અમુઆતાને પ્રકૃતિ સાથે ખૂબ લગાવ. ગીરના બધા પ્રાણીઓ, પક્ષીઓ, કીટકો, સરીસૃપો અને ઝાડવાથી તે સારી રીતે પરિચિત હતા. જેદી અમુઆતા માલઢોરમાં હોય તે દાડો રાધીને જરૂર કંઈક નવું જાણવા મળે જ. રાધી જે કંઈ ગીર વિશે જાણે છે તે બધું જ અમુઆતાએ શીખવેલ છે. અમુઆતાનો એક જ જીવન મંત્ર, "ગર્ય આપણને હાસ્વે,આપડે ગર્યને હાસવવાની"અમુઆતા ભણેલા તો નહોતા પણ ગણેલા ઘણું હતા. નાનપણથી લઇ અત્યાર સુધી તે ગીરમાં ખૂબ રખડેલા અને ઢોર ચારેલાં. અમુઆતા ગળાનાં પણ નરવા હતાં.તેનાં ગળામાંથી માતાજીની આરતી, દૂહા,છંદ વછૂટે એટલે સામે વાળાને માતાજીનો સાક્ષાત્કાર થઈ જાય. ચાલતાં ચાલતાં એક ઝાડવાં નીચે ખાતાં વધેલ જૂઠણને એક શિયાળવુ જમીનમાં ખાડો કરી દાટી રહ્યું હતું. એ જોઈ અમુઆતાને એક દૂહો યાદ ચડ્યો ને તરત લલકાર્યો.
પોતાના પંડ કેરો જેને ઘટમાં ભરોહો ઘણો,
હાવજ હંઘરે નહિ કાલનું ભોજન કાગડા.
દુહો સાંભળી રાધી અને કનાને જોશ આવી ગયો તે પાછળ રહી ગયા હતા તેથી ઝડપથી ચાલી અમુઆતા સાથે થઈ ગયા. કનાએ પૂછ્યું,
"આતા હવે હૂ જોવા લઈ જાહો?"
"ઈ નીયા જઈ જોય લેજે વાલીડા, અથરો મ થા."
ઝાડવાની નીચે નમી ગયેલી ડાળીઓ આધી કરતા, ક્યાંક નીચા નમતાં,તો ક્યાંક સુકલ તીરખડા પગ નીચે દબાવાથી બકરુ બાવળનાં સૂકલ પવડા ખાતું હોય તેવો કરડ કરડ અવાજ આવતો હતો. ક્યાંક ટેકરીનો ઢાળ ચડતા તો ક્યાંય પાછા ઉતરતા ત્રણે આગળ ચાલ્યા જ જાય છે. એક મોટી ટેકરીની ઉપર સમથળ જગ્યા આવી ત્યાં એક જુનુ વિશાળ આંબલીનું ઝાડ હતું. આ આંબલીના ઝાડ નીચે આવી અમુઆતા ઉભા રહ્યા. પાછળ એના પગલા દબાવે આવતા રાધીને કનો પણ ઊભા રહી આંબલીના ઝાડ ઉપર જોવા લાગ્યા. અમુ આતાએ આંગળી ચીંધી આંબલીના ઝાડ પાસે જર્જરિત થઈ ગયેલા ઓટલા પર ખોડેલી બે, ત્રણેક ફુટ ઉંચી ખાંભી બતાવી. કનોને રાધી બંને કૌતુક સાથે આ ખાંભી જોવા લાગ્યા. ખાંભી પર લગાડેલું સિંદૂર વરસાદને લીધે ધોવાય જવાથી આછું થઈ ગયું હતું.
અમુઆતા માથે બાંધવાનાં ફાળિયાંથી ખાંભી પર ચોંટી ગયેલા આંબલીનાં પાંદડાં,કોર, ધૂળ ઝાપટવા લાગ્યા. આંબલીના થડની બાજુમાં કોઈકે જીપટી (જંગલમાં થતી એક વનસ્પતિ) નો સાવરણો બનાવી મુકેલો હતો. અમુઆતા સાવરણો ઉપાડી ઓટલો વાળવા લાગ્યા. રાધીએ અમુઆતાના હાથમાંથી સાવરણો લઈ લીધો અને પોતે ઓટલો અને આજુબાજુની જગ્યા વાળીને સાફ કરી નાખી.કનો આ બંને ખાંભીને નીરખીને જોઇ રહ્યો હતો. એક ખાંભી પર બંગડી પહેરેલ હાથ સાથે પંજો કોતરેલો હતો. બીજી ખાંભી પર ઘોડા પર બેઠેલો અસવાર કોતરેલો હતો.આંબલીનાં ઝાડ પાછળથી ગાઢ જંગલ શરૂ થઈ જતું હતું.જગ્યા સૂમસામ હતી. આંબલી જૂની હોવાથી તેની કોઈ કોઈ શાખા સુકાઈ ગયેલી હતી. આવી સુકાઈ ગયેલી શાખામાં લક્કડખોદ તેની જસતના ટાંકણા જેવી ચાંચ વડે ઠક..ઠક..ઠક..કરતું હોલ કરી રહ્યું હતું.તેનો કોઈ મિસ્ત્રી પંચ લઈ લાકડામાં હૉલ કરતો હોય ને પંચ પર હથોડી મારતો હોય તેવો નક્કર અવાજ આવતો હતો. તેની ઉપરની ડાળમાં એક બખ્યમાં ચીબરાનાં બે બચ્ચા મોટા ડોળા તગતગાવી આ ત્રણેય સામે જોઈ રહ્યા હતા.તેની મા ચીબરી આ નિર્જન વિસ્તારમાં માણસોને જોઈ ગભરાઈને ચીકિક.. ચીકીક...જેવું ડરામણું ચિત્કારી રહી હતી.
અમુઆતાએ ઓટલા પર પોતાના માથે બાંધવાનું પનીયું પાથરી દીધું. રાધી અને કનાને બાજુમાં બેસવાનો ઈશારો કર્યો. બંને કશું બોલ્યા વગર બાજુમાં બેસી ગયા. અમુ આતાના થેલામાં ચા-ખાંડ, મરચુ,મસાલા, તેલ જેવી વસ્તુની સાથે સાથે એક દિવાની વાટની દાબલી પણ કાયમ રાખેલી હોય. ગીરના જંગલમાં ઘણી જગ્યાએ માતાજીના નાનકડા થાનક તો કોઈ જગ્યાએ હનુમાનજી દાદાની દેરીયું પણ આવેલી છે. માલઢોર ચરાવવાની કોઈ એક જગ્યા નક્કી હોતી નથી.તેથી માલઢોર ચરાવતા આવું કોઈ દેવ દેવીનું સ્થાનક જોઈ જાય એટલે અમુઆતા પોતાની પાસે રહેલ દીવાની વાટનો દેવ -દેવીની આગળ દીવો અચૂક પ્રગટાવે. આજે પણ આ ખાંભી આગળ પડેલ કોડિયાંને ઊંધું ઠપકારી તેમાં પડેલ બળી ગયેલી વાટ,કચરો અને પાંદડા ખંખેરી નાખ્યાં.તેમાં હાથ ફેરવી ચોખ્ખું કર્યું. કોડિયામાં બે વાટ ગોઠવી માચીસ વડે દીવો પ્રગટાવ્યો. દીવડો પવનથી ઓલવાઈ ન જાય, તેથી તેના રક્ષણ માટે ઈંટોનો એક ગોખલો બનાવેલો હતો. તે ગોખલામાં દીવો ગોઠવી અમુઆતા આંખો બંધ કરી હાથ જોડી સમાધિની મુદ્રામાં બેસી ગયાં. કનો અને રાધી પણ હાથ જોડીને બેસી ગયા. રાધીની આંખો બંધ હતી. કનો ઘડીક રાધી સામે તો ઘડીક અમુઆતા સામે જોયા કરતો.કનાએ ઉપર જોયું તો ડાળે બેઠેલી ચીબરી તેની સામે જ મોટાં ડોળા તગતગાવતી તાંકી રહી હતી.બંનેની આંખો મળતાં ચીબરી ગભરાઈને ચિકીક.. ચીકીક..કરતી ઊડી.તેનાં અવાજથી રાધીએ આંખો ખોલી ને અમુઆતાએ પણ માથું નમાવી આંખો ખોલી.
ઘણીવાર સુધી બંધ રહેલી અમુઆતાની આંખોમાં લાલ ઝાય દેખાતી હતી.કાયમી નિર્મળ આંખો વાળા અમુઆતા સમાધિમાંથી ઊઠ્યાં પછી તેની આંખો વધું નિર્મળ લાગી રહી હતી. કનાનાં મનમાં ખાંભીની વાત જાણવાની ક્યારની ચટપખડી ઉપડી હતી. પરંતુ અમુઆતા સાથે ઉજરેલી રાધીને ખબર હતી કે અમુઆતા તેની ઝડપે જ વાત કહેશે. એટલામાં આંબલીની પાછળ આવેલી ગીચ ઝાડીમાં પાંદડાનો ફડફડાટ થયો. સુકલ પાંદડા ઉપર કોઈક જનાવર ચાલતું હોય તેવો અવાજ આવ્યો.અમુ આતા સતર્ક થઈ બાજુમાં પડેલ ડાંગ લઈ ઊભા થઈ ગયાં. સામેથી આવતા અવાજ તરફ નજર કરી શું આવી રહ્યું છે તેનો તાગ મેળવવા ઝીણી નજર કરી જોઈ રહ્યા. થોડીક વાર થઈ ત્યાં પાંદડા ખખડાવતો નોળિયાનો પરિવાર નીકળ્યો.નર, માદા નોળિયોને તેની પાછળ નાનકડા ત્રણ બચ્ચા બીતા બીતા આવી રહ્યા હતા. નોળિયાએ પણ આગંતુકોથી ભય છે કે નહીં તેનો તાગ મેળવવા પાછળના બે પગે માણસ જેમ ઊભો થઈ પરિસ્થિતિનો તાગ મેળવ્યો. પરંતુ ગીરના જનાવરો પણ માલધારીને સારી પેઠે ઓળખે છે. તેને ખબર હોય છે કે આમનાથી બીવાની જરૂર નથી. આ લોકો આપણને ક્યારેય નુકસાન નહીં પહોચાડે. તેથી આ ત્રણેય જાણે પરિચિત હોય તેમ નોળિયા પરિવાર પાંદડા ખખડાવતો તેની બાજુમાં થઈ ઝાડીમાં ઓજલ થઈ ગયો.
અમુઆતાએ કના અને રાધી સામે જોઈ મોઢું મલકાવ્યું. પાંદડાનાં ખખડાટથી છળી મરેલા કનાને જીવમાં જીવ આવ્યો. તે પણ અમુ આતા સામે જોઈ હસી પડ્યો.
અમુઆતાએ કના અને રાધી સામે વાત ચાલું કરી." છોકરાવ, તમને આજ હોએક(સો) વરા (વર્ષ) મોર્યની વાત કેવી સે. ઈ વખતે અતારથી ઘાટી ગરય હતી."એમ કહી અમુઆતા ગીરનાં જંગલ પર એક નજર કરી નિઃસાસો નાખ્યો.પછી અમુઆતા બંને ખાંભી સામે જોઈ રહ્યાં.કેમ તેને ખાંભીમાં કંઇક દેખાતું હોય!!
ક્રમશઃ.....
(ખાંભીની અમર કહાની સાંભળવા વાંચતા રહો, "નેહડો (The heart of Gir)"
લેખક: અશોકસિંહ એ. ટાંક
wts up no. 9428810621