અંગત ડાયરી - એટિટ્યુડ Kamlesh K Joshi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અંગત ડાયરી - એટિટ્યુડ

શીર્ષક : એટિટ્યુડ

©લેખક : કમલેશ જોષી

મારા ભાણીયાએ ટુચકો કહ્યો: "મામા, શિયાળાની ઋતુનો મોટામાં મોટો ફાયદો શું ખબર છે?" મેં નકારમાં માથું ધુણાવ્યું.

એ બોલ્યો: "શિયાળામાં ગરમી ન પડે."

હું સહેજ હસ્યો. પછી મેં કહ્યું: "એ તારો પોઝીટીવ એટીટ્યુડ છે."

ભાણીયાનો પ્રશ્ન: ‘"મામા, એટીટ્યુડ એટલે?"

મારો જવાબ: "વલણ, અભિગમ." ભાણીયાની આંખોમાં પ્રશ્નાર્થ.

મારો અર્થવિસ્તાર: "કોઈ પણ ઘટના કે વ્યક્તિને જોવા, સમજવાનો આપણો દૃષ્ટિકોણ એટલે એટીટ્યુડ." ફરી ભાણીયાની આંખોમાં પ્રશ્નાર્થ.

મારો વધુ એક પ્રયત્ન: "શિયાળાની કડકડતી ઠંડીના રોદણાં રોવાને બદલે તું એનો મોટામાં મોટો ફાયદો શોધી લાવ્યો એ તારો વિચાર, સમજણ, દૃષ્ટિ એટલે એટીટ્યુડ."

એક વડીલે કહ્યું: "સુખી અને દુઃખી વ્યક્તિ વચ્ચે એક જ તફાવત છે અને એ છે એમનો એટીટ્યુડ-દૃષ્ટિકોણ." દૃષ્ટિ એટલે આંખેથી જોવાની શક્તિ કે કળા અને કોણ એટલે ખૂણો. આપણે સીધું જોવું છે કે વાંકું એ આપણે નક્કી કરવાનું છે. જેટલું સીધું જુઓ એટલા સુખી અને જેટલો વક્ર ઍન્ગલ વધુ એટલા વધુ દુઃખી. અમારા એક સાહેબનો ચહેરો હંમેશા ગંભીર અને ગમગીન જ જોવા મળે. એ ત્રણ વાક્યો બોલે તો એમાંથી બે વાક્યો કોઈની ભૂલ બતાવતા હોય. એમને જોઈને જ સ્ટાફ મેમ્બર્સના હૃદયમાં ધ્રાસકો પડે. અંદરો અંદર ગણગણાટ થઈ જાય: ‘એ માખી આવી, માખી આવી’. માખી જેમ હજારો સ્વચ્છ અને સુંદર વસ્તુઓ પડતી મૂકીને ગંદકીમાં જઈને બેસે એમ એ સાહેબ પણ સારું જોવાની બદલે ભૂલ ગોતવામાં પી.એચ.ડી. થઈ ગયા હતા. અમે ક્યારેય એમને ખડખડાટ હસતા, આનંદિત થઈ નાચતા કે કોઈના હસતા મોંએ વખાણ કરતા નથી સાંભળ્યા. એમની મહેફિલમાં બેઠા હોય એ તમામ જાણે ‘ઉઠમણાં’માં બેઠા હોય એમ ગંભીર અને ગમગીન જ જોવા મળે.

આપણને બધાને ખબર છે કે જીવનમાં સુખી થવું હોય, આનંદમાં રહેવું હોય, નાચવું, ગાવું હોય તો પોઝીટીવ એટીટ્યુડ એક જ રામબાણ ઈલાજ છે અને દુઃખી થવા માટે કાળો, નેગેટીવ, ઝહેરીલો, નિંદા, કુથલી વાળો નેગેટીવ એટીટ્યુડ એક માત્ર વિકલ્પ છે. તેમ છતાં નેગેટીવીટીનો ચસ્કો, સ્વાદ, આકર્ષણ આપણાથી છૂટતાં નથી. નવાઈની વાત એ છે કે તમે દુઃખમાં ડૂબેલા સો જણાને પૂછો કે તમારો એટીટ્યુડ પોઝીટીવ છે કે નેગેટીવ, તો સોએ સો જણાનો જવાબ હશે: પોઝીટીવ. જેમ શરીરનું ટેમ્પરેચર માપવા થર્મોમીટર નામનું સાધન છે એમ એટીટ્યુડ માપવાનું સાધન પણ કાશ વિજ્ઞાને બનાવ્યું હોત! ડોક્ટર ચેક કરીને કહેત: "ઓહ, તમારો એટીટ્યુડ તો માઇનસમાં જઈ રહ્યો છે, હવેથી કોઈના વાંક જોવાનું કે ભૂલ કાઢવાનું બંધ નહિ કરો તો દુઃખના ચોથા સ્ટેજમાં પહોચી જશો." તમે શું માનો છો તમારો એટીટ્યુડ કેવો છે? ઈમાનદારીથી કહેજો હોં. જો તમે તમારાથી વધુ સારા હોય એવા દસ મિત્રોના કે પરિચિતો કે કર્મચારીઓના નામ ઈમાનદારીથી સડસડાટ બોલી શકો તો તમારો એટીટ્યુડ પોઝીટીવ. નહિતર ગેટ વેલ સૂન. પ્રયત્ન કરી જુઓ.

પોઝીટીવીટી માટે પ્રયત્ન, પુરુષાર્થ અને પ્રેક્ટીસની જરૂર પડે છે, નેગેટીવીટી તો આપોઆપ આવી જતી હોય છે. સારી આદતો પાડવા અને ટકાવી રાખવા સતત મહેનત કરવી પડે, ખરાબ આદતો તો જાણે કુદરતી જ ઉગી નીકળતી હોય છે. સુંદર મજાના ખીલેલા ફૂલોથી મઘમઘતો બગીચો સખત મેઇન્ટેનન્સ, માવજત માંગી લે છે, જયારે બાવળિયા તો બેફામ ઉગી નીકળે છે. સવારે વહેલા ઉઠવાની, વૉકિંગ કે કસરત કે યોગા કરવાની, પૂજાપાઠ કરવાની આદતો છૂટી ગયા પછી ફરી શરુ કરવામાં બહુ તકલીફ પડે છે. બીજામાં સદગુણો જોવા સહેલા નથી.

પ્રાથમિકમાં ભણતા ત્યારે એક કવિતા ભણવામાં આવતી:

"ઊંટ કહે: આ સભામાં, વાંકાં અંગવાળાં ભૂંડા;

ભૂતળમાં પક્ષીઓ ને પશુઓ અપાર છે;

બગલાની ડોક વાંકી, પોપટની ચાંચ વાંકી;

કૂતરાની પૂંછડીનો, વાંકો વિસ્તાર છે.

વારણની સૂંઢ વાંકી, વાઘના છે નખ વાંકા;

ભેંસને તો શિર વાંકાં, શિંગડાનો ભાર છે.

સાંભળી શિયાળ બોલ્યું, દાખે દલપતરામ;

અન્યનું તો એક વાંકું, આપનાં અઢાર છે ”

છેલ્લી પંક્તિમાં કવિ દલપતરામજીએ મસ્ત ઉપચાર આપ્યો છે: અન્યના તો એક વાંકા આપના અઢાર છે. સ્ટાફ રૂમમાં કે ઘરના ઓટલે કે પાનના ગલ્લે કે ક્લબમાં કે હોટેલના ડાઈનીંગ ટેબલ પર ભેગાં મળી ગેરહાજર વ્યક્તિના અવગુણો કે ભૂલો કાઢતા પહેલા એક વાર સેલ્ફનો પ્રામાણિકતાથી સ્ટડી કરી લઈએ તો આપણા અઢાર અવગુણો કે ભૂલો ધ્યાનમાં આવશે. આપણને આપણા વિષે જેટલી ખબર હોય એટલી બીજાને થોડી હોય? બીજાના અવગુણો ચાર જગ્યાએ ગાવાની આપણી ખંજવાળ જો ઓછી થશે તોયે સુખનું સરનામું મળી ગયું સમજો. એમાંય જો બીજાની ક્વૉલીટીઝ જોવાની આદત પાડી શકો તો સુખના સરનામે પહોંચી ગયા સમજો. પેલું કહ્યું છે ને:

નઝર ક્યા બદલી નઝારે હી બદલ ગયે,

કસ્તી કા રુખ મોડ દિયા તો કિનારે હી બદલ ગયે.

આપણા શાસ્ત્રો આ જ સમજાવી રહ્યા છે: "ઈશાવાસ્યમ્ ઈદમ સર્વમ્." જગત આખું ઈશ્વરમય છે. જિધર દેખું તેરી તસ્વીર નજર આતી હૈ. એક વાર પોઝીટીવ એટીટ્યુડ ડેવલપ થઈ જાય, રેગ્યુલર પ્રેક્ટીસ થઈ જાય તો તમને તમારી સોસાયટીમાં ગોકુળિયા ગામનો, તમારી શેરીમાં રમતા બાળક અને ઓફિસમાં કામ કરતા ઈમાનદાર કર્મચારીમાં કાનુડાનો સાક્ષાત્કાર ચોક્કસ થશે. એટલીસ્ટ આ એક અઠવાડિયું જ્યાં જ્યાં ‘વખોડવા’ની ઈચ્છા થાય ત્યાં ત્યાં ‘વખાણવા’નો, બૉસમાં બકાસુરને બદલે ‘બ્રહ્મા’ના, કર્મચારીમાં ‘કામચોર’ ને બદલે ‘કર્મયોગી’ જોવાનો, સાસુને ‘શૂર્પણખા’ ને બદલે ‘શબરી’ સમજવાનો , વહુમાં ‘વેરઝેર’ને બદલે ‘વ્હાલ’ના દર્શન કરવાનો ઈમાનદાર પ્રયાસ કરીએ તો કેવું?

- kamlesh_joshi_sir@yahoo.co.in