આ જનમની પેલે પાર - ૯ Rakesh Thakkar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

આ જનમની પેલે પાર - ૯

આ જનમની પેલે પાર

-રાકેશ ઠક્કર

પ્રકરણ-૯

દિયાન રાત્રે કોરો કાગળ પોતાની બાજુમાં રાખીને સૂઇ ગયો હતો. સપનામાં શિનામી સાથે કોઇ વાત થઇ હોય એવું યાદ આવતું ન હતું ત્યારે આ લખાણ પોતે ક્યારે અને કેમ લખ્યું એની નવાઇ લાગી રહી હતી. હેવાલી એને કાગળના લખાણ વિશે પૂછી રહી હતી ત્યારે એ પોતાના જ અક્ષર છે કે કેમ એનું નિરીક્ષણ કરી રહ્યો હતો. એણે ધારી ધારીને જોયું. અક્ષર પોતાના જ હતા. અક્ષરોના વળાંક જ કહી આપતા હતા કે પોતે જ લખ્યું હતું. અક્ષરો પરથી તેને લાગતું હતું કે બહુ શાંતિથી આ લખાણ લખ્યું છે. પોતે રાત્રે ઊઠ્યો હોય એવો કોઇ ખ્યાલ જ નથી. આરામથી બેસીને કેવી રીતે લખ્યું હશે?

હેવાલી પણ નવાઇથી જોવા લાગી અને બોલી:'દિયાન એમાં સરનામું લખ્યું હોય એવું લાગે છે...'

'હા, એનું આખું નામ શિનામી યોગેન વાલાણી છે. સરનામું છે...અડસઢ મહોલ્લો, હાથી સર્કલ, તલાવડી, જિ.સુરગઢ...'

'તને ખરેખર યાદ આવતું નથી કે આ તેં ક્યારે અને કોના કહેવાથી લખ્યું હતું?'

'ના, રાત્રે હું એકીપાણી માટે પણ ઊઠ્યો હોય એવો ખ્યાલ નથી...તારો કાગળ જોને જરા...'

'હા, એ તો હું ભૂલી જ ગઇ.'

હેવાલીએ દોડીને પોતાનો કાગળ વાંચ્યો અને એ ચોંકી ગઇ:'દિયાન, આ શું? તારા કાગળ પર છે એ જ સરનામું મારા કાગળ પર છે. અક્ષરો મારા જ છે. મને ખ્યાલ નથી કે રાત્રે ઊંઘમાં આવું લખ્યું હોય. કેવું વિચિત્ર કહેવાય? બંને આપણા સપનામાં આવ્યા નહીં અને સરનામા આપી ગયા? તો શું બંને જીવીત વ્યક્તિ હશે? જો જીવતા હોય તો આ રીતે કેમ આપણાને મળે છે અને પૂર્વ જન્મની વાત જણાવે છે?'

'હેવાલી, તારા કાગળ પર મેવાન જયરામ સંતાણી, અડસઢ મહોલ્લો, હાથી સર્કલ, તલાવડી, જિ.સુરગઢ જ લખ્યું છે...'

બંને સવારે ઊઠ્યા ત્યારે એ વાત પર ખુશ હતા કે હવે એમને સપનાની ઘટનાથી છૂટકારો મળી ગયો છે. પણ હવે એમાં વધારે ઊંડા ઊતારવામાં રહ્યા છે.

હેવાલી કહે:'દિયાન, આપણે હવે શું કરીએ?'

દિયાન કહે:'આપણાને એમના અસ્તિત્વની સાબિતી જોઇતી જ હતી ને? આપણે એમની પાસે પુરાવા માગવાના જ હતા. એમને આપણા વિચારનો ખ્યાલ આવી ગયો હશે કે આ કોઇ સંયોગ છે?'

'હા, પણ મને એમ થાય છે કે આપણે આ કાગળોને ફાડીને સળગાવી દઇએ. વાંસ રહેશે તો વાંસળી વાગશે ને? આપણે એમનાથી નાતો કાપી જ નાખીએ. હું નથી ઇચ્છતી કે એમની જાળમાં ફસાતા જઇએ. આમ પણ એમણે આપણી સાથે સપનામાં વાત કરી નથી કે કંઇ કહ્યું નથી. પછી શા માટે આપણે એમના આ સરનામાને ગંભીરતાથી લેવા જોઇએ? આપણે શું લેવાદેવા? એ જ્યાં રહેતા હોય ત્યાં રહે. બહુ ગરજ હશે તો રૂબરૂ મળવા આવશે....'

'હેવાલી, હું તારી વાત સાથે સંમત છું. પણ મને લાગે છે કે બંને એમ આપણો પીછો છોડશે નહીં. આપણી હવે પછીની રાતો બગાડશે... અને કદાચ જિંદગી પણ. મને લાગે છે કે હવે જ્યારે બંને આપણાને સાબિતી આપી રહ્યા છે ત્યારે એક વખત તપાસ કરી આવવામાં શું વાંધો છે? સુરગઢ જિલ્લો બહુ દૂર નથી. એમની વાત કેટલી સાચી છે એની તપાસ કરી લેવી જોઇએ...'

'ઠીક છે. તો પછી હું ફટાફટ તૈયાર થઇ જાઉં છું. પણ મમ્મી-પપ્પાને શું કહીશું? આપણે ખોટું બોલી શકીએ નહીં...'

'હં...એ વાત સાચી પણ સાચું કહેવામાં એમને ઘણી બધી વાત કરવી પડશે. એમના વિચાર- અભિપ્રાય જુદા હશે...એક કામ કરીએ આપણે એક મિત્ર દંપતીને મળવા જવાનું કહીએ. અને વાત એવી જ છે ને?'

'હા, તું વાત કરી લે...'

દિયાને મિત્ર દંપતીને અગત્યના કામે મળવા જવાની ઘરમાં વાત કરી અને તૈયાર થઇને કાર લઇ સૂરગઢના રસ્તે નીકળી ગયા. આખા રસ્તા દરમ્યાન જાતજાતના અને ભાતભાતના વિચારો વ્યકત કરતા રહ્યા. પોતે કોઇ મુસીબતમાં ફસાઇ નહીં જાય ને? એવો ડર ઊભો થવા લાગ્યો હતો. એમને દિવસે જ મળીને રાત થતાં સુધીમાં પાછા ફરવાનું નક્કી કરી લીધું હતું.

દિયાન અને હેવાલી જ્યારે કલાકોની મુસાફરી પછી સૂરગઢ જિલ્લાના તલાવડી ગામના અડસઢ મહોલ્લામાં પહોંચ્યા ત્યારે એ સ્થાન જોઇને એમને લાગ્યું કે આ તો ગામની નિર્જન જગ્યા લાગે છે. અહીં કોઇ રહેતું પણ હશે? એમણે ગામમાં પ્રવેશ કરતી વખતે એક-બે જણને અડસઢ મહોલ્લાનું સરનામું પૂછ્યું ત્યારે એ એમને એવા આશ્ચર્યથી જોઇ રહ્યા હતા જાણે કોઇ પરગ્રહવાસી આવ્યા હોય. ત્યારે બંનેએ સહેજ ડર અનુભવ્યો હતો. હવે જર્જરિત મકાનોવાળો અડસઢ મહોલ્લો ભેંકાર ભાસતો હતો ત્યારે એ ડર વધી રહ્યો હતો. એક જગ્યાએ એમણે બકરીનો અવાજ સાંભળ્યો અને માનવ વસ્તી પણ હોવાની આશા જાગી. બકરીના અવાજને પકડીને એ પોળના એક જૂના મકાન પાસે ગયા. દિયાને હિંમત કરીને બૂમ પાડી:'કોઇ છે....?'

દિયાનને એના જ અવાજનો જાણે પડઘો સંભળાયો. ત્યાં પવનથી ઉડતા સૂકા પાંદડાનો અવાજ પણ થથરાવી ગયો. કોઇ પ્રત્યુત્તર ના આવ્યો એટલે ફરી બૂમ પાડી. બંનેએ લોખંડનો એક સળીયો ઘસડાવાનો અવાજ સાંભળ્યો. બંને ચોંકીને એકબીજાને જોવા લાગ્યા. હેવાલી એને અડીને એનો હાથ પકડીને ઊભી રહી ગઇ. અંદરથી એક માનવ દેહ બહાર આવ્યો. દિયાનની નજર એની આંખ ઉપર ગઇ અને તેના રુંવાડા ઊભા થઇ ગયા.

ક્રમશ: