મોજીસ્તાન (10)
હુકમચંદ સરપંચને ટેમુ ઉપર બરાબરની દાઝ ચડી હતી. સવારના પહોરમાં એની દુકાને બીડી, બાક્સ લેવા ઊભા રહેવા જેવું નહોતું. સાલી ધમૂડી પણ એ જ વખતે તેલ લેવા ગુડાણી અને એની બાકી રાખેલી મજૂરી પેટે પાંચસો રૂપિયાની નોટ આપવી પડી હતી...!
એ નોટમાંથી ધમૂડીના તેલનું બિલ બાદ કરીને વધેલા પૈસા પાછા લેવા જવામાં સરપંચને જોખમ લાગતું હતું એટલે એમણે ચંચાને બોલાવ્યો.
"અલ્યા...તું બે દિવસ પહેલાં સવારમાં ટેમુડાની દુકાનેથી નીકળ્યો તો ને...? "
સરપંચના સવાલથી ચંચાના પેટમાં ફાળ પડી...પણ પછી સરપંચ સવારનું કહેતા હતા એટલે એના જીવમાં જીવ આવ્યો.કારણ કે ટેમુ અને બાબાએ તો એને સાંજે ધોયો હતો..!
"હા..જોવોને હું સાયકલ લયન નીકળ્યો...પસ તમે ધમૂડી હાર્યે વાતું કરતા'તા..પસ જોવોને મેં ઈને ઘસકાવી..કે સરપંસ સા'બનું નામ નો લેતી..પસ જોવોને તમે ખિજાયા..પસ જોવોને..." ચંચો સવારવાળી વાત યાદ કરવા લાગ્યો.એની વાત કાપીને હુકમચંદે કહ્યું,
"હવ પસ પસ કર્યા વગર તું ઈ ટેમુડાની દુકાને ઉપડ્ય...મારા પાનસો રૂપિયા ન્યા જમા સે. ઈમાંથી વધેલા પાસા લીયાવ...જા ઝટ."
"હેં..? હું જવ ઈમ ? તમારા પાનસો ઇની દુકાને જમા સે ઈમ ? ચીમ ન્યા જમા સે...? કાંય લીધું'તું..? મને કાંય હમજાણું નય..!" ચંચો નવાઈ પામ્યો... સાથેસાથે પોતાને ટેમુની દુકાને જવું પડશે એ વાતથી ડર્યો પણ ખરો, કારણ કે ટેમુએ સોંપેલું કામ એનાથી થઈ શક્યું નહોતું.
વીજળી સાથે પોતાનું ગોઠવવા એ મથી રહ્યો હતો ત્યાં આ ટાઢિયો એના પ્રેમનો સંદેશાવાહક પોતાને બનાવી રહ્યો હતો..અને બાબલાના હાથે માર ખવડાવાની ધમકી પણ આપી હતી.
"વાયડીનું થ્યા વગર તું જા..નકર એક જોડો ઠોકીશ તારા જડબાં ઉપર.. જા જઈને મારા રૂપિયા લીયાવ." કહીને સરપંચ ઘરમાં જતા રહ્યા. ઓસરીમાં વીજળી અરીસા પાસે ઊભી રહીને વાળ ઓળતી હતી..
"શી..શી..સ..સ..." ચંચાએ આજુબાજુ જોઈને વીજળીને સિસકારો કર્યો. ચંચાને એમ હતું કે વાત થઈ જાય તો એક કાંકરે બેય પક્ષી મરી જાય...વીજળીને બપોરે ટેમુની દુકાને જવાનું પણ કહેવાય જાય અને ટેમુની દુકાનેથી સરપંચના પૈસા પણ લઈ અવાય...!
પણ વીજળીએ એની સામું પણ જોયું નહીં, એટલે ચંચાએ બીજો રસ્તો કાઢ્યો..
"જેને દાળિયા અને ખાર્સિંગ ખાવી હોય ઈ આજ બપોરે ટેમુડાની દુકાને બે વાગ્યે પોગી જાય. દાળિયા હાર્યે કેડબરી હોતે મફતમાં મળશે." એમ જોરથી બોલીને ચંચો ભાગ્યો.
*
ચંચો ટેમુની દુકાને આવ્યો ત્યારે એ આરામથી ગાદી પર લંબાવીને પડ્યો પડ્યો કોઈ પુસ્તક વાંચી રહ્યો હતો..!
"ચ્યમ છો ટેમુ શેઠ...? સરપંચે કીધું છે કે ઓલ્યા પાંચસોમાંથી જે વધ્યા હોય ઈ..." ચંચો હજુ પૂરું કરે એ પહેલાં જ ટેમુએ એનું ટેબલફેન જેવું માથું એની તરફ ફેરવ્યું...
"તો તું સરપંચના પાંચસો રૂપિયાનો હિસાબ લેવા આવ્યો ઈમ ? તે દી' તું આંય હાજર હતો ? ઓલી ધમૂડીને તેલ આપવાનું હતું પણ મારા બાપાએ ઘંહીને ના પાડી ઈ તને ખબર્ય સે ? પસી ધમૂડી ઠેઠ ઘરે પોગી તાં લગણ અમને ગાળ્યું દેતી જઈ, ઈ તને ખબર્ય સે ? પસી તખુબાપુ જેવા તખુબાપુને ટાઢું પાણી પીવા ચ્યાંય લગણ મારી દુકાને બેહી રેવું પડ્યું'તું ઈનું તને જરાય ભાન સે ?
ગામમાં તખુબાપુ જેવું બીજું કોઈ માણહા સે ? ઈ ઉપડ્યાય ઉપડે કોયથી ? જરાક જેટલું'ય ઈમને અભેમાન સે ? મારી જેવા બે બદામના ટેમુડાના કે'વાથી બાપુ ઘોડી ઉપરથી ઉતરીન મારી દુકાને ચેટલી ઘડી બેહી રીયા. તારા હુકમસંદને લીધે ઈમને ચેટલું વેઠવું પડ્યું સે.બીજું કોક હોય તો હામુ'ય શીના જોવે..! સરપંચ તો તખુભા જેવા બાપુ જ હોવા જોવે..તારા હુકમસંદે ધમૂડીને તેલ દેવરાવવા પાનસોની નોટ દીધી ઈમાં મારા બાપા મારી ઉપર ચેટલું ખિજાયા.ધમૂડી કોણ જાણે ચેવી બયણી લઈને આવીતી,ઈ બયણીનો ધડો મેં ચીમ કર્યો ઈ તને ખબર્ય સે...? ઇની બયણી કોઈ વાતે જોખાતી જ નો'તી..મારે ચેટલા પાણકા વાપરવા પડ્યા ઈ તને ખબર્ય સે...? મારે બવ મેં'નત પડી સે ચંચીયા...ઈ બધો હિસાબ તારે દેવો પડશે.." ટેમુએ સરપંચના પાંચસો રૂપિયાનો કારણે જે તકલીફો એને પડી હતી એનું ગાયન ગાવા માંડ્યું...એટલે ચંચાએ બીતા બીતા એને અટકાવ્યો...
"પણ હું ઈ વખતે આંય નો'તો અટલે મને ચ્યાંથી ખબર્ય હોય.. હવે જે થિયું ઈ. પાંસોમાંથી જે વધ્યું હોય ઈ પાસું દે ને બાપા..મને આંય પરાણે મોકલ્યો સે. નકર હું આ બજારેથી હવે નીકળુંય નય."
ચંચાએ કાઉન્ટર પાસે ઊભા રહીને કહ્યું.
ટેમુ થોડીવાર એને તાકી રહ્યો.જાણે ચંચાને વીંધી નાખવો હોય એવી નજરે..! ચંચો ટેમુની નજરનો પ્રતાપ જીરવી શક્યો ન. હોય એમ આડું જોઈ ગયો.
"ચીમ ? અમારી બજારમાં કાંય ખાડા ટેકરા સે...? તું આંય નો નીકળ તો તેલ લેવા જા...અમારે તારી કાંય જરૂર નથી.હાલ્ય ઉપડ આંયથી..અને હા..ઓલ્યું મેં કીધું'તું ઈનું સ્હું થિયું...ચમેલીને આપડા સમાચાર પોગાડ્યા કે નય...? મરી જ્યો હમજી લેજે.....જો આજ બપોરે ઈવડી ઈ ખાર્સિંગ ને દાળિયા લેવા નય આવે તો બાબાલાને તારા કૂબે મોકલીને ઢીબાવી નાખીશ..." ટેમુએ ત્રીજું નેત્ર ખોલ્યું.
"યાર..ટેમુડા..." ચંચાનું મોં સુકાવા લાગ્યું.
"ટેમુશેઠ બોલ્ય, કાંય હાલીમવાલી હમજશ..? સાલે કુત્તે... કમીને..." ટેમુએ ખૂણામાં પડેલો ડંડો ઉઠાવતા કહ્યું.
"ટેમુશેઠ...બાપા...મેં તમારા બે મોઢે વખાણ કરીને વીજળીને બપોરે આવવાનું કય દીધું સે... અને ઓલી કેડબળીનું પણ કીધું સે...હવે ઈ હંધુ જાતુ કરો અને ઓલ્યા પાંસોમાંથી જે વધ્યું હોય ઈ મને પાસું ગુડી દો, બાપલીયા. અટલે હું આંયથી ડાંડે પડું." ચંચાએ બે હાથ જોડ્યા.
"તો ઠીક...હવે પાંસોમાંથી તેલ દેવા હાટુ મેં કરેલી મે'નતના અને તખુભા બાપુનો કિંમતી ટેમ બગડ્યો ઇના..મારા બાપા મને વઢયા ઇના..અને છેલ્લે ધમૂડીએ ઉભી બજારે જે બળાપો કાઢીને અમને જેવીના ને તેવીના કીધાં
ઈના પૈસા ગણવા પડશે. લગભગ તો તારે સામા દેવાના નીકળશે. ચેટલાં નીકળે સે ઈતો હું ટોટલ મારુ પસી ખબર્ય પડે..જો તને કય દવ સુ, આમાં હું ડિસ્કાઉન્ટ બિલકુલ નહીં આપું.. કારણ કે આપડે ડિસ્કાઉન્ટવાળો ધંધો કરતા નથી હમજ્યો ? સરપંસને કે'જે કે હું પંડે એક દી' આવી જઈશ અને બધો હિસાબ આપી જઈશ... હાર્યે હાર્યે સાપાણી પણ પીય જસ...હાલ્ય ઉપડ્ય તું આંયથી." ટેમુએ પેલો ડંડો નીચે મૂક્યો.
ટેમુનો હિસાબ સાંભળીને ચંચો તો ખીલેથી વાછડું છૂટે એમ ટેમુની દુકાનેથી ભાગ્યો.
* * * * *
જાદવ ઝીણીયો તખુભાના ખાટલા પાસે બેઠો હતો.
તખુભાનો ખાટલો આમ તો ઓસરીમાં જ રાખેલો પણ દિવસે ગામના લોકો અને સગાંવહાલાં ખબર પૂછવા આવતા, એટલે ઝીણીયો રોજ સવારે આવીને તખુભાને ડેલીમાં લઈ જતો. બીજા બેચાર જણાંને પણ આખો દિવસ કામ પડતું મૂકીને બાપુની સેવામાં ખડે પગે રહેવાનો અવસર પ્રાપ્ત થયો હતો.
ઘોડીને પશુ દવાખાનામાંથી હજી રજા આપવામાં આવી નહોતી.
"ઝીણીયા...તારું ડોબું ઈમ શીને ભડકયું ? વાડીના મારગે હાલ્યું જાતું ડોબું ઉંસુ પુંસડું લયને ધોડ્યું. તું કેસ કે કોક ઢેફાના ઘા કરતું'તું..તે પાસું વળીને જોયું'તું ? હતો કોણ ઈ ? મારી તો પથારી ફેરવી નાખી તારા ડોબાએ...! ઈ ડોબું તું વેસી જ નાખ્ય..મારે એકથી લાખેય ઈ ડોબું ગામમાં નો જોવે, સ્હું હમજ્યો...? જા કાંક નાસ્તો લઈ આવ્ય... ગામમાંથી ઓલ્યા મીઠીયાની દુકાનેથી ગાંઠીયા ને પેંડા લઈ આવ્ય...જા ઝટ કર..." તખુભાએ જાદવાને કહ્યું. જાદવો હજી ઉભો થતો જ હતો ત્યાં તભા ગોર આવતા જણાયા.
તખુભાનું ડેલું ગામના ચોરાની સાવ નજીક હતું. હમેશાં ત્યાં ડાયરો જામતો.ડેલામાં તખુભા એક મોટા ઢોલિયામાં ગાદી અને તકિયા નાખીને બેસતાં. જાદવ ઝીણીયા જેવા બેચાર હજૂરીયા એમની સેવામાં ખડા પગે રહેતા. બીજા બે ખાટલા પણ ઢાળી રાખવામાં આવતા.બજારેથી નીકળતા ગામવાસીઓ 'જે માતાજી બાપુ...' કહીને જ ત્યાંથી નીકળતા.
હુકમચંદ,વજુશેઠ,રવજી-સવજી અને તભાગોર જેવા સદગૃહસ્થો તખુભાની ડેલીમાં ખાટલે બેસી શકતા. બાકીનાને નીચે ઉભડક બેસવાની છૂટ મળતી.
ડેલીની અંદર ડાબી બાજુ ઢાળિયામાં બાપુની ઘોડી અને ગાય બાંધવામાં આવતી. ઢાળિયાના એક છેડે એ ગાયનું નાનું વાછરડું ઘાસનાં લીલા તરણા ચાવતું રહેતું. એક ખૂણામાં લીલા ઘાસચારાનો ઢગલો પડ્યો રહેતો. વિભો ભરવાડ તખુભાની વાડીએથી રજકા અને સાહટીયાના (લીલી જુવાર ) ભારા વાઢી લાવતો.તખુભાને ખેતીની ખૂબ સારી આવક હતી.એમના દીકરા બહાદુરભાઈ ખેતી સાંભળતા.
ઢાળિયાની દીવાલે ઘોડીની ગમાણ ઉપરની એક ખીંટીએ ઘોડીનું જીન ટીંગાઈ રહેતું. ખાસ પ્રસંગોએ બહુ દૂરના ગામતરે જવાનું થાય તો જ તખુભા એનો ઉપયોગ કરતા.
ઢાળિયાની સામેની દીવાલે એક ડીઝલ બુલેટ ઊભું હતું. જે મોટેભાગે બહાદુરભાઈ જ હાંકતા. થોડા આગળ વધો એટલે બરાબર વચ્ચેના ભાગમાં ઊંચી ઓસરીમાં જવાના ચાર લાંબા પગથિયાં હતા. ઓસરીને એક છેડે રસોડું અને પાણિયારું હતું. બે ઓરડાના દરવાજા ઓસરીમાં પડતા. ઓસરીની દીવાલ પર છતને અડી જાય એમ ઘણા દેવી દેવતાઓના ફોટા ત્રાંસા લગાવેલા હતા. એ ફોટાઓમાં તખુભા અને એમના પરિવારના શુભ પ્રસંગોએ પડાવેલા કેટલાક ફોટાઓ પણ હતા. પાણિયારાની બાજુમાં નાનકડું મંદિર હતું. એ મંદિરની બાજુમાં રાખેલા સુખડના હારથી શોભતા ફોટામાં રાજબાની હસી રહેલી તસ્વીર હતી.
તખુભાના પરિવારમાં એમના એક દીકરા બહાદુરભાઈ પર એમની ખેતીવાડીની જવાબદારી હતી. તખુભાના પત્ની રાજબાનું ગામમાં ખૂબ માન હતું. રાજબા ખૂબ દયાળુ હતાં. ક્યારેક કોઈ માણસ તખુભાના ક્રોધનો ભોગ બન્યું હોય તો રાજબા એને બચાવી લેતાં.
તખુબાપુની વાડીમાં દાડી દપાડી કરતા મજૂરવર્ગને રાજબાએ એટલી માયા લગાડેલી કે જો તખુભાની દાડીએ આવવાનું હોય તો એ લોકો બીજા કોઈની દાડીએ જતા નહીં. રાજબા મજૂરો માટે જ એક ભેંસ વધુ રાખતા, પણ હવે રાજબા રહ્યા નહોતા એટલે તખુભાએ એક ગાય સિવાયના બીજા ઢોર કાઢી નાંખ્યા હતા.
તખુભાની જાણ બહાર રાજબા ઘણા ગરીબ લોકોને મદદ કરતા. કહેવાય છે ને કે સારા લોકોની જરૂર ભગવાનનેય કદાચ પડતી હશે! એટલે જ જ્યારે રાજબા બે વરસ પહેલાં ટૂંકી માંદગીમાં પ્રભુને પ્યારા થઈ ગયા, ત્યારે આખું ગામ હિબકે ચડ્યું હતું. તખુબાપુની સરપંચની પદવી રાજબા હતા ત્યાં સુધી જ રહી હતી.એમના અવસાન પછીની ચૂંટણીમાં જ હુકમચંદ ચૂંટણી જીતી ગયો હતો. રાજબા વગર તખુભાના ઘરમાં અંધારું થઈ ગયું હતું.
ઊભા વાળ ઓળેલું માથું, મોટી આંખો, લાબું અને પાતળું નાક, આંકડા ચડાવેલી અને હવાને વીંધતી મૂછો, અને સંપૂર્ણ દરબારનો દેખાવ આપતી લાંબી કદકાઠી...! તખુભા ગામમાં કોઈપણ જાતનું અટકચાળું ચલાવી લેતા નહીં. કોઈનું છીનાળુ કે આડા સબંધોની એમને ભારે નફરત હતી. કોઈ માથાભારે વ્યક્તિ ખોટી રીતે દાદાગીરી કરીને કોઈ ગરીબને રંજાડે તો તખુભા એને પોતાની ડેલીમાં બોલાવીને એનો હિસાબ લેતા. કોઈપણ જાતનો અન્યાય તેઓ ચલાવી લેતા નહીં.એટલે જ આજ દિવસ સુધી ગામના સરપંચ તરીકે બિનહરીફ ચૂંટાતા આવ્યા હતા.
મોટેભાગે 'ભાગ્યમાં હોય અને ભગવાન આપે એટલું જ લેવું' એવો સિદ્ધાંત એમણે રાખ્યો હતો. જાત મહેનત કર્યા વગરની દરેક પાઈ હરામની કમાણી કહેવાય એમ તખુભા પંચાયતને સમજાવતા. ગટરલાઇનના કોન્ટ્રાક્ટમાં પંચાયતના સભ્યોએ તખુભાના આવા વિચારોને જુનવાણી જાહેર કર્યા હતા.
"તમારા ભાગ્યમાં હશે એટલે જ તમે સરપંચ થયા છો...અને એટલે જ આ ગટરનું કામ આવ્યું છે. સામે ચાલીને લખમી સાંદલો કરવા આવે ત્યારે મોઢું ધોવા જવાની મૂર્ખાઈ નો કરાય, બાપુ...!" એમ કહીને પંચાયતના સભ્યોએ તખુભાને ગટરના કામમાં ગોટાળો કરવા મજબૂર કર્યા હતા. રાજકારણમાં મને કમને પણ સારા માણસને નમતું જોખવું પડતું હોય છે.પોતાની પેનલને રાજી રાખવા એમણે આંખ આડા કાન કર્યા તો હતા પણ એમનો અંતરાત્મા ક્યારેય રાજી રહ્યો ન્હોતો. ગામમાં વહેતી ખુલ્લી ગટરની ગ્રાન્ટમાંથી એક રૂપિયો પણ એમણે પોતાના ખિસ્સામાં નાખ્યો ન્હોતો.
પોતાના ભાગમાં આવતી એ કાળી કમાણીમાં ઘરના પૈસા ઉમેરીને ગટર લાઈનનું કામ કરી નાખવાનું એમણે મન બનાવી જ લીધું હતું ત્યાં ચૂંટણી આવી ગઈ.
નવી ટર્મમાં ગટર લાઈન અને પાણીની લાઈન એમ બંને કામ વ્યવસ્થિત કરી આપવાનું વચન એમણે ગામ લોકોને આપ્યું હતું પણ હુકમચંદે એમને ફાવવા દીધા ન્હોતા.પંચાયતના સભ્યોએ કરેલા ભ્રષ્ટાચારમાં પોતે ભાગીદાર ન હોવા છતાં હુકમચંદે એ ભ્રષ્ટાચાર
તખુભાએ જ કર્યો હોવાનો પ્રચાર કરીને લોક લાગણી ફેરવી હતી.
ચૂંટણીમાં તખુભા હારી ગયા હોવા છતાં એમને એ બાબતનો જરાક પણ રંજ થયો નહોતો.
"ભલું થયું ભાંગી ઝંજાળ,સુખેથી ભજીશું શ્રીગોપાળ.." નરશી મહેતાનું એ ભજન એમને યાદ આવી ગયું હતું.ગામની લપમાં પડ્યા વગર હવે નિવૃત થઈને શાંતિથી પાછળની જિંદગી જીવવાનું એમણે નક્કી કર્યું હતું..
ત્યાં વજુશેઠને એમના પુત્રો દ્વારા પ્રાપ્ત થયેલા વૈરાગ્યને કારણે, એમણે ગામના કામોમાં રસ લેવા માંડ્યો હતો. તખુભાની ડેલીમાં બેસવા આવવાનું એમણે બંધ કરીને તાલુકા કચેરીના આંટા ફેરા વધારી દીધા હતા.
ચૂંટણી જીતીને સરપંચ બનેલા હુકમચંદને પચાસ વીઘાની એક વાડી પણ હતી.ખેતી અને વેપાર એમ બેવડી કમાણી હોવા છતાં એને હજી ઘટ પડતી હતી,
એટલે એણે દુકાન બંધ કરીને રાજકારણમાં ઝંપલાવ્યું હતું. એનો જમણો હાથ એક અકસ્માતમાં લબડી પડ્યો હતો, છતાં એ હાથની લબડતી આંગળીઓ વડે ધમૂડી જેવી બાયુને મરચાં સહિતની કેટલીક ચીજોની લંબાઈ બતાવી શકતા...!!
તખુભાને કાવાદાવા કરીને એણે હરાવ્યા હતા. એનું ધ્યેય રાજ્યના મુખ્યમંત્રી બનવાનું અને પછી જો મેળ પડે તો દેશના વડાપ્રધાનપદ પ્રાપ્ત કરવા સુધીનું હતું...!
"દેવીલાલ જેવો હાલતા ચાલતા ઊંઘી જતો માણસ જો વડાપ્રધાન થઈ શકતો હોય...અને લાલુ યાદવ જેવા લબાડ લોકો જો પંદર વર્ષ સુધી બિહારના મુખ્યમંત્રી તરીકે ચીપકી રહેતા હોય તો હુકમચંદ તો હોશિયાર માણસ છે." એમ એ વિચારતો.
'નિશાન ચૂક માફ પણ નહીં માફ નીચું નિશાન...' એ સુવિચાર એણે જીવનમાં અપનાવીને હમેશાં ઊંચું પદ પ્રાપ્ત કરવાના પ્રયાસો જારી રાખ્યા હતા. એ પ્રયાસોને ફળ સ્વરૂપે એ સરપંચપદે આરૂઢ થયો પણ હતો.
પણ હુકમચંદની દરેક હિલચાલ પર તખુભાની ચાંપતી નજર હતી. હુકમચંદના ખાસ હજૂરીયા ચંચાને પોતાની ડેલીમાં બોલાવીને
એમણે જાદવા પાસે ઢીબાવ્યો હતો.ચંચાની વીડિયો વાઇરલ કરવાની ટેવ એને ભારે પડી હતી.
ચંચો હવે તખુભાની આંખ બનીને હુકમચંદની બાતમી પહોંચાડવા મજબૂર બન્યો હતો.
આપણે પાછા આડી વાતે ચડી ગયા...! તભાગોર તખુભાની ખબર કાઢવા આવ્યા છે. એ વખતે બાબો એક નવું જ તોફાન કરવા જઈ રહ્યો હતો..!!
ચાલો તખુભાની ડેલીમાં....
(ક્રમશ:)