એક પત્ની કે પછી એક માં માટે સૌથી વ્હાલું હોય તો એ છે પોતાનું કુટુંબ અને કુટુંબનું સુખ - જે બેઉં એક સાથે ન મળે તો શું? પોતાનું કુટુંબ, પતિની હૂંફ, મોટા થતા સંતાનોનું ભવિષ્ય અને તે નજર સામે સૌ કોઈની હાજરી - એ જ તો ઝંખના હોય એક પત્ની અને માતાની! એવી જ સ્થિતિમાં ઝુઝતા-ઝુરતા જશોદાબહેનની અહીં વાત છે - તેમના કુટુંબ માટેની તેમજ વિરહના અંતની!
..........
વૃદ્ધ વ્યક્તિની સાર-સંભાળ વાળી નોકરી કરતાં કરતાં પોતે ક્યારે વન પ્રવેશ કરી ચુક્યા એનો જશોદાબહેનને કદાચ ખ્યાલ જ ન રહયો કે પછી બીજા કોઈને એની જાણ નહીં થઈ હોય! છેલ્લા તેરેક વર્ષમાં બસ બે નોકરી બદલી હશે. કામ ખૂબ સામાન્ય હતું. વૃદ્ધ સ્ત્રીની સાથે રહેવાનું, તેની સરભરા કરવાની - બસ, સાથે રહેવાનું. પોતાને ખાવા-પીવાનું કોઈ બંધન નહીં, આવક પણ સારી, ને પગાર ડોલરમાં. ઘરમાં એક વૃદ્ધા અને એક પોતે એમ બે જણ હોય પછી ચિંતા કે કામનું ખાસ ભારણ પણ નહીં. દુઃખ એક જ કે ક્યારે પોતાનાં કુટુંબની જરૂરિયાત પૂરતું બધું ગોઠવાઈ જાય અને પોતાનાં દેશમાં જઈ કુટુંબ સાથે રહેવાનું મળે! સુખ-દુઃખના પ્રસંગોમાં પરિવારજનો ભેગા થાય તો વીડિઓકોલથી જ બધાને મળવાનુ, જે ક્યારેક અસહ્ય લાગતું હતું!
ઘરની આર્થિક પરિસ્થિતિને પહોંચી વળવા માટે પ્રાથમિક શાળામાં ભણતા બાળકોનાં ઉછેરની જવાબદારી તેમનાં પતિને સોંપી પરદેશમાં કામ કરી રહેલા જસોદાબેનનાં ચહેરા પર જાણે આખો બગીચો ઝૂમતો હતો. તેર વર્ષનાં કુટુંબવિરહનો હવે અંત નજીક હતો - બસ છએક મહિના જ! શરૂઆતનાં આર્થિક ભીંસ વાળા વર્ષોને બાદ કરીને, એક દિવસ એવો નહીં ગયો હોય કે પોતનાં કુટુંબનાં કોઈ સભ્યને ફોન ન કર્યો હોય. અને એટલું જ નહીં, કેટકેટલી વાર ઘરની અસહ્ય યાદ એવી હતી કે નોકરી છોડીને પોતાનાં વતન પાછા જતું રહેવાની ઇચ્છા થઈ જતી.
પણ, કુટુંબની સુખ-સગવડો, સુવિધાઓ, જરૂરિયાતો માટે; વતનથી હજારો કિલોમીટર દૂર આવ્યા પછી એમ પાછા ફરવાનો અર્થ પણ શું? પોતાનું કે તેનાં પતિનું ખાસ ભણતરતો હતું નહીં. એક ફેક્ટરીમાં તેમનાં પતિની સામાન્ય નોકરી હતી. ઘર ચલાવવું, બાળકોનો ઉછેર, શિક્ષણનો ખર્ચ અને અન્ય જરૂરિયાતો માટે પાંચ-છ હજાર રૂપિયામાં કાંઈ બે છેડા ભેગા થાય નહીં. નાનાં એવા ગામમાં પોતાનું કહી શકાય એવું ઘર હતું એની રાહત હતી. ને અધૂરામાં પૂરું, વિદેશમાં જઈને વધારે સુખ-સગવડમાં જીવતાં લોકોનું જીવન અને એમની વાતો પણ મન પર અસર કર્યા વગર રહે જ શાની? અમુકને ન થાય એ વાત જુદી છે; પરંતુ જશોદાબહેને તો હિંમત કરી જ લીધી.
જેમતેમ કરીને દેવું કર્યું ને પહોંચી ગયા પરદેશ. કામ હતું કેર-ટેકરનું. પોતાનાં કુટુંબથી દૂર જઈ, બીજા કુટુંબમાં ભળવાનું. સ્ત્રી માટે તો આમેય કોઈ કામ અશક્ય હોતું જ નથી - ખાસ કરીને પારકા કુટુંબને પોતાનું બનાવીને જીવી લેવાનું! આવી ક્ષમતા અને સહનશક્તિ માટે સ્ત્રીની સરખામણી જ ન થાય! જશોદાબહેન પણ પહોંચી ગયા પરદેશ. શરૂઆતથી જ ઈશ્વરના આશીર્વાદ એમની સાથે જ હોય તેમ તેમનું જીવન ગોઠવાતું ગયું. પહેલી નોકરી, વૃદ્ધ સ્ત્રી અને એ વૃદ્ધાનું એ જ શહેરમાં રહેતું કુટુંબ - બધું જ સરસ રહ્યું. એ વૃદ્ધાનાં મૃત્યુ પછી, બીજી નોકરી પણ સરસ જ રહી. પણ તેર વર્ષમાં પોતાનાં વતન જઈને પરિવારને મળવાનો અવસર ઉભો થયો તોય બે-ત્રણ વાર માત્ર!
તેર વર્ષ દરમિયાન ઘરની યાદ, કુટુંબનો વિરહ, યુવાન થઈ થઈ રહેલા દીકરા અને દીકરીની સાથે રહેવાની ઈચ્છા, સરસ રસોઈ બનાવીને પોતાના પતિ અને બાળકોને જમાડવાની ઈચ્છા, કુટુંબ-પરિવારનાં પ્રસંગો વખતે હાજરી આપવાની ઈચ્છા - એમ દરેક ઈચ્છાઓ તેમનાં હૃદયમાં હંમેશા સળવળતી રહી અને આંસુ બની આંખો પર ટપકી જતી. પરિવાર માટેના વિરહની તકલીફ પર ડોલરની આવકનો પણ એટલો પ્રભાવ તો નહોતો.. ; પરંતુ, પરદેશ જવા કરેલું દેવું ચુકવવામાં શરૂઆતનાં એક-બે વર્ષની આવકનો ઉપયોગ થયો. પછીનો મુદ્દો બાળકોના શિક્ષણ માટે જરૂરી સુવિધાઓનું આયોજન અને ખર્ચ. બાળકોનું આગળનું શિક્ષણ શહેરમાં થાય તો વધારે સારું એમ નક્કી થયું. જે નક્કી થાય તે બધું ફોન પર જ! નવું એક મકાન શહેરમાં લીધું. સમય પસાર થતો ગયો. બાળકોનું ભણતર પણ સરસ રીતે આગળ વધતું રહ્યું. દુઃખનાં વાદળો દૂર થતાં ગયા. દીકરો અને દીકરી યુવાન થયા. ત્રણ-ચાર વર્ષમાં નવાં ઘરનો ખર્ચ ભરપાઈ થઈ ગયો. કુટુંબની સામાન્ય જરૂરિયાતો ઉપરાંત પણ ખર્ચ થાય તો કોઈને તકલીફ ન પડે તેવું સરસ જીવન થયું. બાળકોને પૈસેટકે કોઈ અગવડ હવે રહી નહોતી. સુખ સગવડનાં સાધનો હોય કે નવાં વસ્ત્રોની ખરીદી હોય - છુટા હાથે ખર્ચ કરી શકાય તેવી આર્થિક અને માનસિક સ્થિતિ હતી. જશોદાબહેનનાં જીવનમાં આનાથી વધારે ખુશી બીજી તે વળી શું હોય? સંતાનોએ ભણવાનું પણ પૂરું કર્યું. ઘરમાં જરૂરી સાધન-સામગ્રી તેમજ બે વાહનો - બે પૈડાં વાળા બે અને એક ચાર પૈડાં વાળા વાહનની સુવિધા પણ થઈ ગઈ. એ ઉપરાંત, ભવિષ્યના આયોજનનું વિચારીને મકાનમાં એક માળ ઉમેરાય ગયોને અમુક વર્ષ પછી એજ શહેરમાં બીજું મકાન પણ ખરીદી લીધુ. એ વાત જુદી છે કે જશોદાબહેનને બીજા ત્રણેક વર્ષનો સમયગાળો પરદેશમાં પસાર કરવાનો થયો... ! પણ, ભવિષ્યનું વિચાર્યા વગર કોઈ નિર્ણય ઉતાવળે લેવો એ સારું પણ નહીં..!
ઘરની યાદ આવે એ એક વાત છે; પણ, ઘરે પાછા ફર્યા પછી ખાલી મકાનથી ગુજારો તો ન જ ચાલે! એમ વિચારી જશોદાબહેને થોડી-ઘણી બચત પણ ચાલું રાખેલી. ક્યારેક નાના-મોટાં ખર્ચ આવી જાય એવું પણ બને. જશોદાબહેન આટલા વર્ષોનાં સંઘર્ષ પછી દરેક પરિસ્થિતિથી જાણે ટેવાય ગયા હતાં. ઘર માટેનો જરૂરી ખર્ચ હોય કે સંતાનોની કાંઈ ઈચ્છા હોય તો એમનું મન પાછું ન પડે. કુટુંબનાં સભ્યોને પણ વર્ષોથી જીવનની સગવડતા માફક આવી ગઈ હતી. દરેક વ્યકતી પરદેશમાં રોજ ફોન તો અચૂક કરે જ. સામે જશોદાબહેનનું પણ એવું જ.
સારી આવક હોય પછી ચિંતા જેવું કંઈ હોય નહીં તેવું લાગે; પરંતુ પોતાનાં પરિવાર, વતનની યાદ અને એ વિરહની વ્યથા એમને જ ખ્યાલ હોય જેને અનુભવ હોય. એમની સાથે પણ એવું થતું રહ્યું. કયારેક તો કોઈને એવો પણ ડર લાગી જાય કે આટલી સારી કમાણી અટકી જાય તો બધાની સુખ-સુવિધાનું શું?
જશોદાબહેન કામમાંથી ફ્રી થાય તયારે એમનાં મનમાં ઉઠતાં વિચારોમાં મુખ્ય હોય પોતાનાં ભૂતકાળના દિવસો, સંઘર્ષો અને વતન જઈ પરિવારની સાથે જિંદગીના દિવસો આરામથી જીવવા માટેની ઈચ્છા! સંતાનો પણ નોકરી કરતાં થઈ ગયા હતાં. પણ, બંનેની આવક એવી નહીં કે જશોદાબહેન ઘરે પાછા આવી જવાનું સાહસ કરી શકે. કુટુંબમાં તેમજ સગા-વ્હાલાઓનાં સુખ-દુઃખમાં હાજરી આપવાનાં ઘણાં પ્રસંગો આવી ગયા, પણ એ બધાં વ્યવહારો ફોનથી થતાં રહ્યા.
પણ, હવે પચાસની ઉમર વટાવી ચૂકેલા જશોદાબહેન ઘરે જવાની તૈયારીમાં લાગી ગયા હતા. બસ, હવે વધારે સમય નહીં. ઘર યાદ આવતું હતું. પરિવારના સભ્યો સાથેનાં જીવન માટેની ઝંખના મન અને હૃદયને વિહવળ કરી રહી હતી. સંતાનોનાં લગ્ન માટે રજા લઈને નહીં, પણ નિવૃત્તિ લઈને જવું હતું. હવે સમય હતો પરિવાર સાથેનાં અમૂલ્ય દિવસો અને પાછળનું જીવન જીવવાનો. મહેનત ઘણી કરી લીધી હતી.
જસોદાબહેનનો રાજીપો કોઈનાથી છાનો રહે તેમ પણ નહોતો. જ્યારે પણ કોઈની સાથે ફોન પર વાત કરે એટલે વાત હોય પરિવારની, સંતાનોની, વતન પરત ફરવાની! સંતાનોની હવે ચિંતા પણ નહોતી. સાંજે વીડિઓ કોલથી બધી વાતો ચાલતી રહી. વિચાર-વિમર્શ ને આનંદની અભિવ્યક્તિ થતી રહી. ઘરે જવાની વાતો રોજ થયા કરે. પરદેશને વિદાય આપવાની અને પોતાનાં પરિવાર સાથેનાં વિરહનો પણ અંત થવામાં પાંચેક મહિના બચ્યાં હતાં. દિવસે ને દિવસે થતી વતોમાં ઝળકતો ઉત્સાહ દરિયાનાં મોજાંની જેમ ઉછળતો તો સાથે બાકીનાં દિવસો કેમ પસાર કરવા એનું દુઃખ પણ ઉભરતું..! પૂનમ અને અમાસ.., ભરતી ને ઓટ.., સતત - દુઃખ, ખુશી, વિરહની વેદના - બધું સાથોસાથ. સ્ત્રીનું હૃદય આટલું જીરવી શકતું હશે એ તો સ્ત્રી સિવાય કોણ જાણી શકે? પણ, હવે હતી ઘરવાપસીની તૈયારી!
વતનમાં પરિવાર સાથે થતી રોજની વાતોમાં જસોદાબહેનનાં ઘરે પહોંચ્યા પછીની પ્રવૃતિ અને આયોજનની વાતો રોજ ચાલતી. એ વાતોમાં એક બીજો મોટો નિર્ણય પણ લેવાય ગયો. ખેર, એ નિર્ણય જસોદાબહેન માટે કેટલો કઠીન હશે એ તો એ બહેન જ જાણે! દરેક માટે એવું ન પણ હોય..! ભવિષ્યને ધ્યાનમાં રાખીને કોઈ વધારે સારી જગ્યાએ એક મોટું મકાન બની જાય તો કેવું? જેનાં માટે જૂનું એક મકાન વેચી પણ દેવાય જેથી આર્થિક ખેંચ ન પડે.
આખરે, નિર્ણય લેવાઈ ગયો. જસોદાબહેને દરેકની ઈચ્છાને સહર્ષ વધવી લીધી. થોડી ગણત્રી થઈ..! નવાં મકાનની શોધખોળ અને રાત્રે ટેલિફોન પર આખા દિવસમાં જોયેલાં મકાનની વાતો.!
નવા મકાનનું નક્કી થઈ ગયું..! બીજા આઠેક મહીનાં પસાર થઈ ગયાં હતાં! રાત્રે વીડિઓ કોલ એ નિત્યક્રમ હતો. ટેલિફોન પરની વાતોમાં મકાનની વાતો હતી..., માત્ર મકાનની! અમુક વાતો એવી હતી કે જે જસોદાબહેનનાં હૃદયમાં અકબંધ પડી હતી - યોગ્ય સમયની રાહ જોતી!
~ કેતન વ્યાસ