માંડી. ગોરણીએ ભાભાની ઈચ્છા મુજબ શાક રોટલી અને દાળભાત પણ બનાવ્યાં. ભાભા જમીને આડે પડખે થયા.થોડીવારે એમના નસકોરાંથી ઓરડો ગાજવા લાગ્યો.આજ ઘણા દિવસો પછી ભાભાને સરસ ઊંઘ આવી હતી !

*

ટેમુ આજે સવારથી દુકાનના થડા પર બેઠો હતો.ટેમુએ આ વર્ષે જ ધંધુકાની કિકાણી કોમર્સ કોલેજમાં એડમિશન લીધું હતું.પણ હમણાં હમણાં ગામમાં જે બનાવો બન્યા હતા એને કારણે એ બરાબર ધ્યાન આપી શક્યો નહોતો.આજે રજા હોવાથી કોલેજ તો જવાનું નહોતું.

બાબો થોડા દિવસ પહેલા જ કાશીએ શાસ્ત્રી બનવા ચાલ્યો ગયો હતો એટલે ગામમાં કોઈ ખાસ મિત્ર રહ્યોં નહોતો.ટાઢું ટબુકલું ગણાતો ટેમુ હવે ઘણો સુધરી ગયો હતો છતાં ક્યારેક એ જૂની ટાઢાશ એના શરીરમાં ઘુસી આવતી.એવું થાય ત્યારે ટેમુને સખત આળસ ચડતી.બગાસું ખાવાનો પણ એને કંટાળો આવતો એટલે બગાસું આવે ત્યારે દાંત ભીંસી રાખતો.

ટેમુ અર્થશાસ્ત્રની કોઈ બુક જોઈ રહ્યોં હતો.એ જ વખતે એના મોબાઈલ સ્ક્રીન પર વોટ્સએપ મેસેજ ઝળકયો, 'hi'

ટેમુની આંખો પહોળી થઈ ગઈ.ધીરેધીરે એના પર હાવી થઈ રહેલી આળસને એક ઝાટકે ટેમુએ ઉડાડી મૂકી.ફોન હાથમાં લઈ એણે સ્ક્રીન અનલોક કરીને વોટ્સએપ ખોલ્યું.

'O hi..aftr a long time dear 😲'

'Pn tu to saav bhuli gayo ne ?😲😲'

'Naa hu bhulyo nathi. pn mne m htu k....🙄🙄'

'Kem htu tne ?🤷'

'કંઈ નહિ, બોલ કેમ આજે અચાનક યાદ આવી ગઈ અમારી ?' ટેમુએ ગુજરાતી કિપેડ કરીને આગળ ચલાવ્યું.

'મિત્રને તો ગમે ત્યારે યાદ કરાય ને ? '

'હા ગમે ત્યારે યાદ કરાય અને ન ગમે ત્યારે પણ યાદ કરાય.મને આજે જરાય ગમતું નહોતું. બાબો હવે કાશી જતો રહ્યોં ને હું એકલો પડી ગયો !😥😪😓😢'

'અરે એમ માયુસ ન થા.હજી હું ગામમાં જ છું.બોલ ક્યારે મળવા આવું ? દુકાને ન બોલાવતો,ક્યાંક બહાર જઈએ...👩👨'

'ક્યાં જઈશું ? આપણને સાથે જોઈને ગામને એક જ વાત સુજશે; અને હવે તારા માટે આ બધું મુશ્કેલી ઉભી કરનારું બની જશે,હવે તું પહેલાની નીના નથી રહી. તારી લાઈફ કોઈની સાથે જોડાઈ ગઈ છે..! આપણે અમેરિકામાં નથી વસતા, અહીં લોકોના માઇન્ડસેટ થતા હજી વર્ષો લાગશે.કદાચ ક્યારેય પણ લોકો એટલા ફ્રીમાઈન્ડ ન થાય એવું પણ બને.એક બોય અને એક ગર્લ, ફ્રેન્ડ હોય એવું આ લોકોના ગળે ઉતારવું મુશ્કેલ જ નહીં નામુમકીન છે નીનું..!'

'U r ર8 temu.તો કેમ કરીશું.મને મળવાની ઘણી ઈચ્છા છે.તારી સાથે બહુ બધી વાતો કરવી છે. આ ગામમાં તું એક જ એવો દોસ્ત છો કે જે મને સારી રીતે સમજે છે."

' એક કામ કર તું મારા ઘેર જ આવી જા. આપણે દુકાન બંધ કરીને અંદર બેસીશું. ચાલ આવ!'

"પણ તારા પપ્પા આવશે અને દુકાન બંધ જોશે તો ખિજાશે નહિ ?'

'મારા પપ્પાની દવા મારી મમ્મી પાસે છે. આપણે મારી મમ્મીને કહીને બેસીશું એટલે નો પ્રોબ્લમ'

'Ohk..તો હું આવું છું..ઓહ ટેમુ u r so good..!'

'U r welcome dear ninu'
🤗

ટેમુએ ફોન મુક્યો. કાઉન્ટર કૂદીને બહાર નીકળી એણે દુકાન બંધ કરવા શટર પકડ્યું. એની દુકાન બંધ થતી જોઈ તેલ લેવા આવતી ધમુડીએ દૂરથી રાડ પાડી.

"એ...એ..ટેમુભઈ,ઘડીક રે'જો..મારે તેલ લેવું છે તમારા બનેવીને ભજીયા...''

ધમુડી રાડ પાડીને ઉતાવળે દોડી.
દુકાનથી થોડે દુર રસ્તા પરના ખાડામાં એનો પગ પડ્યો.એના હાથમાંથી બરણી છટકીને સીધી ટેમુના કપાળમાં ટીચાઈ.અને ધમુ
દુકાનના ઓટલા પાસે ગળોટિયું ખાઈને પડી !

ટેમુના કપાળમાં ટીચાયેલી બરણીનું ઢાંકણું ખુલીને કાઉન્ટર પરથી દડીને દુકાનમાં પડ્યું અને બરણી ઓટલા પાસે પડેલી ધમુના માથા પર પડી.

આ બધું પળવારમાં બની ગયું.કપડાં પરથી ધૂળ ખંખેરીને ઉભી થયેલી ધમુ રાગડો તાણીને દુકાનનો ઓટલો ચડી.

"હાય હાય મુવા, અતારમાં તારે દુકાન બન કરીન ચ્યાં ગુડાવું'તું..મીઠાકાકા હોય તો આખો દી' ચ્યય જાતા નથ ને તારો તો ટાંટિયો જ ટકતો નથી.મારી બયણીમાં ઘોબો પાડી દીધો ને જો હુંય ઢોળાઈ જય.ઓય..મા..આ..મારી કેડયમાં ટસાકો બોલી જ્યો...ઓ...."

ટેમુએ કપાળે ઉપસી આવેલા ઢીમચા પર હાથ ફેરવીને ધમુ સામે ડોળા કાઢ્યા.

"ધમુબેન તમે મૂંગા મરો.અમારે કામ હોય તો બા'ર નો જાવું ? તમે બયણી સરખી પકડતા હોવ તો ? અને જમીન ઉપર જોઈને દોડતા હોય તો ? ગામમાં મારી એક જ દુકાન છે ? ગાડી ચુકી જવાના હોવ એમ આંખ મીંચીને ધોડવા જ મંડો છો ? મારા કપાળમાં લિબું જેવડું ઢીમચું તમને દેખાતું નથી, ને તમારી ભંગાર બરણીનો ઘોબો દેખાય છે ? ધરમશીને કાયમ ભજીયા જ ખાવા હોય તો તેલનો ડબો રખાયને ઘરમાં.જાવ આંયથી અમે ચ્યાં તેલ વેચીએ છીએ ? ધોડ્યા જ આવો છો તે !
હબલાની દુકાન રસ્તામાં જ આવે છે તોય આંય સુધી લાંબા થાવ છો. જાવ નથી તેલ આંય..!" કહી ટેમુએ ફરી શટર ખેંચવા હાથ ઊંચા કર્યા.

"ભલો થયને ઈમ નો કર્યને ભયલા..મીઠાકાકા કાયમ મને તેલ ઉધારમાં દે સે.આખો ડબો લેવાની ફર્ય હોય તો અમે થોડાક બયણી લઈને આમ ડોટું કાઢવી ? ભલો થયને કિલો તેલ જોખી દે મારા વા'લા..ધરમશી ભજીયા વગર ભૂરાંટો થાય સે..!" ધમુએ ટેમુના હાથ પકડી રાખતા કહ્યું.

બરાબર એ જ વખતે મીઠાલાલ એમનું બજાજ 80 લઈને આવ્યા. એ મોપેડ પર દુકાનનો કેટલોક સમાન હતો.ઓટલા પર ટેમુ અને ધમુનો સીન જોઈ મીઠાલાલ ઊકળ્યા....

"અલ્યા એય, આ સમાન ઉતારીને દુકાનમાં મુકય. અને આ ધમુડી શું તેલ લેવા આવી છે ? લે હું ઈને તેલ જોખી દવ..!"

મીઠાલાલ મોપેડનું સ્ટેન્ડ ચડાવીને ડેલીમાંથી ઘરમાં જઈ દુકાનમાં આવ્યા.ટેમુનો નીનાને મળવાનો પ્લાન પળવારમાં ચોપટ થઈ ગયો.

ધમુડી સામે ડોળા કાઢીને ચુપચાપ સામાન મોપેડ પરથી ઓટલા પર મુકવા માંડ્યો.ધમુએ એ સમાન ઉપાડીને મીઠાલાલને આપવા માંડ્યો.

"બાપા, તમે જ કીધું'તું કે આપડે તેલ નથી વેચવાનું.તો આને શું કામ...'' સમાન ઉતરીને ઓટલા પર ચડીને ટેમુએ કહ્યું.

"ધમુડી ગામની દીકરી છે.ઈને ના નો પડાય.તને હજી ભાન નથી પડતી.આ કપાળ ક્યાં ટીચીને આવ્યો છો ?" મીઠાલાલે ટેમુના કપાળ પર ઉપસેલું ઢીમચું જોઈને કહ્યું.

"ઈ દુકાન બન કરીન ચ્યાંક જાતો'તો...તે હું ધોડી...ઈમાં મારા હાથમાંથી બયણી વછૂટીને ઈના કપાળમાં ટીસાણી....જોવો મારી બયણીમાં ઘોબો પડી જ્યો.ચેટલું નુકસાન થય જયું...હુંય ગળોટિયું ખયને આંયા પડી જઈ. મીઠાકાકા તમારો આ ટેમુડો કાંય ઉકાળે ઈમ લાગતું નથી. ઈને શીનોક બીજો ધંધો કરી આલો..!" કહી ધમુએ ખીખીખી કરીને હાસ્ય વેર્યું !

"તારે ઈ બધી પંચાત નો કરવી.લાવ્ય તને તેલ જોખી દવ.'' કહી મીઠાલાલે ગુસ્સે થયેલા ટેમુને કહ્યું, ''તું ગાડી લઈને જા, નગીનદાસને પૂછતો આવ્ય કે કેટલા માણસોનું રસોડું કરવાનું છે ? ઈ પ્રમાણે સમાન મંગાવવો પડશે.."

નગીનદાસનું નામ સાંભળતા જ ટેમુનો ગુસ્સો ઉતરી ગયો.નીના આજ મળવા આવવાનું કહેતી હતી અને એના ઘેર મહેમાન આવવાના હતા !

ટેમુએ તરત ઓટલા પરથી કૂદકો મારીને મોપેડને કીક મારી.થોડે દુર જઈ નિનાને ફોન લગાડ્યો.

"હેલો, નીના તું ઘેરથી નીકળી ગઈ ? મારી દુકાનમાં મળવાનો મેળ નહિ પડે; બાપા આવી ગયા છે.મને તારા ઘેર મોકલ્યો છે.કોઈ મહેમાન આવવાના છે ?"

"એની જ તો મોકાણ છે ટેમુ.હું એટલે જ તને મળવા આવતી હતી.મારે તારું કામ છે,તારી સલાહ લેવી છે.એક કામ કર,તું મારા પપ્પાને મળતો આવ,હું સ્ટેશનના રોડે જાઉં છું.આપણે રેલવે સ્ટેશન જતાં રહીએ.બારની લોકલમાં ચડી જશું.બોટાદ આંટો મારતા આવીએ. રસ્તામાં હું તને બધી વાત કરીશ.'' કહી નીનાએ ફોન મુક્યો.

ટેમુ વિચારમાં પડી ગયો.નીનાના સગપણ બાબતમાં જરૂર કંઈક લોચો પડ્યો હતો.

ટેમુએ બજાજ80ને લીવર આપીને નીનાના ઘર તરફ વાળ્યું.

(ક્રમશ :)