પ્રાયશ્ચિત - 95 Ashwin Rawal દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રાયશ્ચિત - 95

પ્રાયશ્ચિત પ્રકરણ 95

ચા તૈયાર થઈ ગઈ હતી એટલે જાનકીએ બધાંને ડાઈનીંગ ટેબલ પર આવી જવાનું કહ્યું.

" પપ્પા આવતી વખતે ટ્રેનમાં મને મુંબઈવાળા સુનિલભાઈ શાહ મળ્યા હતા. એમની નિધીએ ભાગીને કોઈ ક્રિશ્ચિયન સાથે લગ્ન કરી લીધાં." ચા પીતાં પીતાં કેતન બોલ્યો.

" લે કર વાત ! છોકરીને એટલી બધી આઝાદી આપેલી તો બીજું શું થાય ? તારી સાથે એણે તે દિવસે જે રીતની વાતો કરી હતી ત્યારે જ હું તો સમજી ગઈ હતી !!" જયાબેન બોલી ઉઠ્યાં.

" મને તો આ વાતની ખબર છે." સિદ્ધાર્થ બોલ્યો.

" તેં તો ઘરમાં કોઈને કહ્યું પણ નહીં." જગદીશભાઈ બોલ્યા.

" એમાં કંઈ કહેવા જેવું હતું નહીં પપ્પા. એ એમના ઘરનો પ્રોબ્લેમ છે." સિદ્ધાર્થે જવાબ આપ્યો.

" હા પણ ઘરમાં સામાન્ય વાત તો કરાય ને ? ચાલો સૌ સૌનાં નસીબ." પપ્પા બોલ્યા.

" આ આપણી શિવાનીને જ જુઓ. એકવીસમું વર્ષ ચાલે છે. ત્રણ વર્ષથી કોલેજ જાય છે. ઘરેથી કોલેજ ને કોલેજથી ઘર. બોયફ્રેન્ડ તો દૂરની વાત માંડ એક-બે છોકરીઓ એની ફ્રેન્ડ હશે. આટલી મોટી થઈ તો પણ મોબાઈલની પણ જીદ નહીં. એનું નામ સંસ્કાર !!" જયાબેન બોલ્યાં.

" અમારાં શિવાનીબેન તો લાખોમાં એક છે. !" જાનકી બોલી.

" શિવાની આગળનું પછી શું વિચાર્યું ? ગ્રેજ્યુએટ તો થઈ જઈશ પણ પછી ?" કેતન બોલ્યો.

" હું તો ભાઈ એમ.બી.એ જ કરવાની છું. એમ.બી.એ ફાઇનાન્સ માં મને રસ વધારે છે. એક વિચાર સી.એ. કરવાનો પણ થાય છે પરંતુ એનું રીઝલ્ટ બહુ જ કડક આવે છે અને બહુ વર્ષો વેડફાય છે. મને એકાઉન્ટ્સ માં બહુ જ રસ પડે છે." શિવાની બોલી.

" વેરી ગુડ. જીવનમાં એક ગોલ તો હોવો જ જોઈએ." કેતન બોલ્યો.

એ પછી બીજી કોઈ વાતો થઈ નહીં. ૧૦ વાગે કેતન ઓફિસ ગયો. એણે બધાના ખબર પૂછ્યા. બધી ફાઈલો જોઈ લીધી અને જ્યાં એની સહી જરૂરી હતી ત્યાં એણે સહી પણ કરી દીધી.

" મોટા શેઠ આવ્યા હતા બે દિવસ પહેલાં. બધું પૂછી રહ્યા હતા. " જયેશ બોલ્યો.

" હા મારે વાત થઈ ગઈ સિદ્ધાર્થભાઈ સાથે. એ પણ માલિક છે. એમને પણ પૂછવાનો એટલો જ હક્ક છે. તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. મેં એમને બધું સમજાવી દીધું છે. " કેતન બોલ્યો.

જયેશ ગયો પછી થોડી વાર પછી કેતન ઉપર નીતાનો ફોન આવ્યો.

"હાય સર... નીતા બોલું. "

" હા બોલ નીતા. કેમ ચાલે છે તમારું ? " કેતને પૂછ્યું.

" તમે ગોતી આપ્યું હોય પછી મારે કંઈ કહેવાનું જ ના હોય ને સર ? મારા ધાર્યા કરતાં પણ જૈમિન ઘણો પ્રેમાળ અને લાગણીશીલ છે. મારા મમ્મી પપ્પા પણ ખૂબ ખુશ છે. ડિસેમ્બરમાં લગ્ન લેવાનો પપ્પાનો વિચાર છે " નીતા બોલી.

" ચાલો જાણીને આનંદ થયો. મારે લાયક કંઈ પણ કામ હોય તો વિના સંકોચ કહેજે. " કેતન બોલ્યો અને ફોન કટ કર્યો.

જમીને બપોર પછી કેતન આશ્રમમાં પણ એક ચક્કર મારી આવ્યો. બધાંની ખબર અંતર પૂછી. લાઈબ્રેરીમાં જઈને કોઈ નવાં પુસ્તકોનો ઓર્ડર આપવાનો હોય તો એ પણ ચર્ચા કરી લીધી.

આખો દિવસ શાંતિથી પસાર થઈ ગયો. રાત્રે આઠ વાગે બધા ડાઇનિંગ ટેબલ ઉપર ગોઠવાઈ ગયા.

" અઠવાડિયા પછી શ્રાદ્ધ પક્ષ શરૂ થઈ જશે. તારા દાદાનું શ્રાદ્ધ એકમના દિવસે આવે છે. એ દિવસે ગૌશાળામાં ગાયો માટે થોડું દાન લખાવજે કેતન. અને દ્વારકાના સદાવ્રતમાં દૂધપાક પુરીનું ભોજન રાખજે. ભલે સાધુ સંતો અને યાત્રાળુઓ જમતા. દાદાના આત્માને શાંતિ થશે. " જયાબેન બોલ્યાં.

" માત્ર દ્વારકામાં જ નહીં. અહી આશ્રમમાં પણ નિરાધાર વૃદ્ધોને દૂધપાક પુરી જમાડીશું. એ દિવસે ચાલુ દિવસ છે નહીં તો કન્યાઓને પણ જમાડી દેત. " કેતન બોલ્યો.

" પપ્પા... મમ્મીએ શ્રાદ્ધની વાત કરી તો મને યાદ આવ્યું. મારે દાદાનું ગયાજી કે વારાણસી જઈને પિંડદાન અને તર્પણ કરવું છે. મારી ખાસ ઈચ્છા છે. " કેતન બોલ્યો.

" અરે આ તો તારો ઉત્તમ વિચાર છે. શુભસ્ય શીઘ્રમ્. આપણે ચોક્કસ જઈશું. દેવદિવાળી સુધી ચાતુર્માસ ચાલે છે. એ પતી જવા દે. કારતક મહિનાની અમાસ એના માટે ઉત્તમ ગણાય. ક્યાં જવું છે એ તું નક્કી કરી લેજે. આમ તો ચાર પાંચ જગાઓ છે. આપણા ગુજરાતમાં પ્રભાસ પાટણ પણ જઈ શકાય" જગદીશભાઈ બોલ્યા.

" જી. એ હું વિચારી લઈશ કારણકે હજુ ઘણો સમય છે. " કેતન બોલ્યો.

અને ચર્ચા થયા પ્રમાણે કેતને દાદા જમનાદાસનું શ્રાદ્ધ એકમના દિવસે ખૂબ જ ધામધૂમથી કર્યું. કપિલભાઈ શાસ્ત્રીને બીજા ચાર બ્રાહ્મણોને લઈને જમવા માટે આવવાનું કેતને આમંત્રણ આપેલું.

કપિલભાઈએ શ્રાદ્ધના દિવસે ઘરે આવીને સરસ પૂજા કરાવી. હાથમાં જળ લઈ કેતન પાસે વેદના મંત્રોથી 3 વાર તર્પણ કરાવ્યું.

ॐ मम पितामह श्री जमनादास तृप्यताम् । ईदम तिलोदकम् स्वधायिभ्य
तस्मै स्वधा नमः तस्मै स्वधा नमः ।।


એ પછી કેતને પાંચ બ્રાહ્મણોને પ્રેમથી જમાડ્યા. સારી એવી દક્ષિણા પણ આપી.

દ્વારકાના સદાવ્રતમાં પણ દૂધપાક પુરીનું જમણ રાખેલું અને સારો એવો પ્રચાર કરેલો જેથી વધુને વધુ સાધુ સંતો લાભ લે. પોતાના આશ્રમમાં પણ વડીલોને પ્રેમથી શ્રાદ્ધના દિવસે જમાડ્યા. ગાયોને ઘાસચારો નાખ્યો અને ગૌશાળામાં પણ સારું એવું દાન આપ્યું.

આ બધું કરવાથી એને પોતાને પણ ખૂબ જ પ્રસન્નતા મળી. જાણે-અજાણે એ પોતાનું જ શ્રાદ્ધ કરી રહ્યો હતો !!

નવરાત્રી આવી ગઈ. કેતને ૯ દિવસ ઉપવાસ રાખીને ૨૪૦૦૦ ગાયત્રી મંત્રનું અનુષ્ઠાન કર્યું. નોમના દિવસે શાસ્ત્રીજી ને બોલાવીને દશાંશ હોમ પણ ઘરમાં કર્યો.

આ વખતે જામનગરની પહેલી દિવાળી કેતનના પરિવારે ખૂબ ધામધૂમથી ઉજવી. કેતને ડોક્ટરો સિવાય પોતાની હોસ્પિટલના તમામ સ્ટાફને અને ઓફિસ સ્ટાફને એક પગાર બોનસ તરીકે આપ્યો.

બેસતા વર્ષના દિવસે કેતન વહેલી સવારે ચાર વાગ્યે ઊઠીને ધ્યાનમાં બેસી ગયો. સાચા હૃદયથી આજે નવા વર્ષની પરોઢે સ્વામીજીના આશીર્વાદ માગ્યા. આજે દર્શન દેવાની એણે દિલથી વારંવાર વિનંતી કરી એટલે નવા વર્ષે આશીર્વાદ આપવા માટે સ્વામીજી એના અંતરચક્ષુ સમક્ષ પ્રગટ થયા.

" અમાવાસ્યાના દિવસે શ્રાદ્ધ અને પિંડદાન કરવાનો તારો નિર્ણય એકદમ યોગ્ય છે. સમય પાકી ગયો છે. એ દિવસ તારા માટે ખૂબ જ મહત્વનો છે. ઈશ્વરની કૃપા થશે તો શ્રાદ્ધ અને પિંડદાન કર્યા પછી ગુરુજીનાં તને એ દિવસે દર્શન પણ થશે. " સ્વામીજીએ હસીને કહ્યું.

ચેતન સ્વામીની આ વાત સાંભળીને કેતન રોમાંચિત થઈ ગયો. ગુરુજીનાં દર્શન એના માટે એક અદ્ભૂત અવસર હતો !! સ્વામીજીએ એને આશીર્વાદ આપ્યા અને અદ્રશ્ય થઈ ગયા.

એ પછી કેતન ધ્યાનમાંથી બહાર આવ્યો. આજે નવું વર્ષ હોવાથી ઘરમાં બધાં જ જાગી ગયાં હતાં. કેતન મમ્મી પપ્પાને ચરણસ્પર્શ કરીને પગે લાગ્યો. મોટાભાઈ અને ભાભીને પણ નીચા નમીને પગે લાગ્યો. શિવાની અને જાનકી કેતનને પગે લાગ્યાં. રેવતીએ નાનકડી મોક્ષાને પણ તેડીને બધાંને પગે લગાડી. બધાંએ એને વહાલ કર્યું અને આશીર્વાદ આપ્યા.

સવાર સવારમાં અસલમનો ફોન પણ આવી ગયો અને એણે એક પછી એક તમામ સભ્યોને સાલ મુબારક કહ્યા.

ચા-પાણી પીને જગદીશભાઈ પોતાના પરિવાર સાથે સ્વામિનારાયણ મંદિરમાં દર્શન કરી આવ્યા. પોતાના તરફથી યથાશક્તિ ભેટ પણ લખાવી. કેતન જ્યાં પણ જાય ત્યાં લોકો એનું રિસ્પેક્ટ કરતા. કારણકે એ હવે જામનગરમાં ખૂબ જ જાણીતો બની ગયો હતો.

બેસતા વર્ષના દિવસે કેતને સવારે ૧૧ વાગે પોતાની હોસ્પિટલમાં તમામ સ્ટાફ માટે ગેટ ટુ ગેધર પાર્ટી રાખી. તમામ ડોક્ટર્સ અને સ્ટાફનો દિલથી આભાર માન્યો. છેલ્લે બધાંને આઈસ્ક્રીમ પાર્ટી આપી. પોતાની ઓફિસના સ્ટાફને પણ હોસ્પિટલમાં બોલાવી લીધેલો.

ભાઈબીજના દિવસે કેતને શિવાનીને એક સુંદર સ્માર્ટફોન ભેટ આપ્યો. શિવાની માટે આ એક મોટું સરપ્રાઇઝ હતું. એ ખૂબ જ ખુશ થઈ ગઈ.

દિવાળી વેકેશનના કારણે કન્યા છાત્રાલય આખું ખાલી થઈ ગયેલું. કેતને આખા છાત્રાલયમાં સાફસૂફી કરાવી. બિલ્ડીંગ નવું જ બનેલું હતું એટલે રિપેર કરવા જેવું કંઈ હતું નહીં છતાં સમગ્ર બિલ્ડીંગનું પ્લમ્બિંગ એણે ચેક કરાવ્યું. જ્યાં જરૂર હતી ત્યાં નળ પણ બદલાવી દીધા જેથી પાણીનો ખોટો બગાડ ન થાય.

લાભ પાંચમના દિવસે કેતનનો આખો પરિવાર દ્વારકાધીશનાં દર્શન કરવા દ્વારકા ગયો. દિવાળીના તહેવારોના કારણે દ્વારકામાં ખૂબ જ ભીડ હતી. જન્માષ્ટમીની જેમ આજે પણ આખા દેશમાંથી યાત્રાળુઓ આવેલા એટલે આખા દ્વારકામાં લક્ઝરી બસોની પણ ભીડ હતી.

દર વખતની જેમ ધનેશભાઈએ મંદિરમાં દ્વારકાધીશનાં સારી રીતે દર્શન કરાવી દીધાં. એ પછી આખું બજાર ફરીને કેતન નો પરિવાર આ વખતે જમવા માટે સિધ્ધનાથ મહાદેવ રોડ ઉપર આવેલા પોતાના જ સદાવ્રતમાં ગયો. સદાવ્રતનો કોઈપણ સ્ટાફ કેતનને વ્યક્તિગત રીતે ઓળખતો ન હતો એટલે પોતાના જ સદાવ્રતમાં આ લોકો યાત્રાળુઓને કેવી રીતે જમાડે છે એ જોવાની કેતનની ઈચ્છા હતી.

આજે લાભ પાંચમના દિવસે દ્વારકામાં વધારે પડતી ભીડ હોવાથી સદાવ્રતમાં પણ લાઈન લાગી હતી. કેતનનો પરિવાર પણ કેતનના આગ્રહથી લાઈનમાં ઊભો રહ્યો. જમી રહેલા લોકો ઊભા થઇને બહાર આવ્યા એ પછી એમનો નંબર લાગ્યો.

કેતનના આશ્ચર્ય વચ્ચે આજે જમવામાં મોહનથાળ, બટેટાનું રસાવાળું શાક, કઢી અને ખીચડી હતાં. સ્ટાફ ખૂબ જ પ્રેમથી આગ્રહ કરી-કરીને યાત્રાળુઓને જમાડતો હતો. જમ્યા પછી બધાને છાશ નો ગ્લાસ આપવામાં આવ્યો. ખરેખર જમવાની મજા આવી.

મોહનથાળનું કેતનને આશ્ચર્ય થયું હતું એટલે એણે સ્ટાફના એક ઉંમરલાયક વ્યક્તિને પૂછવાનું નક્કી કર્યું.

" ભાઈ આ સદાવ્રતમાં રોજ મોહનથાળ પીરસાય છે ? " કેતન બોલ્યો.

" ના સાહેબ. દ્વારકાના જ કોઈ ભાવિક ભક્ત અથવા તો કોઈ યાત્રાળુ શેઠ પોતાના તરફથી સદાવ્રતમાં મીઠાઈ બનાવવાના પૈસા ભેટ આપે તો અમે બનાવીએ છીએ. ગઈકાલે દ્વારકાના જ જાણીતા શેઠ નરસિંહભાઈ કાનાણીએ લાભપાંચમના દિવસે સાધુ સંતો અને યાત્રાળુઓને મોહનથાળ જમાડવા માટે પૈસા ભેટ આપ્યા હતા. " પેલા ભાઈએ ખુલાસો કર્યો.

એનો મતલબ એ કે પોતાના આ સદાવ્રતમાં બીજા લોકો પણ અવાર નવાર દાન આપતા હોય છે. ચાલો સારી વાત છે.

એ પછી કેતન લોકો બંને ગાડીઓ લઈને જામનગર જવા માટે નીકળી ગયા.

દિવાળીના દિવસો પૂરા થઈ ગયા. બજાર પણ ખુલી ગયું. જીવનનો વ્યવહાર રાબેતા મુજબ ચાલવા માંડ્યો. થોડા દિવસ પછી વેકેશન પણ પૂરું થયું અને સ્કૂલો કોલેજો ચાલુ થઈ ગઈ. ગર્લ્સ હોસ્ટેલ પણ ફરી પાછી છોકરીઓથી ભરાઈ ગઈ.

કારતક મહિનાની અમાસ હવે નજીક આવી રહી હતી એટલે એક રાત્રે કેતને પિંડદાન માટે ભારતમાં કઈ કઈ જગ્યાઓ છે એના માટે ગૂગલમાં સર્ચ કર્યું. સોમનાથ પાસે પ્રભાસ પાટણ, નાસિક ત્રંબક, વારાણસી, હરિદ્વાર, અયોધ્યા, મથુરા, પ્રયાગરાજ, ઉજ્જૈન, પુષ્કર, જગન્નાથપુરી, ગયાજી વગેરે સ્થળો શ્રાદ્ધકર્મ અને પિંડદાન માટે શ્રેષ્ઠ હતાં.

જો કે કેતનને પોતાને ગંગા નદીનો કિનારો સૌથી વધુ પસંદ હતો. એટલે હરિદ્વાર, પ્રયાગરાજ અને વારાણસી એની પ્રથમ પસંદગી હતી. બહુ વિચારીને એણે વારાણસી એટલે કે કાશી ઉપર પોતાની પસંદગી ઢોળી. કાશીના બાબા વિશ્વનાથનાં ચરણોમાં જ આ શ્રાદ્ધ કર્મ કરવું એવો એણે નિર્ણય લીધો.

૨૨ નવેમ્બર ૨૦૧૪ ના રોજ કારતક મહિનાની અમાસ આવતી હતી. એણે ગૂગલમાં સર્ચ કર્યું તો અમદાવાદ થી સવારે ૭:૨૦ની ઈન્ડિગોની ફ્લાઈટ હતી જે દિલ્હી થઈને વારાણસી સાંજે લગભગ પાંચ વાગ્યે પહોંચતી હતી. એણે પોતાના ફેમિલીની ૨૧ નવેમ્બરની સાત ટિકિટો બુક કરાવી દીધી.

અમદાવાદ જવા માટે સૌરાષ્ટ્ર મેલ જામનગરથી બપોરે ૧:૩૦ વાગે ઉપડતો હતો એટલે એમાં પણ ૨૧ નવેમ્બરની સાત ટિકિટો ફર્સ્ટ ક્લાસમાં એણે બુક કરાવી લીધી. આ ટ્રેન રાત્રે ૮:૩૦ વાગ્યે અમદાવાદ પહોંચતી હતી. એટલે એણે અમદાવાદ એરપોર્ટની પાસે જ આવેલી હોટલ ઉમેદમાં બે ડીલક્ષ રૂમનું રિઝર્વેશન કરાવી દીધું.

વારાણસી જવાના આગલા દિવસે ૨૧ તારીખે કેતને પોતાની હોસ્પિટલનું એક ચક્કર માર્યું. દરેક વોર્ડમાં જઈને તમામ દર્દીઓની ખબર અંતર પૂછી. એ પછી નીચે આવીને તમામ ડોક્ટરોને પણ મળ્યો.

" અરે તારે અહીં હોસ્પિટલમાં આવવાનું હતું તો મારી સાથે જ આવવું હતું ને ! " કેતનને હોસ્પિટલમાં જોઈને સિદ્ધાર્થ બોલ્યો.

" ના ભાઈ હું તો જસ્ટ ચક્કર મારવા નીકળ્યો છું. અહીંથી હવે હું ઓફિસે જઈશ. " કેતન બોલ્યો અને નીકળી ગયો.

ત્યાંથી એ પોતાની ઓફીસમાં ગયો. જયેશભાઈ સાથે કામ અંગેની થોડી ઘણી ચર્ચા કરી. એ પછી એ ઘરે ગયો.

બપોરે જમી કરીને સાંજે કેતને આશ્રમની મુલાકાત લીધી અને તમામ વડીલોના ખબર-અંતર પૂછ્યા.

છેવટે ૨૨ તારીખ પણ આવી ગઈ. આજે બપોરે ૧:૩૦ વાગે સૌરાષ્ટ્ર મેલ ઉપડતો હતો. મોડામાં મોડા એક વાગ્યે તો સ્ટેશન ઉપર પહોંચી જવું જરૂરી હતું

આખો પરિવાર જઈ રહ્યો હતો એટલે દક્ષાબેન પાસે જયાબેને થોડાં થેપલાં પુરીઓ અને સુખડીનો નાસ્તો પણ બનાવરાવ્યો હતો. અને દક્ષાબેનને પણ સૂચના આપી હતી કે - 'અમે આવીશું ત્યારે એડવાન્સમાં તમને ફોન કરી દઈશું એટલે તમે આવી જજો.' એક ચાવી પણ દક્ષાબેનને આપી રાખી હતી.

બાર વાગ્યે બધાં જમવા બેસી ગયાં. આજે દક્ષાબેને દાળ ભાત રોટલી અને મોગરી રીંગણનું શાક બનાવ્યું હતું.

તમામ કામ આટોપીને કેતનનો પરિવાર બંને ગાડીઓમાં સ્ટેશન જવા માટે નીકળી ગયો. આજે સ્ટેશન સુધી મુકવા માટે મનસુખ માલવિયાની સાથે જયેશ ઝવેરી પણ આવ્યો હતો.

સૌરાષ્ટ્ર મેલ ઓખાથી આવી રહ્યો હતો. ૧:૨૫ વાગે ટ્રેઈન પ્લેટફોર્મ ઉપર આવી. બધાં ફર્સ્ટ ક્લાસના કોચમાં ચડી ગયાં અને પોતપોતાની સીટ ઉપર ગોઠવાઈ ગયાં. મનસુખે બધાનો સામાન ઉપર ચડાવી દીધો.

કેતન દરવાજા પાસે જ ઊભો હતો. જયેશ ઝવેરી અને મનસુખ માલવિયા પણ કોચની પાસે જ પ્લેટફોર્મ ઉપર ઊભા હતા. ટ્રેઈને વ્હિસલ વગાડી અને ધીમે ધીમે ગતિ પકડી.

જયેશ ઝવેરી અને મનસુખ માલવિયાએ હાથ હલાવીને કેતનને વિદાય આપી. કેતને પણ સામે એટલા જ પ્રેમથી બન્નેની સામે પોતાના હાથ હલાવ્યા. ગાડી ધીમે ધીમે પ્લેટફોર્મ છોડીને આગળ વધી રહી હતી. કેતન નજર ભરીને જામનગરને જોઈ રહ્યો હતો. આ શહેરે એની જિંદગી બદલી નાખી હતી !!

એ વખતે કેતનને ખબર નહોતી કે આ યાત્રા એના માટે આખરી યાત્રા હતી !! નિયતિ કંઇક બીજો જ પ્લાન ગોઠવી રહી હતી !!!
ક્રમશઃ
અશ્વિન રાવલ (અમદાવાદ)