આ જનમની પેલે પાર
-રાકેશ ઠક્કર
પ્રકરણ-૨૬
હેવાલીએ ધીમે ધીમે આંખો ખોલી. બહાર અજવાળું હતું. દિવસનો સમય હતો. અત્યારે મેવાન આવી શકે નહીં. અને એને દરવાજો ખખડાવવાની જરૂર હોતી નથી. તો શું દિયાન મને મળવા આવ્યો હશે? ના, એ પણ ના હોય શકે. અલગ થતી વખતે જ નક્કી થયું હતું કે હવે એકબીજાને મળીશું નહીં અને વાત કરીશું નહીં. પૂર્વજન્મના પ્રેમ સાથે જ સંબંધ રહેશે. આજથી બંને એકબીજાથી અજાણ્યા છે. એકબીજાને ક્યારેય મળ્યા નથી એ રીતે જીવવાનું છે. આ બંગલા વિશે તો ખાસ કોઇ જાણતું નથી. તો પછી કોણ આવ્યું હશે? અને મેવાન જતાં જતાં ખાસ કહી ગયો હતો કે દિયાનને મળતી નહીં.
દરવાજો ફરી ખખડ્યો.
હેવાલીએ ફરી વિચાર કર્યો અને દરવાજા પાસે જઇ સહેજ ડર સાથે પૂછ્યું:'કોણ છે?'
'હું...હું દિયાન...'
હેવાલી ચૂપ જ રહી. જાણે કોઇ બોલ્યું નથી. કોઇ દરવાજાની પાછળ નથી. તેનું મૌન દિયાનને અકળાવી ગયું.
'હેવાલી...હેવાલી...દરવાજો ખોલ...હું એકલો જ છું...કોઇ નથી...'
દિયાનનો અવાજ જાણે દરવાજાને અથડાઇને ખાલી પાછો આવતો હતો. કોઇ પ્રતિસાદ મળી રહ્યો ન હતો. હેવાલીએ જાણે મોં પર તાળું મારી દીધું હતું.
'હેવાલી...દરવાજો ખોલે છે કે નહીં? નહીંતર તોડી નાખીશ...'
દિયાનના અવાજમાં ગુસ્સો હતો. હેવાલી દરવાજાની બીજી બાજુ ધ્રૂજતી ઊભી હતી. તે કોઇપણ કાળે દરવાજો ખોલવા માગતી ન હતી. મેવાનના આદેશનું પાલન કરવાનું હતું. પણ તે આમ કેટલો સમય અંદર ભરાઇને રહી શકશે? દિયાન કેમ આમ કરી રહ્યો છે? એણે સત્ય સ્વીકારી લેવું જોઇએ...
'હેવાલી...તું મને બહુ યાદ આવી છે. તારી એક ઝલક પામવા બેચેન છું... તું મને આમ સતાવી ના શકે...'
'દિયાન, હવે મારું જીવન મારા હાથમાં નથી. હું બીજા કોઇની છું...તારી નથી...' એમ બોલવા જતી હેવાલીના હોઠ સિવાયેલા જ રહ્યા.
'હેવાલી, આ અન્યાય છે. તારી સાથે મેં સાત ફેરા ફર્યા છે. તું મારી અર્ધાંગિની છે. મારા બોલને ઉથાપી રહી છે. મારી લાગણી સાથે રમત રમી રહી છે. તું મારી છે અને મારી રહેવાની છે. તું મેવાનથી ડરી રહી છે પણ હું શિનામિથી ડરતો નથી. ભલે આપણાને એમણે ન મળવાની સૂચના આપી હોય પણ હું કોઇનાથી ડરતો નથી. એ લોકો ભૂત છે. માનવ નથી. અને અત્યારે આવવાના નથી. રાત એમના બાપની છે તો દિવસ આપણા બાપનો છે. આપણા મિલનની એમને ખબર પડવાની નથી...'
દિયાન કરગરી રહ્યો હતો. બીજી તરફ હેવાલી દિલ પર પથ્થર રાખીને બધું સાંભળી રહી હતી. તેણે નક્કી કરી લીધું હતું કે દિયાનને કોઇ જવાબ આપશે નહીં કે એની સામે જશે નહીં. આજે તે આખો દિવસ આ રૂમમાં જ બંધ રહેશે. મેવાન આવશે ત્યારે એને બધી વાત કરશે અને કોઇ ઉપાય બતાવવા કહેશે. દિયાનની સ્થિતિ તે સમજી શકતી હતી. દિયાન સાથે તેને થોડા દિવસોમાં ગમી ગયું હતું. બંને બે દિલ એક પ્રાણ જેવા થઇ ગયા હતા. આ મેવાન અને શિનામિના ભૂત ના આવ્યા હોત તો આજે એકબીજાની બાંહોમાં ઝૂલતા હોત. નિયતિએ કંઇક અલગ જ નક્કી કર્યું છે. અને બંને ભૂતની શક્તિઓ ધરાવે છે. એકબીજાને મળવાથી જીવ પર જોખમ આવી શકે છે. મેવાને તો ધમકી જેવી જ આપી છે કે દિયાનને મળવાનું નથી. દિયાનને નહીં મળવાની સૂચના આપીને ગયા પછી સવાર થઇ ન હતી ત્યારે થોડી જ ક્ષણમાં તે પાછો આવ્યો હતો અને કહ્યું હતું કે અમે નથી એમ સમજીને દિયાન તને મળવાની કોશિષ કરે તો પણ મળતી નહીં. નહીંતર એના જીવનને ખતરો ઊભો થશે. શિનામિ એની તારી સાથેની મુલાકાત હવે સહન કરી શકશે નહીં. મને પણ એવું ગમશે નહીં. દિયાનનું જીવન તારા હાથમાં છે. મને વિશ્વાસ છે કે તું તો દિયાનને મળવાનો પ્રયત્ન કરશે નહીં. તું મને જીવનસાથી તરીકે ભૂતના સ્વરૂપમાં પણ સ્વીકારી ચૂકી છે. દિયાન કોઇ હરકત કરી શકે છે. જો એ એમ કરશે તો એને ભારે પડશે...
હેવાલીના મનમાં મેવાનના છેલ્લા શબ્દો પડઘાતા હતા. તેને દિયાનનો અવાજ આવતો બંધ થઇ ગયો હતો. તેને હાશ થઇ. તે મોબાઇલ બંધ હોવાનું ચકાસીને બેડ પર જઇ ફરી સૂઇ ગઇ. ઊઠી ત્યારે જોયું કે મેવાન રૂમમાં બધી વ્યવસ્થા કરીને ગયો હતો. તે નાહીધોઇને પરવારી અને જમીને ફરી સૂઇ ગઇ. તે જલદી રાત પડે એવી પ્રાર્થના કરી રહી હતી.
હેવાલી જાગીને બેઠી હતી ત્યારે અંધારું પૃથ્વી પર ઉતરી આવ્યું હતું. મેવાન ગમે ત્યારે આવી શકે એમ હતો. એને યાદ કર્યો અને એ આવી પણ ગયો. તે બારીમાંથી આવ્યો કે દરવાજાને પાર કરીને આવ્યો એનો ખ્યાલ જ ના રહ્યો.
'હાય! મારા વગર તું સુકાઇ ગઇ કે શું? કે પછી દિયાનની યાદમાં આંસુ સારતી હતી?' તેણે બોલીને હેવાલીને ચમકાવી દીધી.
'હં...હા...તને યાદ જ કરતી હતી...' હેવાલીએ શબ્દોમાં લાગણી ઉમેરીને કહ્યું.
'ખરેખર...?' મેવાન ગંભીર થઇને પૂછતો હતો.
'હા, દિયાન સવારે આવ્યો હતો. પણ હું એને મળી નથી કે એની સાથે વાત કરી નથી...' હેવાલીએ એક છૂપા ડર સાથે કહ્યું.
'હા....હા....હા....' મેવાન એની મજાક કરતો હોય એમ હસવા લાગ્યો.
હેવાલી ગભરાઇ ગઇ. પોતે સાચું કહી રહી છે છતાં એને સાચું લાગી રહ્યું નહીં હોય? મનમાં પ્રશ્ન સાથે તે ડરથી થૂંક ગળે ઉતારી રહી.
***