Prem - Nafrat - 22 books and stories free download online pdf in Gujarati

પ્રેમ - નફરત - ૨૨

પ્રેમ-નફરત

- મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કર

પ્રકરણ-૨૨

આરવને એ વાત ખટકી રહી હતી કે બીજી વખત તેણે મોબાઇલ લોન્ચ કરવા કરેલી મહેનત ફોગટ જવાની હતી. જો ફોનની કિંમત વધારે રાખવામાં આવશે તો મધ્યમ વર્ગના લોકો એને ખરીદતાં વિચાર કરશે. અત્યારે મધ્યમવર્ગના લોકો માટે આ શ્રેષ્ઠ ફોન બની શકે એમ છે. આરવ એ જાણતો હતો કે ફોન ન વેચાય તો ખાસ કોઇ નફો થાય એમ ન હતો. પણ બીજી તરફ 'સુપરફાસ્ટ મોબાઇલ' કંપનીના મોબાઇલથી સસ્તો અને સારો મોબાઇલ લોન્ચ કરીને લોકોમાં છવાઇ જવાની તક હતી.

આરવ પોતાનો બચાવ કરતાં બોલ્યો:'પપ્પા, આ ફોન માટે અમે ઘણી મહેનત કરી છે. 'સુપરફાસ્ટ મોબાઇલ' કંપનીમાંથી ઘણી માહિતી તફડાવીને એને તૈયાર કર્યો છે. આ વખતે આપણે પાછું પગલું ભરીશું તો પછી જલદી બેઠા થઇ શકીશું નહીં...'

'આરવ, મને ખબર છે કે આપણા અગાઉના આયોજન મુજબ તમે બધાંએ ઘણી મહેનત કરી છે. પરંતુ રૂ.૧૫૦૦૦ થી ઓછી કિંમત રાખીને લોકોની આદત બગાડવી નથી. વધુ સારા સ્પેશીફિકેશન મેળવવા થોડા વધુ રૂપિયા આપવા પડે એનો એમને ખ્યાલ રહેવો જોઇએ. અને 'સુપરફાસ્ટ મોબાઇલ' ના નવા ફોનની કિંમત એ લોકો રૂ.૧૯૦૦૦ રાખવાના છે એમ તું કહેતો હતો. એમની કિંમત બરાબર છે. આપણે એમનાથી વધુ સુવિધાઓ આપીએ છીએ ત્યારે આપણા અને એમના મોબાઇલની કિંમત વચ્ચે મોટું અંતર હોવું જોઇએ નહીં. આપણે રૂ.૧૫૦૦૦ કે ૧૯૦૦૦ ની વચ્ચેની કિંમત રાખી શકીએ એમ છીએ... મારા ખ્યાલથી રૂ.૧૬૯૯૯ યોગ્ય રહેશે. આપણાને થોડી વધુ કિંમત મળશે અને મધ્યમવર્ગના લોકોના ખિસ્સાને પણ પરવડશે...'

લખમલભાઇની વાત સાંભળીને આરવના જીવમાં જાણે જીવ આવ્યો. તે ખુશ થઇને બોલી ઊઠયો:'હા, એકાદ હજાર વધારે કિંમત રાખીએ તો લોકોને કંઇ ફરક પડશે નહીં પણ આપણી આવક થોડી વધી જશે...'

'મારું માનવું છે કે આ કિંમત હજુ ઓછી છે...' કિરણ સંમત થઇ રહ્યો ન હતો.

'બેટા, હવે બહુ કિંમત વધારી શકાય એમ નથી. આપણે વધારે વેચાણ કરીને એ કવર કરી લઇશું. આરવ, તું રૂ.૧૬૯૯૯ માં મોબાઇલ લોન્ચ કરવાની તૈયારી શરૂ કરી દે...' કહીને લખમલભાઇએ વાત ઉપર પૂર્ણવિરામ મૂકી દીધું.

કિરણ હવે કંઇ બોલી શકે એમ ન હતો. તે મનોમન સમસમીને બેસી રહ્યો હોય એમ તેના ચહેરા પરથી સ્પષ્ટ જણાતું હતું.

આરવ ખુશ થતો પોતાની ઓફિસમાં ગયો અને રચનાને ફોન કરીને બોલાવી. આરવે તેને કિંમત થોડી વધારવાની પિતાની વાત કરી એ બાબતે કોઇ વાંધો ન હતો.

મોબાઇલને લોન્ચ કરવાના આયોજનમાં બંને વ્યસ્ત થઇ ગયા.

સાંજે મોડું થયું એટલે આરવે એને ઘરે મૂકી આવવાનો આગ્રહ કર્યો. રચનાએ ચોખ્ખી ના પાડી દીધી. તેણે કહ્યું કે તે આવી કોઇ આદત પાડવા માગતી નથી. તેમ છતાં આરવે એને અડધા રસ્તા સુધી લીફટ આપવાની જીદ કરી એને ટાળી ના શકી.

રસ્તામાં આરવે કિશોરકુમારના ગીતો વગાડવાના શરૂ કર્યા ત્યારે 'ખેલ ખેલ મેં' ના એક ગીત 'એક મેં ઔર એક તૂ, દોનોં મિલે ઇસ તરાહ...' સાંભળતી વખતે રચનાએ ખુશ થઇને આશા ભોંસલે સાથે 'હો દૂરિયાં વક્ત આને પે મિટાયેંગે, એક દિન ઇતના પાસ આએંગે' પંક્તિ પર ગણગણતાં જાણે તેને સાથ આપ્યો. આરવને થયું કે દૂરી ઓછી થઇ રહી છે.

આરવે ફરી એને ઘરે મૂકી જવાનું કહ્યું ત્યારે તેણે રુક્ષતાથી ના પાડી દીધી. એણે એવી રીતે ના પાડી કે જાણે એના ઘરે ક્યારેય બોલાવવા માગતી નથી. એનો સ્વર એટલો સપાટ હતો કે આરવ ફરી ક્યારેય પૂછવાની હિંમત કરી ના શકે. આરવને રચનાના આવા વલણની નવાઇ લાગી પણ તે આજની મુલાકાતની ખુશીને ગ્રહણ લગાડવા માગતો ન હતો. તેને એક જગ્યાએ છોડીને આગળ વધી ગયો.

આરવ ઘરે પહોંચ્યો ત્યારે શૈલી આવી ચૂકી હતી.

'આવો...' એ જાણે તેની પત્ની હોય એમ સોફા પરથી ઊભી થઇને આવકાર આપવા લાગી અને તેની બેગ ખેંચી લઇને પોતે ઊઠાવીને નજીકમાં મૂકી એનાથી આરવને આંચકો લાગ્યો. આ છોકરી ઘર સુધી પહોંચી ગઇ અને અત્યારથી જ પત્ની તરીકેનો હક જતાવવા લાગી કે શું?

મનમાં ગુસ્સો કરતો આરવ માંડ માંડ મોં પર કૃત્રિમ હાસ્ય લાવતાં બોલ્યો:'મમ્મી, ક્યાં છે?' પછી એને જ થયું કે કોઇ પતિ ઘરમાં આવીને મમ્મી વિશે એની પત્નીને પૂછતો હોય એમ જ શૈલીને પૂછી બેઠો છે!

'હું આ રહી બેટા!' કહેતા સુલોચનાબેન અંદરથી આવી પહોંચ્યા હતા. એમણે શૈલીનો હાથ પકડીને કહ્યું:'બે કલાકમાં તો ઘરમાં એવી હળીભળી ગઇ છે કે બહારની હોય એવું લાગે જ નહીં!'

આરવને થયું કે શૈલીએ મમ્મીનું દિલ જીતી લીધું છે. એને ખબર નહીં હોય કે આરવ એમ એની જાળમાં ફસાવાનો નથી!

તે સુલોચનાબેનને કોઇ જવાબ આપે એ પહેલાં તેના ફોનની રીંગ વાગી. જોયું તો રચનાનો ફોન હતો. આરવને થયું કે હજુ છૂટા પડ્યાને એક કલાક થયો નથી ત્યાં એને મારી યાદ આવી ગઇ! આ બલાની સામે એની સાથે પ્રેમભરી વાત કરવાનું મુશ્કેલ છે. તેણે ફોન કટ કરીને મેસેજ મૂક્યો કે થોડી વારમાં સંપર્ક કરું છું. રચનાનાનો ફોન ફરી આવ્યો એટલે તેને થયું કે વાત પ્રેમની નથી બીજી જ કોઇ છે.

ક્રમશ:

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED