રામુઆપાની વાત DFO સાહેબ ધ્યાનથી સાંભળી રહ્યા હતા. એટલામાં બહાર ગાડીમાં કંઈક મેસેજ વાયરલેસ સેટમાં આવી રહ્યો હોય તેવું સંભળાયું. બહારથી ડ્રાઇવર દોડતો દોડતો સાહેબ પાસે આવ્યો. સાહેબની નજીક આવી કાનમાં કંઈક કહ્યું. સાંભળી સાહેબની આંખો પહોળી થઈ ગઈ. સાહેબે ગેલા સામે જોઈને કહ્યું, "આજે અમે જઈએ છીએ. પરંતુ તું નેહડો છોડી ક્યાંય જાતો નહીં. અમારી રજા વગર તારે ગીરની બહાર જવાનું નથી." આવી કડક સૂચના આપી સાહેબ દોડતા હોય તેમ ઝડપથી ચાલી બહાર નીકળ્યા. પાછળ પાછળ ગાર્ડ્સ અને ટ્રેકર્સ પણ બહાર નીકળ્યા. એક ગાર્ડનાં પગમાં પાડરુંને બાંધવાના ખીલાનું ઠેબુ વાગતાં તે પડતો પડતો માંડ માંડ બચ્યો. લથડિયાં ખાતો કંઈક બબડતો માંડ માંડ કરી પોતાની જાતને સંભાળી, ઝડપથી દોડીએ સાહેબની સાથે થઈ ગયો. બધા ગાડીમાં બેસી ગયા ગાડી ઘરઘરાટી કરતી ઝડપથી ચાલી નીકળી.
નેહડે ગાડી ગયાં પછી સૂનકાર વ્યાપી ગયો હતો. સાહેબ માટે ઢાળેલા ખાટલા પર ગેલો નીચી મૂંડી કરી કંઈ વિચારતો બેસી ગયો. રામુઆપા વાડાનાં જાપા પાસે રાખેલા પોતાના ખાટલે બેસી ફરી હોકલીમાં તમાકુ ભરવા લાગ્યા. કનો ધીમે પગલે ચિંતાતૂર મોઢે ગેલાનાં ખાટલાની પાંગતે આવી સંકોડાઇને બેસી ગયો. રાજી ઓસરીની કોરે થાંભલીનો ટેકો લઇ લાજનો એક છેડો ખેંચી ગેલા સામે જોઈ ઊભી હતી. જીણીમા ખાણવાળા બગડેલા હાથ ખંખેરતા બોલ્યા, " આ મૂવા વાહે પડી જ્યાં સે. રોજ્ય રોજય આવીને બેહી જાય સે.અને તું હૂ આમ મૂંઝાય મૂંઝાયને જવાબ આલે સો?ખોંખારીને કય દે જે કેવું હોય ઈ.તે થોડો હામતાને માર્યો સે તે આમ બિયાય જ્યો સો?" રામુઆપાએ ચૂંગી બાકસથી સળગાવી દમ ખેંચ્યો. ધુમાડાના ગોટા કાઢતા બોલ્યા,
"ઈ બસારા હૂ કરે? ઈને માથેથી ભિહ હોય.સામત નો જડે તો ઈની નોકરીયું વયું જાય.આપડા પેટમાં પાપ નો હોય એટલે હાવ.પસે કૉયથી ફાટી પડવાનું નહિ.ગેલા મૂંઝાતો નય, મા ખોડલ બધાં હારા વાના કરી દેહે.જાવ હવે ભેહૂ દોય ને દૂધ ડેરી ભેરું કરો.નકર ન્યા ગાડી હાલી જાહે."
બીજા દાડે ઉગમણી કોર્ય કંકુ વેરાણા, સુરજદાદો ડુંગરેથી ડોકાણા.ટૂંટિયું વળીને સૂતેલાં ગીરને જગાડવા પંખીડાં કલશોર કરવા લાગ્યા.આળસ મરડી ઊઠેલાં ગીરનાં સ્વાગતમાં મોરલા ટેહુક...ટહુક..ગહેકવા લાગ્યાં.કુહૂ...કુહૂ...કરતો કોકિલ ગાવા લાગ્યો. નેહડાનાં માલધારીઓએ પોતાના માલઢોર જંગલના કેડે ચડાવી દીધા. આજે નનોભાઈ બહારગામ ગયો હોવાથી માલમાં અમુઆતા અને રાધી આવ્યા હતા. રજા હોવાથી કનો પણ સવારથી ગેલામામા સાથે માલમાં આવ્યો હતો. કાયમની ચરાણની જગ્યાએ ઘાસ ઓછું થઈ ગયું હોવાથી આજે માલને વધુ આઘેરેક જ્યાં ઘાસનો જથ્થો વધુ હતો ત્યાં લાવ્યા હતા. રાતની ભૂખી ભેંસો અને ગાયો ઘાસના મોઢા ભરી ભરીને વતડ..વતડ..કરતી ચરવા લાગી ગઈ. તેની પાછળ પાછળ ફરતા બગલાને કાબરા પણ પોતાના ભોજનનો ઇંતજામ કરવામાં લાગી ગયા હતા. ગોવાળિયા રાણકોકડીનાં ઝાડને છાંયડે બેઠા હતા. બીજી બાજુ અમુઆતા ખાખરાનાં છાયડે બેઠા હતા. રાધી અને કનો તેની બંને બાજુ આવી બેસી ગયા.
અમુઆતાએ હાથમાં પથ્થર રમાડતા રમાડતા દૂરથી આવતા અવાજ તરફ કાન સરવા કર્યા. રાધી સમજી ગઈ કે આજે આતા પાસેથી નવું જાણવા મળશે. રાધીએ પણ પોતાના કાન સરવા કર્યા. દૂરથી કોઈ વ્હિસલ મારતું હોય તેવો અવાજ આવી રહ્યો હતો. એ અવાજ રાધીએ પણ સાંભળ્યો. કનો સામે દેખાતા ઝાડવવામાં આ બંને કંઈક જોઈ રહ્યા છે, તેમ જાણી ફાફા મારતો હતો. જોવાનું નથી ખાલી સાંભળવાનું છે તેવુ ઇશારાથી રાધીએ કનાને સમજાવ્યું.હવે કનાને પણ પીહિપ... પિહૂ... પીહીપ... પિહૂ..એવો વ્હિસલ જેવો અવાજ સંભળાયો.
અમુઆતાએ હાથમાં રહેલ પથ્થર નીચે નાખ્યા અને ઉભા થયા. આ બંનેને પોતાની સાથે આવવા ઈશારો કર્યો. અને નાક પર આંગળી મુકી એકદમ શાંતિ રાખવા પણ સમજાવ્યું. પગરવનો પણ અવાજ ન આવે એ રીતે ત્રણે આગળ વધ્યા. જેમ જેમ આગળ વધતા ગયા તેમ તેમ આ વ્હિસલનો અવાજ વધુ સંભળાતો ગયો. અચાનક એક સાગનાં ઝાડની નજીક આવી અમુઆતા ઉભા રહિ ગયાં. આંગળી ચીંધી બંનેને એક નાનકડું પક્ષી બતાવ્યું. જેની છાતી પીળી હતી. પેટથી બંને પગ વચ્ચે થઈ લાલ કલરનો પટ્ટો પૂછડી સૂધી આગળ જતો હતો. તેની પુંછડી એકદમ ટૂંકી હતી. આ ટૂંકી પૂંછડી ઉપર-નીચે હલાવ્યા કરતું હતું. બંને આંખની સાઈડથી માથા સુધી કાળા પટ્ટા હતા. તેની પીઠ લીલાશ પડતા વાદળી કલરની હતી. બંને પાંખની સાઈડમાં ચમકતી વાદળી કલરની લાઇન હતી. તે ખૂબ સંચળ અને શરમાળ હતું. તે એક જગ્યાએ જપીને બેસતું પણ ન હતું. તેણે સાગની ડાળ પર બેલાખડામાં બરાબર મજબૂત રીતે ફસાવી માળો બનાવેલો હતો.ગોળ વાટકા આકારનો માળો બહાર સળેકડાં અને અંદર પાંદડાને કરોળિયાના જાળા લાવી પોચો ને સુરક્ષિત બનાવેલો હતો.
ઘણીવાર સુધી બધાએ કંઈ બોલ્યા ચાલ્યા વગર આ પક્ષીની હરકતો જોયા કરી. પછી કનો ધીમે ધીમે બોલ્યો, "રાધી આ પંખીડું કેવું રૂપાળું છે નય? મને તો હાથમાં પકડી રમાડવાનું મન થય ગયું!" "રૂપાળું હોય ઈ બધુ આપડું નો હોય. ઈને જોય ને મજા લેવાની હોય. વનના પંખીડા ને પકડવી તો બસારા ફફડી મરે. વનનાં પંખીડા વનમાં હારા લાગે."રાધીએ મોંઢું ચડાવી કના ને ઠપકાનાં સ્વરૂપે સંભળાવી દીધું. અમુઆતાએ કહ્યું, "આ નવરંગ પંખીડું સે." કનો વચ્ચે બોલી ઉઠ્યો, "આતા ઈના રંગ ઉપરથી નામ પડ્યું લાગે સે."
"હા ઈને ભગવાને આટલ્યા ઝાઝા રંગ આપી દીધા.અને હાંભળો, ઈ પંખીડું ગરયનું નહિ. ઈતો બારનાં મલકનું સે.એટલે આપડું મેમાન કેવાય.ઈના મલકમાં ટાઢ વધારે પડે તિયારે આયા હાલ્યા આયે.જો પિયાલા જેવો ઈનો માળો સે.નર, માદા થયને બસ્સા ઉજેરશે. બસ્સા મોટાં થાશે એટલે ઈના મુલકમાં હાલ્યા જાહે."
કનોને રાધી આ સુંદર પક્ષીને ધ્યાનથી જોઈ રહ્યા હતા. નર, માદા વારાફરતી ચાંચમાં આજુબાજુથી જીવડા, કરોળિયા પકડીને માળામાં ડોકા બહાર રાખી બેઠેલા ભૂખ્યા બચ્ચાને ખવડાવી રહ્યા હતા. કનાને આજે આ નવરંગ પક્ષી જોવાનો ખૂબ આનંદ આવ્યો.
" હે આતા તમી આ બધા પંખીડાને કેમ ઓળખો?"
" કનાભય અમને અમારા દાદાએ આવી બધી ઓળખાણ કરાવી હોય. આમ એક પેઢીથી બીજી પેઢી આવી બધી વાતું પોગાડવામાં આવે. તમી તમારા છોકરાઓને ઓળખાણ કરાવજો. ગર્યની વાતું ગર્ય જ શીખવે.લ્યો હાલો હવે આ પંખીડા બીતા હહે. ઈ મેમાન કેવાય.મેમાન આપડા ભગવાન.ભગવાનને દખી નો કરાય."
એમ કહી અમુઆતા આગળ ચાલવા લાગ્યા. કનો ને રાધી તેની પાછળ પાછળ ચાલતા થયા.
થોડાંક આગળ વધ્યા હશે ત્યાં રાધી ઊભી રહી ગઈ." હે... આતા આ હેનું ભોણ (દર) સે? જો તો ખરો કના! દર ફરતે કેવા પાણા ગોઠવી દીધાં સે.દરની ફરતે પાણાની હાર્યું કરી સે ને વસાળે હાલવાનો મારગ રાખ્યો સે.કેવું બૂધીસાળી હસે?" કનો પણ નવાઈ પામી આ દર જોવા લાગ્યો.અમુઆતા જોતાં વેંત ઓળખી ગયાં. "આ તો ગઢીયા એરુ (સાપ)નું દર સે.જો દર ફરતે ગઢ બનાયો સે ને? એટલે ઈનું નામ ગઢિયો એરું પડ્યું સે. ગઢીયો હોય અમથો બે વેંત નો પણ ઝેર ઈના બાપનું.એવું કેવાય સે કે ગઢીયો કવડે એટલે ઈ ધૂવડો જોય ને જ દરમાં જાય."
કનાને સમજ ના પડી એટલે તે પ્રશ્ન ભરી દૃષ્ટિએ અમુઆતાને તાકી રહ્યો.
" ગઢીયો એવો ઝેરી હોય. ઈ આભડી ગ્યો એટલે માણા મરેલો જ હમજવાનો.ધૂમાડો એટલે માણા મરે પસી ઈને અગ્નિ સસ્કાર કરે ઈનો ધૂમાડો જોય ને જ ગઢીયો દરમાં જાય ઈમ. હમજાણું કાઠીયાવાડી?"
કનો એટલું તો સમજ્યો કે આ સાપ બહું ઝેરી આવતો હશે.તે તેનાં દર પાસેથી બે ડગલાં પાછો ખસી ગયો.આ જોઈ રાધી હસવા લાગી.
" હવે બીજું કાય જોવું સે કે આયા ગઢીયામાં જ રાત પાડવી હે?"
એમ કહી અમુઆતા આગળ ચાલવા લાગ્યાં. કનોને રાધી પણ પાછળ ચાલી નીકળ્યાં. કનો હજી પાછુંવળીને જોયા કરતો હતો.તેને મનમાં એવું થાતું હતું કે ગઢીયો એરુ જોવાં મળી જાય તો હારું. ચાલતાં ચાલતાં અમુઆતા કહેતાં હતાં,
" બારથી માણા ગર્યમાં આવે એટલે બસ હાવજયું જોવાં જ આવે.હાવજયું જોવાં નો મળે એટલે ફેરો ફોગટ જાય.પણ ગર્યમાં બીજુય ઘણું જોવાનું પડ્યું સે. ગર્યનાં પહુડા,હણીચા,રોજડા,દિપડા,પંખીડા,ઝાડવા, વેલ્યું,પાંદડાં, જીવડાં,એરૂડા,ઝરણાં, વેકળા,નદીયું, માસલીયું,કાંટા,ઢોર ઢાખર,માણા, છાણા,અરે બીજું કાય નો દેખાય તો ગર્યનાં પાણા ય જોવાં જેવાં સે. પાણા કેતા આયાં પડખે એક ઠેકાણું યાદ સડ્યું હાલો દેખાડું."
ત્રણેયે ત્યાં પહોંચવા ચાલવાની ઝડપ વધારી...
ક્રમશ:
(અમુઆતા એવું કયું ઠેકાણું બતાવશે? જાણવાં વાચતા રહો" નેહડો (The heart of Gir)"
લેખક: અશોકસિંહ એ. ટાંક
wts up no. 9428810621