Aa Janamni pele paar - 3 books and stories free download online pdf in Gujarati

આ જનમની પેલે પાર - ૩

આ જનમની પેલે પાર

-રાકેશ ઠક્કર

પ્રકરણ-૩

સુલુબેનની ધમકી સાંભળીને દિયાન અને હેવાલી સાથે બધાંને આંચકો લાગ્યો. કોઇને કલ્પના ન હતી કે સુલુબેન આટલા બધા દુ:ખી હશે. દિનકરભાઇ પણ હેરતથી સુલુબેન તરફ જોવા લાગ્યા. બેઠક કરતાં પહેલાં એમણે સુલુબેન સાથે ચર્ચા કરી હતી અને એવું નક્કી કર્યું હતું કે એમને પ્રેમથી સમજાવીશું એટલે માની જશે. અને જે કોઇ કારણ હશે તેને સમજીશું અને જે સમસ્યા હશે તેનું નિરાકરણ કરવાનો પ્રયત્ન કરીશું. સુલુબેન આત્મહત્યાનો નિર્ણય લેશે એવી કલ્પના ન હતી. અને એ માત્ર ધમકી આપવા જ કહી રહ્યા હોય એવું ન હતું. અગાઉ પણ એ ઘર-પરિવારના ભલા માટે આકરા નિર્ણયો લેતા આવ્યા છે. એમને દિયાન માટે બહુ પ્રેમ છે. પોતાના પુત્રના લગ્ન તૂટી જાય તો તેમના માટે જીવવાનો કોઇ મતલબ રહેતો ન હતો. સુલુબેનના જીવ આપી દેવાના નિર્ણયની જાહેરાત પછી દિયાન અને હેવાલીની બોલતી બંધ થઇ ગઇ હતી. એમને થયું કે નિર્ણયમાં અડગ રહેવાનું મુશ્કેલ બનશે. બંને એકબીજા સામે નવી ઊભી થયેલી પરિસ્થિતિમાં શું કરીશું? એવા વિચાર સાથે જોઇ રહ્યા.

દિયાન માતાના શબ્દોના આંચકાને ખમતાં બોલ્યો:'મા, આ શું કહી રહી છે? અમારા કરતાં તારો જીવ અમને વહાલો છે. તેં મને જનમ આપ્યો છે અને મારા માટે તારે જીવ આપવો પડે એ તો મારા માટે ઢાંકણીમાં પાણી લઇને ડૂબી મરવા જેવું ગણાય. હું તારા જીવને દુ:ખ આપી શકું જ નહીં...'

'તો પછી બેટા આમ અલગ થવાની વાત જ કેમ કરે છે. કહી દે કે અમે સાથે જ છીએ...તમારી વચ્ચે જે સમસ્યા હોય એ વિશે ખૂલીને કહો. અમે કોઇપણ રીતે એનું નિરાકરણ લાવીશું. આ તારા પપ્પા સમાજના અગ્રણી છે. એમણે આવા ઘણા સામાજિક ઝઘડા સુલઝાવ્યા છે. બસ તું અમને કારણ આપી દે....' સુલુબેનને થયું કે એમની લાગણી પુત્રને સ્પર્શી છે.

સુલુબેનની વાત પૂરી થઇ ત્યાં હેવાલીના માતા ચંદનબેન બોલ્યા:'જમાઇરાજ, અમારી છોકરીએ કોઇ ભૂલ કરી હોય તો અમે એના તરફથી માફી માગીએ છીએ. એનો જે વાંક-ગુનો હોય એ અમને કહો. એ અમારું માનશે... અને હેવાલી, તને જમાઇરાજથી કોઇ સમસ્યા હોય તો એ કહે. અહીં બધાં બેઠા જ છે. તારે મૂંઝાવાની જરૂર નથી....'

'મા, હું તમને પહેલાં જ કહી ચૂકી છું કે ના મને દિયાન તરફથી કે એમના પરિવારથી કોઇ સમસ્યા છે. આ નિર્ણય અમે સમજીને એકબીજાની સંમતિથી લીધો છે. કોઇ સમસ્યા જ નથી તો કહીએ કેવી રીતે? કોઇ મુદ્દો જ નથી કે આપને જણાવીએ. અમારી વિનંતી છે કે વાતની વધારે ચર્ચા કરવાને બદલે અમને ખુશીથી રજામંદી આપી દો...'

હેવાલીની વાત સાંભળીને પિતા મનોહરભાઇ પણ ગૂંચવાયા. કોઇ સમસ્યા નથી તો પછી છૂટા પડવાનો પ્રશ્ન જ આવતો નથી. અને પ્રશ્ન જ નથી તો ઉત્તર ક્યાંથી મળવાનો હતો. પૃથ્વી પરનું આ પહેલું યુગલ હશે જે કોઇ કારણ વગર છૂટું પડી રહ્યું છે.

દિનકરભાઇ પણ અનુભવી હતા. તેમને હવે એમ લાગ્યું કે દિયાન અને હેવાલીની આ મિલીભગત છે. બંનેએ અંદરોઅંદર નક્કી કરી લીધું છે કે કોઇ સમસ્યાનો ઉલ્લેખ જ નહીં કરવાનો એટલે તેના ઉકેલનો પ્રશ્ન ના આવે અને બંનેની જીદ પૂરી થાય. પણ હું એમને સફળ થવા નહીં દઉં. સુલુએ બંનેને બરાબર જ સાણસામાં લીધા છે.

દિનકરભાઇ ઊભા થયા અને દિયાનનો હાથ પોતાના હાથમાં લઇ પૂછ્યું:'મારી કસમ ખાઇને કહે કે તમારી વચ્ચે કોઇ સમસ્યા નથી...'

દિયાન પિતાને માન આપવા ઊભો થઇ ગયો અને એમનો હાથ પ્રેમથી દાબીને કહ્યું;'પપ્પા, તમારી કસમ ખાઇને કહું છું કે મારી અને હેવાલી વચ્ચે બધું બરાબર જ છે. કોઇ સમસ્યા નથી. બસ અમે કંઇક વિચારીને છૂટા પડી રહ્યા છે...'

દિયાને જે ઝડપથી કસમ ખાધી એ જોઇને દિનકરભાઇ સાથે સુલુબેન પણ ચોંકી ગયા. એમનો દીકરો ખોટી કસમ ખાય એવો નથી. બંને પાસે જાણે કોઇ જવાબ ના હોય એમ એકબીજાને તાકી રહ્યા. બંનેના ચહેરા પર એમના પ્રયત્ન વિફળ રહ્યા હોય એવા ભાવ હતા. દિનકરભાઇ અને સુલુબેનને દિયાન અને હેવાલીના છૂટા પડવાની વાત હવે અજીબ લાગી રહી હતી.

દિયાન અને હેવાલીને થયું કે પરિવારના સભ્યોના મનનું સમાધાન થઇ રહ્યું છે. પણ આટલી સરળતાથી માને એવા તો નથી જ.

દિયાન અને હેવાલીને છૂટા થવાની સંમતિ મળવાની શક્યતા વધી ગઇ એટલે ખુશ થતા હતા. એક નવા જીવનને જીવવા માટે મનોમન ઉત્સાહ આવી રહ્યો હતો. કોઇને કલ્પના પણ ન હતી કે બંને એક નવા પાત્ર સાથે જીવન જીવવા થનગની રહ્યા હતા!

ક્રમશ:

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED