Ruday Manthan - 30 - Last Part books and stories free download online pdf in Gujarati

રુદયમંથન - 30 - છેલ્લો ભાગ

છમછમ કરતી નાની પગલીઓ ચોગાનમાં ચાલી રહી હતી, કાલીઘેલી ભાષામાં લવારીઓ સંભળાઈ રહી હતી, આજુબાજુ ટોળે વળીને બેસેલા સૌની નજર એ બાળકી પર જ ટકી રહી હતી, એ ચોગાન બીજું કોઈ નહિ શાંતિસદનનું હતું, ધર્મદાદાના રતનપુરાનું એ જ શાંતિસદન જેનો વિલના વિભાજન વખતે કોઈ ઉલ્લેખ જ નહોતો, તોય આખો દેસાઈ પરિવાર અહીં એક છત નીચે રહે છે.
દાદાના ગુજરી ગયાને પાંચ વર્ષ થઈ ગયાં, દેસાઈ પરિવારની એ કસોટીના પણ! મહર્ષિ અને ઋતાના લગ્ન ધામધૂમથી કરાવડવ્યા, એમનાં જીવનમાં દ્વિજા નામનું ફૂલ ખીલ્યું, જાણે એમનાં જીવનમાં નવો જન્મ! પાંચ વર્ષ પહેલાં ચાલી રહેલી સવાસો કરોડની પ્રોપર્ટીની લ્હાયમાં રતનપુરા આવેલ દરેક એ કસોટી પાર તો કરી ગયા, પણ એ પાછા અમદાવાદ ના ગયા! અહી જ રોકાઈ ગયા, કુદરતના ખોળે! તાપીના ખોળે!
પાંચ વર્ષમાં તો અહી શહેરને શરમાવે એવી બધી સુવિધાઓ કરાવડાવી દેવામાં આવી હતી, મોબાઇલ નેટવર્કથી માંડીને દ્વિજા કલા કેન્દ્ર સુધી! આજે દ્વિજા કલા કેન્દ્રનું નામ ઇન્ટર નેશનલ લેવલ સુધી પ્રસિદ્ધિ પામ્યું છે, મહર્ષિ અને ઋતાની મહેનતનું પરિણામ આજે સાકાર થયું છે.
"દ્વિજા.....બેટા દ્વિજા! આમ ના દોડીએ...પડી જાઈશ!"- કહેતાં કહેતાં માધવી એ તોફાની બાળાની પાછળ ફરી રહ્યા છે, એના મોઢાનું સ્મિત આકાશને ખરેખર આકાશે પહોચાડે એવું લાગી રહ્યું હતું.
" માધવી, એ તને નહિ ગાંઠે!"- આકાશે માધવીને વ્યર્થ મહેનત કરતાં રોકી.
"દ્વિજા બેટા...જો તો કોણ આવ્યું?"- આકાશે એનું ધ્યાન દોર્યું, ને એ બાળકી સામે આવી રહેલી ઋતાને જઈને વળગી પડી, ઋતા પણ એને એની બાહોમાં લઈને ચૂમી રહી, કેન્દ્રના કામે મહર્ષિ જોડે એ દ્વિજાને બધા જોડે મૂકીને ગઈ હતી.
" મમ્મા.....કઈ ગઈ તી!"- જાણે એની કાલી કાલી ભાષામાં ઋતાને ધમકાવી રહી હતી એમ બોલી રહી, એની આંખોમાં ડિટ્ટો ઋતા જેવું તેજ અને દેખાવે મહર્ષિની કાર્બન કોપી!
"આ જો તો દોઢ વર્ષની હજી માંડ માંડ બોલતાં થઈ ને એની માં ને ધમકાવતી ફરે છે."- મેઘ બોલતાં બોલતાં હસી રહ્યો.
" ભાઈ, એ તો દેસાઈ પરિવારની દીકરી છે, ને એમાંય મહર્ષિની તો શું બાકી હોય?"- પવને સુર છેડ્યો.
" એમાંય સ્વીટી ફિયાનો હાથ અડ્યો એટલે નખરાં તો ભરપૂર!"- બાજુમાં બેઠેલો વિધાન બોલ્યો.
" વાયડા! હવે બોલતો નહિ કોઈ દિવસ, નહિ તો હવે સ્વીટી એકલી નહિ પણ જમાઈને લઈને તને મારવા દોડશે!"- તૃપ્તિએ કહ્યું.
" પણ એને ક્યાં હવે એવી ફુરસદ? જમાઈ જોડે આવે ને બે દિવસમાં ઊભા ઊભા પાછી સાસરે જતી રહે!"- શિખાએ ઉમેર્યું.
" હા, દીકરી તો પારકી થાપણ કહેવાય! હવે એ આપણી નહિ નૈસર્ગકુમારની અમાનત કહેવાય!"- માધવી બોલી.
" એ વાવાઝોડાને તો નૈસર્ગકુમાર જ ઝીલે છે!- કહેતાં તન્મય હસી પડ્યો, ને જોડે બીજા બધાંય!
" પણ આ તો મારો દીકરો છે! મારે તો એને સાસરે જ નથી મોકલવી!"- મહર્ષિએ દ્વિજાને તેડતા કહ્યું.
" રહેવા દે, રહેવા દે! ઉંમર થશે ને તું જ એના હાથ પીળાં કરવા અધીરો થઈશ!"- શિખાએ એને સંભળાવ્યું.
" એ વાત પણ સાચી છે હા કાકી!"- એમ કહેતા મહર્ષિ હસી પડ્યો, ને ઋતાને જોઈ રહ્યો.
" આજે દાદા જીવતા હોતે તો એમને કેટલી ખુશી થતે નહિ?"- ઋતાએ દાદાને યાદ કર્યા.
" સાચી વાત, એ દ્વિજાને જોઈને બહુ હરખાતે!"- મહર્ષિએ સાથ પુરાવ્યો.
" એના કરતાંય તેઓ એ વાતથી વધારે ખુશ હોતે કે દ્વિજાને સાંભળવા માટે એનો આખો પરિવાર એની જોડે રહે છે!"- આકાશે એમની એકતા દર્શાવતા કહ્યું.
" મારા આખા પરિવારને કાળો ટિકો કરું!"- કહીને શિખાએ એની આંખનું કાજલ કાઢ્યું.
" જ્યાં સુધી આપણી સમજણ અકબંધ છે ત્યાં સુધી કોઈની દેન નથી કે કોઈને અલગ કરે!"- માધવીએ એનો અનુભવ કહ્યો.
" સાચી વાત છે મમ્મી! સો ટકા ટચની વાત!" ઋતા બોલી.
એક નાનુશું બાળ આખા પરિવારને એક રાખીને પોતે દોડાદોડી કરી રહ્યું હતું, ધરતીમાં આ છેડામાં દેસાઈ પરિવારની શાંતિ અડીખમ હતી, આજે સંસાર વધતો ગયો, પાંચ વર્ષમાં ત્રણ નવી વહુ આવી, ત્રણેય દીકરીઓ સાસરે વળાવી ને જમાઈઓ પરિવારનો હિસ્સો બન્યા, દ્વિજા નામનું ફૂલ ખીલ્યું, ધર્મદાદાનો પરિવાર આજે ચારેકોર ફૂલતો ફાલતો રહ્યો.
તેઓએ અમદાવાદમાં ચાલી રહેલા બિઝનેસમાં અલ્મોસ્ટ વાઇન્ડ અપ કરી લીધો અને સુરત અને રતનપુરામાં પોતાનું જીવન સિમિત કરી દીધું, ઇન્ટરનેશનલ લેવલ સુધી ચાલતો ધંધો હવે તેઓ માત્ર રતનપુરાથી જે કરતાં, અહીંની ધરાને તેઓ પોતાના કામ સાથે વિશ્વવ્યાપી પ્રસિદ્ધ બનાવી રહ્યા હતા ને જોડે ધર્મદાદાનું નામ પણ!
દ્વિજા એની પા પા પગલી ભરતી દોડતી રહી, એ ચોગાનમાંથી હવેલીમાં અંદર આવી, પાછળ પાછળ ઋતા અને મહર્ષિ પણ!
" જોયું, તમારી દીકરી મને બધાની વચ્ચે કેવું ખિજાય છે?"- ઋતાએ દ્વિજાની મીઠી શિકાયત કરતાં મહર્ષિને કહ્યું.
" તારા પર ગઈ છે તો હું શું કરું?"- એણે જવાબ આપ્યો.
" એટલે હું તમને ખીજાઉ છું?"
" હા.....ના પણ કોઈ કોઈ વાર ગુસ્સો તો કરે જ છે ને!"
" સીધા રહેતા હોવ તો મારે ક્યાં કંઈ બોલવું પડે?"
" તો તું પણ એને કહ્યા વગર એકલી મૂકીને જતી રહે તો એ ખિજાય જ ને!"- મહર્ષિએ દ્વિજાનો પક્ષ લેતા કહ્યું.
" ઓહ....એટલે હું ખરાબ અને એ સારી એમ?"- ઋતાએ ખોટા ખોટા રિસામણા લીધા.
" ના બકા...મે ક્યાં એવું કીધું? મારા માટે તો તમે બંને સરખા!"- કહીને ઋતાને મનાવવા બાથ ભીડી, ને આગળ દોડતી દ્વિજા પાછી વળીને એમને વળગી પડી.
ને આવી રીતે એમનાં જીવનમાં દામ્પત્યરસ રેલાતો રહ્યો.

સમાપ્ત






બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED