પ્રાયશ્ચિત - 94 Ashwin Rawal દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ખજાનો - 39

    ( આપણે જોયું કે અંધારી કોટડીમાં કોઈ મૂર્છિત માણસ મળી આવ્યો....

  • હમસફર - 27

    રુચી : કેમ ? કેમ મારી સાથે જ આવું થાય હંમેશા જ્યારે પણ બધુ ઠ...

  • ફરે તે ફરફરે - 21

    ફરે તે ફરફરે - ૨૧   "તારક મહેતામા માસ્તર અવારનવાર બોલે...

  • નાયિકાદેવી - ભાગ 28

    ૨૮ અજમેરના પંથે થોડી વાર પછી ગંગ ડાભીનો કાફલો ઊપડ્યો. ગંગ ડા...

  • કવિતાના પ્રકારો

    કવિતાના ઘણા પ્રકારો છે, જે મેટ્રિક્સ, શૈલી, અને વિષયવસ્તુના...

શ્રેણી
શેયર કરો

પ્રાયશ્ચિત - 94

પ્રાયશ્ચિત પ્રકરણ 94

બરાબર સાડા ત્રણ વાગ્યે મનસુખ કેતન શેઠે આપેલા એડ્રેસ ઉપર પહોંચી ગયો. કોમ્પ્લેક્ષના પાર્કિંગમાં ગાડીને પાર્ક કરીને એ લિફ્ટમાં ઉપર ગયો અને અસલમની ઓફિસ શોધી કાઢી.

" અરે આવી ગયા તમે ? ચાલો હવે અમે નીકળીએ. " મનસુખ માલવિયાને જોઈને કેતન બોલ્યો અને તરત ઊભો થઈ ગયો.

" અસલમ આ મનસુખભાઈ માલવિયા મારા માટે બહુ લકી છે. જામનગરમાં પગ મૂક્યો ત્યારે સૌથી પહેલી મુલાકાત એમની સાથે થયેલી. મને લેવા માટે એ સ્ટેશન ઉપર આવેલા. અને એ પછી પહેલા જ દિવસથી એ મારી સાથે છે. મારું જામનગરમાં આટલું ડેવલપમેન્ટ થઈ ગયું એનો થોડો યશ મનસુખભાઈને પણ મારે આપવો પડે. " કેતન બોલ્યો.

"અરે.. શેઠ મારી મશ્કરી કાં કરો ? હું તો બહુ જ નાનો માણસ છું. અને આજે જે પણ કંઈ છું એ તમારા કારણે જ છું. તમારા જેવી વ્યક્તિ મારી આખી લાઈફમાં મેં જોઈ નથી તમે નાનામાં નાના માણસનો વિચાર કર્યો છે એટલે જ ઈશ્વર તમને આટલી મદદ કરી રહ્યો છે શેઠ. " મનસુખ બોલ્યો.

" મનસુખભાઈની વાત સાચી છે કેતન. તારી સફળતા માટે તારો પુરુષાર્થ, તારી સેવા ભાવના અને તારી ઉદારતા પણ એટલી જ જવાબદાર છે. " અસલમ બોલ્યો.

એ પછી બંને જણાએ અસલમની વિદાય લીધી અને નીચે આવીને મનસુખે ગાડી પાર્કિંગમાંથી બહાર કાઢી. કેતન બેસી ગયો એટલે મનસુખે ગાડી જામનગર તરફ લીધી.

" કેમ ચાલે છે હોસ્પિટલમાં બધું ? મોટાભાઈ સાથે ફાવે છે ને ? " કેતને સહજ પૂછ્યું. મનસુખ હવે સિદ્ધાર્થની ગાડી ચલાવતો હતો.

" મોટા શેઠ પણ તમારા જેવા જ ઉદાર છે. બધાને સાચવે છે. બધાનું રિસ્પેક્ટ કરે છે. ઓફિસ પણ સરસ રીતે ચાલી રહી છે. બે દિવસ પહેલાં ઓફિસ પણ ગયા હતા. જયેશ શેઠ સાથે કલાક બેઠા હતા. " મનસુખ બોલ્યો. એ હવે સિદ્ધાર્થ માટે મોટા શેઠ અને કેતન માટે નાના શેઠ શબ્દ વાપરતો.

" ચાલો સારી વાત છે. " કહીને કેતન મૌન થઈ ગયો. એ પછી એ પોતાના પ્રવાસના વિચારોમાં ખોવાઈ ગયો.

સ્વામીજીનો આદેશ મળ્યા પછી પોતે અકિંચન સાધુની જેમ મથુરા ગોકુળ વૃંદાવન અને જગન્નાથ પુરીની યાત્રાએ નીકળી પડ્યો ત્યારે ઘણા ટેન્શનમાં હતો. રસ્તામાં ખાવા-પીવા કે રહેવા માટે એક પણ પૈસો વાપરવાનો ન હતો. પરંતુ સ્વામીજીએ મારું સતત ધ્યાન રાખ્યું અને મને કોઈ તકલીફ પડવા દીધી નહીં. મારી સંપૂર્ણ જવાબદારી ગુરુજીએ લઈ લીધી.

એક પછી એક ઘટનાચક્રો એ વિચારતો ગયો. રાજકોટથી શશીકાંત મહેતા અને ભાવના માસીનું પોતાના જ કમ્પાર્ટમેન્ટમાં બેસવું.... પ્રેમથી થેપલાં અને દહીં મને બે ટાઈમ જમાડવાં..... પોતાના દ્વારા પાંચ લાખનું એક નેક કામ થવું અને કોઈના દુઃખને દૂર કરવું..... આ બધું યોગાનુયોગ ના હોય ! આ બધાની પાછળ ગુરુજી ની ઈચ્છા જ કામ કરી રહી હોય !!

શશીકાંતભાઈએ મથુરા ગોકુળ અને વૃંદાવનના પ્રવાસની મારી સંપૂર્ણ જવાબદારી લઈ લીધી. રહેવાથી માંડી ખાવા-પીવાની પણ જવાબદારી એમણે સંભાળી લીધી..... એ પછી પુરીની યાત્રામાં સરદારજીએ મારું જમવાનું ધ્યાન રાખ્યું..... સ્વામિનારાયણ મુખ્ય મંદિરનો ઈશારો પણ કર્યો....એ પછી એ જ મંદિરના બે સાધુઓનું મારા કમ્પાર્ટમેન્ટમાં જ બેસવું. આ બધું કોઈ યોગાનુયોગ ના હોય !!

એ બે સાધુઓની સાથે જ મીની બસમાં સ્વામિનારાયણ ગેસ્ટ હાઉસ પહોંચી જવું અને એ સાધુઓની જ ભલામણથી ફ્રી રહેવા જમવાની વ્યવસ્થા થઈ જવી. એ પણ સ્વામીજીની કૃપાથી જ શક્ય બને.

અને સૌથી મોટો ચમત્કાર તો ગેસ્ટ હાઉસમાં બન્યો. સૂક્ષ્મ જગતના કોઇ દિવ્ય સંત પોતે કિરણભાઈ વાડેકર બનીને મારી સાથે રૂમમાં જોડાયા અને બે દિવસ સુધી મને સાથ આપ્યો. મારી કુંડલિની અને ચક્રોની પ્રગતિ બતાવી. મારી ઓરા ચેક કરી. મને દિવ્ય માળા ભેટ આપી !!

આવું બધું મારા જીવનમાં કેમ બની રહ્યું છે ? હું ચોક્કસ અધ્યાત્મ માર્ગનો જ જીવ છું અને યોગભ્રષ્ટ આત્મા છું. મને ચેતન સ્વામી અવારનવાર ધ્યાનમાં દેખાતા હોય છે. હવે મારે હવે સંસારની બધી પ્રવૃત્તિઓમાંથી ઉપરામ થઈ જવું જોઈએ. ઈશ્વરે મને જે કર્મ સોંપ્યું છે તે સેવા ધર્મ હું ચોક્કસ નિભાવીશ પરંતુ સાથે સાથે મારા આત્માની ઉન્નતિ વિશે મારે વિચારવું જોઈએ.

વિચારમાંને વિચારમાં ક્યારે આંખ મળી ગઈ એ ખબર જ ના પડી. જામનગરમાં પ્રવેશ થયો ત્યારે આંખ ખુલી. મનસુખે ગાડી સીધી ઘરે જ લીધી. ઘર આવી ગયું એટલે કેતન નીચે ઉતર્યો અને મનસુખને રજા આપી.

" આજે હવે હું ઘરે આરામ કરીશ. તમે મોટાભાઈની ગાડી લઈને આવ્યા છો તો તમે હવે સીધા હોસ્પિટલ જાઓ." કેતન બોલ્યો.

કેતને ઘરમાં પ્રવેશ કર્યો એટલે મમ્મી પપ્પા જાનકી શિવાની બધાં એને ઘેરી વળ્યાં. આઠ-દસ દિવસ નો વિયોગ પણ કંઈ નાનો ના કહેવાય !!

" ભાઈ તમે તો ફોન પણ નહોતા કરતા. બિઝનેસ ટૂર આવી હોય ? ઘરનાં બધાંને ભૂલી જાઓ છો !! ચાર-પાંચ દિવસથી તમારો ફોન જ બંધ આવતો હતો. મમ્મી-પપ્પા કેટલી ચિંતા કરતા હતા ? " શિવાનીએ મીઠી ફરિયાદ કરી.

" અરે ગાંડી હું કાંઈ નાનો કીકલો નથી. હવે મારી ચિંતા કરવાની થોડી હોય ? અને ધંધામાં મીટીંગો ચાલતી હોય એટલે ફોન બંધ રાખેલો. અસલમે મને મેસેજ આપ્યો કે તરત ફોન ચાલુ કરી દીધો. " કેતન બોલ્યો.

" હવે એને ફરિયાદ કરવાનું રહેવા દે. એ હમણાં જ આવ્યો છે. એને તમે લોકો શાંતિથી બેસવા દો. મુસાફરીનો થાક પણ લાગ્યો હોય. થોડો આરામ કરવા દો. " જયાબેન બોલ્યાં

" કેવી રહી તારી ફાર્મસીઓ સાથેની મીટીંગો ? " જગદીશભાઈ બોલ્યા.

" હવે તમે પાછા ચાલુ થઈ ગયા. પછી બધું પૂછજો ને ? " જયાબેને મીઠો છણકો કર્યો.

" સરસ રહી પપ્પા. અસલમના ધંધાનો વિકાસ ચોક્કસ થશે. એક બે પાર્ટીઓ સાથે પણ વાતચીત થઈ છે. " કેતને ગોળ ગોળ જવાબ આપ્યો.

યાત્રા વિશે કોઇ પણ ચર્ચા તેણે કરી ન હતી. યાત્રા આમ તો પોતાની અંતરયાત્રા જ હતી !!

" તમે જમીને જ આવ્યા છો ને ?" જાનકી બોલી.

" અત્યાર સુધી જમવાનું બાકી હોય ? રાજકોટ આવીને અમે ગ્રાન્ડ ઠાકરમાં સૌથી પહેલાં જમી લીધું. હવે અત્યારે તો ઘરે જ આરામ કરું છું. મુસાફરીનો થાક પણ લાગેલો જ છે." કેતન બોલ્યો.

" તમને ચા બનાવી દઉં અત્યારે ?" જાનકીએ પૂછ્યું.

" હા ચા તો પી જ લઉં છું. બેડરૂમ માં લઇ ને આવ. " કેતન બોલ્યો અને સોફા ઉપરથી ઊભો થઈને પોતાના બેડરૂમમાં ગયો. જાનકી રસોડામાં ચા બનાવવા ગઈ.

" યાત્રા થઈ ગઈ સરસ રીતે તમારી ?" કેતનના હાથમાં ચાનો કપ આપતાં જાનકીએ પૂછ્યું.

" હા જાનકી. બહુ જ મજા આવી અને દિવ્ય અનુભવો પણ થયા. બધાં સ્થળો એકદમ જીવંત છે. ભગવાન શ્રીકૃષ્ણની આધ્યાત્મિક ચેતના આજે પણ ત્યાં જાગૃત છે. " કેતન અહોભાવથી બોલ્યો.

" ચાલો હવે થોડો આરામ કરી લો. હું વધારે ડિસ્ટર્બ નહીં કરું." કહીને જાનકી બેડરૂમની બહાર નીકળી ગઈ.

રાત્રે આઠ વાગ્યે બધાં જમવા માટે ડાઇનિંગ ટેબલ ઉપર ગોઠવાઈ ગયાં ત્યારે સિદ્ધાર્થે કેતનને પ્રશ્ન પૂછ્યો.

" કેતન મારે તારી જોડે થોડી ચર્ચા કરવાની ઈચ્છા છે. તું જો મૂડમાં હો તો અત્યારે વાત કરું અને નહીં તો પછી ફરી ક્યારેક. " સિદ્ધાર્થ બોલ્યો.

" ના..ના... ભાઈ અત્યારે જ કરો ને ? મને કોઈ જ પ્રોબ્લેમ નથી. અને હું અત્યારે એકદમ ફ્રેશ છું. " કેતન બોલ્યો.

" હું બે દિવસ પહેલાં તારી ઓફિસે કલાક બેઠો હતો. મારે તારી સાથે આપણા સ્ટાફના પગારની બાબતમાં થોડી ચર્ચા કરવી હતી. તારા સ્ટાફને તું ૫૦ હજાર પગાર આપે છે. નર્સોનો પગાર તો બરાબર છે પણ ડોક્ટરોને લાખ.લાખ પગાર આપે છે. આ બધો પગાર તને વધારે નથી લાગતો ?" સિદ્ધાર્થ બોલ્યો.

" જુઓ ભાઈ ડોક્ટરો જ આપણી આટલી મોટી હોસ્પિટલની પ્રતિષ્ઠા છે. આપણે ત્યાં બધા પ્રતિષ્ઠિત અને હોશિયાર ડોક્ટરો છે. સારામાં સારા ડોક્ટરોનું સિલેક્શન અમે કર્યું છે. આજે આ ડોક્ટરો પ્રાઇવેટ ક્લિનિક કરીને બે ત્રણ લાખ પણ કમાઈ શકે છે. છતાં આપણે દિલથી પગાર આપીએ છીએ, માન સન્માન આપીએ છીએ એટલે એ આપણી હોસ્પિટલને સમર્પિત છે. આવા સિનિયર ડોક્ટરો આ પગારમાં આપણને મળે પણ નહીં. "

" બીજું આપણી ઓફીસ સ્ટાફની વાત કરું તો આ છોકરાઓ જે કામ કરી રહ્યા છે ભાઈ એ એટલી જવાબદારીથી કરી રહ્યા છે કે મારે કે તમારે ગર્લ્સ હોસ્ટેલ સામે જોવું પણ નથી પડતું. બે ટાઈમ રસોડુ ચાલે છે. રસોઈના માલસામાનની બધી વ્યવસ્થા એ લોકો કરે છે. ૯૨ વિદ્યાર્થીનીઓ ત્યાં રહે છે. દરેકના પલંગની ચાદર અને ઓશિકાના કવર દર ત્રણ દિવસે ધોવાય છે. આ મેનેજમેન્ટ પણ આપણો સ્ટાફ કરે છે. " કેતન બોલ્યો.

" વૃદ્ધાશ્રમ પણ સરસ રીતે ચાલી રહ્યો છે. ત્યાં પણ બે ટાઈમ જમવાની વ્યવસ્થા, આશ્રમની અવારનવાર સાફ-સફાઈ, લાઇબ્રેરીના પુસ્તકોનું સંચાલન વગેરે એવી બાબતો છે કે જેનું આપણને ધ્યાન જ નથી. દ્વારકાનું સદાવ્રત પણ સરસ ચાલે છે. ત્યાં પણ રસોઈ માટે માલ સામાન પહોંચાડવાનો હોય છે. "

" આ બધો ભાર પોતાના ખભા પર ઉપાડીને એ લોકો દોડી રહ્યા છે ભાઈ. ફરિયાદનો એક પણ મોકો આપણને આપતા નથી. અને આ તો આપણો પરિવાર જ છે. ઈશ્વરે આપણને આટલું બધું આપ્યું છે તો આપણા જ માણસોને વહેચીશું તો એ સંપૂર્ણ વફાદારીથી દોડીને કામ કરશે." કેતન બોલતો હતો.

" હોસ્પિટલનું ઉદઘાટન તમે જોયેલું. આપણે માત્ર હાજરી આપેલી. ત્યાં શરણાઈવાળાથી લાઇટિંગનાં તોરણો સુધીની બધી જ વ્યવસ્થા જયેશભાઈ અને આપણા સ્ટાફે જ કરેલી. આખા જામનગરમાં વાહ વાહ થઈ ગઈ. "

"આપણે ટિફિન સર્વિસ ચલાવી. થેપલાં ખરીદવાં, એને સુકી ભાજી અને દહીં સાથે પેક કરવાં, હોસ્પિટલનાં ગરીબ દર્દીઓનાં સગાંને વાનમાં લઈ જઈને પહોંચાડવા. કેટલું બધું મેનેજમેન્ટ કરવું પડેલું ? એની પાછળ મારે કંઈ જોવું જ નહોતું પડતું. આપણે એમની કદર કરીશું તો એ આપણને માથા ઉપર બેસાડશે. માફ કરજો ભાઈ આ મારી વિચારધારા છે.

" અને હું તો એટલું જ માનું છું કે આ ધન દોલત બધું અહીંને અહીં મૂકીને ક્યારે આપણે ઉપર પહોંચી જઈશું કોઈને ખબર નથી !! એટલે પોતાના સગા હાથે જેટલું પુણ્ય દાન થઈ શકે તે કરતા રહેવું જોઈએ. ધન સારા માર્ગે વાપરવાથી ક્યારેય પણ ખૂટતું નથી ભાઈ. ખોટા માર્ગે સટ્ટા કરવાથી લોકો પાયમાલ થતા હોય છે. " કેતન વાત કરતાં કરતાં ગંભીર થઈ ગયો.

" કેતનની વાત સાચી છે સિદ્ધાર્થ. એણે જે પગાર ધોરણ નક્કી કર્યું છે એ બરાબર જ છે. ટ્રસ્ટના પૈસા સારા માર્ગે જ વપરાય છે. મલ્ટિનેશનલ કંપનીઓમાં પણ પગારધોરણ તો આવાં જ હોય છે." જગદીશભાઈ બોલ્યા.

" કેતનની વાત સાવ સાચી છે પપ્પા. આજે એણે જે વાત કરી મારા દિલને સ્પર્શી ગઈ. આટલું બધું તો મેં વિચાર્યું જ નહોતું. સોરી મારે આવું કહેવું જોઈતું ન હતું. ! " સિદ્ધાર્થે પોતાની ભૂલ કબૂલ કરી.

" તમે મારા મોટાભાઈ છો અને આપણા ટ્રસ્ટના ટ્રસ્ટી પણ છો. તમારો પૂછવાનો પૂરો અધિકાર છે ભાઈ. મને કંઈ ખોટું નથી લાગ્યું. પરંતુ મારી વિચારધારા કંઇક અલગ છે. હું વહેંચીને ખાવામાં માનું છું. અને મારી આખી જિંદગી સેવાને વરેલી છે. " કેતન બોલ્યો.

એ પછી બધાંએ જમવામાં મન પરોવ્યું અને બીજી કોઈ ચર્ચા થઈ નહીં. આ ચર્ચા સાંભળી રહેલી જાનકીને પોતાના પતિના વિચારો માટે માન ઉત્પન્ન થયું કે કેતન કેટલું બધું ઊંડાણથી વિચારે છે.

થાકના કારણે એ રાત્રે કેતન ઘસઘસાટ ઊંઘી ગયો અને વહેલી સવારે પાંચ વાગ્યે ઊઠી ગયો. ફ્રેશ થઈને એ ધ્યાનમાં બેસી ગયો અને ચેતન સ્વામીનો દિલથી ખૂબ જ આભાર માન્યો.

અડધો કલાક ધ્યાન કરીને તે ઊભો થઈ ગયો અને પૂજા ખંડમાં જઈને પોતાને પુરીમાં મળેલી તુલસીની માળા હાથમાં લીધી.

આ માળા એવી દિવ્ય હતી કે એ હાથમાં પકડતાં જ કોઈ અદભુત ઉર્જા નો કેતન ના શરીરમાં સંચાર થતો. ગાયત્રી મંત્ર આપોઆપ થવા લાગતો અને દિવ્ય પ્રકાશનો પણ એને અનુભવ થતો. એ ગાયત્રી મંત્રમાં ખોવાઈ જતો. આજે તો એણે પાંચના બદલે અગિયાર માળા કરી દીધી તો પણ ઉભા થવાનું મન થતું ન હતું.

માળા નાનકડા મંદિરના ડ્રોવર માં મૂકી દીધા પછી પણ ક્યાંય સુધી ગાયત્રી મંત્ર કેતનના અંતર મનમાં ગુંજતો રહ્યો. એક દિવ્ય નશાનો એ અનુભવ કરી રહ્યો હતો !!
ક્રમશઃ
અશ્વિન રાવલ (અમદાવાદ)