મોજીસ્તાન - 84 bharat chaklashiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ખજાનો - 86

    " હા, તેને જોઈ શકાય છે. સામાન્ય રીતે રેડ કોલંબસ મંકી માનવ જા...

  • ફરે તે ફરફરે - 41

      "આજ ફિર જીનેકી તમન્ના હૈ ,આજ ફિર મરનેકા ઇરાદા હૈ "ખબર...

  • ભાગવત રહસ્ય - 119

    ભાગવત રહસ્ય-૧૧૯   વીરભદ્ર દક્ષના યજ્ઞ સ્થાને આવ્યો છે. મોટો...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 21

    સગાઈ"મમ્મી હું મારા મિત્રો સાથે મોલમાં જાવ છું. તારે કંઈ લાવ...

  • ખજાનો - 85

    પોતાના ભાણેજ ઇબતિહાજના ખભે હાથ મૂકી તેને પ્રકૃતિ અને માનવ વચ...

શ્રેણી
શેયર કરો

મોજીસ્તાન - 84

મોજીસ્તાન (84)

[મિત્રો,વાર્તા જ્યારે વધુ લાંબી થવા લાગે છે ત્યારે લેખકને પણ એ વાર્તા યાદ રાખવી પડતી હોય છે.વાચકને તો જાણે વાંચીને જ આનંદ લેવાનો હોય છે એટલે એમની કોઈ જવાબદારી રહેતી નથી. પણ લેખકની ભૂલ માટે જવાબદારી રહે છે.મોજીસ્તાનની સફર હવે સેન્ચ્યુરી તરફ જઈ રહી છે ત્યારે એમાં થયેલી ભૂલ વિશે કોઈપણ વાંચકમિત્રે મને જણાવ્યુ નથી એટલે મારી એ ભૂલ કોઈના ધ્યાનમાં કદાચ આવી નહિ હોય !

ભૂલ એ પડી છે કે આ વાર્તામાં આવતા બે રાજકીય પક્ષ ખોંગ્રેસ અને એલપીપીમાં પાત્રો બદલાઈ ગયા છે.એલપીપી પક્ષ હુકમચંદ અને ધરમશી ધંધુકિયાનો હતો જ્યારે ખોંગ્રેસમાં ચમન ચાંચપરા અને રણછોડ હતા..!!
હવે એવું થયું કે ભૂતે મારુ પણ મગજ ફેરવી નાખ્યું હોવાથી મેં છેલ્લા પ્રકરણોમાં જ્યારથી રાજકારણની વાત લખવા માંડી તેમાં ભૂલથી ખોંગ્રેસ આપી હુકમચંદને અને એલપીપી આપી રણછોડને ! બોલો લ્યો !!
મોદી સાહેબને કોંગ્રેસ અને રાહુલને ભાજપમાં બતાવ્યા હોય તો તામિલનાડુ સુધી લોકો વાંહે થાય કે બીજું કાંઈ !
તો આપ સૌની નમ્ર નિવેદન સહ ક્ષમા યાચું છું કે ગત પ્રકરણોમાં થયેલી આ ભૂલ હવેથી સુધારી લઉં છું.જે દરગુજર કરી વાંચશો.
ઓનલાઈનમાં પબ્લિશ થયેલા પ્રકરણમાં પણ હું સુધારી લઈશ.]

**
ખોંગ્રેસ પાર્ટીમાં ધંધુકાની ટીકીટ ચમન ચાંચપરાને આપવામાં આવી હતી.છેલ્લી બે ટર્મથી આ વિસ્તારમાં એલપીપીનો ઉમેદવાર ધરમશી ધંધુકિયા ચૂંટાતો હતો.પણ આ વખતે જનતાનું મન બદલાયું હોવાનું લાગી રહ્યું હતું.
ધરમશી કોઈપણ ભોગે હેટ્રિક મારીને સરકારમાં પ્રધાનપદું મેળવવા માંગતો હતો.આ માટે ગમે તેટલા રૂપિયા વેરવા એ તૈયાર હતો.

તખુભાનું માન સન્માન ફરતા આઠ દસ ગામમાં જળવાતું રહ્યું હતું.પણ જ્યારથી હુકમચંદ સરપંચ બન્યો ત્યારથી તખુભાનો પ્રભાવ ઘટવા માંડ્યો હતો.વળી ગટરનું કૌભાંડ હજી તખુભાનો પીછો છોડતું નહોતું.તખુભાએ પોતાના ખર્ચે ગટરનું કામ કરાવી આપવા છતાં એમના પર લાગેલો ભ્રષ્ટાચારનો ડાઘ ધોવાયો નહોતો.ઉલ્ટાનું હુકમચંદ એવી જાહેરાતો કરવા લાગ્યો હતો કે 'જોયું, મેં તખુભાનું કૌભાંડ પકડી પાડ્યું એટલે એમણે ખાધેલા રૂપિયા કાઢી આપવા પડ્યાં...!'

ફરતાં ગામમાં આ બનાવને કારણે તખુભાની રાજકીય આબરૂ ધૂળમાં મળી હતી. બીજા ગામોમાં લોકો છાનેખૂણે ગટરવાળા તખુભા તરીકે ઓળખવા માંડ્યા હતા.જો કે તખુભાને હવે રાજકારણમાં રસ રહ્યોં નહોતો. તેઓ સમજી ગયા હતા કે કોલસાની દલાલીમાં હાથ કાળા થયા વગર રહે નહિ ! હુકમચંદે તખુભાને સાવ ઠેકાણે પાડી દીધા હોવાથી ગામમાં હવે હુકમચંદનો જ દબદબો હતો.

રણછોડે આ બધી માહિતી મેળવી હતી. રણછોડે તખુભાને હુકમચંદ સામે ફરીવાર ઉભા કરવા માટે ખોંગ્રેસમાં જોડાઈ જવા આમંત્રણ આપ્યું હતું.રાણપુર TDO કચેરીમાં રણછોડ તખુભાને મળ્યો પણ હતો; પણ હુકમચંદે રણછોડનું કાટલું કાઢી નાખવા એના રાજદૂતને પાછળથી ટક્કર મરાવી હતી.

રણછોડે એ બધી તપાસ કરીને હુકમચંદને ફિટ કરવા એની ભૂતકાળની પ્રેમિકા અને નગીનદાસની પત્ની નયનાનો પણ સહારો લીધો હતો.પણ એ પ્લાનમાં નયનાની જિંદગી પણ તબાહ થઈ જાય એમ લાગતા રણછોડે બીજો દાવ ખેલ્યો હતો.એ દાવમાં એણે હુકમચંદના ડાબા અને જમણા હાથ જેવા જગા અને નારસંગને કબજે કર્યા હતાં.

પણ હુકમચંદ ઓછી માયા નહોતો.રણછોડને રાજકારણનું રણ છોડાવીને ભગાડી મુકવા એની પાસે યોજનાઓની તાણ નહોતી.વળી ધરમશી જેવો વર્તમાન ધારાસભ્ય એની પડખે હોવાથી રણછોડને ચૂંટણી પતે ત્યાં સુધી ક્યાંક ફિટ કરાવી દેવાની યોજના હુકમચંદે વિચારી હતી.

એ દરમ્યાન પોચા માસ્તરે ગામમાં લખમણિયાનું ભૂત ઉભું કર્યું હતું.હુકમચંદે હબા અને ચંચાને ફરીવાર ભૂત બનાવીને રણછોડ પર હુમલો કરાવવાની યોજના બનાવી ત્યારે એ ભૂતનું રહસ્ય રણછોડ જાણતો હશે એવી કલ્પના પણ હુકમચંદને આવી નહોતી.

જ્યારે રણછોડ તો પોચા સાહેબની યોજના પહેલેથી જ જાણતો હતો.કારણ કે પોચા માસ્તર અને ચમન ચાંચપરા એક જ નિશાળમાં ભણેલા લંગોટિયા દોસ્તો હતા.ગામના અમુક લોકોની બુદ્ધિ ઠેકાણે લાવવા પોચા માસ્તર ભૂત ઉભું કરીને ગામના ભયનો માહોલ બનાવવા માંગતા હતા. જેમાં તભાભાભા અને હુકમચંદ મોખરે હોવાથી રણછોડે ભૂતની રચના માટે જરૂરી તમામ મદદ કરી હતી.

રઘલો ભૂત બનીને જાદવની ઘરવાળીનએ મળવા ગયો હતો, પણ કમનસીબે કૂતરું પાછળ પડતાં એને માર ખાવાનો વારો આવ્યો હતો. જાદવની ઘરવાળી જડીના આશિક ધૂળિયાએ રઘલાને ભેંસના ડેરા વડે ધોકાવીને એની કરોડરજ્જુનો ભુક્કો બોલાવી દીધો હતો.

ડૉક્ટરનું હૃદય પરિવર્તન થતાં રઘલાને સારી સારવાર મળી હતી. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં રઘલો સારવાર મેળવી રહ્યો હતો.
ડો લાભુ રામાણી એને મૂકીને ગામ આવી ગયા હતાં. ચંપાને એક લાખ રૂપિયા આપીને હાલ પૂરતી ખુશ કરી હતી. પણ ચંપાને હવે રૂપિયા કરતાં ડોકટર વધુ વ્હાલા લાગવા લાગ્યા હતાં..!

*

નાજો પરમાર બોટાદ જઈ હરજી હલેસિયાને મળ્યો ત્યારે રણછોડનો માણસ એની પાછળ હતો.હુકમચંદના ઈશારે નાજો હરજીને મળવા ગયો એટલે રણછોડને ખ્યાલ આવ્યો હતો કે જગો અને નારસંગ હુકમચંદના જાસૂસ તરીકે કામ કરી રહ્યા છે.પક્ષની અંદરની હિલચાલ જાણીને એ માહિતી હુકમચંદ સુધી પહોંચાડીને જગો અને નારસંગ હુકમચંદ પ્રત્યે વફાદારી નિભાવી રહ્યા હતા એ જોઈ રણછોડને એ લોકો પ્રત્યે માન થયું.માલિક પ્રત્યે વફાદાર રહે એવા માણસો એને ગમતાં હતાં.

ભલે જગો અને નારસંગ હુકમચંદના વફાદાર હતા,પણ એ લોકોની વફાદારીનો લાભ કેવી રીતે લેવો એ રણછોડ જાણતો હતો.

જગો અને નારસંગ હુકમચંદને મળીને ગયા પછી ઘણા દિવસ સુધી રણછોડે દસ લાખ રૂપિયા લઈને હરજી હલેસિયાને આપવા મોકલ્યા નહિ એટલે એ બંને અકળાયા હતા.એ બંનેએ ક્યારેય આટલા રૂપિયા એકસાથે જોયા નહોતા,એટલે દસલાખ રૂપિયા કેવા હોય એ એમને જોવું હતું.

થોડા દિવસો પછી એક બપોરે ખોંગ્રેસના કાર્યાલયમાં એ બેઉ બેઠા હતા ત્યાં ચમનલાલ અને રણછોડ આવીને ઓફિસમાં જઈને બેઠા. જગો અને નારસંગ તરત ઉભા થઈને એ લોકો પાછળ ગયા.

"તો રણછોડભાઈ તમે કેતા'તા કે હરજી હલેસિયાને રૂપિયા આપવા જાવાનું છે ? પછી ચીમ થિયુ ?" જગાએ અંદર જઈને તરત પૂછ્યું.

એની વાત સાંભળીને ચમનલાલ ચમક્યો.એણે તરત રણછોડ સામે આશ્ચર્યથી જોયું.રણછોડે જગો કે નારસંગ ન જુએ એમ ચમલાલ સામે ડાબી આંખનું પોપચુ નમાવી દીધું.પછી જગા સામે ડોળા કાઢીને ઊંચા અવાજે બોલ્યો,

"કોક હરામીનો આપડી ખાનગી વાતું લીક કરી નાંખતું હોય ઈમ લાગે છે.કમબખ્ત સાલાઓ જે થાળીમાં ખાય એ જ થાળીમાં છેદ કરતાં હોય છે.તમે બે તો અમારા ખાસ વિશ્વાસુ માણસો છો પણ અમુક એવા હરામી @#%ના પાર્ટીમાં ઘુસી ગયા છે તે જઈને એમના બાપને બધી માહિતી પહોંચાડી દે છે.આપડે હરજીને ખેંચવાનો હતો પણ ઈની મા...."

રણછોડ બેફામ ગાળો બોલ્યો એ સાંભળી નારસંગથી ન રહેવાયું.રણછોડની વાત વચ્ચેથી કાપીને એ બોલ્યો, "રણછોડભાઈ તું ગાળ્યું બોલ્યમાં.આટલી બધી ગાળ્યું શું કામ દેશ અમને...!"

નારસંગ બોલ્યો એ સાંભળીને રણછોડ હસી પડ્યો.એ જાણતો જ હતો કે જગો અને નારસંગ ગાળો સહન કરી નહિ શકે.કારણ કે એ ગાળો એમને જ પડી રહી હતી.

"હું તમને લોકોને ગાળો નથી દેતો અલ્યા.તમે તો વિશ્વાસુ અને વફાદાર છો.પણ હુકમચંદે એના અમુક કુત્તાઓને આપણા પક્ષમાં જાસૂસી કરવા ઘાલ્યા છે.એ હરામી...."

"બસ હવે રણછોડીયા.. હરામી હશો તું..અને અમે કંઈ હુકમચંદના કુત્તાઓ નથી હમજ્યો ? પેલેથી ઈની નોકરી કરી સે એટલે વફાદારી એની બાજુ જ રે'શે શું ? અમે જ તારા આ હડી ગીયેલા ખોંગ્રેસ પક્ષમાં જાસૂસી કરવા ઘુસ્યા છી.તારે જે ઉખાડવું હોય ઈ ઉખાડી લે.આ ઉભા.પણ મેં'રબાની કરીન હવે તું ગાળ બોલતો નય નકર મજા નય આવે એ તને કીધું..!"

રણછોડે 'હુકમચંદના હરામી કુત્તાઓ' જેવી ગાળ કાઢી એ નારસંગથી સહન થયું નહોતું. જગો તો કદાચ એ ગાળો સાંભળી લેત કારણ કે જાસૂસી કરવી હોય તો ગાળ પણ ખાવી પડે અને માર પણ ખાવો પડે.એ વાત એ સમજતો હતો.પણ નારસંગથી ગાળ સહન થતી નહોતી એટલે એણે વટાણા વેરી નાંખ્યા.

"તમે લોકો જ જાસૂસ છો એ તો મને ખબર જ છે,હું તમારા મોઢે બોલાવવા માંગતો હતો. તમે શું માનો છો,હુકમચંદ અમારી જાસૂસી તમારી જેવી જાડીધારના માણસો પાસે કરાવી જાય અને અમને ખબર નો પડે એમ ? તારે બહુ હવા છે ને ? તો જોઈ લેજે હવે ! દારૂની હેરાફેરીવાળો કેસ હજી ઉભો જ છે.'' કહી રણછોડે ચમનલાલ સામે જોઇને કહ્યું,

"બરવાળા પોલીસ સ્ટેશનમાં ફોન કરી દો ચમનભાઈ, આ બેયને આજે જ ફિટ કરાવી દો. હું જોઉં છું કે એમનો બાપ હુકમો કેવી રીતે છોડાવે છે.હહરીનાવના કુલા તોડવી નાખો એટલે ભાન થાય કે ખોંગ્રેસ પક્ષ શું છે અને બે બદામના હુકમાની ઓકાત શું છે !"

જગાએ નારસંગ સામે જોયું.લાલપીળા થઈ રહેલા નારસંગને શાંતિ રાખવા ઈશારો કરીને એ બોલ્યો,

"જાવા દયોને રણછોડભાઈ.આ નારસંગનું લોય જરીક ગરમ થય જયું.કાણ કે તમે અમને ગાળ્યું દેવા માંડ્યા.હવે જે થિયુ ઈ પણ સાવ આમ નો કરો ભાઈશાબ્ય.અમે તમારી ગા છવી બસ ? હવે પસી હુકમસંદની હામુ જોવી તો ગૌ માટી ખાધા બરોબર પાપ લાગે અમને.આજથી તમારા પક્ષને વફાદાર રેશું બાપા.પણ ભલા થયન પોલીસવાળું રે'વા દ્યો." કહી જગાએ હાથ જોડ્યા.

"તારે પગમાં આળોટવું હોય તો આળોટય. બાકી મારી નાખે તોય હું હુકમસંદને દગો નય દવ. જે દી ખાવા ધાન નો'તું તેદી હુકમસંદે બે મણ બાજરો ઘરે નખાવ્યો'તો.ઇ માણહનો ગણ ભૂલવી તો તો આપડામાં ને ગધાડામાં ફેર શું ?
અને જો ભઈ રણછોડ, હું જાવ સું, મારા ગામમાં મારા ઘરે જ રેવાનો સું. તારે પોલીસ મોકલવી હોય તોય ઠીક ને મિલેટરી મોકલ તોય હું ફાટી પડતો નથ હમજ્યો ?'' કહી નારસંગ રણછોડની ઓફિસમાંથી બહાર નીકળી ગયો. નારસંગ જતો રહ્યો એટલે ના છૂટકે જગાને પણ જવું જ પડ્યું. પણ જતાં જતાં એણે ફરી રણછોડને કહ્યું, "તમારે યાર ગાળ્યું નો'તી બોલવાની.હું ઈને ટાઢો પાડીને કાલ્ય આવીસ પણ તમે પોલીસવાળું રે'વા દેજો."

એ બંને ગયા એટલે ચમનલાલને રણછોડે આ બેઉને કેવી રીતે બરવાળા પોલીસ સ્ટેશનમાં ફિટ કરાવીને માર મરાવડાવેલો અને કેવી રીતે ડરાવી ધમકાવીને પક્ષમાં લીધેલા એ બધી જ વાત કરી.

"તું ઉતાવળો થઈ ગયો.આ બેઉ કામના હતાં. આ લોકોને ખોટી માહિતી આપીને આપણે હુકમચંદ અને ધરમશીને ગેરમાર્ગે દોરી શક્યા હોત." ચમનલાલે કહ્યું.

"હા,પણ હું થોડીવાર મજા લેવા માંગતો હતો.સાલો નારસંગ સહન ના કરી શક્યો..! પણ વાંધો નહિ, હુકમચંદની દરેક હિલચાલ પર મારી નજર છે...!" કહી રણછોડ હસ્યો.

પણ એ વખતે રણછોડને ખબર નહોતી કે હુકમચંદ કઈ ચાલ ચાલી રહ્યોં છે !

*

નગીનદાસના ઘેર જઈ ટેમુએ મહેમાન વિશે માહિતી મેળવી હતી.એ માહિતી મુજબ નીનાના લગ્નની તારીખ લેવા અમદાવાદથી વેવાઈનું કુટુંબ આવવાનું હતું.અને સાથે નગીનદાસના બંને સાળાઓ પણ સહકુટુંબ આવવાના હતા.આટલા મહેમાનો આવી જ રહ્યા હતા ત્યારે નગીનદાસે એના કુટુંબી
ભાઈઓને પણ જમાડવાનું નક્કી કર્યું હતું.એટલે પચાસથી સાઈઠ માણસોની રસોઈ કરવી પડે એમ હતી.મીઠાલાલ આવા રસોડાનો ઓર્ડર લેતો હતો એટલે નગીનદાસે એને જ કામ આપેલું હતું.

ટેમુ, ધમુડી સાથે માથાકૂટ કરતો હતો ત્યારે મીઠાલાલ નગીનદાસના ઓર્ડરનો સમાન જ લાવ્યા હતા.પણ કેટલા માણસોની રસોઈ બનાવાની છે એ પૂછવા ટેમુને નગીનદાસને ત્યાં મોકલ્યો હતો.

ટેમુ નગીનદાસને મળીને બરોબાર સ્ટેશનરોડે ચડ્યો.નીના થોડે દુર ચાલી જતી હતી.બીજા કેટલાક ગામના લોકો બારની લોકલ પકડવા જઈ રહ્યાં હતાં.એ લોકોની પરવા કર્યા વગર ટેમુએ નીનાને એના એઇટી પાછળ બેસાડી લીધી.

"આપણે આ રીતે સ્ટેશન જઈ રહ્યા છીએ એ ગામના લોકો જોશે.તારું વેવિશાળ થઈ ગયું છે, હવે તારું આમ કોઈ બીજા યુવાન સાથે ફરવું યોગ્ય ન કહેવાય.આ ગામડું છે, અહીં લોકો છોકરા અને છોકરી વચ્ચે એક જ પ્રકારનો સબંધ વિચારી લેતા હોય છે; તારા ઘેર મહેમાનો પણ આવવાના છે" ટેમુએ કહ્યું.

''મને કોઈ ફરક પડતો નથી ટેમુ.એ મહેમાનો આવવાના છે એ જ તો મોકાણ છે.મારા પપ્પા મારા લગ્ન કરાવી દેવા માંગે છે." નીનાએ કહ્યું.

"હા તો તને કંઈ વાંધો છે ? તો પછી વેવિશાળ કર્યું ત્યારે કહી દેવું હતું ને ? વાત જ્યારે આટલી આગળ વધી છે ત્યારે તું....''

"વેવિશાળ કર્યું ત્યારે વાંધો નહોતો.કોઈ માણસને આપણે જોઈને તો નક્કી ન કરી શકીએને કે એનું કેરેકટર કેવું છે ! મને વિરલ પર કેટલાંક ડાઉટ છે.એ ડાઉટ ક્લિયર કર્યા વગર હું મેરેજ કરવા નથી માંગતી..!"

"ડાઉટ છે ? આઈ મીન કોઈ બીજી છોકરી સાથે..."

"બીજું તો શું હોય ? હું અમદાવાદ મારા મામાને ત્યાં ગઈ ત્યારે અમે બંને બહાર ગયા હતા.ત્યારે કોઈના ફોન આવતા હતા; મારી હાજરીમાં ફોન કરવાને બદલે એ દૂર જઈને વાત કરતો હતો. કોઈને સમજાવતો હોય એવું મને લાગ્યું હતું.એક બે વાર મેસેજમાં નીનાને બદલે એણે મીના લખી નાખ્યું હતું.મને લાગે છે કે કોઈ મીના એના જીવનમાં હોવી જોઈએ.જો એવું હોય તો પછી...."

''સાલું જબરું કે'વાય આ તો.પણ તારે એને ચોખ્ખું જ પૂછી લેવાય કે આ મીના કોણ છે ?''

"તને શું લાગે છે ? મેં નહિ પૂછ્યું હોય ? એણે ગલ્લાંતલ્લાં કરીને મને સમજાવવાની કોશિશ કરી હતી.એ વખતે એનો ચહેરો જોઈને જ હું સમજી ગઈ'તી કે નક્કી દાળમાં કંઈક કાળું છે.એ મને સાચું કહેવા માંગતો નથી અને હું સાચું જાણ્યા વગર આગળ વધવા માંગતી નથી.ટેમુ તું મારો સાચો ફ્રેંડ છો,તું મને હેલ્પ કર પ્લીઝ..!"

"હવે આમાં હું શું મદદ કરું ? તું તારા પપ્પાને કે મમ્મીને વાત કર. એ લોકો તારા ભાવિ સસરા જોડે વાત કરી લેશે."

"મારા પપ્પાને પણ મેં કહ્યું હતું.તો એમણે એવું કહ્યું કે શે'રના છોકરા એવા જ હોય, લગન પછી બધું ઠીક થઈ જાય. આવું ઘર પછી નો મળે અને વેવિશાળ તૂટે તો લોકો સત્તર સવાલ કરે."

"તો તેં શું વિચાર્યું છે હવે ?"

"લોકો સત્તર સવાલ ન કરે એટલે મારે લગન કરી લેવાના ? છોકરો પૈસાવાળો હોય એટલે એનું કેરેકટર નહિ જોવાનું ? એને મીના સાથે અફેર હોય તો કોણે માસીના સમ દીધા'તા કે મને સિલેક્ટ કરી. જે સબંધમાં પહેલેથી જ શંકાઓ હોય એવો સબંધ કેટલો ટકે એ તું જ કહે !"

"યુ આર રાઈટ નીનું,પણ હવે તું શું કરવા માંગે છે એ તો કહે ?" ટેમુએ સ્ટેશન બહાર લીમડાના ઝાડ નીચે એનું એઇટી થોભાવીને કહ્યું.

નીનાએ મોપેડ પરથી ઉતરીને એનો નિર્ણય જણાવ્યો.નીનાની વાત સાંભળીને ટેમુ એકદમ સજ્જડ થઈ ગયો !!

શું કહ્યું હશે નીનાએ ??

(ક્રમશઃ )