MOJISTAN - 82 books and stories free download online pdf in Gujarati

મોજીસ્તાન - 82

મોજીસ્તાન (82)

"કાં તો જેલમાં જાવ કાં તો પછી...." કહી હુકમચંદે હુક્કો ગગડાવ્યો.

ચંચો અને હબો હુકમચંદ સામે તાકી રહ્યાં. પછી એકબીજા સામે જોઇને મુંજાયા.

"કાં તો...? જેલમાં નો જાવું હોય તો અમારે શું કરવું પડશે ?" હબાએ હળવેથી પૂછ્યું.

"જેલમાં નો જાવું હોય તો મારા હુકમના ગુલામ થાવું પડશે.તમારે લખમણિયા ભૂતને મરવા દેવાનો નથી.હું કવ ત્યારે અને હું કવ ઈને બીવડાવવાનો.આજ લગી તમે પોચા માસ્તરના ઈશારે નાચ્યાં,હવે મારા ઈશારે નાચવાનું છે. બોલો મંજુર હોય તો વાત અહીં પુરી થાય છે.અને નો મંજુર હોય તો શરૂ થાશે. આજે સાંજ લગીમાં બરવાળા પોલીસ ટેશનમાં સળિયા ગણતા હશો તમે બેય..! હું ફોન કરું એટલી જ વાર છે."કહી હુકમચંદે ફરી હુકકાનો પાઇપ મોમાં લઈ સટ લગાવી.

હબાને થોડીવાર પહેલા જ નગીનદાસે આપેલી ઓફર યાદ આવી ગઈ.એકવાર ભૂતનો રોલ કર્યો એટલે એ ભૂત કદાચ કાયમ માટે ઘુસી જવાનું હતું !

"મારે જેલમાં જાવું નથી,સર્પસ શાબ્ય, હું તમેં જીમ કેશો ઈમ કરવા તિયાર છવ. મારી ઘરડી માને હવે આ ઉંમરે ભીખ માગવી પડે એવું તો હું નય જ થવા દવ." ચંચાએ તરત શરણાગતિ સ્વીકારી લીધી.

"તો તેં શું વિચાર કર્યો ?" હુકમચંદે હબા સામે જોયું.

"પગાર ચેટલો દેશો ? પોસા માસ્તર તો એક વખતના પાંનસો દેતા'તા..!" હબાએ કહ્યું.

"હા..હા..હા...પગાર જોવે છે ઈમ ? જો ભાઈ પોસા માસ્તર પાંહે તમારી નબળી રગ નો'તી અટલે ઈને પગાર દઈને કામ કરાવવું પડે.મારી પાંહે તો તમારા બેયની ચોટલી હાથમાં જ છે.જો તું ના પાડવાનો હોય તો તારી ઉપર કેસ થાશે. તારા બયરા છોકરા રજળી પડશે. દુકાનમાં ઉંદરડા આંટા મારશે.ઓછામાં ઓછી પાંચ વરસની જેલ તો પડશે જ." હુકમચંદે અટ્ટહાસ્ય કરીને ધુમાડો છોડ્યો.

બિચારો હબો અને ચંચો ! હવે લોકો એમનો ઉપયોગ કરવા માંગતા હતા.ભૂત પણ જો કામમાં આવે એમ હોય તો માણસ એનો પણ ઉપયોગ કરી લેતો હોય છે !

"પણ રોજ રોજ અમે ભૂત થઈને રાતે રખડીએ તો અમારું ઘર ચીમ હાલે એટલો તો વિસાર કરો બાપા..!" હબો કરગરી પડ્યો.

"અલ્યા રોજ રોજ નથી કરવાનું.હું કવ ત્યારે જ તમારે પરચો બતાવવાનો છે.તમે પકડાઈ નહિ જાવ ઈ જવાબદારી મારી.અને મારા પલાન પ્રમાણે જ તમારે કામ કરવાનું છે.જો કામ ધાર્યું થશે તો તમને બે પૈસા મળશે, પણ હું કોઈ વચન આપતો નથી સમજ્યો ?''હુકમચંદે કહ્યું.

"હવે અમેં તો હેઠે આવી જીયા છવી તો લાંબુ ટૂંકું ચ્યાં જોવાનું રિયું ? બસ, અમને જેલમાં નો નાંખશો.થોડું ઘણું મેં'નતાણું દેજો બીજું શું..!" આખરે હબાએ પણ હા પાડી.

"ઠીક છે તમે હવે જઈ શકો છો. રઘલો દવાખાનેથી આવે એટલે એને લઈને હાજર થાજો.જાવ ઉપડો..!" હુકમચંદે બંનેને રજા આપી.

*

જગો અને નારસંગ લખમણિયા ભૂતનો માર ખાઈને ભાગ્યા હતા.ટેમુએ જગાને નદીના પટમાં સારીપટ ધોયો હતો, એ વખતે નારસંગ નદીનો પાળો ચડીને ભાગ્યો હતો.જગાએ પણ એની પાછળ દોટ મૂકી હતી.

બીજા દિવસે સરકારી દવાખાને બંને ડ્રેસિંગ કરાવવા આવ્યા ત્યારે ત્યાં હાજર ચંપાએ અને ગામના દર્દીઓએ કેમ કરતાં કપાળ ફૂટ્યું એ પૂછ્યું ત્યારે લખમણિયા ભૂતે માર્યા હોવાનું કહેતાં દવાખાનામાં ડરનો માહોલ છવાઈ ગયો હતો.

ચંપા ગઈ રાતે બનેલો બનાવ યાદ કરીને મનોમન હસી પડી.

કપાળમાં ટીચાયેલા ટેમુના ગડબાએ નારસંગ અને જગાને સારા એવા ઘાયલ કર્યા હતા.ચંપા એ લોકોનું ડ્રેસિંગ કરતી હતી.

"આવા ઘા ક્યાં જઈને મરાવી આવ્યા છો ? ભૂતે તો માથા ફોડી નાંખ્યા લાગે છે.આમાં તો પોલીસ કેસ થાય એવું લાગે છે.મારે સાહેબની સાથે વાત કરવી પડશે" જગાના માથે પાટો બાંધતી વખતે મોઢું બગાડીને ચંપાએ કહ્યું

"તું સાનીમાની કરતી હોય ઈ કર્ય.નકામી મારા મોઢામાં આંગળા નો નાખીશ." કહી જગાએ બીજા દર્દીઓ સાંભળે નહિ એમ હળવેથી ઉમેર્યું, "એક દી હવારના પાંચેક વાગ્યે બરવાળાથી થોડેક આઘે તને મેં દાગતર હાર્યે ઈમની મોટરની વાંહલી સીટમાં ભાળી'તી. પણ મેં કોયને કીધું નથી અટલે મારી હાર્યે બવ વાયડીની નો થાતી..!"

જાણે વાંદો ગળી ગઈ હોય એમ ચંપાની આંખો ફાટી રહી.જગો 'હેહેહે...' કરીને હસ્યો.અને ટેબલ પરથી નીચે ઉતરતા બોલ્યો,

"તું તારે બી માં ! મેં કોઈને કીધું નથી અને કશ પણ નહિ.મારે કાંય જોતું'ય નથી.બસ હું આવું ત્યારે ખાલી દવા હરખી કરવાની અને વાયડાય નય કરવાની હમજી ?"

ચંપાએ ખાલી માથું ધુણાવ્યું.એ સમજી ગઈ કે એ રાતે ટોર્ચ લઈને આવેલો માણસ આ જગો ભરવાડ હતો !

*

જગા અને નારસંગે જ્યારે જાણ્યું કે હબો, ચંચો અને રઘલો પોચા સાહેબના કહેવાથી ભૂત બન્યા હતા અને તે રાતે એ બંનેને માર મારીને અંદરોઅંદર લડાવ્યા હતા ત્યારે એ લોકોના ગુસ્સાનો પાર રહ્યો નહોતો. તખુભાએ ભલે એ લોકોને કંઈ કરવાની ના પાડી હતી પણ હવે એ બંને ભૂત ટોળકીને છોડવાના નહોતા.

બીજી તરફ રણછોડ હવે એ જાણી ચુક્યો હતો કે એની ગાડી પાછળ ટક્કર મારીને એને મોતને ઘાટ ઉતારવાનો કારસો હુકમચંદે જ ઘડયો હતો,જગો-નારસંગ એ હુકમચંદના ડાબા જમણા હાથ હતા !

રણછોડે જગા અને નારસંગને ઝપેટમાં લીધા હતા.જગાની જીપમાં દારૂની પોટલીઓ મૂકીને બંનેને બરવાળા પોલીસ સ્ટેશનમાં ફિટ કરાવીને રણછોડે બરાબર મેથીપાક અપાવરાવ્યો હતો. પણ એટલાથી સંતોષ માનીને બેસી રહે એમાંનો રણછોડ નહોતો.જગો અને નારસંગ તો પ્યાદા હતા, અસલ વજીર હુકમચંદ હતો અને રણછોડ હુકમચંદને ઠેકાણે પાડવાનો મનસૂબો ધરાવતો હતો.

રણછોડે જગા અને નારસંગને પોલીસ સંકજામાં લઈ હુકમચંદની પાર્ટી ખોંગ્રેસ છોડીને એલપીપીમાં જોડાઈ જવા દબાણ કર્યું હતું.

નારસંગે વફાદારીનો ગુણધર્મ છોડવાની ના પાડી એટલે બંનેએ હુકમચંદને રણછોડવાળી વાત કરી હતી. હુકમચંદે એ બંનેની વાત સાંભળીને રણછોડની પાર્ટી જોઈન્ટ કરી લેવા જણાવ્યું હતું પણ રણછોડની જાસૂસી કરવાનું કહ્યું હતું એટલે બંને હવે રણછોડની પાર્ટીમાં સામેલ થવાના હતા.

[જગા અને નારસંગની આટલી વાર્તા આગળ આપણે વાંચી છે. પણ ત્યારબાદ આ લખમણિયાએ કાળો કેર વર્તાવ્યો અને વાર્તાના ઘણા પ્રકરણો એ ખાઈ ગયો છે.કારણ કે આખરે તો એ ભૂત હતો ને ! હજી પણ આ વાર્તામાં એ સાલો હાજર છે.વાચક મિત્રો તમે પણ આ ભૂતથી હવે કંટાળી ગયા છો એ હું જાણું છું.ઘણા મિત્રોએ ફરિયાદ પણ કરી છે.પરંતુ ક્યારેક સર્જન એટલું માથાભારે થઈ જતું હોય છે કે એ સર્જકના હાથમાં રહેતું નથી.સર્જકના કાબુ બહારની વાત બની જતી હોય છે.હું પણ આ લખમણિયા ભૂતને જલ્દી જ ભગાડવા માંગતો હતો પણ ભૂત કોઈને ગાંઠયું છે તે મને ગાંઠે ?આ વાર્તા ખરેખર એની રીતે જ વહેતી રહી છે.હું તો માત્ર લખી રહ્યો છું.ઘણીવાર મેં અનુભવ્યું છે કે મેં જે ધાર્યું હોય એના કરતાં કંઈક અલગ જ લખાઈ જાય છે.
માત્ર હાસ્ય નિષ્પન્ન કરવાના ઈરાદાથી હું એક નાની વાર્તા લખવા માંગતો હતો, પણ ન જાણે કેમ આ વાર્તામાં નવા નવા પાત્રો ઉમેરાતા ગયા અને બની ગઈ મોજીસ્તાન ! છતાં આપ સૌને વચ્ચે વચ્ચે કંટાળો આવ્યો હોય તો ક્ષમા માગું છું.અને હવે વાર્તાને એના મૂળ માર્ગ પર આગળ લઈ જવાની કોશિશ કરી રહ્યોં છું.જોઈએ શું થાય છે તે !]

હુકમચંદ અને રણછોડ બંને એકબીજાને ખો આપવા તૈયાર હતાં. ટુંક સમયમાં ધારાસભાની ચૂંટણી આવી રહી હતી. ખોંગ્રેસમાંથી ધરમશી ધંધુકિયાની ટીકીટ ફાઇનલ હતી અને હુકમચંદ જેવા સરપંચોનો એને ટેકો હતો.

એલપીપીમાંથી ચમન ચાંચપરાને ટીકીટ મળવાની સંભાવના હતી. રણછોડ જેવા કાર્યકરો એને જીતાડવા માંગતા હતા.એટલે જંગ ખરાખરીનો જામે એમ હતો. રણછોડે જગા અને નારસંગ નામના હુકમચંદના બે પઠ્ઠાઓને દબોચ્યા હતાં.

ગામમાં જ્યારે લખમણિયાનું પ્રકરણ ચાલતું હતું એ દરમ્યાન જગો અને નારસંગ બોટાદ જઈને એલપીપીમાં કાર્યકર તરીકે જોડાઈ ગયા હતાં.

રણછોડ પણ કાચી માટીનો નહોતો.એણે થોડા દિવસ પછી જ જગા અને નારસંગને પોતાના હાથ નીચે લીધા પછી એ લોકોની પરીક્ષા લીધી હતી.કારણ કે બીજી પાર્ટીમાંથી આવનાર માણસ ખરેખર એ પાર્ટી છોડીને જ આવ્યો છે કે જાસૂસી કરવા એ જાણવું જરૂરી હતું.

રણછોડે જગા અને નારસંગને એક મહત્વનું સોંપ્યું હતું.જગાને બેસાડીને રણછોડે કહ્યું હતું કે બોટાદ દલિત સમાજનો આગેવાન હરજી હલેસિયો ખોંગ્રેસ છોડીને એલપીપીમાં જોડાઈ રહ્યોં છે.અને ચમન ચાંચપરા ખોંગ્રેસ છોડવા માટે દસ લાખ રૂપિયા બે દિવસ પછી હરજીને આપવાના છે.એ રૂપિયા લઈને તમારે હરજીને આપવા જવાનું છે !

રણછોડ જાણતો જ હતો કે જગો અને નારસંગ જો ખરેખર હુકમચંદને છોડીને આવ્યા હશે તો એ લોકો આ વાત ખાનગી રાખશે.
નહિતર હુકમચંદને જણાવ્યા વગર રહેશે નહિ. હુકમચંદ આ વાત જાણશે એટલે તરત હરજીનો સંપર્ક કર્યા વગર રહેશે નહિ. કારણ કે દલિત સમાજ ખોંગ્રેસની બહુ મોટી વોટબેંક હતી એ રણછોડ સારી રીતે જાણતો હતો !

પાલજી બારોટ હરજીનો ખાસ મિત્ર હતો.આ પાલજી બારોટ ભજન કલાકાર હતો અને સ્ટેજ સંચાલન બહુ સારી રીતે કરતો. રણછોડે એને ઘણા કામ અપાવ્યા હતા એટલે એ રણછોડની પાર્ટી એલપીપીનો સમર્થક ન હોવા છતાં રણછોડનો મિત્ર હતો.એટલે જો હુકમચંદ કે ખોંગ્રેસનો કોઈપણ હોદ્દેદાર જો હરજીને ખોંગ્રેસ છોડવા અંગે પૂછપરછ કરે તો એ વાત હરજી પાલજીને જરૂર કહે જ.અને પાલજી તરત જ રણછોડને પૂછ્યા વગર ન રહે.

રણછોડને બીજુ કંઈ કરવાનું ન હતું.જગાને આખી વાત સમજાવ્યા પછી પાલજીના ફોનની વાટ જ જોવાની હતી.જો પાલજીનો ફોન આવે તો જગાને કરેલી વાત વાયા હુકમચંદ,હરજી સુધી પહોંચી છે એ તરત એને સમજાઈ જવાનું હતું.અને ત્યારબાદ જગા અને નારસંગનું શું કરવું એની યોજના રણછોડે તૈયાર કરી હતી !

*

"બોલો જગા અને નારસંગ.શું રંધાઈ રહ્યું છે એલપીપીમાં ? કોઈ નવીન સમાચાર છે કે નહીં ?''

"શેઠજી,હરજી હલેસિયો દહલાખ લયન ખોંગરેસ સોડવાનો સે." કહી જગાએ રણછોડે જે કહ્યું હતું એ બધું જ હુકમચંદને કહી દીધું.

હુકમચંદ પણ ખંધો આદમી હતો.

'આવડી મોટી ડિલ કરવાની હોય કે આવા કોઈ સમાચાર હોય તો હજી બે દિવસ પહેલા જ પરાણે જોડાયેલા નવા માણસોને કોઈપણ પાર્ટી આવું કામ સોંપે નહિ.' રણછોડ આ બંનેને પરખતો હોવાનો ખ્યાલ તરત હુકમચંદને આવી ગયો.

"બહુ સારું.હું જ્યાં સુધી ના ન પાડું ત્યાં સુધી જે કામ તમને સોંપે એ કરો.પણ નાની નાની વાત પણ મને કહેવાનું ભૂલવું નહિ ! જાવ હવે." હુકમચંદે બંનેને રજા આપી.

જગો અને નારસંગ હુકમચંદના ગોડાઉનમાંથી બહાર નીકળ્યા કે તરત સામેના મકાનના ધાબામાં ઉભેલા પશવાએ ( હા, ડોકટરના કવાટરમાં રઘલા સાથે ગયો હતો એ જ પશવો. ઓળખ્યો ને ?)એ બંને નો ફોટો પાડીને રણછોડને વોટ્સએપ કર્યા પછી તરત ફોન કરી દીધો...!

રણછોડને ખબર જ હતી કે જગો અને નારસંગ હુકમચંદને મળ્યા વગર રહેશે નહિ અને હુકમચંદ આ બંને પઠ્ઠાઓની વાતનો કદાચ વિશ્વાસ ન પણ કરે. એટલે પશવાને એ બંને પર નજર રાખવાનું કામ એણે સોંપ્યું હતું. પશવો આમ તો સાવ અડબંગ હતો પણ રણછોડનો દુરનો માસિયાઈ ભાઈ પણ થતો હતો.એટલે રણછોડ એના પર વિશ્વાસ મૂકી શકે તેમ હતો.

ડો. લાભુ રામાણીએ બરવાળા પોલીસ સ્ટેશનમાંથી છોડાવ્યા પછી પશવાએ ગામમાં ભૂત થયું હોવાની વાત રણછોડને કરી હતી.
તખુભાને હોસ્પિટલમાં દાખલ કર્યા પછી સવજીની વાડીએ મચેલો તહલકો, તભાભાભાએ રચેલો કાંડ અને ભૂતના પર્દાફાશ સુધીના સમાચારો રણછોડ પશવા અને એના બીજા સાગરીતો દ્વારા મેળવતો રહેતો. રણછોડની પ્રેમિકા નયનાએ પોતાની દીકરીના વેવિશાળ થયા પછી રણછોડ સાથેના સબંધો પર પૂર્ણવિરામ મૂકી દીધું હતું.

નીના એની મા અને રણછોડનો સબંધ જાણી ગઈ હતી.પણ જે રીતે નયના પાછી ફરી ગઈ હતી એ જોઈ નીનાને કોઈ ફરિયાદ રહી નહોતી.

ગામની રજેરજ માહિતી રણછોડ રાખતો હતો એની ખબર હુકમચંદને નહોતી.ગામમાં ભૂતના પ્રકરણનો તો અંત આવ્યો હતો પણ હજી તભાભાભા,બાબા અને પોચા માસ્તરનો ન્યાય કરવાનો બાકી હતો.

હુકમચંદ પોતાના રાજકીય લાભ માટે હબા, ચંચા અને રઘલાને ભૂત બનાવવા માંગતો હતો પણ રણછોડ આખું ભૂત પ્રકરણ પહેલેથી જ જાણતો હતો એની ખબર હુકમચંદને નહોતી.

પોચા માસ્તર અને ચમન ચાંચપરા નાનપણના પાકા મિત્રો હતાં.અને રણછોડ પોચા સાહેબની આખી યોજનાનો માસ્ટર માઈન્ડ હતો એની ખબર તો કોઈને નહોતી.

હરજી હલેસિયો ખરેખર ખોંગ્રેસ છોડે તો પાર્ટીને ઘણું નુકસાન થાય એમ હતું.કારણ કે બોટાદના દલિતોના મત ફરે તો આજુબાજુના ગામડાઓમાં પણ એની અસર થાય એ હુકમચંદ જાણતો હતો.

હુકમચંદ વિચરમાં પડ્યો હતો. રણછોડે સાવ તુક્કો માર્યો હતો કે ખરેખર વાતમાં દમ હતો એ જાણવું જરૂરી હતું.

બીજા દિવસે હુકમચંદે ચંચાને મોકલીને નાજા પરમારને ગોડાઉન પર બોલાવ્યો.નાજો હરજીનો દુરનો સગો થતો હતો એની હુકમચંદને ખબર હતી.એટલે એના દ્વારા હરજીના હાલ હવાલ જાણી લેવાની પેરવી હુકમચંદે રચી હતી.કારણ કે જો સીધું જ હરજીને પૂછે તો વાતનું વતેસર થઈ જાય તેમ હતું.

"નાજા તારે એક માહિતી લાવી આપવાની છે.તું મારો ખાસ વિશ્વાસું માણસ છો એટલે તને જ કામ સોંપવું પડે એમ છે." નાજો આવીને બેઠો એટલે હુકમચંદે એને બીડી આપીને કહ્યું.

"સર્પસ શાબ્ય, આપડા પક્ષ માટે તમતમારે હું અડધી રાતે તમે કેશો ઈ કામ કરવા ધોડીશ. બોલો હું કામ કરવાનું સે ?" નાજાએ હુકમચંદે આપેલી બીડી સળગાવતા કહ્યું.

હુકમચંદે એને આખી યોજના સમજાવીને રજા આપી.જેવો એ ગોડાઉનના ડેલા બહાર નીકળ્યો કે તરત પશવાએ એનો ફોટો પાડીને રણછોડને મોકલી આપ્યો. અને ફોન કરીને નાજાનો પરિચય પણ આપી દીધો.

'તો આ નાજો કદાચ હરજીનો સંપર્ક કરવાનો હોવો જોઈએ.' રણછોડના ચહેરા પર એક સ્મિત આવીને વિલાઈ ગયું.!

(ક્રમશ:)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED