Save the bulls books and stories free download online pdf in Gujarati

બળદ બચાવો

બળદ બચાવો...
🙏🏿☝🏿🙏🏿
પ્રથમ બળદની વ્યાખ્યા સમજી લઈએ :
"જે પ્રાણીને ગળે ધાબળી છે,અને ગાય થકી નર પશુ(વાછરડા)નો જન્મ થયા બાદ પુખ્ત થતાં તેનું ખસીકરણ કરી તેને ખેતી લાયક બનાવવામાં આવે તેને બળદ કહેવાય છે."
તેને જૂનાં જમાનામાં બળદ જેના ઘેર હોય તે ખેડૂત સુખી ગણાતો.આજે વિશ્વમાં ઝડપી ગતિએ બળદની સંખ્યા ઘટી રહી છે.ગુજરાતમાં 40 વરસ પહેલાં કૂલ ખેડૂતો પૈકી 60 લાખ ખેડૂત પાસે બળદ હતા.એટલે કે 90% ખેડૂતો પાસે બળદ હતા.મતલબ કે 90% લોકો બળદ આધારિત ખેતી કરતા હતા.વર્તમાન સમય જોતાં આ સ્થાન મોટાં ટ્રેકટર,યાંત્રિકકરણએ આ સ્થાન લઇ લીધું છે.દેશમાં ભેંસની સરખામણીએ ગાયની સંખ્યામાં ખૂબ જલ્દી ઘટાડો જોવા મળે છે.હવે દરેક ખેડૂત પૈકી 60% ખેડૂતો પાસે ટ્રેક્ટર આવી ગયાં છે.અથવા ટ્રેક્ટર બીજાનું ભાડે લાવી ખેતી કરે છે.તેની પાછળનું કારણ બળદની સાર સંભાળ,અબોલ જીવ પ્રત્યે કાળજીનો અભાવ.અને જાળવણી ખર્ચ મોંઘો થતાં મોટા ભાગના લોકોએ બળદને બદલે ટ્રેક્ટર દ્વારા ખેતીનાં તમામ કામ સસ્તામાં થતાં હોવાના કારણે બળદની નહિવત જરૂરિયાત બની ગઇ.
હાલ ગુજરાતમાં બળદની સંખ્યા 9.5 લાખથી ઓછી હોવાનો અંદાજ છે.હાલમાં પેટ્રોલ,ડીઝલ મોંઘુ થતાં કૃષિ ખેડ કામ માટે પાછો બળદ બચાવી ખેતી કરવાનો સમય પાકી ગયો છે.બળદથી થતી ખેતીથી ઉપજ વધુ થતી,બળદના પગની ખરી થકી ખેતરમાં અગત્યની જીવાત મરી જતી ન્હોતી અને ટ્રેકટર દ્વારા જમીન દબાઈ જતાં ઘણાં ઉપયોગી જંતુઓ નાશ પામવા લાગ્યાં.આંતર ખેડ કરવામાં બળદ એ ઉત્તમ મનાય છે.હાલમાં દૂધની લ્હાયમાં ગાયના વછરડાને પાનો ચડાવવા પૂરતો ધવડાવી તે દૂધ બધું ખેંચી સ્વાર્થી માણસો ગાય પાસેથી દૂધ રીતસર ચૂસી ડેરીઓ સુખી કરી દીધી છે.ઘણી ગાયો ભેંસો પાસેથી ઓટોમેટિક મશીન દ્વારા દૂધ ખેંચી લેવામાં આવે છે.અને વાછરડા કે પાડાને છાસ ઉપર ઉછેરી અંતે કુપોષિત બનાવી તેને મૃત:પાય કરી મરવા વાંકે છોડી મુકાય છે.ઉત્તર ગુજરાતમાં હું જયારે જયારે ગામડામાં જાઉં છું ત્યારે બળદ થકી ખેડ થતી હોય તેવું ક્યાંય રહ્યું નથી. મતલબ બાળદથી કોઈ ખેતી કરતું જોવા મળતું નથી.
બળદ એ ખૂબજ ઉપયોગી અને ખેડૂતનો સાચો મિત્ર છે.જેની હાલત ખૂબજ કફોડી બની ગઇ છે.સરકારે કે ડેરીએ ગાય ભેંસ માટે પ્રોત્સાહક લોભામણી જાહેરાતો કરી છે,પરંતુ બળદ બચાવો માટે એવી કોઈ સ્કીમ બહાર પાડતી નથી.તમામ સહાય યાંત્રિકરણ માટે અમલમાં છે,પરંતુ બળદ બચવવા માટે કોઈ સ્કીમ નથી.કદાચ જતા દહાડે બળદ કેવો હોય તે આપણા હવે પછીના બાળકને પુસ્તક ખોલીને બતાવવું પડશે.
જુના જમાનામાં બળદથી કૉસ ચલાવી,ખેતી મોલને ખળામાં લાવી પિલવામાં ખરા ઉનાળે "હાલરું" ચલાવવામાં આવતું. તે અનાજ કે ખેતી ઉપજ ને બળદ ગાડાં વડે ઘર સુધી ખેંચી લાવવામાં તત્કાલીન ખેડૂતનું હુંડીયામણ બચી જતું હતું. સાંકળી ગલી કે ઘરમાં બળદ દ્વારા આપણે ભારે વસ્તુ ખેંચી લાવવામાં બળદ ખૂબ ઉપયોગી પ્રાણી હતું.
(મેં પણ જાતે ખેતરે બળદ લઇ સાંતીડું બાંધી પરોંઢે ખેતર ખેડેલું છે.હાલરું હાંકેલું છે,વાવણી કરેલી છે.બળદ ગાડું ચલાવેલું છે. કૉસ પણ ચલાવેલો છે.)આ બધું જોયું છે એટલે મને મારા બે ખૂબ વહાલા ધોળીદા યાદ આવે છે. નિરાંતે તેની પાસે ઝાડના છાંયડે બાંધી ચાર નાખતો હોઉં અને તેના કાનને ખોતરતો હોઉં ત્યારે તે ચાર ખાવાનું ભૂલી જઈ તે મારા તરફ આવી અબોલ જીવ ઈશારો કરે કે મને હજુ વધુ ખણો. તેની પીઠ ઉપર હાથ મૂકું કે ચાર પગ નીચે પસાર થાઉં તો તે બિલકુલ હલે નહીં તેવું વ્હાલસોયું પ્રાણી હવે નથી તે તો જેણે બળદ રાખ્યા છે તેને જ ખબર હોય.
ખેતરે વહેલી સવારે જવાનું હોય કે ખેતરેથી ઘેર આવવાનું હોય ત્યારે તે આપોઆપ ગાડે ઝૂટી જાય. મરગના ચિલે ચિલે ડાચકારો કરો એટલે સીધા ઘેર આવી ઉભા રહે. આ પ્રાણી કોઈ દિવસ માલીકનું ઘર ના ભૂલે.ખાણ નાખવામાં ક્યારેક મોડું થાય તો ખીલે થી ઈશારો કરે, તરસ લાગી હોય તો આ પ્રાણી ભાંભરે પરંતુ ભૂલે ચુકે આપણે એ બધું ભૂલી ગયાં હોઈએ તો તે મૂંગું મૂંગું રડે છે પરંતુ માલિકને પોતાની ભૂલનો બદલો ના જ આપે. સદાય વફાદાર પ્રાણી આપણી સેવામાં ગમે ત્યારે થાક્યો હોય કે મરવાની અણી પર હોય તો પણ પોતાનું કર્તવ્ય ક્યારે છોડશે નહીં.
ભગવાને બળદ નો જન્મ આપી ખેડૂત પર અનંત ઉપકાર કર્યો છે પરંતુ ખેડૂત ભાન ભૂલી ટ્રેક્ટર ના નાદમાં પડ્યો છે. બાળદથી ખેતી કામમાં ખેડૂતને થાક ના લાગતો જયારે ટ્રેક્ટરથી માણસ થાક અનુભવે છે.
ગાય માતાના આ બેઉ બેટડામાં એક ભગવાન શિવના પોઠીયા તરીકે પૂજાયો તો બીજો બલભદ્રના ખેતી કામમાં જોતરાયો.આવા ઉપયોગી પ્રાણીને મારા દિલથી પ્રણામ.જેને ત્યાં બળદ છે તેને એટલું કહું કે પ્રથમ કૃષિકાર ભગવાન કૃષ્ણના મોટાભાઈ બળભદ્રના પ્રાણી ને આ વંશજ ને સાચવશો તો તે તમને સાચવશે.
- સવદાનજી મકવાણા (વાત્ત્સલ્ય)

બીજા રસપ્રદ વિકલ્પો