MOJISTAN - 3 books and stories free download online pdf in Gujarati

મોજીસ્તાન - 3

મોજીસ્તાન.

પ્રકરણ-૩


ટેમુની દુકાને સવાર સવારમાં સરપંચ આંબળછેડા લઈ રહ્યા હતા.એમના દસ રૂપિયા ટેમુના ગલ્લામાં જમા થઈ ગયા હોઈ એમને ખીલે બંધાયેલા ઢોરની માફક ત્યાં ખોડાઈ રહેવું ફરજિયાત હતું.

"ચીમ કોઈ નથી...? દુકાનમાં..? મારે તેલ લેવું છે...આજ સવાર સવારમાં તમાર જમયને ભજીયા ખાવાનું મન થિયું તે મન કે' જા તેલ લય આય...હી હી હી... તે હું તેલ લેવા આયી સવ.. પણ તમે ચીમ આંય ગમાણે ઢોર ઊભું હોય ઈમ ઊભા સવો...?"

ધોળી ડોશીની ધમૂડી બરણી લઈને તેલ લેવા આવી હતી. આ ધમૂડીનો ધણી ઘરજમાઈ થઈને ગામમાં રહેવા આવ્યો હતો.એ બિચારો સાવ સલપાંખડી (શરીરે દુબળો) હતો એટલે લગભગ અડધું ગામ એમ સમજતું કે ધમૂડી ધરાતી નહીં હોય...!! એટલે એની અધુરપને પોતાની મધુરપ બનાવવા મધમાખીની જેમ ઘણા જુવાનિયા એની આસપાસ મંડરાતા રહેતા. હુકમચંદ પણ એ બમણતી માખીઓ વચ્ચે ગુંજારવ કરતો એક ભમરો હતો.

ઘાટીલું બદન, ભૂખરા રંગના લાંબા વાળ,મારકણી આંખો, ઝીણા રીંગણા જેવું નાક, પાકેલી કેરી જેવા પોચા ગાલ,ઉપરનો પાતળો અને નીચેનો જાડો એવા ચિભડાની ચીરું જેવા હોઠ નીચે ત્રિકોણાંકાર ચિબુક...ધમૂડીએ ગાલ પર અને દાઢી પર ત્રોફાવેલા ત્રોફણા એના રૂપમાં ઔર વધારો કરી રહ્યાં હતાં.એની લાંબી ડોકમાં એણે કાળા દોરામાં પરોવેલું મંગળસૂત્ર અને એક-બે માદળીયા પહેર્યા હતા. સહેજ ત્રાંસા કાનમાં પહેરેલા લટકણીયા એની બુટમાં હીંચકા ખાતા હતાં.

હુકમચંદ આ ધમૂડીને ઘડીક જોઈ રહ્યો. એના પહેરણ નીચેથી પ્રસરી રહેલા પરસેવામાં વધારો થવા માંડ્યો હતો...! હવે ટેમુડો મોડો આવે તો પણ એમને વાંધો નહોતો કારણ કે અહીં એક સાંધો એમને મળી ગયો હતો.ધમૂડીના ફાટીને ધુમાડે ગયેલા જોબન પર નજર ઠેરવીને હુકમચંદ હસ્યાં...

"ધરમશીને અતારમાં ભજીયા ગળસવા સે ઈમને..તને ભજીયા બનાવતા બવ હારું આવડે સે નઈ ? ચયારેક આવો આપડી વાડીએ પોગરામ કરવા..ધાણા મેથી ને મરસા તો આપડી વાડીએ ધરવના થાય સે..." હુકમચંદે એક હાથની હથેળીના મૂળમાં બીજા હાથની આંગળી મૂકીને પોતાની વાડીના મરચાંની લંબાઈ જણાવી.

"તમાર જમયને બા'ર બવ નો જામે..તે'દી તમારી વાડીએ બકરી હારું બે કોળી ખડ તો વાઢવા દીધું નો'તું...ન હવ પોગરામ કરવો સ ઈમ ? અન મારી દા'ડી બાકી સ ઈનું સું ? આજ હારું કર્યું તમી આંય ભટકય જ્યા...હાલો કિલો તેલ દેવરાવી દ્યો.." ધમૂડીએ પોતાની બાકી નીકળતી મજૂરીની ઉઘરાણી કરવાની તક ઝડપી લીધી.

હુકમચંદને તે દિવસ યાદ આવ્યો.
ધમૂડીનો ઘરવાળો આખા ગામનો જમાઈ હોવા છતાં સરપંચને એ દીઠો પણ ગમતો નહીં.. બકરી માટે બે કોળી ઘાસ પોતાના ખેતરના શેઢેથી એને લેવા દીધું નહોતું...
અને આ ધમૂડીની એક દિવસની મજૂરી એટલે બાકી રાખેલી કે જેથી પોતે વાડીએ એકલા હોય ત્યારે બોલાવવા થાય..! પણ આણે તો અત્યારે જ લાગ સાધ્યો...

"અત્યારે તો ચયાંથી દેવા...તું ઈમ કર્ય આજ બપોરે વાડીએ આવજે, તારી બકરીને લેતી આવજે... ઈના હારું ખડ વાઢી લેજે...અને તે'દી વાળી મજૂરી પણ લેતી જાજે..." સરપંચે કહ્યું.

આ બંને આમ વાતો કરતા હતા ત્યાં જ ચંચો સાયકલ લઈને નીકળ્યો.ધમૂડી હાર્યે સરપંચને વાતું કરતા ટેમુડાની દુકાનના ઓટલે જોઈને એ ઊભો રહ્યો. ધમૂડી ફરતે જે માખીઓ બમણતી હતી એ ઝુંડમાં આ ચંચો પણ હતો ખરો...!

"અલી એય...ચીમ સરપંચ સાયેબ હાર્યે સાળા કરછ.. સરપંચ કંઈ બોતડીનો નથી, ગામ આખું ઈમને પુસીને પાણી પીવે સે.
તું ઈમને હાલીમવાલી હમજી બેઠી સો કે સ્હું...? આમ હાલતી થા હાલતી..સરપંચ કાંઈ લબાડીયો નથી." ચંચાએ સમજ્યા વગર જ લપેટવા માંડ્યું અને આડકતરી રીતે સરપંચને બોતડીનો,લબાડીયો અને હાલીમવાલી કહી દીધો.

ધમૂડી એમ કોઈથી બીવે એવી નહોતી.આવા ચંદુઓને એ બરાબર ઓળખતી.

"તું જાતો હોય નયાં જાને.હાળા ઉતાર...તારું થોબડું જોવાય કોય રાજી નથી..હમણે મારે કાંઈક કે'વાય જાહે..અન તું હામ્ભળીય નય હકય.. અટલે સરપંસની હવાદણી થ્યા વગર હાલતીનો થા..." ધમૂડીએ ડોળા કાઢ્યા.

ચંચાએ સરપંચ સામે જોયું.એમની આંખોમાંથી નીકળતા ધુમાડા જોઈ એ ડર્યો.
''તમે કે'તા હોવ તો આને..." ચંચાએ ધમૂડી તરફ હાથ લાંબો કરીને કહ્યું.

"તું જ્યાં જાતું હોય નયાં જાને ભાઈસાબ... મારું ઉપરાણું તારે લેવાની જરૂર નથી..હાલ્ય ઉપડ આંયથી..." સરપંચ પણ ખિજાયા.
"તો ઠીક...'' પછી ધમૂડી સામે જોઈને ચંચો બોલ્યો, ''સરપંચે ના પાડી અટલે આજ તું બસી ગઈ સો..પણ તું ઈમને ભાજીમૂળો નો હમજતી..." કહી એણે સાયકલને પેડલ માર્યું.

સરપંચ,પોતાને ભાજીમૂળો કહેતા પોતાના આ ચમચા ઉપર દાઝે ભરાયા. પગમાંથી જોડો કાઢીને એમણે સાઇકલ લઈને ઊભેલા ચંચા ઉપર ઘા કરતા કહ્યું, "તારી જાતનો ચંદુડીયો....મારુ...કૂતરી... રાં...વગરજોતી કર્યા વગરનો જાને.."

ચંચો જોડાનો ઘા ચૂકવીને ભાગ્યો...પણ એ જ સમયે ઘોડી લઈને આવતા તખુબાપુ ત્યાંથી નીકળ્યા.સવાર સવારમાં સરપંચને આમ જનતા પર પાદુકા પ્રહાર કરતા જોઈ એમની અંદર બેઠેલો હારી ગયેલો ભૂતપૂર્વ સરપંચ જાગ્યો. એ દરમ્યાન ચંચાએ છટકાવેલું પેલું જોડું ઘોડીને વાગ્યું.

તખુભાની ઘોડી હણહણીને ઊભી રહી ગઈ. ધમૂડી ઓટલા ઉપર ચડીને દીવાલે જડાઈ ગઈ. બજારેથી નીકળેલા આઠ- દસ માણસોનું ટોળું હવે થનાર તાયફો જોવા ઊભા રહી ગયા...એ વખતે જ ટેમુ અંદરથી આવીને દુકાનના થડા પર બેઠો.

"અલ્યા હુકમચંદ...તું સરપંચ થઈ જ્યો અટલે આ ગામનો નવાબ નથી થઈ જ્યો હો...અમારી ઉપર જોડાના ઘા કરો ઈમ..?અમારી તલવાર્યુંને કાટ નથી લાગ્યો હો હજી." તખુભાએ રાડ પાડી.

"અરે...અરે...બાપુ, શું તમેય..! આ ઓલ્યું ગોલકીનું આંય બબડાટ કરતું'તું અને આ છોડીને વતાવતું'તું..અટલે ઈને ભગાડવા મેં જોડાનો ઘા કર્યો'તો..ઈમાં તમે વચ્ચે અંટઈ જ્યા.. હેહેહે..એમ અમે તમને થોડા જોડા મારવી..? સોરી...સોરી..બાપુ..."

"તો ભલે... ઈ વાંદરીનું કાલ્ય તારી સોડી હાર્યે વાતું કરતું'તું. કપાતરના પેટનું લાગે સે..પણ તમારું તો પાળેલું મીંદડું સે ને...!"
બાપુએ સરપંચના 'સોરી'ને સ્વીકારીને કહ્યું.

બાપુએ કહેલી વાત હુકમચંદને હાડોહાડ લાગી ગઈ.પોતાની વીજળી સાથે બે બદામનો ચંચો બજારમાં વાત કરતો હોય તો આ ચંચાનો વહીવટ કરવો જ પડે...!

સરપંચને સડક થઈ ગયેલો જોઈ બાપુ તો હંકારી ગયા. પેલા ટોળાને હાંક મારીને હુકમચંદે હાલતું થવાનું કહ્યું.

"આંય કોને નવરાશ સે..અતારના પોરમાં.આતો બાપુની ઘોડીને તમે જોડો માર્યો અટલે કીધું કે ઘડીક ઊભા રે'વી..હાલો અય...બધા..." એ ટોળામાંથી એક જણે આવો જવાબ વાળીને ચાલતી પકડી.

સરપંચ મોટી ઘાત ટળી હોવાનો અહેસાસ કરી હળવા થઈને ધમૂડી તરફ ફર્યા. એના મોઢા પર ફેલાયેલી રતુંબડી ઝાંય જોઈને હળવું સ્મિત પણ વેર્યું.

"મન એક કિલો તેલ અલાવો અટલે હુંય હાલતી થવ. તમારા જમય વાટ જોતા હશે.."

ટેમુએ થડા પર બેઠા બેઠા એના ટેબલફેન જેવું માથું ધમૂડી પર ઠેરવ્યું... સરપંચને એકાએક યાદ આવ્યું કે પોતે ચારભાઈ બીડી લેવા અહીં આવ્યા હતા..!

"અલ્યા ટાઢિયા...તું બીડીની જૂડી લેવા માલકોર જયો'તો કે બનાવવા..? હાળા તારે લીધે આંય મોટી બબાલ થઈ જાત હમણે..!"

"મારા લીધે...? પણ હું તો માલકોર હતો...! બબાલ શેની થઈ ઈ તો કયો..." ટેમુએ આંખો પટપટાવીને કહ્યું.

"તું બીડીની જૂડી દે નકર હું હવે તને ઝુડી નાંખીશ..અડધી કલાકથી તેં મને ઊભો રાખ્યો સ.." સરપંચ અકળાયા હતા.ધમૂડી એક કિલો તેલ માટે સરપંચને તાકી રહી હતી.
"ઈમાં એવું થિયું સરપંચજી.. હું અંદર ગયો ઈ ભેગું મારે કોલ આયવો... મારું તો એવું સે કે આપણે એક મિનિટનુંય મોડું કરતા નથી ઈ બાબતમાં..." ટેમુએ હસીને કહ્યું.

"શેનો કોલ..."સરપંચે પૂછ્યું.
"એ તો કુદરતી છે ને ! એમાં લેટ ન પડવું જોઈએ..તમે ગમે તેટલી ઉતાવળ રાખો તો પણ એમાં લેટ જ પડો છો એટલે તો એને ટોયલેટ કહ્યું છે ને..! ઘણાં લોટો લઈને જાય એટલે લેટ થાય..તમારા જેવા કળશ્યો લઈને જતા'તા એટલે કળશે જવું પણ કહેવાયું.. પેલાના સમયમાં ઘરે ટોયલેટ નહોતું એટલે બહાર જતા એટલે બહાર જવા જવું એમ પણ કહેવાયું.

આમ આ કુદરતી પ્રક્રિયાના અનેક નામ પડ્યા...પણ આ પ્રક્રિયામાં કોઈ ડાન્સ કરતું નથી તોય સંડાસ નામ કેમ પડ્યું ઈ તમને ખબર્ય હોય તો જણાવો. તમે સરપંચ છો એટલે તમને હંધીય ખબર્ય જ હોય ઈમ હું માનું છું...લ્યો બોલો..."

"મને એવી કાંય ખબર નથી..તું બીડી દે અને બીડી નો હોય તો મારા દહ રૂપિયા પાસા દે...હાળા તું ચેવીનો સો...?"

ટેમુ જબાબ આપે એ પહેલાં ધમૂડીએ કાઉન્ટર આગળ આવીને કહ્યું, "ભઈલા.. એક કિલો તેલ દે..અને પૈસા આ સરપંચ પાંહેથી લે."

ટેમુએ સરપંચ સામું જોયું.
"તમારે જવાબ નો દેવો હોય તો કંઈ નહીં...પણ આવીનો ને ચેવીનો કરવાની જરૂર નથી...આલ્યો તમારા દસ રૂપિયા પાછા... અમારે તમારી જેવા તોછડા માણસો સાથે વેપાર નથી કરવો. કમાવાનું કંઈ નહીં ને મફતની ગાળ્યું શું કામ ખાવી? આ દુકાનમાં કંઈ તમે રોકાણ નથી કર્યું...હમજયા...? આ બેનને તેલ આપવાનું હોય તો લાવો દોઢસો રોકડા." ટેમુએ દસ રૂપિયા ગલ્લામાંથી કાઢીને સરપંચ તરફ ફગાવીને સરપંચને છુટાં કરી નાખ્યા.

"મને તેલ અલાવો સો ? નો અલાવવાના હોવ તો મારી દાડીના બસ્સો રૂપિયા અતારેને અતારે આલો..મારે કાંય તમારી વાડીએ આવવાનો મોખ નથી...હાલો ઝટ કરો." ધમૂડીએ ધડમૂળમાં ઘા કર્યો.

સરપંચ ગામની બજારમાં વધતો જતો ટ્રાફિક જોઈ ગભરાયા.બધા લોકો ટેમુની દુકાનના ઓટલે ધમૂડી સાથે ઊભેલા સરપંચને જોઈને મોં પર અજબગજબના ભાવ પેદા કરતાં હતાં. કેટલાક સામી દિવાલના ટેકે ઊભા રહીને ધમૂડીનો ધીમો અવાજ સાંભળવા કાન સરવા કરી રહ્યાં હતાં.દૂરથી તખુભા બાપુ એમની ઘોડીને પાણી પીવરાવીને પાછા પણ આવી રહ્યાં હતાં...અને સરપંચ ટેમુની દુકાને સલવાયા હતા.

"એમ કર...તું આને તેલ આપી દે...અત્યારે મારી પાસે પૈસા નથી. તું બાકી લખી નાખ." સરપંચે છુટકારો કરવા કહ્યું.

"હજી તો બોણીય નથી થઈ. બોણીમાં કોઈ બાકી નો રાખે. રાખે તોય તમારી જેવા માણસનું તો નો જ રખાય.'' ટેમુ હવે જવાબ જલદી આપતો હતો.

"મારે એક કિલો તેલ જોવે.હું બીજુ કંઈ નો જાણું.મારી દાડી દ્યો નકર તેલ દેવરાવો.હું ચ્યાંરની ઊભી સવ...લ્યો ઝટ...પૈસા કાઢો." ધમૂડીએ જરા જોરથી કહ્યું.
તખુભાની ઘોડી નજીક આવી રહી હતી.સરપંચે જલદી પાંચસોની નોટ કાઢી.

"મારી પાસે છુટ્ટા નથી. કિલો તેલના દોઢસો છુટ્ટા દ્યો..અને બીડી બાક્સ લેવાના હોય તો એકસો સાઈઠ થહે.પાનસોમાંથી પેલા સો બાદ કરો એટલે ચારસો વધે. પછી એકસોમાંથી બીજા સાઈઠ કાઢવાના.. એટલે ચાલીસ વધે. ઈ ચાલીસ અને વાંહયલા ત્રણસો થઈને ત્રણસો ચાલીસ મારે તમને પાસા દેવા પડે..ઈ મારી પાંહે નથી..એટલે તેલ લેવું હોય તો છુટ્ટા દ્યો સરપંચજી..." ટેમુએ હિસાબ કરીને કહ્યું.

સરપંચે તખુભાને ઘોડીનું ચોકડું ખેંચતા જોયા એટલે પાંચસોની નોટ મૂકીને ચાલતા થયા તોયે તખુભા બોલ્યા વગર રહ્યાં નહીં.

"આજ તો હવાર હવારમાં બવ ટેમ કાઢ્યો સે ને કંઈ..? "

પછી હાથનું નેજવું કરીને ઉમેર્યું,
"આ તો ધોળી ડોશીની ધમૂડી નઈ...? સરપંસ હાર્યે આ બયણી લઈને ચ્યમ આવ્યા સો..?"

"ઈ તો હું તેલ લેવા આયી'તી બાપુ...હું આયી તાર આંયા સર્પસ ઊભા'તા...તે મેં મારી દાડી બાકી હતી ઈ માંગી... તે કેય સે કે આજ બપોરે વાડીએ આવજે...કેય સે કે પોગરામ કરસુ..કેય સે કે બકરી હાટુ પુળો રજકો વાઢી લેજે... કેય...સે કે આવડા આવડા મરસા થાય સે આપડી વાડીમાં..."

ધમૂડીએ પણ એક હાથની હથેળીના મૂળમાં બીજા હાથની આંગળી મૂકીને મરચાંની સાઈઝ બાપુને બતાવીને આગળ ચલાવ્યું...

"પણ મેં તો ઘંહીને ના પાડી..કીધુંક અમારે એવા પોગરામ બોગરામ કરવાનો મોખ નથી...મારી બકરી કંઈ ભૂખી મરી નથી જાતી... મેથીને મરસા તો ગામમાંય મલસ...મેં ઈમ કીધું ક મારી દાડી બાકી સ ઈ મારે અતારે ને અતારે મને દઈ દ્યો..નકર કિલો તેલ અલાવી દ્યો...તે ઈ જોવો ખીજય જ્યા..."

"બરોબર સે...તે પસ સ્હું થ્યું ? "
બાપુએ ઘોડી પર બેઠા બેઠા સરપંચને જતા જોઈને પૂછ્યું.

"ઊભા રયોને...બાપુ...કવ સુ... પસ ઇમણે પાનસો રૂપિયા દય દીધા..પણ આ ટેમુશેઠ પાંહે સુટા નથ તે હેન્ડતા થઈ જ્યા સ." કહીને ધમૂડીએ પોરો ખાધો.

"આવો ને બાપુ...ટાઢું પાણીબાણી પીવું હોય તો ઉતરો હેઠા." ટેમુએ ડોકું દુકાનમાંથી બહાર કાઢીને તખુભાને નોતર્યા.

સરપંચે તો ખેંચી જ મૂકી.
"જિંદગીમાં હાળા ટેમુડાની દુકાનનો ઓટલો કોઈ નો ચડું... હાળો કપાતરના પેટનો...બીડી બાક્સ લેવા ગીયો તે દી' આખો બગડી જ્યો.. બીડીયું લેવા માલકોર જ્યોતો...પણ હંગવા હાલ્યો ગ્યો...અને હાળી આ ધમૂડીએ સવારના પોરમાં પત્તર ઠોકી નાંખી." એમ બબડતા એ હાથ ઉલાળ્યે જતા હતા.

આ બાજુ તખુભા ઘોડી પરથી ઊતરીને દુકાનનો ઓટલો ચડી રહ્યાં હતાં. ટેમુને ત્યાં ફ્રીઝ હતું એની એમને ખબર હતી.

ટેમુએ દુકાનમાંથી એક સ્ટૂલ કાઢીને દુકાનની બહાર કાઉન્ટર આગળ મૂક્યું. તખુભા એ સ્ટૂલ પર બેઠા.એમની ઘોડીએ ધમૂડીને ચાટવા મોઢું લંબાવ્યું.
"બા..આ...પું...આ તમારું ઘોડું..." ધમૂડીએ રાડ પાડી.

"એમ રાડ્યું ન પાડીએ..મૂંગા ઊભું રેવાય.ઈતો તને વા'લ કરે સે..."
તખુભાએ હસીને કહ્યું.

"એ ટેમુભઈ...મન તેલ આલી દ્યો...તમારા જમયને ભજીયા ખાવા સે..." ધમૂએ ઘોડાથી દૂર ખસીને ટેમુને કહ્યું.

"લાવો બરણી... પેલા બરણી જોખવી પડશે...અને તેલ કયું લેવાનું સે..? કપાસિયાતેલ કે સીંગતેલ...?" ટેમુએ બરણી પકડતા કહ્યું.

"મને પાણી દે..." બાપુએ પણ ઉતાવળ પ્રગટ કરી.

"હા હા દવ હો...બાપુ. એક મિનિટ બેહો.. હું આમને તેલ આપી દવ....''

ટેમુએ ધમૂડીની બરણી લઈ હળવેથી વજનકાંટાના એક ત્રાજવા પર મૂકી. બીજા ત્રાજવા પર બરણીના વજન જેટલા વજનીયા અને કેટલાક નાના પથ્થર મૂકીને કાંટો સ્થિર કરવા મહેનત કરવા લાગ્યો.બરણીનો ધડો કરવો જરૂરી હતો..!

એક પથ્થર મૂકતાં ત્રાજવું નમી પડવા લાગ્યું એટલે એ હટાવીને બીજો નાનો પથ્થર મૂક્યો. કાંટો હવે બરણી તરફ ભાગ્યો એટલે વળી ટેમુએ પથ્થર બદલ્યો. ડાબે જમણે ઝૂલતો એ કાંટો કેમેય કરીને સ્થિર થતો નહોતો.

તખુબાપુએ આંખો વડે એ કાંટાને ડારા દીધા પણ તખુબાપુના ડારાથી હારે તો તો એ કાંટો, વજનકાંટો કેમ કહેવાય...!

સમયનો કાંટો અને આ વજનકાંટો કોઈનું માનતા નથી હોતા...!!

(ક્રમશઃ )

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED